1 જુલાઈ : આજથી જીવન અને ખિસ્સા પર શું પરિવર્તન આવશે?

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે
  • 1 જુલાઈથી નવો શ્રમ કાયદો લાગુ થઈ શકે છે
  • નોકરિયાત વર્ગને સૌથી વધુ પડી શકે છે અસર
  • હાથમાં આવતો પગાર ઘટી શકે, પીએફ વધી શકે છે
  • કંપનીઓ અઠવાડિયામાં ચાર દિવસ પણ રોજના 12 કલાક કામ કરાવી શકે
  • ટૅક્સના માળખામાં પણ થઈ શકે છે ફેરફાર

'ખુશ હૈ ઝમાના આજ પહેલી તારીખ હૈ...' આ ગીત દર મહિને પહેલી તારીખે 'રેડિયો સીલોન' પર સાંભળવા મળતું હતું.

દર મહિનાની પહેલી તારીખ ખાસ હોય છે. ખાસ એટલા માટે હોય છે કારણ કે નવો મહિનો શરૂ થતો હોય છે, પગાર મળતો હોય છે, ખર્ચો કરવાની ઇચ્છા થતી હોય છે, નવી કેટલીક વસ્તુઓ આવે છે અને કેટલીક ઇચ્છાઓ પૂરી થતી હોય છે.

પણ આ વખતે 1 જુલાઈ એટલા માટે મહત્ત્વની છે કારણ કે ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે. જે કદાચ તમારા જીવન અને ખિસ્સા પર અસર કરશે. તેના વિશે આપને ખબર હોય અને આપ તેના માટે તૈયાર હશો તો સારું રહેશે.

જો નવો શ્રમ કાયદો લાગુ થયો તો સૌથી મોટો ફેરફાર નોકરિયાત લોકોના જીવનમાં આવી શકે છે. એ વાતની પ્રબળ શક્યતા છે કે 1 જુલાઈથી આ નવો કાયદો લાગુ થઈ શકે છે. પણ જો તેમ થાય તો સૌથી વધુ અસર નોકરિયાત લોકોને થઈ શકે છે.

નવો શ્રમ કાયદો

નવા લેબર લૉને લઈને અત્યાર સુધી ખાનગી ક્ષેત્ર તરફથી શંકાઓ અને ફરિયાદોનો સિલસિલો યથાવત છે અને કહેવામાં આવી રહ્યું છે કે દેશ અત્યારે તેની માટે તૈયાર નથી. શ્રમ કાયદો લાગુ કરવાનું કામ રાજ્ય સરકારોએ કરવાનું છે. અડધાંથી વધુ રાજ્યો તેને મંજૂર કરી ચૂક્યા છે.

જો આ કાયદો લાગુ થયો તો લોકોના હાથમાં આવતા પગારથી લઈને કામના કલાકો સુધીમાં મોટો ફેરફાર આવશે. ખાસ કરીને ખાનગી નોકરી કરનારા લોકોને.

નવા શ્રમ કાયદા થકી કંપનીઓને મંજૂરી મળી જશે કે તેઓ કામના કલાક વધારીને 12 કલાક સુધી કરી શકશે પરંતુ અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ કરવાની મંજૂરી નહીં હોય.

એટલે કે રોજ 12 કલાક કામ કરનારાઓને અઠવાડિયામાં ત્રણ દિવસ રજા મળશે.

માત્ર આટલું જ નહીં, ફૅક્ટરી ઍક્ટ અંતર્ગત અત્યાર સુધી કામદારો પાસેથી ત્રણ મહિનામાં 50 કલાકથી વધારે ઓવરટાઇમ ન કરાવવાની જોગવાઈ હતી. જોકે, નવા શ્રમ કાયદા અનુસાર તેને વધારીને 125 કલાક કરવાનો પ્રસ્તાવ છે.

સૌથી મોટો ફેરફાર વેતન મામલે થશે. નવા કાયદા અનુસાર કોઈ પણ કર્મચારીના કુલ વેતન અથવા તો ગ્રોસ સૅલેરીનો અડધો ભાગ બેઝિક સૅલેરી હોવી ફરજિયાત રહેશે. એનો અર્થ એ થાય છે કે પીએફ પણ વધારે કપાશે અને વધારે જમા થશે.

તેની અસર એ પણ થઈ શકે છે કે ખાનગી ઑફિસોમાં કામ કરનારા લોકોને ટૅક્સ, પીએફ કપાયા બાદ જે પૈસા મળતા હોય છે તે ઓછા મળશે પરંતુ તેમના પ્રોવિડન્ટ ફંડમાં વધુ રકમ જમા થશે. જે તેમને જ બાદમાં કામ લાગશે. આટલું જ નહીં, રિટાયર્ડ થયા બાદ મળનારી ગ્રૅજ્યુટીની રકમ પણ વધશે.

રજાઓના મામલે એ લોકો માટે સારા સમાચાર છે, જેમણે નવી-નવી નોકરી શરૂ કરી છે. અત્યાર સુધી 240 દિવસ કામ કર્યા બાદ જ 'અર્ન્ડ લીવ' મળતી હતી પરંતુ નવા શ્રમ કાયદા અનુસાર 180 દિવસ બાદ આ રજાઓ મળી શકશે.

રજાઓની ગણતરીમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાંની જેમ અત્યારે પણ દર 21 દિવસ કામ કર્યા બાદ એક દિવસની રજા જમા થશે.

ટૅક્સમાં ફેરફાર

શ્રમ કાયદા સિવાય કેટલાક મોટા ફેરફાર ટૅક્સમાં પણ જોવા મળશે. પાન અને આધારને લિંક કરાવવાની ફી 30 જૂન સુધી 500 રૂપિયા હતી. જે હવે 1 જુલાઈથી આ કામ કરાવવા માટે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

જો તમે અત્યાર સુધી પોતાના ડિમૅટ કે ટ્રેડિંગ ઍકાઉન્ટનું કેવાયસી ન કરાવ્યું હોય તો 1 જુલાઈથી તમે ટ્રેડિંગ અથવા તો નવું રોકાણ નહીં કરી શકો અને તમારા ખાતામાં જે શૅર છે, તે પણ વેચી નહીં શકો. આ નિયમ મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓ પર પણ લાગુ પડશે.

ક્રિપ્ટોકરન્સીથી થનારી આવક પર 30 ટકા ટૅક્સ લેવાની જાહેરાત તો બજેટમાં જ થઈ ગઈ હતી પરંતુ 1 જુલાઈથી સરકાર ક્રિપ્ટોકરન્સી અથવા તો વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સના દરેક ટ્રાન્ઝૅક્શન પર એક ટકા ટીડીએસ લાગુ કરશે.

તેમાં ફાયદો કે ગેરફાયદો નોંધમાં નહીં લેવાય. જે પણ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી ખરીદશે, તેણે ચૂકવવાની થતી રકમના એક ટકા રકમ સરકારને આપવી પડશે.

આવકવેરાના નિયમોમાં એક મોટો ફેરફાર ડૉક્ટરો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ માટે થશે. આ લોકોએ કંપનીઓની જેમ સેલ્સ પ્રમોશન તરીકે જો તેઓ વર્ષે 20 હજારથી વધુ પૈસા કમાતા હશે તો તેની પર 10 ટકા ટીડીએસ લાગશે.

વ્યાજ વધી રહ્યું છે એ સમયમાં સરકાર પીપીએફ અને નાની બચત યોજનાઓમાં વ્યાજદર વધારશે એવી આશા સેવાઈ રહી હતી પણ આ મામલે નિરાશ કરનારું નિવેદન આવી ચૂક્યું છે. સરકારે સતત નવમી વખત નાની બચત અને પીપીએફ વ્યાજદરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો