યુક્રેન સંકટ : રશિયા-બેલારુસની સૈન્યકવાયત, બાઇડને અમેરિકન લોકોને યુક્રેન છોડવા કહ્યું

યુક્રેન પર રશિયન હુમલાની આશંકાઓ વચ્ચે રશિયા અને બેલારુસે 10 દિવસીય સંયુક્ત સૈન્યઅભ્યાસ શરૂ કર્યો છે. અમેરિકાએ આ સૈન્યકવાયતને વર્તમાન પરિસ્થિતિ વચ્ચે 'તણાવ વધારવા'નો પ્રયાસ ગણાવ્યો છે.

બેલારુસ રશિયાનો નજીકનો સાથી છે અને તેની યુક્રેન સાથે લાંબી સરહદ વહેંચાયેલી છે. અમેરિકાએ આ સૈન્યકવાયતને 'ઉશ્કેરણી' ગણાવી છે જ્યારે યુક્રેને 'મનોવૈજ્ઞાનિક દબાણ' બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનમાં રહેલા તમામ અમેરિકન નાગરિકોને રશિયન સૈન્યકાર્યવાહીના વધતા જોખમોને કારણે તાત્કાલિક દેશ છોડી દેવાની અપીલ કરી છે.

જો બાઇડને કહ્યું કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો તેઓ અમેરિકનોને બચાવવા માટે સૈન્ય મોકલશે નહીં.

તેમણે ચેતવણી આપી હતી કે આ પ્રદેશમાં "સ્થિતિ ગમે ત્યારે ખરાબ થઈ શકે છે".

શીતયુદ્ધ પછી બેલારુસમાં રશિયાના સૈનિકોનો સૌથી મોટો જમાવડો હોવાનું માનવામાં આવે છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની કોઈ પણ યોજનાનો વારંવાર ઇનકાર કર્યો છે, પરંતુ એ સાથે તેમણે સરહદ પર 100,000થી વધુ સૈનિકો પણ તહેનાત કર્યા છે.

અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો ગમે ત્યારે હુમલો થવાની ચેતવણી આપી રહ્યા છે.

રશિયા કહે છે કે તે સ્વીકારી શકતું નથી કે જે રશિયા સાથે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતું અને અગાઉ સોવિયેત યુનિયનનો ભાગ હતું તે યુક્રેન આજે પશ્ચિમી ગઠબંધન નાટોમાં જોડાઈ ગયું.

રશિયા 2014થી પૂર્વ યુક્રેનમાં સશસ્ત્ર બળવાખોરોને સમર્થન આપી રહ્યું છે.

આ તણાવને ઓછો કરવા માટે ગુરુવારે યુરોપના ઘણા દેશો વચ્ચે રાજદ્વારી મંત્રણા થવાની શક્યતા છે.

સંયુક્ત યુદ્ધાભ્યાસમાં 30,000 જેટલા રશિયન સૈનિકો?

અમેરિકાએ કહ્યું કે લગભગ 30,000 રશિયન સૈનિકો બેલારુસ સાથે સૈન્યઅભ્યાસમાં ભાગ લઈ શકે છે. બેલારુસના નેતા એલેક્ઝાન્ડર લુકાશેન્કો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના નજીકના સાથી છે.

બેલારુસમાં 2020ની વિવાદાસ્પદ ચૂંટણીને લઈને ફાટી નીકળેલાં પ્રદર્શનોમાં રશિયાએ લુકાશેન્કોને ટેકો આપ્યો હતો. સંયુક્ત કવાયતને ગંભીર ગણાવતા રશિયન પ્રવક્તાએ કહ્યું કે રશિયા અને બેલારુસ "અણધાર્યા જોખમનો સામનો કરી રહ્યા છે."

યુરોપિયન યુનિયનમાં રશિયન રાજદૂત વ્લાદિમિર ચિઝોવે બીબીસીને જણાવ્યું હતું કે રશિયાને હજુ પણ વિશ્વાસ છે કે વાટાઘાટથી યુક્રેનસંકટ હળવું થઈ શકે છે.

તેમણે કહ્યું કે રશિયન સૈનિકો હાલમાં બેલારુસમાં છે અને કવાયત પછી તેમના સ્થાયી બેઝ પર પાછા ફરશે.

મિન્સ્ક કરાર પર ચર્ચા

ગુરુવારે તણાવ ઓછો કરવાના હેતુ સાથેની સંવાદ અપેક્ષિત છે અને તેમાં રશિયા અને યુક્રેનના રાજદૂતો તેમજ ફ્રાન્સ અને જર્મનીના રાજદૂતો સામેલ થશે. આ સંવાદ નોર્મેન્ડી ક્વાર્ટલેટ તરીકે ઓળખાય છે.

દરમિયાન જે પૂર્વી યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા માટેના મિન્સ્ક કરાર પર ફરીથી ચર્ચા કરવામાં આવી રહી છે. જેનો ઉપયોગ વર્તમાન સંકટને શાંત કરવા માટેના આધાર તરીકે થઈ શકે છે.

મિન્સ્ક કરારમાં પૂર્વી યુક્રેનમાં સૈન્ય અને રશિયા તરફી અલગતાવાદીઓ વચ્ચે યુદ્ધવિરામની વાત કહેવામાં આવી છે. યુક્રેન, રશિયા, ફ્રાન્સ અને જર્મનીએ 2014-15માં કરારને સમર્થન આપ્યું હતું.

યુ.એસ.માં ફ્રેન્ચ રાજદૂત ફિલિપ એટિને ટ્વીટ કર્યું કે મિન્સ્ક કરારનો ઉપયોગ "વ્યવહારુ રાજકીય ઉકેલ તરફ આગળ વધવા" માટે થઈ શકે છે.

બ્રિટિશ વડા પ્રધાન બ્રસેલ્સ અને વોર્સોની મુલાકાતે

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સન નાટો સહયોગીઓના સમર્થનમાં ગુરુવારે બ્રસેલ્સ અને વૉર્સોની મુલાકાત લેવાના છે.

જૉન્સનની મુલાકાત રાજદ્વારી પ્રયાસોનો એક ભાગ છે.

વિદેશમંત્રી લિઝ ટ્રસ અને સંરક્ષણમંત્રી બેન વૉલેસ પણ તેમના રશિયન સમકક્ષો સાથે મુલાકાત કરવાના છે.

મુલાકાત પહેલાં ટ્રુસે કહ્યું કે તે યુક્રેનમાં લોકશાહી અને સ્વતંત્રતાની તરફેણમાં છે અને મોસ્કોને રાજદ્વારી ઉકેલ શોધવા માટે અપીલ કરશે.

યુક્રેનમાં તણાવ વધારવા માટે મોસ્કો વારંવાર "એંગ્લો-સેક્સન" દેશોને દોષી ઠેરવે છે અને યુક્રેનમાં કઠપૂતળી સરકાર સ્થાપવાની ક્રેમલિનની યોજનાના બ્રિટનના દાવાઓને ફગાવી દે છે.

દરમિયાન જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ગુરુવારે બર્લિનમાં બાલ્ટિક દેશો એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયાના નેતાઓને મળશે. આ નાના નાટો સભ્ય દેશો રશિયા સાથે સરહદ ધરાવે છે અને અગાઉ સોવિયત સંઘનો ભાગ હતા.

તેમણે બુધવારે ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસેન સાથે સંયુક્ત પત્રકારપરિષદમાં જણાવ્યું હતું , "અમારું કામ યુરોપમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે અને હું માનું છું કે અમે તે હાંસલ કરવામાં સક્ષમ થઈશું,"

રશિયા પર સમુદ્રી નાકાબંધીનો આરોપ

રશિયા આગામી અઠવાડિયે નૌકાદળની કવાયતની તૈયારી કરી રહ્યું હોઈ યુક્રેને રશિયા પર આરોપ મૂક્યો છે કે તેમણે સમુદ્રમાં નાકાબંધી કરી છે.

યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે એઝોવના સમુદ્રની સંપૂર્ણપણે નાકાબંધી કરી દેવામાં આવી છે અને કાળો સમુદ્ર રશિયન લશ્કર દ્વારા મોટે ભાગે અવરોધિત કરી દેવામાં આવ્યો છે.

રશિયાના નૌકાદળની કવાયત આવતા અઠવાડિયે યુક્રેનની દક્ષિણે આવેલા બંને- કાળા સમુદ્ર અને અઝોવ સમુદ્રમાં થશે. રશિયાએ મિસાઇલ અને ગનરી ફાયરિંગ કવાયતને ટાંકીને દરિયાકાંઠાની ચેતવણી જારી કરી છે.

યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે "અભૂતપૂર્વ વિશાળ વિસ્તાર જ્યાં નૌકાદળની કવાયત હાથ ધરવામાં આવશે તે બંને સમુદ્રોમાં નેવિગેશન વ્યાવહારિક રીતે અશક્ય બનાવી દેવામાં આવ્યું છે." સંરક્ષણમંત્રી ઓલેકસી રેઝનિકોવે ટ્વીટ કર્યું કે રશિયા દ્વારા બે સમુદ્રના આંતરરાષ્ટ્રીય જળસીમાને અવરોધિત કરવામાં આવી છે.

દરમિયાન યુક્રેનમાં યુએસ એમ્બેસીએ ટ્વિટ કર્યું કે "લશ્કરી કવાયતના બહાના હેઠળ રશિયા યુક્રેનના દરિયાઈ સાર્વભૌમત્વને પ્રતિબંધિત કરે છે. કાળા સમુદ્ર/એઝોવના સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે અને યુક્રેનની અર્થવ્યવસ્થા માટે જરૂરી દરિયાઈ ટ્રાફિકને અવરોધે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો