ફેસબુક પર 'લોકશાહીને નબળી પાડવાનો આરોપ', કોણ છે વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોગન?
ફેસબુકના આંતરિક વિશ્લેષણના રિપોર્ટ મામલે ઘટસ્ફોટ કરનાર 'વ્હિસલબ્લોઅર' પૂર્વ કર્મચારીએ પોતાની ઓળખ જાહેર કરી છે અને દાવો કર્યો છે કે ફેસબુક, "બાળકો માટે નુકસાનકારક છે અને તે લોકશાહીને નબળી પાડી રહ્યું છે."
આ મામલાએ ડિજિટલ વિશ્વમાં ફરી એક વાર ખળભળાટ મચાવી દીધો છે. પહેલાં આ પૂર્વ કર્મચારીએ ખુદ રિપોર્ટ પ્રાપ્ત કર્યાં અને તપાસ કરી. જેના આધારે પછી 'વોલ સ્ટ્રીટ જર્નલે' લેખોની એક શ્રૃંખલા પ્રકાશિત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ હવે આ વ્હિસલબ્લોઅર પૂર્વ કર્મચારી જાહેરમાં આવ્યાં છે. અને અમેરિકી સેનેટ સમક્ષ હાજર થઈ જુબાની આપી છે. ફેસબુકના આ પૂર્વ કર્મચારીનું નામ ફ્રાન્સિસ હોગન છે.
તેમણે કંપનીના પ્રોડક્ટ્સ અને નિર્ણયોના નકારાત્મક પ્રભાવ અંગે ઇન્ટરનેટ રિસર્ચને લઈને કંપનીની જાગૃતતા મામલેની વાતો ઉજાગર કરી છે અને સીબીએસની શ્રૃંખલા '60 મિનિટ્સ'માં જાહેરમાં આવીને ઇન્ટરવ્યૂ આપ્યો છે.
આ જ મહિલા કર્મચારીના આરોપોના આધાર પર 'ધ વોલ સ્ટ્રી જર્નલ'એ કેટલાક લેખ પણ પ્રકાશિત કર્યાં હતાં.

'બાળકો માટે નુકસાનકારક' હોવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુકના આ પૂર્વ કર્મચારીનું નામ ફ્રાન્સિસ હોગન છે. તેમણે ગુમનામ રીતે અમેરિકી સરકારના કાયદા વિભાગ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે, "ફેસબુકને પોતાના જ એક આંતરિક રિસર્ચથી જાણવા મળ્યું છે કે કંપની નફરત અને ખોટી સૂચનાઓને પ્રોત્સાહન આપે છે. તેનાથી ઘ્રુવીકરણ વધે છે અને ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે."
'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના લેખોને 'ધ ફેસબુક ફાઇલ્સ' તરીકે ઓળખવામાં આવે છે. તેણે કંપનીની એક એવી તસવીર રજૂ કરી છે કે જે જનતાની ભલાઈ કરવાની જગ્યાએ પોતાના ખુદના જ હિતોને કેન્દ્રમાં રાખે છે.
તેમાં કહેવાયું છે કે, "ફેસબુકે રિસર્ચને વધુ મહત્વ ન આપવાની કોશિશ કરી છે. કંપનીના નીતિ અને જાહેર બાબતોના મામલાના ઉપાધ્યક્ષ નિક ક્લૅગે ગત શુક્રવારના રોજ એક જાહેરાતમાં ફેસબુક કર્મચારીઓને લખ્યું હતું કે, "હાલના વર્ષોમાં સોશિયલ મીડિયાનો સમાજ પર મોટો પ્રભાવ પડ્યો છે અને ફેસબુક હંમેશાં એક ચર્ચાનો મંચ રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે પણ એક ઇમેલ-બ્લૉગમાં કર્મચારીઓને જણાવ્યું છે કે, "કંપનીના રિસર્ચને ખોટી રીતે રજૂ કરાયો છે અને તેની નકારાત્મક વાતોને હાઇલાઇટ કરવામાં આવી રહી છે, જ્યારે હકારાત્મક વાતો પર પડદો પાડી દેવાયો છે."
તેમણે લખ્યું છે, "ફેસબુક બાળકો માટે એક સુરક્ષિત મંચ બને એ માટે કંપની ગંભીરતાથી કામ કરે છે."
બીજી તરફ કૅપિટલ હિલમાં ફ્રાન્સિસ હોગનની જુબાની છે. આ વખતે અમેરિકાના બંને રાજકીય પક્ષો ડૅમૉક્રેટ્સ અને રિપલ્બિકન્સ એકસાથે છે. તેઓ ફેસબુક મામલે ગંભીર છે.
તેમનું માનવું છે કે કંપની અને ઝુકરબર્ગ બેલગામ થઈ ગયા છે. અને તેનાથી સમાજને અસર પહોંચી રહી છે.

કોણ છે ફ્રાન્સિસ હોગન?

ઇમેજ સ્રોત, CBS's 60 Minutes programme
બીબીસીના ઉત્તર અમેરિકાના ટૅકનૉલૉજી રિપોર્ટર જેમ્સ ક્લૅટોન અનુસાર 37 વર્ષીય ફ્રાન્સિસ હોગન ફેસબુકમાં નાગરિકી બાબતોમાં પારદર્શિતા સંબંધિત ટીમના પ્રોડક્ટ મૅનેજર તરીકે કામ કરતાં હતાં.
અને તેમણે કથિતરૂપે લીક દસ્તાવેજ મામલે કહ્યું કે, "ફેસબૂક સૅફ્ટી કરતા નફાને વધુ મહત્ત્વ આપે છે."
તેમણે સીબીએસના 60 મિનિટ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "આ વર્ષની શરૂઆતમાં કંપની છોડી દીધી હતી."
એ પહેલાં તેમણે કંપનીના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને મેમોની નકલો કાઢીને પોતાની પાસે રાખી લીધી હતી.
તેમણે જે દસ્તાવેજો વોલ સ્ટ્રીટ જર્નલને પૂરા પાડ્યા તેમાં કહેવાય છે કે ફેસબુક સેલિબ્રિટીઝ, રાજકારણીઓ અને હાઇ-પ્રોફાઇલ યુઝર્સને અલગ અલગ રીતે ટ્રીટ કરે છે અને મૉડરેશનની પૉલિસીને એકસમાન રીતે લાગુ કરવામાં નથી આવતી. તેમાં XCheck નામની સિસ્ટમ હેઠળ આવા એકાઉન્ટ્સ પર પૉલિસી લાગુ જ નથી કરાતી.
વળી લીક દસ્તાવેજોમાં એવું પણ જોવા મળે છે કે ફેસબુક પર તેના જ શૅરહોલ્ડરના જૂથ દ્વારા જટિલ કાનૂની કેસ કરાયેલા છે.
આ જૂથનો દાવો છે કે કૅમ્બ્રિજ એનલિટિકા ડેટા કૌભાંડ મામલેના સમાધાન હેતુસર અમેરિકાના ફૅડરલ ટ્રૅડ કમિશનને ચૂકવવામાં આવેલો 5 બિલિયન ડૉલર્સનો દંડ ખરેખર અતિશય ઊંચો છે અને તે ખરેખર માર્ક ઝુકરબર્ગને વ્યક્તિગત જવાબદારીમાંથી બચાવવા માટેનો છે.
પરંતુ ઇન્સ્ટાગ્રામ મામલેના આરોપોથી અમેરિકાના રાજકારણીઓ ચિંતિત છે.
ફેસબુકે તેનું આંતરિક રિસર્ચ કર્યું હતું જેમાં ઇન્સ્ટાગ્રામ કિશોરવયના બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે એ તારણને જાહેર નહોતું કરાયું અને તે એવું પણ સૂચવતું હતું કે ઇન્સ્ટાગ્રામ એક સ્વસ્થ મંચ નથી.
ફ્રાન્સિસ હોગન સેનેટની સબકમિટી સમક્ષ 'ઑનલાઇન બાળકોની સુરક્ષા' ટાઇટલ હેઠળની સુનાવણીમાં જુબાની આપી રહ્યાં છે.
ફ્રાન્સિસે એવો પણ આરોપ લગાવ્યો છે કે અમેરિકી ચૂંટણી વેળા કૅપિટલ હિલ્સમાં જે હિંસા થઈ હતી તેને ઉશ્કેરવામાં ફેસબુકે મદદ કરી હતી.
જોકે ફેસબુકે આ તમામ આરોપો નકાર્યા છે. જોકે, ફેસબુકને લઈને દુનિયાભરમાં ઊહાપોહ છે અને આ પ્રથમ વખત નથી કે ફેસબુક પર ગંભીર આરોપો લાગ્યા હોય.

ફેસબુક અને મોટા વિવાદો
1.'ભારતમાં ભાજપ સામે કુણૂં વલણ' રાખવાના આરોપ

ઇમેજ સ્રોત, SUSANA BATES/GETTY IMAGES
ભારતમાં પણ તાજેતરમાં ફેસબુક પર એક ગંભીર આરોપ લાગ્યો હતો. જેમાં ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પૉલિસીનાં પ્રમુખ અંખી દાસે રાજીનામું આપી દીધું.
અંખી દાસ પર આરોપ હતો કે પોતાના પદ પર રહીને તેમણે ત્રણ હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન અને અમુક લોકો સામે હેટ-સ્પીચના નિયમ હેઠળ કાર્યવાહી નહોતી કરી.
તેમનાં પર એવો પણ આરોપ લગાવાયો હતો કે તેમણે ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના મામલામાં ફેસબુક કંપની દ્વારા કાર્યવાહી થવા નહોતી દીધી.
અંખી દાસ સામે છત્તીસગઢમાં પોલીસ ફરિયાદ થઈ હતી.
આ અગાઉ અંખી દાસે પણ રાયપુરના પત્રકાર આવેશ તિવારી સહિત અન્ય પાંચ લોકો સામે દિલ્હી સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી.
જ્યારથી કથિત રીતે ફેસબુક દ્વારા ભાજપની તરફેણનો વિવાદ શરૂ થયો છે અંખી દાસ સતત ચર્ચામાં હતાં.
અમેરિકાના અખબાર વૉલસ્ટ્રીટ જર્નલમાં 14 ઑગસ્ટે એક અહેવાલ છપાયો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની જે વૉટ્સઍપની પણ માલિક છે, તે ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સામે ઘૂંટણિયે પડી ગઈ છે.
અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અંખી દાસે એ જાણકારી દબાવી દીધી કે ફેસબુકે ભાજપ સાથે જોડાયેલા ખોટા પેજ ડિલીટ કરી નાખ્યા હતા.

ઇમેજ સ્રોત, Mint
અખબારે એ પણ દાવો કર્યો કે સત્તાધારી દળના સભ્યોને રોકવાથી ભારતમાં વ્યાવસાયિક હિતોનું નુકસાન થઈ શકે છે એ કારણે ફેસબુકે પોતાના પ્લૅટફોર્મ પરથી ભાજપ નેતાઓને નફરત ફેલાવનારાં ભાષણોને રોકવા માટે કંઈ ન કર્યું.
અહેવાલમાં તેલંગણાથી ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની એક પોસ્ટનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે અલ્પસંખ્યકોની સામે હિંસાની વકીલાત કરવામાં આવી હતી.
મામલાની જાણકારી રાખનારા ફેસબુકના હાલના અને પૂર્વ કર્મચારીઓ સાથેની વાતચીતના આધારે લખાયેલા આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકના કર્મચારીઓએ નક્કી કર્યું હતું કે પૉલિસી હેઠળ ટી રાજા સિંહ પર પ્રતિબંધ લાદવો જોઈએ, પરંતુ અંખી દાસે સત્તારૂઢ ભાજપના નેતાઓ પર હેટ સ્પીચ નિયમ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો.
અન્ય એક વિવાદમાં ફેસબુકે સંઘપરિવારની પાંખ ગણાતા બજરંગ દળને ખતરનાક સંગઠન માનવાથી ઇનકાર કરી દીધો હતો.

2.જ્યારે ડેટા પ્રોટેક્શન કાયદાના ભંગ બદલ 5 લાખ પાઉન્ડનો દંડ થયો

ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુકને વર્ષ 2018માં કૅમ્બ્રિજ ઍનાલિટિકા ડેટા સ્કૅન્ડલ મામલે બ્રિટિશ ડેટા પ્રૉટેક્શન વૉચડૉગ દ્વારા 5 લાખ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બ્રિટનમાં ઇન્ફર્મેશન કમિશનરની ઑફિસ(આઈસીઓ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેસબુકે કાયદાનું ગંભીર રીતે ઉલ્લંઘન થવાં દીધું હતું.
ફેસબુકને કરાયેલો આ દંડ નવા જીડીપીઆર લાગુ કરાયા તે પહેલાંના ડેટા પ્રૉટેકશન કાયદા હેઠળ ફટકારાયેલો મહત્તમ દંડ છે.
સંશોધક ડૉ. ઍલેક્ઝાન્ડર કૉગન અને તેમની કંપની જીએસઆરએ ફેસબુકના 87 લાખ યુઝર્સનો ડેટા મેળવવા 'પર્સનાલિટી ક્વિઝ'નો ઉપયોગ કર્યો હતો.
આ રીતે મેળવાયેલા અમુક ડેટા કૅમ્બ્રિજ ઍનાલિટિકા સાથે શૅર કરાયો, જેનો ઉપયોગ અમેરિકામાં રાજકીય જાહેરાત દરમિયાન કરવામાં આવ્યો.
આઈસીઓના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2015માં ફેસબુકને આ અંગે જાણકારી મળી હતી. જોકે, એમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આઈસીઓને જાણવા મળ્યુ હતું કે બ્રિટનમાં દસ લાખ કરતાં વધુ લોકોનો ડેટા 'પર્સનાલિટી ક્વિઝ' થકી મેળવાયો હતો.
રાજકીય રીતે આ ડેટાનો ક્યાં અને શો ઉપયોગ કરાયો એ બાબતે હજુ પણ આઈસીઓ તપાસ કરી રહી છે.

3.2013માં જ્યારે હૅકરે ખુદ ઝુકરબર્ગનું એકાઉન્ટ હૅક કરી નાખ્યું...

ઇમેજ સ્રોત, Khalil Shreateh
વર્ષ 2013માં વ્હાઇટહૅટ નામના એક હૅકરે કથિતરૂપે ફેસબુકની સાઇટમાં સુરક્ષામાં ખામી હોવાનો રિપોર્ટ કર્યો હતો. જોકે ફેસબુકે તેને કોઈ મહત્ત્વ ન આપ્યું હતું.
પછી એ હૅકરે કથિતરૂપે માર્ક ઝુકરબર્ગનું એકાઉન્ટ હૅક કરીને બતાવ્યું હતું. આ ઘટના પછી ઘણો ખળભળાટ થયો હતો કે જો ઝુકરબર્ગનું ખુદનું એકાઉન્ટ સુરક્ષિત નથી જો પછી અન્ય યુઝરના એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રહી શકે છે?

4.જ્યારે અમેરિકી સંસદમાં ઝુકબર્ગને હાજર થઈ સવાલોના જવાબો આપવા પડ્યા...

ઇમેજ સ્રોત, DREW ANGERER
વર્ષ 2018માં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકી સેનેટરો સામે હાજર થઈને કઠિન સવાલોના જવાબ આપવા પડ્યા હતા. જેમાં તેમને પૂછાયું હતું કે ફેસબુક યુઝરનો ડેટા કેવી રીતે સાચવે છે અને લોકશાહીને નબળી પાડવાના પ્રયાસોનો તેઓ કઈ રીતે સામનો કરે છે.
ચાર કલાક સુધી ઝુકબરબર્ગે સંસદમાં સવાલોના જવાબ આપવા પડ્યા હતા. જેમાં તેમણે એક કબૂલાત કરી હતી કે, "અમારી જવાબદારીઓ પ્રત્યે અમે વધુ સભાન નહોતા એ અમારી મોટી ભૂલ છે. પણ આ મારી ભૂલ છે. હું માફી માગુ છું. મેં ફેસબુક ચાલુ કર્યું હતું અને મેં તેને ચલાવ્યું એટલે જે કંઈ પણ થાય છે તેના માટે માત્ર હું જવાબદાર છું."
કમિટીએ બાદમાં કંપનીને કહ્યું હતું કે જવાબદારી અને પારદર્શિતા મામલે ફેસબુકે બદલાવ કરીને યોગ્ય નીતિ બનાવવી જોઈએ.
ઝુકરબર્ગની આ સુનાવણી એ સમયે વિશ્વભરમાં ચર્ચાનો મોટો વિષય બની હતી. કેમ કે ફેસબુકની નીતિઓ અને કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














