You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : 'રોટલી-ભાત મળતાં નથી, બિસ્કિટ-મેગીથી ચલાવીએ છીએ'
યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સહિતના સંખ્યાબંધ ભારતીય સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા છે ત્યારે રશિયાએ કરેલા હુમલા પછી યુક્રેનમાં કેવી પરિસ્થિતિ છે તે જાણવા માટે બીબીસી કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મેળવી શકાશે.
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસ પાસેથી મદદ ફોનનંબર +380997300428, +380997300483 મારફત મદદ મેળવી શકાશે અને [email protected] પર ઈ-મેઈલ કરી શકાશે.
યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર (079) 27552144 અને 27560511 છે.
શહબાઝ અનવરે ઉત્તર પ્રદેશના બિજનૌરથી બીબીસી માટે એક ખાસ અહેવાલ મોકલ્યો છે. તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતમાં રહેતા તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી.
ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી
"યુક્રેનમાં હવાઈ હુમલા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોએ સુપર માર્કેટ્સમાંથી દાળ,ચોખા, લોટ બધું ખરીદી લીધું છે. અમે ખરીદી માટે પહોંચ્યા ત્યાં સુધીમાં બધો સ્ટૉક વેચાઈ ચૂક્યો હતો. તેથી અમારે મેગી, ફળો, બ્રેડ કે જ્યૂસ વગેરે ખાવા માટે ખરીદવું પડ્યું હતું. અમે શું કરીએ? ખાવા માટે જે સામગ્રી લીધી છે તેનાથી તો બહુ-બહુ તો બે-ત્રણ દિવસ ગુજારો થઈ શકશે."
યુક્રેનમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના બિજનૌરવાસી સ્ટુડન્ટ સના ઉર્ર રહેમાને તેમની ચિંતા આ શબ્દોમાં વ્યક્ત કરી હતી. સના ઈવાનો ફ્રેન્કવિસ્ક ઈન્ટરનેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે "યુક્રેન છોડીને ભારત ચાલ્યા જવાની ઍડવાઈઝરી અહીંના ભારતીય રાજદૂતાવાસ દ્વારા વારંવાર ઈસ્યૂ કરવામાં આવી રહી હતી, પરંતુ યુનિવર્સિટી તથા ઑનલાઇન ક્લાસના પ્રારંભની પરવાનગી મળી ન હતી. પછી ઑનલાઇન ક્લાસની પરવાનગી મળી ત્યાં સુધીમાં પરિસ્થિતિ વણસી ચૂકી હતી."
સના ઉર્ર રહેમાને કહ્યું હતું કે "બુધવારે રાતે અહીં કેટલીક જગ્યાએ ઍર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. એ પછી અતબ નામની સુપર માર્કેટમાં ખાદ્યસામગ્રી ખરીદવા ઈચ્છતા લોકો એકઠા થવાનું શરૂ થયું હતું. બધો સ્ટૉક આટલી ઝડપથી વેચાઈ જશે તેની અમને ખબર ન હતી."
મેરઠના જાસિમ નદીમ, સના ઉર્ર રહેમાનના રૂમ પાર્ટનર છે. જાસિમે કહ્યું હતું કે "બધા સ્ટુડન્ટ્સ સુપર માર્કેટમાંથી પોતપોતાના માટે ખાદ્યસામગ્રી લાવ્યા છે, પરંતુ કોઈને ચોખા કે લોટ મળ્યા નથી. અમે રોટલી અને ભાત વિના ભોજન કરતા હોઈએ તેવું પહેલી વાર બની રહ્યું છે."
યુનિવર્સિટી હૉસ્ટેલમાં રહેતા બિજનૌરના ઝુબૈર સિદ્દીકી એમબીબીએસના ચોથા વર્ષના વિદ્યાર્થી છે.
તેમણે કહ્યું હતું કે "એક રૂમમાં અમે છ લોકો છીએ. ખાદ્યસામગ્રી મળવાની મુશ્કેલી છે. પીવાના પાણીની તંગી છે. અમારી પાસે માત્ર છ લીટર પાણી બચ્યું છે. ટાંકીનું પાણી ખારું હોવાને કારણે પીવું મુશ્કેલ છે. એ ઉપરાંત એટીએમમાં પૈસા નથી. આગળ શું થશે તેની અમને ખબર નથી."
યુક્રેનમાં અભ્યાસ કરતા બિજનૌરના રહેવાસી મોહમ્મદ અમ્માર ગુરુવારે સવારે સાડા સાતેક વાગ્યે દિલ્હી ઍરપૉર્ટ પર આવી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું હતું કે "હું ઈવાનો ફ્રેન્કવિસ્ક ઈન્ટરનેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છું. અમને મેસમાં બે ટાઈમ ખાવાનું મળે છે. ખાવા માટે રાજમા, છોલે, બટાટા, ચિકન, કોબી, ભાત, રોટલી અને ક્યારેય પૂરી પણ આપવામાં આવે છે."
મોહમ્મદ અમ્મારની ફ્લાઈટ ગુરુવારે સવારે ભારતમાં લેન્ડ થઈ ગઈ હતી, પરંતુ તેમના બાકીના સાથીઓ યુક્રેનમાં ફસાયેલા છે.
મોહમ્મદે કહ્યું હતું કે "ખરેખર તો મારું હૃદય ત્યાં પડ્યું છે."
દીકરો યુક્રેનમાં અને માતા-પિતા ભારતમાં ચિંતિત
યુક્રેનમાં અભ્યાસ કરતા બુલંદશહેરના રહેવાસી પ્રતીક વર્માએ એક વીડિયો બનાવીને તેમના પરિવારજનોને મોકલ્યો છે. વીડિયોમાં પ્રતીક જણાવે છે કે તેઓ કિએવમાં એક સ્થળે રેલવે સ્ટેશન પર ફસાયેલા છે. તેમને ત્યાંથી બહાર કાઢવામાં આવે.
પ્રતીક અને તેમના સાથીઓએ તે વીડિયોમાં ભારત સરકાર પાસે માગણી કરી છે કે યુક્રેનસ્થિત ભારતીય રાજદૂતાવાસે તેમને ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ.
પ્રતીકના પિતા નાનક ચંદ બુલંદશહેરમાં જહાંગીરાબાદ રોડ પરની લોક કિસાન ઈન્ટર કૉલેજમાં પ્રિન્સિપાલ છે.
નાનક ચંદે બીબીસી સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે "મારો દીકરો પ્રતીક ટર્નોપિલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષનો સ્ટુડન્ટ છે. ગુરુવારે બપોરે તેની ફ્લાઈટ હતી, પરંતુ પ્રતીક ઍરપૉર્ટ પહોંચ્યો તેના અર્ધા કલાક પછી ત્યાં વિસ્ફોટ થયો હતો. તેથી એ લોકો ફ્લાઈટ સુધી પહોંચી શક્યા ન હતા."
"એ પછી તેમને બસ મારફત રેલવે સ્ટેશન પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી મારો દીકરો અને તેના અન્ય સાથીઓ જેમતેમ કરીને ભારતીય રાજદૂતાવાસ પહોંચ્યા હતા. અમારો દીકરો ત્યાં ચિંતામાં છે અને અહીં અમારા ઘરમાં અમે ચૂલો સળગાવ્યો નથી."
બિજનૌરના શેરકોટમાં રહેતા મૌલાના અતાઉર્ર રહેમાન પણ તેમના પુત્ર બાબતે ચિંતિત છે.
તેમણે બીબીસીને કહ્યું હતું કે "મારો દીકરો ઈવાનો ફ્રેન્કવિસ્ક ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. હવે તો સરકાર જ કશુંક કરી શકે. ઑનલાઇન ક્લાસની પરવાનગી ન મળી હોવાને કારણે બાળકો યુનિવર્સિટીમાંથી આવી શક્યા ન હતાં."
યુક્રેનસ્થિત ભારતીય રાજદૂતાવાસે યુક્રેનમાં રહેતા 20,000થી વધુ ભારતીયો માટે ગુરુવારે ત્રીજી એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે "તમે જાણો છો કે માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો છે. તેના કારણે અવરજવર મુશ્કેલ થઈ ગઈ છે. આથી જે વિદ્યાર્થીઓ કિએવમાં ફસાયેલા છે અને તેમના રોકાવા માટે જગ્યા નથી, એ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા માટે સરકારી રાજદ્વારી કચેરી સ્થાનિક સંસ્થાઓના સંપર્કમાં છે."
ભારતના વિદેશ સચિવે હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે યુક્રેનમાં હાલ 20,000 ભારતીયો છે. યુક્રેનમાં ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લેવામાં આવ્યા જેમાં ત્યાં રહેતા ભારતીય નાગરિકોનું રજિસ્ટ્રેશન પણ સામેલ છે.
શ્રૃંગલાએ કહ્યુંકે રજિસ્ટ્રેશનનું કામ એક મહિના પહેલાંથી શરૂ થઈ ગયું હતું. ઑનલાઇન રજિસ્ટ્રેશનથી જાણી શકાયું છે કે યુક્રેનમાં હાલ 20,000 ભારતીયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 4,000 ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે અહીંના ભારતીય અધિકારીઓને યુક્રેનની નજીક આવેલા દેશોમાં મોકલાયા છે.
આ અધિકારી રશિયન ભાષા બોલી શકે છે, જેથી ભાષાને કારણે તેમણે પરેશાન નહીં થવું પડે.
યુક્રેન, પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગરીમાંના ભારતીય રાજદૂતોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા ભારતીયોને આ દેશોમાં પ્રવેશવામાં મદદ કરે, જેથી તેમને ભારત લાવી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો