You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન પર રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે?
- લેેખક, ગોર્ડન કોરેરા
- પદ, સલામતી સંબંધી બાબતોના સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પરના આક્રમણ પછી તરત જ પોતાના દેશનાં અણુશસ્ત્રોને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.
તેને કારણે રશિયા દ્વારા ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપન અથવા તો વ્યૂહાત્મક અણુશસ્ત્રોના ઉપયોગનું જોખમ સર્જાયું છે. તે સૂચવે છે કે અણુ યુદ્ધ તો નહીં થાય, પરંતુ આ ઘટનાક્રમ બહુ મહત્ત્વનો છે.
ટેક્ટિકલ અણુશસ્ત્રો શું હોય છે? ટેક્ટિકલ અણુશસ્ત્રો એવાં હથિયાર હોય છે કે જેનો ઉપયોગ મર્યાદિત અથવા નાના દાયરામાં કરી શકાય છે.
આવાં હથિયારો વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક શસ્ત્રો કરતાં અલગ હોય છે. શીતયુદ્ધ દરમિયાન તે એવા અણુબૉમ્બ હતા જેના વડે અમેરિકા અને રશિયા એમ બન્ને મહાશક્તિ દેશો એકમેક પર બહુ દૂરના અંતરેથી હુમલો કરી શકે તેમ હતા.
જોકે, ટેક્ટિકલ શસ્ત્રોની શ્રેણીમાં એવાં ઘણાં હથિયારોનો સમાવેશ થાય છે, જેનો યુદ્ધ વખતે ઉપયોગ કરી શકાય છે. તેમાં નાના બૉમ્બ અને મિસાઈલોનો પણ સમાવેશ થાય છે.
રશિયા પાસે ક્યા પ્રકારનાં ટેક્ટિકલ અણુશસ્ત્રો છે?
રશિયા પાસે લગભગ 2,000 ટેક્ટિકલ અણુશસ્ત્રો હોવાનું માનવામાં આવે છે. એ શસ્ત્રોને અનેક પ્રકારની મિસાઈલ્સ તથા સામાન્ય રીતે પરંપરાગત વિસ્ફોટકોનું વહન કરી શકતી મિસાઇલ પર તહેનાત કરી શકાય છે.
આ શસ્ત્રોને યુદ્ધના મેદાનમાં તોપના ગોળાની માફક છોડી પણ શકાય છે.
આ શસ્ત્રોને યુદ્ધવિમાનો તથા યુદ્ધજહાજોમાંથી લૉન્ચ કરી શકાય એ રીતે બનાવવામાં આવ્યાં છે. દાખલા તરીકે, કોઈ સબમરીન મારફત છોડી શકાય તેવો ટોર્પિડો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટેક્ટિકલ અણુશસ્ત્રો રશિયાના હથિયાર ભંડારમાં રાખવામાં આવ્યાં હોવાનું માનવામાં આવે છે. તેમને હજુ યુદ્ધના મેદાનમાં ગોઠવવામાં આવ્યાં નથી.
જોકે, રશિયા આ સ્ટ્રેટેજિક અણુશસ્ત્રોને બદલે ટેક્ટિકલ અણુશસ્ત્રોનો ઉપયોગ કરવા વધુ ઇચ્છુક હોવાની ચિંતા ઘેરી બની રહી છે.
ચેટમ હાઉસ થિન્કટેન્કનાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિભાગનાં વડા ડૉ. પેટ્રીસિયા લુઈસ કહે છે કે "રશિયા તેને મોટા અણુ થ્રેશહોલ્ડનું ઉલ્લંઘન નહીં, પરંતુ પોતાના પરંપરાગત સૈન્યનો હિસ્સો ગણશે."
આ હથિયારો કેટલાં શક્તિશાળી છે?
અલગ-અલગ ટેક્ટિકલ અણુશસ્ત્રોની ક્ષમતા તથા આકાર અલગ-અલગ હોય છે.
સૌથી નાનું ટેક્ટિકલ અણુશસ્ત્ર એક કિલો ટન (એટલે કે 1,000 ટીએમટી વિસ્ફોટક જેટલું) કે તેથી પણ ઓછી ક્ષમતાનું હોઈ શકે છે, જ્યારે મોટું ટેક્ટિકલ અણુશસ્ત્ર 100 કિલો ટન સુધીનું હોઈ શકે છે.
અલબત્ત, આવાં અણુશસ્ત્રોની અસર પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. દાખલા તરીકે, એવા શસ્ત્રમાં જમીનથી કેટલી ઉંચાઈએ વિસ્ફોટ થયો, તેનું કદ કેવડું હતું અને સ્થાનિક પર્યાવરણ કેવું હતું એવી બાબતો પર શસ્ત્રની અસર નિર્ભર હોય છે.
હિરોશિમામાં 1,46,000 લોકોનાં મોતનું કારણ બનેલો અણુબૉમ્બ 15 કિલોટનનો હતો.
રશિયા પાસે જે સૌથી મોટું સ્ટ્રેટેજિક અણુશસ્ત્ર છે તેની ક્ષમતા 800 કિલોટન સુધીની હોવાનું માનવામાં આવે છે.
પુતિનનું નિવેદન ચિંતાનો વિષય?
રાષ્ટ્રપતિ પુતિન રશિયાના અણુશસ્ત્રોનો ઉલ્લેખ એકથી વધુ વખત કરી ચૂક્યા છે અને તેનો એક અર્થ એવો છે કે તેઓ ભયનું વાતાવરણ સર્જવા ઇચ્છે છે.
અમેરિકાના ગુપ્તચર અધિકારીઓ તેને યુક્રેનમાં દખલગીરી નહીં કરવાનો પશ્ચિમના દેશો માટેનો સંકેત માને છે અને તેને અણુયુદ્ધની તૈયારી ગણતા નથી.
જોકે, અન્ય વિશ્લેષકોને એ વાતની ચિંતા છે કે અણુયુદ્ધની શક્યતા ભલે અત્યંત પાંગળી હોય, પરંતુ રશિયા કેટલીક ખાસ પરિસ્થિતિમાં યુક્રેનમાં મર્યાદિત ક્ષમતાવાળા ટેક્ટિકલ અણુશસ્ત્રના ઉપયોગનો વિચાર કરી રહ્યું હોય તે શક્ય છે.
હાર્વર્ડ કેનેડી સ્કૂલના વેલફેર સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઇન્ટરનેશનલ અફેર્સનાં અણુનિષ્ણાત ડૉ. મારિયાના બુયેર્ને એવી ટ્વીટ કરી હતી કે, "આ 'સંતુલિત-અસંતુલિત' દુનિયામાં પુતિન એટલા સહજ છે, કે પશ્ચિમના દેશો તેમની અણુ ધમકીઓથી ડરી જવાના હોય અને નેટોનો અબજો ડૉલરનો અણુકાર્યક્રમ કાગળનો વાઘ હોય."
રશિયાની વ્યૂહરચના
અમેરિકાના ગુપ્તચર અધિકારીઓ માને છે કે નેટો સાથે સંઘર્ષની સ્થિતિમાં રશિયા પાસે એક નીતિ છે, જેને એસ્કેલેટ ટુ ડી-એસ્કેલેટ એટલે કે તંગદિલી ઘટાડવા માટે તંગદિલી વધારવાની નીતિ કહેવામાં આવે છે.
આ નીતિ હેઠળ રશિયા, યુદ્ધમાં ટેક્ટિકલ અણુશસ્ત્રોનો ઉપયોગ કે બીજે ક્યાંક કોઈ મોટું શક્તિપ્રદર્શન અથવા એવું કરવાની ધમકી જેવું કશુંક નાટકીય કામ કરશે.
રશિયા આવું કરીને બીજા પક્ષને પાછા હઠવા માટે ડરાવી શકે છે.
ચિંતાની વાત એ છે કે યુક્રેનમાં પોતાની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ રહી છે એવું પુતિનને લાગશે તો એવી પરિસ્થિતિમાં તેઓ પાસું પલટવા માટે ટેક્ટિકલ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. હારથી બચવા અથવા મડાગાંઠના નિરાકરણ માટે પણ તેઓ આવું કરી શકે છે.
જોકે, આવું કરવા માટે રશિયામાં અથવા યુક્રેનમાં પરિસ્થિતિને હજુ વધારે ખરાબ કરવી પડશે.
વોશિંગ્ટન ડીસીમાં કાર્નેગી એન્ડાઉમેન્ટ ફૉર ઈન્ટરનેશનલ પીસ સાથે સંકળાયેલા અણુ નિષ્ણાત જેમ્સ એક્ટન કહે છે કે "એવી પરિસ્થિતિમાં પુતિન અણુશસ્ત્રોનો ઉપયોગ કરી શકે એ બાબતે હું ખરેખર ચિંતિત છું. તેઓ યુક્રેનમાં અણુશસ્ત્રોનો ઉપયોગ કરે તેવી શક્યતા વધારે છે. એવું કરીને તેઓ લોકોને ભયભીત કરી મૂકશે અને પોતાના માટે માર્ગ મોકળો કરી લેશે. જોકે, આપણે હજુ એ સ્થિતિમાં પહોંચ્યા નથી."
બીજી તરફ કિંગ્ઝ કૉલેજ, લંડનના અણુ નિષ્ણાત ડો. હેથર વિલિયમ્સ જણાવે છે કે પુતિન માટે યુક્રેનમાં જીતનો અર્થ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી તે એક સમસ્યા છે. તેથી એ પણ અસ્પષ્ટ છે કે રશિયા યુક્રેનમાં કેવી પરિસ્થિતિમાં અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે.
રશિયા માટે પણ જોખમ?
યુક્રેન રશિયાનો જ હિસ્સો હોવાનો દાવો પુતિન કરી રહ્યા છે ત્યારે પોતાની જ જમીન પર અણુબૉમ્બનો ઉપયોગ કરવાનું પગલું વિચિત્ર લાગે. પેટ્રીશિયા લુઈસ કહે છે કે રશિયા યુક્રેનનો પાડોશી દેશ છે. તેથી અણુશસ્ત્રના ઉપયોગની અસર સીમા પારના વિસ્તારમાં પણ થાય તે શક્ય છે.
આજ સુધીમાં અણુશસ્ત્રોનો ઉપયોગ માત્ર એક વખત, બીજા વિશ્વયુદ્ધમાં જ કરવામાં આવ્યો હતો. એ વખતે અમેરિકાએ જાપાનનાં શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા હતા. સવાલ એ છે કે પુતિન વિશ્વના એવા નેતા બનવા ઇચ્છશે કે તેમણે અણુશસ્ત્રોનો ઉપયોગ ફરીથી શરૂ કર્યો હતો?
કેટલાક વિશ્લેષકોને ચિંતા છે કે યુક્રેન પરનું આક્રમણ હોય કે પછી સેલ્સબરીમાં નર્વ એજન્ટ ગૅસનો ઉપયોગ હોય, પુતિને અત્યાર સુધીમાં એવાં કામો કર્યાં છે કે જે સંબંધે અન્ય લોકો એવું માનતા હતા કે તેઓ આવું નહીં કરે.
ડૉ. વિલિયમ્સ જણાવે છે કે રશિયા માટે અણુશસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાનું એક અન્ય કારણ હોઈ શકે છે અને તે કારણ છે ચીન.
ડૉ. વિલિયમ્સ કહે છે કે "ચીનના ટેકા પર રશિયાનો મોટો આધાર છે, પરંતુ ચીન અણુશસ્ત્રોનો પહેલાં ઉપયોગ નહીં કરવાની નીતિને અનુસરે છે. પુતિન ટેક્ટિકલ અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે તો રશિયાને ટેકો આપવાનું ચીન માટે બહુ મુશ્કેલ બની જશે. પુતિન અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે તો તેમણે ચીનનો ટેકો ગૂમાવવો પડશે."
અણુયુદ્ધ ખરેખર છેડાશે?
ટેક્ટિકલ અણુશસ્ત્રોના ઉપયોગને પગલે કેવી પરિસ્થિતિ સર્જાશે તે અત્યારે તો કોઈ જાણતું નથી. તંગદિલી વધી શકે છે અને પુતિન તેનો ઉપયોગ ન કરે એવું પણ બની શકે છે, પરંતુ એવી પરિસ્થિતિમાં કોઈ પણ ભૂલ ભારે પડી શકે છે.
પેટ્રીશિયા લુઈસ કહે છે કે "તેમણે એવું ધાર્યું હશે કે બધા ઝૂકી જશે, પરંતુ થશે એવું કે નેટોએ પ્રતિભાવ આપવા આગળ આવવું પડશે."
અમેરિકાનું કહેવું છે કે પરિસ્થિતિ પર તેની ચાંપતી નજર છે.
અણુશસ્ત્રો સંબંધી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે અમેરિકા પાસે વિશાળ ગુપ્તચર નેટવર્ક છે. દાખલા તરીકે, કોઈ ટેક્ટિકલ અણુશસ્ત્રને તેના સ્ટોરેજમાંથી બહાર કાઢવામાં આવશે તો પણ અમેરિકાને ખબર પડી જશે. એ ઉપરાંત લોન્ચ સાઇટ પર કોઈ ફેરફાર થશે તો પણ અમેરિકા ખબર પડી જશે.
અમેરિકાના ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે ચિંતાજનક ગણાય એવું કશું અત્યાર સુધી તેમની નજરમાં આવ્યું નથી. અણુ હુમલાની પરિસ્થિતિમાં અમેરિકા તથા નેટોનો પ્રતિભાવ શું હશે તેની કલ્પના કરવાનું પણ અત્યારે મુશ્કેલ છે.
તેઓ પરિસ્થિતિને વધારે જટિલ ન બનાવે અને પૂર્ણકક્ષાનું અણુયુદ્ધ ટાળે એ શક્ય છે, પરંતુ તેઓ મર્યાદાની રેખા તો તાણશે જ. તેનો અર્થ એવો થાય કે પશ્ચિમના દેશો પરંપરાગત રીતે મજબૂત પ્રતિભાવ આપશે, પરંતુ એવું થશે તો રશિયા શું કરશે?
જેમ્સ એક્ટન કહે છે કે "તમે અણુ હુમલાની સીમા એક વખત ઓળંગી જાઓ પછી અટકવાની કોઈ શક્યતા રહેતી નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો