યુક્રેન સંકટ: વધી રહેલા તણાવ વચ્ચે રશિયા સાથે વાત કરવા માગે છે યુક્રેન
યુક્રેને પોતાની સીમા પર વધી રહેલા તણાવને લઈને રશિયા અને મુખ્ય યુરોપિયન સુરક્ષા સમૂહના દેશો સાથે બેઠક બોલાવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાનું કહેવું છે કે રશિયાએ સૈન્યબળો વધારવાની કવાયત અંગે વાતચીત કરવાના તેમના અનુરોધોને અવગણ્યા છે.
તેમણે કહ્યું કે, "અમારું આગળનું પગલું રશિયાની યોજનાઓ અંગે પારદર્શકતા માટે આગામી 48 કલાકમાં બેઠક યોજવાનું છે. અમે બેઠક યોજવા અનુરોધ કર્યો છે."
રશિયાએ યુક્રેન સાથે જોડાયેલી સીમા પર લગભગ એક લાખ સૈનિકો તહેનાત કર્યા છે, પરંતુ રશિયા યુક્રેન પર હુમલો કરવાની વાતથી ઇનકાર કરી રહ્યું છે.
જોકે, કેટલાક પશ્ચિમી દેશોએ ચેતવણી આપી છે કે, રશિયા સૈન્ય કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. ગયા અઠવાડિયે અમેરિકાએ કહ્યું કે રશિયા યુક્રેન પર કોઈ પણ સમયે હવાઈ હુમલો શરૂ કરી શકે છે.

દેશોએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા સહિત ઘણા દેશોએ પોતાના તમામ નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવાની ચેતવણી આપી છે. ઘણા દેશોએ યુક્રેનની રાજધાની કીવ ખાતેના પોતાના દૂતાવાસથી કર્મચારીઓને પણ પાછા બોલાવવાના શરૂ કરી દીધા છે.
સીબીએસ ન્યૂઝે ત્રણ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં અમેરિકા કીવમાંથી પોતાના તમામ કર્મચારીઓને પાછા બોલાવવાની તૈયારી કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેનના વિદેશ મંત્રી કુલેબાએ કહ્યું કે, યુરોપમાં સુરક્ષા અને સહકાર માટે બનાવવામાં આવેલી સંસ્થા દ્વારા વિયેના કરાર અંતર્ગત રશિયાના હેતુ અંગે યુક્રેને શુક્રવારે રશિયા પાસેથી જવાબ માગ્યા છે.
ઑર્ગેનાઇઝેશન ફૉર સિક્યૉરિટી ઍન્ડ કો-ઑપરેશન ઇન યુરોપ નામની આ સંસ્થાનો રશિયા પણ એક ભાગ છે.
દિમિત્રો કુલેબાએ વધુમાં કહ્યું કે,"જો વિવાદિત જગ્યાની સુરક્ષા અંગે રશિયા ગંભીર હોય તો તેમણે તણાવ ઓછો કરવા અને બધા માટે સુરક્ષા વધારવા માટે લશ્કરી પારદર્શકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવી જોઈએ."
જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિએ આવા દાવાઓના કારણે સર્જાતાં 'પૅનિક'ની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એવા કોઈ પુરાવા નથી મળ્યા કે આગામી દિવસોમાં રશિયા આક્રમણની તૈયારી કરી રહ્યું છે.
રવિવારે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે અંદાજે એક કલાક ટૅલિફોનિક વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ બાઇડને યુક્રેનને મદદની ખાતરી આપી હતી.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ સાથેની વાતચીત અંગે યુક્રેનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ રાષ્ટ્રપતિના અચળ સમર્થન માટે આભાર માન્યો હતો અને યુક્રેન આવવા આમંત્રણ આપ્યું હતું. વ્હાઇટ હાઉસ તરફથી આમંત્રણ પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

રાજદ્વારી ઉકેલ શોધવામાં જર્મન ચાન્સેલર પણ જોડાયા

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાની મુખ્ય માગણીઓમાંની એક હતી કે, યુક્રેનને ક્યારેય નાટોમાં જોડાવાની મંજૂરી નહી આપવામાં આવે. આ માગણીને પશ્ચિમી દેશોએ એમ કહીને સ્પષ્ટતા આપી હતી કે, નાટોના દરવાજા નવા સભ્યો માટે ખુલ્લા રહેવા જોઈએ.
પરંતુ, લંડનમાં યુક્રેનના રાજદૂત વાદ્યમ પ્રિસ્ટાઇકોએ બીબીસીને કહ્યું છે કે, તેમનો દેશ યુદ્ધને ટાળવા માટે નાટોમાં જોડાવાની તેમની મહત્ત્વાકાંક્ષા છોડવા તૈયાર હોઈ શકે છે.
યુક્રેનનાં બંધારણમાં લખાયેલું હોવા છતાં કીવ નાટો સભ્યપદ મેળવવાની યોજનાને વિરામ આપવાનું વિચારી રહ્યું છે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "અમને ખાસ કરીને એવી ધમકી આપવામાં આવી રહી છે, તેના દ્વારા અમને બ્લૅકમેલ કરવામાં આવી શકે છે અને તેની તરફ ધકેલવામાં આવશે."
રાજદ્વારી ઉકેલ શોધવાના તાજેતરના પ્રયાસમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સોમવારે કીવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે અને મંગળવારે મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠકો યોજી છે.
આ એ જ ચાન્સેલર છે, જેમણે ડિસેમ્બરમાં ઍન્જેલા મર્કેલ પાસેથી જર્મનીનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમણે પશ્ચિમી દેશો અને નાટોના સભ્ય દેશોનાં નિવેદનોને અનુલક્ષીને ચેતવણી આપી હતી કે, જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેનાં ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે.
જોકે, બર્લિનના અધિકારીઓએ સફળતાની અપેક્ષાઓ ન્યૂનતમ રાખી છે.

અમેરિકાએ કહ્યું, 'અમે નજર રાખી રહ્યા છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન યુકેના વડા પ્રધાન બૉરિસ જૉનસન રશિયાને યુદ્ધની અણી પરથી પાછા લાવવા માટે સમગ્ર યુરોપમાં નવી રાજદ્વારી વાટાઘાટો યોજવાની યોજના ધરાવે છે.
વૉશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવાને કહ્યું કે, આક્રમણ કોઈ પણ દિવસે શરૂ થઈ શકે છે.
સુલિવાને જણાવ્યું હતું કે, અમેરિકા સંપૂર્ણપણે મૉસ્કોના સંભવિત ખોટા આક્રમણ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
રશિયા દલીલ કરી રહ્યું છે કે, યુક્રેનની સરહદ પર તેમના સૈનિકો એ તેમની ખુદની સીમામાં છે અને તેમના ખુદની ચિંતાનો વિષય છે. રવિવારે વરિષ્ઠ વિદેશ નીતિ અધિકારી યુરી ઉષાકોવે નિકટવર્તી આક્રમણની અમેરિકાની ચેતવણીઓ અંગે ટિપ્પણી કરી હતી.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













