રિલાયંસને બંપર નફો, વર્ષમાં 100 અબજ ડૉલરની કમાણી કરનાર પ્રથમ ભારતીય કંપની બની - પ્રેસ રિવ્યૂ

મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકમાં 22.5 ટકાનો શુદ્ધ નફો કર્યો હતો.

ઑઇલ રિફાઇનિંગ માર્જિનમાં વધારો, ડિજિટલ સર્વિસીઝના વેપારમાં ગ્રોથ અને રિટેલ બિઝનેસમાં મજબૂત પ્રદર્શનને કારણે કંપનીએ આ શાનદાર પ્રોફિટ કર્યો છે.

આ નફાની સાથે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ ભારતની પ્રથમ કંપની બની ગઈ છે જેણે એક વર્ષમાં 100 અબજ ડૉલરના રેવન્યુનો આંકડો પાર કર્યો છે.

31 માર્ચ, 2022ના ખતમ થયેલા ત્રિમાસિકમાં કંપનીના કંસૉલિડેટેડ નેટ પ્રૉફિટ વધીને 16,203 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો.

નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસિકમાં આ પ્રૉફિટ 13,227 કરોડ રૂપિયાનો હતો.

બ્રૉડબૅન્ડ સબ્સક્રાઇબરોની સંખ્યા વધવાને કારણે કંપનીની કમાણીમાં વધારો થયો છે. ઑનલાઇન રિટેલ અને ન્યૂ અનર્જીમાં પણ કંપનીનું પ્રદર્શન સારું રહ્યું છે.

મોંઘવારીમાં વધુ એક ફટકો, રાંધણ ગૅસના ભાવમાં 50 રૂપિયાનો વધારો

સતત વધતી મોંઘવારીનો માર વેઠી રહેલી જનતાને વધુ ફટકો પડ્યો છે.

આજથી સમગ્ર દેશમાં 14.2 કિલોના ઘરેલુ રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે.

હવે પાટનગર દિલ્હીમાં 14.2 કિલો ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

LPGની કિંમતને લઈને સરકાર પર હુમલો કરતાં કૉંગ્રેસનાં પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ટ્વીટ કર્યું કે "14.2 કિલોગ્રામના ઘરેલુ રસોઈ ગૅસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. માર્ચ 2014માં આ કિંમત 410.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. આખરે ગરીબ અને મધ્યમ વર્ગને આ કીંમત પર સિલિન્ડર કઈ રીતે પરવડે? ભાજપ સરકારની લાલચ આમને ભૂખમરા તરફ ધકેલશે!"

હવાના : ગૅસ લીકના લીધે હોટલમાં ભયાનક વિસ્ફોટ, 22 લોકોનાં મોત

ક્યૂબાની જાણીતી ફાઇવ સ્ટાર હોટલો પૈકી એકમાં ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને 60 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક અધિકારીઓ અનુસાર, શુક્રવારના ઓલ્ડ હવાનાના સારાગોટા હોટલમાં આ ભયાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ ગૅસ લીકેજને કારણે થયો હોવાનું માનવામાં આવે છે.

આ હોટલ ઐતિહાસિક મહત્ત્વવાળી એક પાંચ માળની ઇમારતમાં હતી જે મહામારી દરમિયાન બંધ કરી દેવાઈ હતી. આગામી ચાર દિવસમાં તે ફરીથી શરૂ થવાની હતી.

દુર્ઘટનાને લીધે ઇમારત સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે.

કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવનું અભિયાન ચાલુ છે.

અકસ્માતમાં 60 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે જેમને ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

PM મોદી - રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનાં એંધાણથી વહેલી ચૂંટણી અંગે ફરી ચર્ચા

એક તરફ જ્યાં રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાશે તેવી વાત વારંવાર ઊઠી રહી છે બીજી તરફ આવતા અઠવાડિયે વડા પ્રધાન મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ મુલાકાત લેવાની સંભાવનાની વાતથી રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવી ગયો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ચૂંટણી થવાની હતી. પરંતુ પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી વાતો વહેતી થઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે 10 મેના રોજ કૉંગ્રેસ એક મોટી આદિવાસી યાત્રા યોજવાની છે. જેમાં અંબાજીથી ઉમરગામના પટ્ટાના આદિવાસીઓ સામેલ થાય તેવી અપેક્ષા છે. રાહુલ ગાંધી આ યાત્રા માટે ગુજરાત આવવાના છે.

જ્યારે 11 મેના રોજ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ રાજકોટમાં એક રેલી અને રોડ શો આયોજિત કરવાના છે.

આ સિવાય સૂત્રો અનુસાર વડા પ્રધાન મોદી પણ 12-13 મે દરમિયાન પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવી શકે છે.

આ ત્રણેય નેતાઓના આગમનની વાતથી ફરી એક વાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જોકે, આ બાબતે ભાજપના નેતા અવારનવાર કહી ચૂક્યા છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાશે તેવી કોઈ શક્યતા નથી. બીજી તરફ કેજરીવાલ ટ્વીટ મારફતે રાજ્યમાં વહેલી ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે.

રેમડેસિવિર વિતરણ અંગે પાટીલ-સંઘવી સામેની અરજી રદ કરવા હાઈકોર્ટમાં રજૂઆત

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે ગુજરાત હાઈકોર્ટમાં તેમના અને પક્ષના મજૂરા બેઠકના ધારાસભ્ય દ્વારા કોરોના વાઇરસની બીજી લહેર દરમિયાન રેમડેસિવિરના 'ગેરકાયદેસર' વિતરણ મામલે થયેલી જાહેર હિતની અરજી રદ કરવા રજૂઆત કરી છે.

પાટીલ વતી ગુરુવારે હાઈકોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ ઍડ્વોકેટ નિરુપમ નાણાવટીએ દલીલ કરી હતી કે, "જાહેર હિતની અરજીનો નિકાલ નથી થઈ રહ્યો, આ વાતનો અરજદાર દ્વારા ગેરલાભ ઉઠાવાઈ રહ્યો છે. તેમજ આ અરજી હાઈકોર્ટના નિયમો અનુસાર ટકી શકે એવી નથી. આવનારા દિવસોમાં તેનો ઉપયોગ બ્યૂગલ માફક કરાશે."

નાણાવટીએ જણાવ્યું હતું કે આ અરજી ન્યૂઝ પેપરના અહેવાલો અને ચકાસણી કરાયા વગરના કેટલાક ન્યૂઝ રિપોર્ટ પર આધારિત હોવાથી તે ન ટકી શકે.

નોંધનીય છે કે અમરેલીના કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ગત વર્ષે આ અરજી દાખલ કરી હતી. તેમનો દાવો હતો કે સુરતમાં ભાજપની ઑફિસમાંથી તે સમયે દુર્લભ મનાતી દવા રેમડેસિવિરનું મફત વિતરણ કરાયું હતું. જ્યારે સમગ્ર દેશમાં તેની ભારે અછત હતી.

એપ્રિલ, 2021ના રોજ પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે પાર્ટી કાર્યાલયથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો