#INDvPAK : બાબર આઝમ વિરાટ કોહલી કરતાં બહેતર કૅપ્ટન છે?

વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ન હારવાની ભારતની પરંપરા રવિવારે તૂટી અને પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી દીધું.

બાબર આઝમે કપ્તાનને શોભે એ રીતે રમતાં 52 બૉલમાં નોટઆઉટ 68 રન કર્યા. આ મૅચ બાદ ચોતરફ બાબરનાં વખાણ થઈ રહ્યાં છે. તેમની અને વિરાટ કોહલીની કપ્તાનીની સરખામણી પણ થઈ રહી છે.

ભારત અને પાકિસ્તાનના મુકાબલા પહેલાં પાકિસ્તાની ટીમના પૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ -ઉલ-હકે જિઓ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાબર આઝમ ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી કરતાં ટેક્નિકલ રૂપે બહેતર છે.

તેમણે કહ્યું કે, "મને તેમનામાં (બાબર આઝમ)માં સૌથી સારી વાત એ લાગે છે કે તેમનામાં રન બનાવવાની ભૂખ છે અને દર વખતે મોટા સ્કોર ઊભો કરવાની ભૂખ હોય છે."

"આવી ભૂખ મેં બીજા કોઈ ખેલાડીમાં નથી જોઈ. તેમના વિશે એક હકારાત્મક વાત છે કે તેઓ હંમેશાં રમત પર ફોક્સ કરે છે. મને લાગે છે કે તેઓ કેટલાય ક્રિકેટ રેકૉર્ડ તોડશે."

બાબર આઝમ અને વિરાટ કોહલીની સરખામણીને લઈને જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ઇન્ઝમામે કહ્યું કે બંને ખેલાડીઓની પોતપોતાની ખાસિયત છે તો બેટિંગ અને રન બનાવવાની રીત પણ અલગઅલગ છે.

પરંતુ, તેમણે બાબર આઝમનાં વખાણ કરતાં કહ્યું કે, " જો તમે જોશો કે અત્યાર સુધી બાબર જેવું ક્રિકેટ રમ્યા છે અને તેની કોહલીની શરૂઆતનાં અમુક વર્ષો સાથે સરખામણી કરીએ તો બાબર થોડા આગળ દેખાય છે."

ઇન્ઝમામના દાવાની વાત કરીએ તો તેઓ ઉંમરને કારણે બાબરને કોહલી કરતાં આગળ કહી રહ્યા હતા, પરંતુ રવિવારની મૅચની વાત કરીએ તો જોઈ શકાય છે કે કોહલી દબાણમાં કેવું પ્રદર્શન કરી શકે છે.

એક તરફ જ્યાં આખી ભારતીય ટીમ કંઈ કરી શકતી નહોતી ત્યાં કોહલી જવાબદારીપૂર્વક પોતાની ઇનિંગ્ઝ રમી રહ્યા હતા. ત્યાં, બાબરની વાત કરો તો તેમણે શરૂઆતમાં ટૉસ જીતીને જ મહત્ત્વની સરસાઈ મેળવી લીધી હતી.

કોહલીએ કહ્યું હતું કે જો તેમણે ટૉસ જીત્યો હોત તો તેમણે પણ પહેલા બૉલિંગ જ પસંદ કરી હોત કારણ કે પછી ઝાકળ પડે છે અને તેનો લાભ બૅટ્સમૅનને થાય છે.

તેમણે પત્રકારપરિષદ દરમિયાન કહ્યું કે ટૉસ આ ટુર્નામેન્ટમાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે બીજી ઇનિંગ્ઝમાં પિચ બૅટ્સમૅનને સારી પકડ આપે છે.

બાબરને આખી મૅચમાં ઓપનિંગ બૅટ્સમૅન મહંમદ રિઝવાનનો સહયોગ મળ્યો.

વિકેટકીપર બૅટ્સમૅન મહંમદ રિઝવાને 55 બૉલમાં 79 રન કર્યા, જેમાં તેમણે ત્રણ છગ્ગા અને ચાર ચોક્કા લગાવ્યા.

કોહલી અને બાબરની તુલના

ઇન્ઝમામે બાબર અને કોહલીની તુલના કરીને એક વખત ફરી બંને ક્રિકેટરોમાં કોણ શ્રેષ્ઠ છે તે અંગે ચર્ચા શરૂ કરી દીધી છે.

જોકે, એમાં કોઈ શંકા નથી કે કોહલીના રેકૉર્ડને જોતાં એવું કહી શકાય કે આ સરખામણી અનાવશ્યક છે.

કોહલીએ 91 ટી20 મૅચમાં 3,216 રન બનાવ્યા છે તો બીજી તરફ બાબરે 62 મૅચમાં 2272 રન બનાવ્યા છે.

કોહલી 254 આંતરરાષ્ટ્રીય વન ડે મૅચમાં 12 હજારથી વધારે રન બનાવ્યા છે ત્યારે બાબરે 83 વન ડે મૅચમાં 3,985 રન બનાવ્યા છે.

જોકે, આમાં ઉંમરનું મોટું અંતર પણ સામેલ છે. કોહલી ટૂંક સમયમાં 33 વર્ષના થઈ જશે ત્યારે બાબર હજુ 28 વર્ષના પણ નથી થયા.

કોહલીએ કહ્યું કે 'તેઓ ટીમોમાં ભેદ નથી કરતા'

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ હોય તો ઉત્સુકતાનું સ્તર જ અલગ હોય છે. પહેલી વખત પાકિસ્તાને ભારતને વર્લ્ડકપમાં હરાવ્યું અને આ રીતે તેણે ઇતિહાસ સર્જી દીધો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મૅચ જીત્યા પછી પાકિસ્તાનની ટીમને અભિનંદન આપતાં ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું, "પાકિસ્તાનની ટીમને અભિનંદન અને ખાસ કરીને આઝમને જેમણે નેતૃત્વ કર્યું અને સાથે જ રિઝવાન અને શાહીન આફ્રિદીને શાનદાર પ્રદર્શન માટે શુભકામના. રાષ્ટ્રને તમારા બધા પર ગર્વ છે."

બીજી તરફ ઇમરાન ખાન સરકારના મંત્રી મંડળમાં સામેલ શેખ રશીદ અહમદે એક ડગલું આગળ વધીને કહ્યું કે આ જ પાકિસ્તાની ક્રિકેટ ટીમની ફાઇનલ મૅચ હતી અને તેઓ આના માટે આખી ઇસ્લામિક દુનિયાના લોકોને અભિનંદન આપે છે

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ અહમદ એક તરફ આને ક્રિકેટમાં ઇસ્લામી દુનિયાના લોકોની જીત ગણાવી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ મૅચ પછી પત્રકારપરિષદમાં કહ્યું કે તેઓ દરેક ટીમને સમાન રૂપે પ્રતિસ્પર્ધી ગણે છે.

તેમણે કહ્યું કે, ''ક્રિકેટ એક સન્માનિત રમત છે અને અમે કોઈ એક ટીમમાં ભેદ નથી કરતા. અમે હારી ગયા છીએ એ સ્વીકારી છીએ અને તેમને જીતનું શ્રેય આપીએ છીએ અને હવે અમે હકારાત્મક રૂપથી આગળ વધીશું.''

"અમે પૂરા પ્રયાસો કર્યા પરંતુ તેમને (પાકિસ્તાની ટીમને) ક્રૅડિટ આપવામાં અને સ્વીકાર કરવામાં કોઈ શરમની વાત નથી કે તેઓ સારું રમ્યા. સ્થિતિ અનુસાર અમે સન્માનિત લક્ષ્ય આપ્યું. પરંતુ તેમને જીતનું શ્રેય આપવામાં આવે છે."

વિરાટ કોહલીએ પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીનશાહ અફ્રિદીનાં વખાણ કરતાં કહ્યું કે તેમણે નવા બૉલથી સારી બૉલિંગ કરી અને તેનાથી ભારતીય ટીમને તરત બૅકફુટ પર ધકેલી દીધી.

જોકે, કોહલી ફરી કહ્યું કે આ ટુર્નામેન્ટની પ્રથમ મૅચ છે અને આનાથી આગળની મૅચો વિશે અંદાજ ન લગાવવો જોઈએ.

તેમણે કહ્યું, "આ હાર નથી શિખામણ છે કારણ કે આ પ્રથમ મુકાલબો હતો અને હજી આગળ ઘણી બધી મૅચ બાકી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો