નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું કે ઉદયપુરની ઘટના માટે એ જવાબદાર

ભારતની સુપ્રીમ કોર્ટે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દેશને આગમાં ધકેલી દેવા બદલ એમણે દેશની માફી માગવી જોઈએ.

નૂપુર શર્માએ પોતાની સામે થયેલા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી તેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી છે. જસ્ટિસ સૂર્યકાંતે નૂપુર શર્માને ખૂબ ફટકાર લગાવી છે.

નૂપુર શર્માનાં નિવેદન પછી દેશમાં જે તણાવ ઊભો થયો અને તેમનાં નિવેદન સંબધિત મામલે રાજસ્થાનના ઉદયપુરમાં એક કનૈયાલાલ દરજીની ક્રૂર હત્યા થઈ તેને પણ સુપ્રીમ કોર્ટે સાંકળી છે.

સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમિયાન કહ્યું કે ઉદયપુરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે નૂપુર શર્માનું નિવેદન જ જવાબદાર છે.

સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની અરજી ફગાવી દીધી અને તેમને હાઈકોર્ટ જવાનું કહ્યું.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ટીવી ચેનલનો એજન્ડા ચલાવવા સિવાય આ મામલે ડિબેટનો શું મકસદ હતો. જે મેટર પોતે જ અદાલતમાં ચાલી રહી છે તેને મામલે આવું નિવેદન આપવાની શું જરૂર હતી.

ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની ટીવી ડિબેટમાં નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને લઈને આખા દેશમાં અને વિદેશમાં પણ વિરોધ થયો હતો. એ વિરોધ પછી ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધાં હતા.

સુપ્રીમ કોર્ટના નિવેદનના મુખ્ય અંશો

  • "તેમને ખતરો છે કે તેઓ સુરક્ષા માટે ખતરો બની ગયા છે? આ મહિલા એકલાં હાથે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે જવાબદાર છે".
  • "તેમણે કેવી રીતે ભડકાવ્યા તે અમે ડિબેટ જોઈ. પરંતુ જે રીતે તેમણે આ બધું કહ્યું અને પછી તેમણે કહ્યું કે તેઓ વકીલ છે. આ શરમજનક છે. તેમણે સમગ્ર દેશ પાસે માફી માગવી જોઈએ."
  • દિલ્હી પોલીસ અને ડિબેટ ચલાવતી ટીવી ચૅનલને ફટકારતા સુપ્રીમ કોર્ટની બૅન્ચે કહ્યું કે, "દિલ્હી પોલીસે શું કર્યું? અમારું મોઢું ન ખોલાવો, ટીવી ડિબેટ સેના વિશે હતી? માત્ર એક અજેન્ડા ચલાવવા માટે? તેમણે એ વિષય કેમ પસંદ કર્યો જે અત્યારે કોર્ટામાં છે?"
  • પોલીસની કાર્યવાહી સામે સવાલ કરતા કોર્ટે કહ્યું કે, "જ્યારે તમે અન્યો સામે એફઆઈઆર કરો છો અને પછી તરત ધરપકડ કરો છો પરંતુ જ્યારે તમારી સામે ફરિયાદ છે તો કોઈએ તમને અડવાની હિંમત ન કરી."
  • સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માના નિવેદન પર સવાલ કર્યો અને કહ્યું, "તમે એક પાર્ટીનાં પ્રવક્તા છો એનો અર્થ એ નથી કે તમને આવાં નિવેદનો આપવાનું લાઇસન્સ મળી જાય."

નૂપુર શર્માનાં વકીલ મનિંદરસિંહે કહ્યું કે, નૂપુર શર્માએ નિવેદન પાછું ખેંચી લીધું છે અને માફી પણ માગી છે.

આના પર સુપ્રીમ કોર્ટે નાખુશી જાહેર કરી અને કહ્યું કે, એમણે ટીવી પર જઈને આખા દેશની માફી માગવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું, માફી માગવામાં પણ એમણે ખૂબ મોડું કર્યું અને એ શરત સાથે નિવેદન પાછું ખેચ્યું. એમણે કહ્યું હતું કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાને મામલે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, એવું લાગે છે દેશના ન્યાયાધીશો એમની આગળ ખૂબ નાનાં છે.

સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની નિવેદનબાજી પર પણ સવાલ કર્યો અને કહ્યું, તમે એક પાર્ટીનાં પ્રવક્તા છો એનો અર્થ એ નથી કે તમને આવાં નિવેદનો આપવાનું લાઈસન્સ મળી જાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું, જે રીતે નૂપુર શર્માએ દેશમાં લાગણીઓને ઉશ્કેરી છે એવામાં દેશમાં જે થઈ રહ્યું છે એના માટે તે એકલાં જવાબદાર છે.

નૂપુર શર્માનાં વકીલે કહ્યું કે, નૂપુર ક્યાંય નહીં જાય અને તપાસને સહયોગ કરશે.

કોણ છે નૂપુર શર્મા?

1985માં 23 એપ્રિલના રોજ જન્મેલાં નૂપુર શર્મા વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે શાળાકીય અભ્યાસ દિલ્હીના મથુરા રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે.

જ્યારે દિલ્હીના હિંદુ કૉલેજમાંથી ઇકોનૉમિક ઑનર્સમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.

વર્ષ 2010માં તેમણે દિલ્હી યુનિવર્સિટીની લૉ-ફૅકલ્ટીમાંથી એલએલબીની પદવી મેળવી હતી. ત્યાર બાદ યુકેમાંથી એલએલએમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

તેઓ કૉલેજકાળથી રાજનીતિમાં સક્રિય રહ્યાં છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનાં પ્રેસિડન્ટ પણ રહ્યાં છે.

નૂપુર શર્માએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યાં છે.

તેઓ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાનો એક જાણીતો ચહેરો પણ છે.

ભાજપે વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે ટિકિટ આપી હતી. જોકે, કેજરીવાલે તેમને જંગી સરસાઈ હરાવ્યાં હતાં.

નૂપુર શર્મા દિલ્હી ભાજપમાં સ્ટેટ ઍક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય છે અને તેમને સસ્પેન્ડ કરાયાં તે પહેલાં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાં હતાં.

શું છે સમગ્ર મામલો?

નૂપુર શર્માએ 'ટાઇમ્સ નાઉ ચૅનલ'ની એક ડિબેટમાં ભાગ લીધો હતો.

આ ચર્ચા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને યોજવામાં આવી હતી. પોતાનો વારો આવતાં તેમણે એક એવી ટિપ્પણી કરી કે જેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો.

નૂપુર પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે પયગંબર મહમદ પર આપત્તિજનક ટિપ્પણી કરી.

જોકે, નૂપુરનો દાવો હતો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

તેમણે દાવો કર્યો હતો કે તેમના પરિવારને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

આ અંગે તેમણે ટ્વીટર દ્વારા દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદથી આ મામલો ઉગ્ર બન્યો હતો અને આરબ દેશો સુધી પહોંચ્યો હતો.

કતાર, કુવૈત જેવા દેશોએ ભારતીય રાજદૂતોને સમન્સ પાઠવવાની સાથેસાથે સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ભારતના બહિષ્કાર અને નૂપુર શર્માની ધરપકડને લઈને પોસ્ટ પણ કરી હતી. એ સિવાય આ દેશોએ નુપૂર શર્માની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી.

નૂપુર શર્મા સામે કેસ નોંધવામાં આવ્યા હતા, જોકે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.

ઉદયપુરમાં તેમના સમર્થનમાં એક દરજી કનૈયાલાલના ફોનથી પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ તે બદલ તેમની ધમકીઓ મળી હતી, મામલો પોલીસમાં ગયો પરંતુ પછી કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

હત્યાના આરોપીઓએ ઘટના બાદ વીડિયો પણ બનાવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો