તુર્કીમાં 7.0નો ભૂકંપ, ઇઝમીર શહેરમાં અનેક ઇમારતો ધ્વસ્ત

તુર્કીના એજિયર સમુદ્ર તટ પાસે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેમાં અનેક ઇમારતો ધ્વસ્ત થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે.

યુએસ જિયૉલૉજિકલ સર્વે મુજબ પશ્ચિમી ઇઝમીર પ્રાંતથી 17 કિલોમિટર દૂર 7.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે અને તેની અસર તુર્કી, એથેન્સ અને ગ્રીસ સુધી છે.

ઇઝમીર તુર્કીનું ત્રીજા ક્રમનુ સૌથી મોટું શહેર છે.

ઇઝમીરના મેયર અનુસાર અત્યાર સુધી 20 ઇમારતો તબાહ થઈ હોવાની ખબર મળી છે.

તુર્કીએ કહ્યું છે કે ભૂકંપ 6.6નો હતો અને અત્યાર સુધી 6 લોકો મૃત્યુ પામ્યાં છે અને 202 લોકો ઘાયલ થયાં છે.

જોકે, સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયુલૂનું કહેવું છે ઇઝમીરના બે દરિયાકાંઠાના જિલ્લામાં છ ઇમારતો ધ્વસ્ત થઈ છે.

આ સાથે ગ્રીસના સામોસ ટાપુ ઉપર પણ ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. ત્યાંથી પણ તબાહીના સમાચારો આવી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્ર એજિયર સમુદ્રમાં કહેવામાં આવી રહ્યું છે. જાણકારો ભૂકંપને પગલે સુનામીની પણ દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લોકો ધ્વસ્ત થયેલી ઇમારતોમાં ફસાયેલા લોકોને શોધતા જોઈ શકાય છે, જોકે આ વીડિયોની પુષ્ટિ નથી થઈ શકી.

ઉલ્લેખનીય છે કે 1999માં ઇઝમીરમાં આવેલા એક ભૂકંપમાં 17 હજાર લોકો મૃત્યુ પામ્યા હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો