You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામનાં એ સબ-ઇન્સ્પેક્ટર જેમણે પોતાના મંગેતરને જેલમાં ધકેલ્યા
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, ગુવાહાટીથી બીબીસી હિંદી માટે
આસામ પોલીસનાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે છેતરપિંડીના આરોપમાં પોતાના જ મંગેતરની ધરપકડ કરી છે.
નૌગાંવ પોલીસ સ્ટેશનમાં તહેનાત સબ-ઇન્સ્પેક્ટર જુનમોની રાભાએ પોતાને ઓએનજીસીમાં જનસંપર્ક અધિકારી ગણાવનારા પોતાના મંગેતર રાણા પોગાગ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. હાલ નૌગાંવ પોલીસ કસ્ટડીમાં રાણાની પૂછપરછ ચાલી રહી છે.
અમુક દિવસ પહેલાં પણ આ મહિલા સબ-ઇન્સ્પેક્ટરે એક ભાજપના સત્તાધારી ધારાસભ્યને ફોન પર કડક જવાબ આપ્યો હતો જેની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.
ગત વર્ષે ઑક્ટોબરમાં જુનમોની અને રાણાની સગાઈ થઈ હતી અને ચાલુ વર્ષે નવેમ્બર માસમાં બંને લગ્ન કરવાનાં હતાં.
નૌગાંવમાં દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જુનમોનીને સગાઈ બાદ એ વાતની ખબર પડી કે જે વ્યક્તિને તેઓ પોતાનો જીવનસાથી બનાવવા માગતાં હતાં, ખરેખર તેઓ એક કથિત છેતરામણી કરનારા છે.
શું છે ફરિયાદ?
ફરિયાદ અનુસાર આરોપી પોગાગે પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન જુનમોનીને પોતે ઓએનજીસીના જનસંપર્ક અધિકારી હોવાની વાત કહી હતી.
પરંતુ સગાઈ બાદ જુનમોનીને ઘણા એવા પુરાવા મળ્યા જેનાથી તેમને પોતાના મંગેતર પર શંકા થવા લાગી.
જ્યારે તેઓ આ અંગે વધુ તપાસ કરવા લાગ્યાં ત્યારે તેમને ખબર પડી કે તેઓ આવા ઘણા બધા છેતરપિંડીના મામલામાં સામેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પર ઘણા લોકોને નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપ પણ લાગ્યા છે.
બંનેની મુલાકાત કેવી રીતે થઈ?
પ્રથમ વખત બંનેની મુલાકાત ગત વર્ષે જાન્યુઆરી માસમાં થઈ હતી ત્યારે જુનમોની માજુલીમાં તહેનાત હતાં. રાણા માજુલીના નિવાસી છે.
ઘણી મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને અમુક મહિના બાદ તેમના પરિવારના આશીર્વાદથી બંનેની સગાઈ થઈ ગઈ.
પોતાની સગાઈ અને છેતરપિંડીના મામલા અંગે જુનમોની જણાવે છે કે, "હું માજુલીમાં તહેનાત હતી. મારા ઓળખીતા એક ઇન્સ્પેક્ટરે અમારી મુલાકાત કરાવી હતી. પોલીસ અધિકારીઓ સાથે તેમની સારી ઓળખાણ હતી."
"તેનું એક કારણ એવું પણ હોઈ શકે છે કે તેઓ છેતરપિંડી આચરતા હતા. તેથી કદાચ તેમને લાગ્યું હશે કે પોલીસ સાથે ઓળખાણ જાળવી રાખવાથી ભવિષ્યમાં તેને મદદ મળશે."
તેઓ આગળ જણાવે છે કે, "આવી રીતે થયેલી ઓળખાણ બાદ તેમણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મેં કહ્યું કે મને કોઈ વાંધો નથી પરંતુ મારા ઘરના લોકો સાથે આ અંગે વાત કરવી પડશે. પછી અમારા બંનેના સંબંધીઓ મળ્યા અને થોડા દિવસ બાદ અમારી સગાઈ પણ થઈ ગઈ."
"આ દરમિયાન મારી બદલી નૌગાંવ થઈ ગઈ. પરંતુ અહીં આવ્યા બાદ તેમના કામ સાથે જોડાયેલી કેટલીક વાતો અંગે મને શંકા ગઈ. જ્યારે તપાસ કરી તો એવી વાતો સામે આવી જેનાથી મારી આંખ આગળનો પડદો હટી ગયો."
કેવી રીતે છેતરપિંડી સામે આવી?
કોઈનું પણ નામ લીધા વગર તેમણે આ સમગ્ર મામલે તેમની મદદ કરનાર ત્રણ લોકોને અભિનંદન પાઠવ્યાં. આ લોકોએ જુનમોનીને તેમના મંગેતર અંગે પુરાવા સાથેની જાણાકારી પૂરી પાડી હતી.
તેઓ આગળ જણાવે છે કે, "રાણાએ પોતાની જાતને ઓએનજીસીના જનસંપર્ક અધિકારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કૉર્પોરેટની સામાજિક જવાબદારી અંતર્ગત ગ્રામીણ વિકાસનું કામ જોઈ રહ્યા છે."
"હું પણ અહીંની પ્રતિષ્ઠિત કૉટન કૉલેજમાંથી કૉમ્યુનિકેશન અને જર્નાલિઝ્મમાં ભણી છું. તેથી હું એક જનસંપર્ક અધિકારીની ઇમેજથી ખૂબ પ્રભાવિત થઈ હતી. આ કારણે મારા મનમાં એક વખત પણ એવો વિચાર ન આવ્યો કે આ વ્યક્તિ કોઈ ઠગ હોઈ શકે છે."
આરોપી રાણાની છેતરપિંડી અંગે માહિતી આપતાં જુનમોનીએ આગળ જણાવ્યું કે તેમણે જે વ્યક્તિ સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી તેમણે જ મને આ વ્યક્તિની હકીકત જણાવી. જ્યારે મેં આ અંગે રાણાની પૂછપરછ કરી તો સમગ્ર સત્ય સામે આવી ગયું.
"મારી સાથે કરેલ છેતરપિંડીની સજા તો તેમને મળવી જ જોઈએ, હું પ્રેમમાં પાગલ થઈ શોક મનાવનારી છોકરી નથી, મેં તરત એફઆઇઆર દાખલ કરાવી."
નૌગાંવ પોલીસનો દાવો છે કે આરોપી રાણાની પાસેથી ઓએનજીસીના ઘણા દસ્તાવેજ અને સિક્કા જપ્ત કરાયા છે, રાણા હંમેશાં પોતાની સાથે એક વ્યક્તિગત સુરક્ષા અધિકારી અને એખ વાહનચાલકને રાખતા હતા, જેથી સામેની વ્યક્તિ સામે તેમની છાપ પડે.
ધારાસભ્યને આપ્યો હતો કડક જવાબ
આ વર્ષે જાન્યુઆરીમાં જુનમોની જ્યારે માજુલીમાં તહેનાત હતાં ત્યારે બિહપુરિયા ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય અમિયકુમાર ભુયાં સાથે તેમની ટેલિફોનિક વાતચીત સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી.
એ મામલામાં પોલીસે એક નાવડી જપ્ત કરી હતી અને ધારાસભ્યે જુનમોનીને આદિવાસીઓ પાછળ ન પડવા જણાવ્યું હતું.
પરંતુ જુનમોનીએ ધારાસભ્યને જવાબદારીનો ભાન કરાવતાં એવું પૂછ્યું હતું કે તેઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં પોલીસને 'નિયમ અને કાયદો તોડવા'નું કેવી રીતે કહી શકે છે?
બ્રહ્મપુત્રમાં એક નાવડી દુર્ઘટના બાદ સિંગલ એન્જિનવાળી મશીનવાળી નાવડીઓની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવાયો હતો અને આ અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી હતી.
હાલ સોશિયલ મીડિયા પર ફરી એકવાર જુનમોનીના સાહસભર્યા કદમની લોકો પ્રશંસા કરી રહ્યા છે અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાથી તેમને દુ:ખ થયું છે? આ પ્રશ્નના જવાબ અંગે તેઓ કહે છે કે, "હું કલાકો સુધી બેસીને વિચારતી રહી કે મેં યોગ્ય કર્યું કે નહીં. પરંતુ ખોટું કામ કરનારને સજા મળવી જ જોઈએ. પછી ભલે તે ઘરની વ્યક્તિ કેમ ન હોય. તેથી હું બિલકુલ નિરાશ નથી."
"મને મારા ઉપરી અધિકારીઓ પાસેથી ઘણી સહાય મળી છે અને મેં હંમેશાં પોતાની જવાબદારીઓ પ્રામાણિકપણે નિભાવી છે. તેથી હું ખોટું કામ કરનારને દંડિત કરાવવા માટે કામ કરતી રહીશ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો