You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળ એવરેસ્ટ બેઝ કૅમ્પ કેમ ખસેડી રહ્યું છે અને શું છે જોખમ?
- લેેખક, નવીનસિંહ ખડકા
- પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
નેપાળ તેના એવરેસ્ટ બેઝ કૅમ્પને ખસેડવાની તૈયારી કરી રહ્યું છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને માનવ પ્રવૃત્તિને કારણે વર્તમાન બેઝ કૅમ્પ સામે જોખમ ઊભું થયું છે.
નેપાળના ઝડપથી પિગળતા ખુમ્બુ ગ્લૅશિયર પર સ્થિત આ બેઝ કૅમ્પનો ઉપયોગ વસંતમાં 1,500 જેટલા પર્વતારોહક દ્વારા ઉપયોગમાં લેવાય છે.
એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, જ્યાં આખું વર્ષ બરફ ન હોય તેવી નીચી સપાટી પર એક નવી કૅમ્પ સાઇટ શોધવામાં આવી રહી છે.
સંશોધકો કહે છે કે ગ્લૅશિયર પર બરફ પીગળીને વહેતું પાણી ગ્લૅશિયરને અસ્થિર બનાવે છે અને પર્વતારોહકોના મત અનુસાર, તેઓ બેઝ કૅમ્પમાં ઊંઘે છે ત્યારે બેઝ કૅમ્પમાં ક્રેવેસ (તિરાડ)નું પ્રમાણ વધી રહ્યું છે.
નેપાળના પ્રવાસન વિભાગના મહાનિદેશક તારાનાથ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું, "અમે હવે સ્થાળાંતરણની તૈયારી કરી રહ્યા છીએ અને અમે ટૂંક સમયમાં તમામ હિતધારકો સાથે પરામર્શ શરૂ કરીશું."
"બેઝ કૅમ્પનું સ્થાન બદલવાનું મૂલત: બેઝ કૅમ્પમાં દેખાઈ રહેલા ફેરફારોને હિસાબે અને તે પર્વતારોહણ વ્યવસાયને ટકાવી રાખવા માટે આવશ્યક બની ગયું છે."
બેઝ કૅમ્પ હાલમાં 5,364 મીટરની ઊંચાઈ પર છે અને તારાનાથ અધિકારીના જણાવ્યા અનુસાર નવો બેઝ કૅમ્પ 200થી 400 મીટર નીચે ખસેડવામાં આવશે.
આ યોજના એવરેસ્ટ ક્ષેત્રમાં પર્વતારોહણની સુવિધા અને દેખરેખ માટે નેપાળ સરકાર દ્વારા રચાયેલી સમિતિની ભલામણોને આધારે ઘડવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લોબલ વોર્મિંગના પગલે હિમાલયની અન્ય ઘણી હિમનદીઓની જેમ ખુમ્બુ ગ્લૅશિયર પણ ઝડપથી પીગળી રહ્યો છે અને પાતળો થઈ રહ્યો છે, એવું વૈજ્ઞાનિકોનું તારણ છે.
ગ્લૅશિયર વર્ષે 1 મીટર પાતળો થઈ રહ્યો છે
વર્ષ 2018માં લીડ્સ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે બેઝ કૅમ્પની નજીકના વિસ્તારનો બરફ દર વર્ષ 1 મીટર જેટલો પાતળો થઈ રહ્યો છે.
એક સંશોધક સ્કૉટ વોટસને બીબીસીને જણાવ્યું હતું, "મોટા ભાગનો ગ્લૅશિયર પહાડોના અવશેષોથી ઢંકાયેલો છે. અલબત્ત, બેઝ કૅમ્પ પર ખુલ્લા બરફ આચ્છાદિત વિસ્તારો પણ છે, જેને આઇસ ક્લિફ્સ કહેવાય છે અને આ બરફની ભેખડોનુ પીગળવું ગ્લૅશિયરને સૌથી વધુ અસ્થિર બનાવે છે."
તેમણે કહ્યું, "જ્યારે બરફની ભેખડો આ રીતે પીગળે છે ત્યારે બરફની ભેખડ ઉપર રહેલા પથ્થર અને ખડકોના અવશેષો નીચે ધસી પડે છે અને પછી બરફ પીગળવાથી જળાશયો પણ બને છે."
"તેથી આપણે ગ્લૅશિયરની સપાટી પર ખડકોનું સ્ખલન અને પીગળેલા પાણીની હિલચાલ જોઈ શકીએ છીએ જે જોખમી બની શકે છે."
સ્કૉટ વોટસને કહ્યું કે આ ગ્લૅશિયર દર વર્ષે 9.5 મિલિયન ક્યુબિક મીટર પાણી છોડી રહ્યો છે.
પર્વતારોહકો અને નેપાળના સત્તાધિકારીઓ કહે છે કે બેઝ કૅમ્પની મધ્યમાં એક પ્રવાહ સતત વિસ્તરી રહ્યો છે. તેઓ એમ પણ કહે છે કે ગ્લૅશિયરની સપાટી પર ક્રેવસ (તિરાડો) દેખાઈ રહી છે અને અને તેનું પ્રમાણ પહેલાં કરતાં વધુ જોવા મળી રહ્યું છે.
સંક્ષિપ્તમાં: નેપાળ એવરેસ્ટ બેઝ કૅમ્પ કેમ ખસેડી રહ્યું છે?
- બેઝ કૅમ્પ હાલમાં 5,364 મીટરની ઊંચાઈ પર છે અને નેપાળના પ્રવાસન વિભાગના મહાનિદેશક તારાનાથ અધિકારીના જણાવ્યા અનુસાર નવો બેઝ કૅમ્પ 200થી 400 મીટર નીચે ખસેડવામાં આવશે
- આ યોજના એવરેસ્ટ ક્ષેત્રમાં પર્વતારોહણની સુવિધા અને દેખરેખ માટે નેપાળ સરકાર દ્વારા રચાયેલી સમિતિની ભલામણોને આધારે ઘડવામાં આવી છે
- વર્ષ 2018માં લીડ્સ યુનિવર્સિટીના સંશોધકો મુજબ, બેઝ કૅમ્પની નજીકના વિસ્તારનો બરફ દર વર્ષ 1 મીટર જેટલો પાતળો થઈ રહ્યો છે
- દરરોજ બેઝ કૅમ્પમાં પર્વતારોહકો લગભગ 4,000 લિટર પેશાબનું વિસર્જન કરે છે
- બરફ ધસી જવાથી અથવા ખડકો પડવાને કારણે ઘણી વાર મોટા અવાજો પણ સંભળાય છે
- નેપાળી અધિકારીઓનું કહેવું છે કે નવી કૅમ્પ સાઇટ પર ખસેડવાનું પગલું 2024 સુધીમાં લઈ શકાય છે
બેઝ કૅમ્પ પર રાત્રે તિરાડો દેખાય છે
નેપાળી આર્મીના કર્નલ કિશોર અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને નવાઈ લાગી કે અમે સૂતા હોઈએ ત્યારે રાતે ક્રેવેસ દેખાય છે."
કિશોર અધિકારી વસંતની એવરેસ્ટના આરોહણની સિઝન દરમિયાન બેઝ કૅમ્પ પર સફાઈ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. અહીં સફાઈ અભિયાન માર્ચથી મેના અંત સુધી ચાલે છે.
તેઓ કહે છે, "સવારે અમારામાંના ઘણાને કંપારી છૂટતો અનુભવ થતો હતો કે અમે રાત્રે ક્રેવસમાં પડી જાત તો. નીચે તિરાડો ઘણી વાર વિકસે છે, તે ખૂબ જોખમી છે."
સાગરમાથા પોલ્યુશન કંટ્રોલ કમિટી (SPCC)ના એવરેસ્ટ બેઝ કૅમ્પ મૅનેજર, ત્શેરિંગ તેનઝિંગ શેરપાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.
તેમણે કહ્યું, "બરફ ધસી જવાથી અથવા ખડકો પડવાને કારણે ઘણી વાર મોટા અવાજો પણ સંભળાય છે."
તેમણે ઉમેર્યું હતું કે બેઝ કૅમ્પ પર તંબુ તાણતા પહેલાં બરફને આવરી લેતી ખડકાળ સપાટીને સપાટ કરવી જરૂરી હતી અને ગ્લૅશિયર ખસતા તંબુ પણ ખસેડવો પડતો હતો.
તેમણે કહ્યું, "ભૂતકાળમાં સપાટ જગ્યા બેથી ત્રણ અઠવાડિયાં પછી જ ઊંચકાતી હતી. પરંતુ હવે લગભગ દર અઠવાડિયે આવુ થાય છે."
ચીન તરફથી પર્વતારોહણ કરનારાઓની સંખ્યામાં વધારો
બેઝ કૅમ્પ ખસેડવાની ભલામણ કરનાર સમિતિના અગ્રણી સભ્ય ખીમલાલ ગૌતમે જણાવ્યું હતું કે બેઝ કૅમ્પમાં ઘણા લોકોની હાજરી સમસ્યામાં વધારો કરતી હતી.
તેમણે કહ્યું, "ઉદાહરણ તરીકે, અમે જોયું કે લોકો દરરોજ બેઝ કૅમ્પમાં પર્વતારોહકો લગભગ 4,000 લિટર પેશાબનું વિસર્જન કરે છે."
"અને ત્યાં રસોઈ માટે અને પાણી ગરમ કરવા માટે કેરોસીન અને ગેૅસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેની ચોક્કસપણે ગ્લૅશિયરના બરફ પર અસર થાય છે."
પર્વતારોહીને માર્ગદર્શન પૂરું પાડતી કંપની અલ્પેન્ગ્લો ઍક્સપિડિશન્સના સ્થાપક એડ્રિયન બૅલિંજર બેઝ કૅમ્પ ખસેડવાના મુદ્દે સંમત થાય છે અને આગાહી કરતા કહે છે કે ભવિષ્યમાં વર્તમાન બેઝ કૅમ્પના વિસ્તારમાં વધુ એવેલાન્સ (હિમપ્રપાત), હિમસ્ખલન અને ખડક સ્ખલન થઈ શકે છે.
તેમણે કહ્યું, "આ એક્સપેડિશન (પર્વતારોહણ અભિયાન)ના લીડર માટે અસ્વીકાર્ય હોવું જોઈએ, કારણ કે તે ટાળી શકાય તેમ છે."
આ કૅમ્પની મુખ્ય ખામી એ પણ હતી કે પર્વતની નીચે બેઝ કૅમ્પ હોવાથી બેઝ કૅમ્પથી કૅમ્પ-1 સુધીના ચઢાણની લંબાઈમાં વધારો કરતું હતું, કૅમ્પ-1 પર્વત પર ચડતા લોકો માટે આગામી સ્ટેજિંગ પોસ્ટ છે.
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટરની છે. મોટા ભાગના પર્વતારોહકો હજી પણ નેપાળ તરફથી એવરેસ્ટ પર ચઢે છે, પરંતુ ચીન તરફથી પર્વતારોહણ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
સાગરમાથા પોલ્યુશન કંટ્રોલ કમિટીના ત્શેરિંગ શેરપાએ જણાવ્યું હતું કે સમસ્યાઓ હોવા છતાં હાલની બેઝ કૅમ્પ સાઇટ હજુ પણ ઘણી સ્થિર હતી અને બીજા ત્રણથી ચાર વર્ષ સુધી તેને ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
પરંતુ નેપાળી અધિકારીઓનું કહેવું છે કે નવી કૅમ્પ સાઇટ પર ખસેડવાનું પગલું 2024 સુધીમાં લઈ શકાય છે.
અધિકારીએ જણાવ્યું હતું, "અમે બેઝ કૅમ્પના તકનીકી અને પર્યાવરણીય પાસાંનું મૂલ્યાંકન કર્યું છે, પરંતુ અમારે તેનું સ્થળાંતરણ કરીએ તે પહેલાં અમારે સ્થાનિક સમુદાયો સાથે તેમની સંસ્કૃતિ જેવા અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને આ અંગે ચર્ચા કરવી પડશે."
"તમામ સંબંધિત સાથે ચર્ચા કર્યા પછી જ અમે નિર્ણય લઈશું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો