સુરતમાં એકતરફી પ્રેમ કરતાં યુવકે યુવતીને જાહેરમાં રહેંસી નાખી, કેમ વ્યક્તિ પોતાના પ્રેમની હત્યા કરવા સુધી પહોંચી જાય છે?

એક કહેવત પ્રમાણે માણસ પ્રેમમાં કંઈ પણ કરી શકે છે, પણ જેને પ્રેમ કર્યો હોય તેની હત્યા કરીને જાતે મરવાનો પ્રયત્ન કરે તે માણસને શું કહેવાય?

વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં સુરતમાં કથિતપણે એકતરફી પ્રેમમાં યુવકે યુવતીના ઘર પાસે જઈને ધમાલ મચાવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં સુરતમાં કથિતપણે એકતરફી પ્રેમમાં યુવકે યુવતીના ઘર પાસે જઈને ધમાલ મચાવી હતી

વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં સુરતમાં કથિતપણે એકતરફી પ્રેમમાં યુવકે યુવતીના ઘર પાસે જઈને ધમાલ મચાવી હતી.

યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરતાં તેમને બચાવવા માટે વચ્ચે પડેલી યુવતીના ગળા પર ચપ્પુ ફેરવીને યુવકે તેની પણ હત્યા કરી હતી.

ત્યાર બાદ પોતાના ખિસ્સામાંથી કોઈ પદાર્થ કાઢીને ખાધા બાદ હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે, યુવકને તો સમયસર સારવાર મળી જતાં તેનો તો જીવ બચી ગયો છે, પરંતુ યુવતીએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી કાપોદરા વિસ્તારમાં રહેતા ફેનીલ ગોયાણી નામના યુવાન હેરાન કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી કાપોદરા વિસ્તારમાં રહેતા ફેનીલ ગોયાણી નામના યુવાન હેરાન કરતા હતા

કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, 20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી કાપોદરા વિસ્તારમાં રહેતા ફેનીલ ગોયાણી નામના યુવાન હેરાન કરતા હતા. યુવતીએ આ અંગે તેમના પરિવારને પણ જાણ કરી હતી.

પરિવારજનોએ અગાઉ પણ ફેનીલ સાથે વાત કરીને યુવતીને હેરાન ન કરવા કહ્યું હતું.

શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ ફેનીલ યુવતીના ઘર પાસે આવ્યા હતા. જેની જાણ થતાં યુવતીએ તેમના ભાઈને આ અંગે કહ્યું હતું.

યુવતીના પિતા હાલમાં દક્ષિણ આફ્રિકા હોવાથી તેમના મોટા પપ્પા અને ભાઈ ફેનીલ સાથે વાત કરવા ગયા હતા.

જોકે, ઉશ્કેરાયેલા ફેનીલે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને યુવતીના મોટા પપ્પાને માર્યું હતું. તે સમયે વચ્ચે પડેલા યુવતીના ભાઈને પણ હાથ પર ચપ્પુ વાગ્યું હતું.

ફેનીલ દ્વારા આ બન્ને પર હુમલો કરાતા છોડાવવા માટે યુવતી વચ્ચે પડ્યાં હતાં. જેથી ફેનીલે તેમને પણ પકડી લીધાં હતાં.

પોતાના પરિવારના બે સભ્યો પર હુમલો કર્યા બાદ ફેનીલે યુવતીને પકડતાં તેઓ ગભરાઈ ગયાં હતાં અને તેમણે બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી.

તે સમયે હાજર એક વ્યક્તિ દ્વારા લેવાયેલા વીડિયોમાં ફેનીલ યુવતીને પાછળથી પકડીને ઊભા હોય તેવુ દેખાઈ રહ્યું છે.

થોડીવાર સુધી કંઈક બોલ્યા બાદ ફેનીલે યુવતીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. જેથી તેઓ ઢળીને જમીન પર પડી ગયાં હતાં.

વીડિયોમાં આગળ ફેનીલ પોતાના હાથમાં ચપ્પુ રાખીને ખિસ્સામાંથી એક પડીકી કાઢતા નજરે પડે છે અને પડીકીમાંથી વસ્તુ કાઢીને ખાતા દેખાય છે.

પોલીસ ફરિયાદમાં તેને ઝેરી દવા જેવો પદાર્થ કહેવામાં આવ્યો છે.

આમ કર્યા બાદ ફેનીલે ચપ્પા વડે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

line

શું કહે છે પોલીસ?

પોલીસ હત્યાના આરોપીની હાલ સારવાર ચાલી રહી હોવાનું જણાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસ હત્યાના આરોપીની હાલ સારવાર ચાલી રહી હોવાનું જણાવે છે

ડીવાયએસપી બી. કે. વનારના જણાવ્યા પ્રમાણે, મૃતક અને હત્યા કરનાર બન્નેની ઉંમર અંદાજે 20-21 વર્ષ છે.

તેમના જણાવ્યા પ્રમાણે, બન્ને એક જ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં અને કદાચ સ્કૂલમાં પણ એકસાથે હતાં.

એક સાથે અભ્યાસ કરવાના કારણે જ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હોવાનું ડીવાયએસપી વનારનું માનવું છે.

હત્યા કરવા પાછળના કારણ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે, "તે (ફેનીલ) પહેલેથી જ નક્કી કરીને આવ્યો હતો. તેણે હત્યા કર્યા બાદ ઝેરી પાઉડર જેવો પદાર્થ પી લીધો હતો અને જાતે જ હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો."

તેમણે વધુમાં જણાવ્યું કે, "હાલમાં ફેનીલ હૉસ્પિટલમાં છે. જ્યાં તેના હાથ પર એક ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરી શકાશે."

line

પણ શા માટે માણસ આ હદ સુધી પહોંચી શકે?

માણસ ક્યારે પોતાની પસંદના પાત્રની હત્યા કરીને જાતે મરવાનો પ્રયત્ન કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માણસ ક્યારે પોતાની પસંદના પાત્રની હત્યા કરીને જાતે મરવાનો પ્રયત્ન કરી શકે?

માણસ ક્યારે પોતાની પસંદના પાત્રની હત્યા કરીને જાતે મરવાનો પ્રયત્ન કરી શકે? આ પ્રશ્નનો જવાબ શોધવા બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સકનો સંપર્ક કર્યો હતો.

વડોદરામાં આવેલી બરોડા મેડિકલ કૉલેજમાં ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકિયાટ્રીકના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટ જણાવે છે કે, આ પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર છે.

તેમના પ્રમાણે, "એકતરફી પ્રેમમાં ગુસ્સો એ સૌથી મોટું અસર કરતું પરિબળ છે. જ્યારે એક વ્યક્તિ અન્યને પ્રેમ કરતી હોય અને તેને સામેથી સરખો પ્રતિભાવ ન મળે ત્યારે ગુસ્સો વધતો જાય છે.

જેમ જેમ ગુસ્સો વધે છે, તે સારું-નરસું શું છે? તેનો ભેદ ભૂલી જાય છે અને આ સ્થિતિ સર્જાઈ શકે છે."

આ સિવાય નશો કરવાની આદત પણ એટલી જ જવાબદાર હોવાનું તેમનું માનવું છે.

ડૉ. ચિરાગ બારોટ કહે છે કે, "ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઑર્ડર"થી પીડાતા લોકો પણ પોતાની આસપાસ શું થઈ રહ્યું છે અને તેમની કોઈપણ પ્રતિક્રિયાથી લોકોને કે લોકો પર શું અસર પડશે તેનાથી અજાણ થઈ જતા હોય છે."

આ જ કારણથી જ્યારે તેઓ હત્યા કરવા કે આત્મહત્યા કરવાનું વિચારે છે તો તેમને આ પગલું યોગ્ય છે કે નહીં? તેની ખબર નથી પડતી અને જ્યારે પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો