You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UN મહાસભામાં PM નરેન્દ્ર મોદીનું ભાષણ, 'ભારત આગળ વધશે તો દુનિયા આગળ વધશે'
શનિવારે સંયુક્ત રાષ્ટ્રની 76મી સામાન્ય સભામાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતાં કહ્યું કે, "એક નાનું બાળક જે ક્યારેક રેલવેસ્ટેશન પર ચાની દુકાન પર કામ કરતો હતો અને તે આજે ભારતના વડા પ્રધાન તરીકે સંબોધન કરે છે."
તેમણે કહ્યું કે, "હું યુએનજીએને માહિતી આપવા માગું છું કે ભારતે દુનિયાની પહેલી ડીએનએ વૅક્સિન વિકસાવી લીધી છે. જે બાળકોને પણ આપી શકાશે."
"ભારતના વૈજ્ઞાનિકો એક નેઝલ વૅક્સિન વિકસાવવામાં પણ જોતરાયેલા હતા."
સાથે જ તેમણે દુનિયાના વૅક્સિનનિર્માતાઓને ભારતમાં આવીને રસીનું ઉત્પાદન કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
ઉગ્રવાદ અંગે વાત કરતા તેમણે કહ્યું, "આજે વિશ્વના માથે ઉગ્રવાદનો ખતરો વધી રહ્યો છે, આ સ્થિતિમાં દુનિયાએ વિજ્ઞાન આધારીત રૅશનલ વિચારોનો પાયો બનાવવો પડશે."
ભારતની સ્વતંત્રતાના 75 વર્ષે અમે 75 એવા સૅટેલાઇટ્સ અંતરીક્ષમાં મોકલવાના છે, જે વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન વિશે નરેન્દ્ર મોદી શું બોલ્યા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન વિશે કહ્યું કે, "અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિના પ્રસાર માટે ન થાય, એ સુનિશ્ચિત કરવું જરૂરી છે."
તેમણે કહ્યું કે, "સાથે જ આપણે સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ દેશ અફઘાનિસ્તાનની સંવેદનશીલ સ્થિતિનો પોતાના લાભ માટે ઉપયોગ ન કરે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અત્યારે અફઘાનિસ્તાનનાં બાળકો, મહિલા, લઘુમતી સમુદાય અને અન્ય લોકોને મદદની જરૂર છે. આપણે મદદ કરવાની જવાબદારી નિભાવવી જોઈએ."
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જે દેશો આતંકવાદનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું જોઈએ કે આતંકવાદથી તેમને પણ ખતરો છે."
'ઉગ્રવાદ સામે વૈજ્ઞાનિક અભિગમની જરૂર'
નરેન્દ્ર મોદીએ પર્યાવરણસુરક્ષા અને ક્લાઇમેટ ચૅન્જ સંદર્ભે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "ભારતને દુનિયાનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવાની દિશામાં અમે કામ શરૂ કર્યું છે."
સાથે જ તેમણે ઉગ્રવાદની સામે એવો વિકાસ કરવાનું આહ્વાન કર્યું, જેના પાયામાં વૈજ્ઞાનિક, તાર્કીક અને પ્રગતિશીલ વિચારો હોય.
તેમણે કહ્યું કે, "વૈજ્ઞાનિક અભિગમને વિકસાવવા માટે ભારત અનુભવ-આધારીત કેળવણીને પ્રોત્સાહન આપી રહ્યું છે."
સાથે જ તેમણે જણાવ્યું કે ભારત આઝાદીનાં 75 વર્ષ એટલે કે અમૃતમહોત્સવ નિમિત્તે 75 સૅટેલાઇટ્સ અંતરિક્ષમાં છોડશે, જે ભારતના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે.
UN મહાસભામાં ભારત-પાકિસ્તાનનું વાકયુદ્ધ, ભારતે કહ્યું, 'લાદેનને શહીદ કહેનારા શું બોલશે'
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શનિવારે સંયુક્ત રાષ્ટ્રની 76મી સામાન્ય સભામાં સંબોધન કરતાં ભારત પર નિશાન સાધ્યું હતું.
ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતાં આરોપ લગાવ્યો કે ભારતે પાંચમી ઑગસ્ટ 2019 પછી અનેક નિયમ વિરુદ્ધ એકતરફી પગલાં લીધાં છે.
પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે ભારતે કાશ્મીરમાં નવ લાખ સૈનિકો તહેનાત કરી રાખ્યા છે અને કાશ્મીરી નેતાઓને જેલમાં બંધ કરી દીધા છે. તેમણે કહ્યું કે મીડિયા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે.
પાકિસ્તાની વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ભારતના નિયંત્રણવાળા કાશ્મીરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનને પણ બળપૂર્વક રોકી દેવામાં આવે છે.
ખાને ભારત પર 13 હજાર કાશ્મીરી યુવકોનાં અપહરણ કરીને તેમને ત્રાસ આપવાનો પણ આરોપ મૂક્યો છે.
'ભારત કરે છે UNના પ્રસ્તાવનું ઉલ્લંઘન'
ઇમરાન ખાને કહ્યું કે "ભારત તેના નિર્ણયો અને કાર્યવાહીથી સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરી રહ્યું છે."
"સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવમાં સ્પષ્ટરૂપે કહ્યું છે કે વિવાદિત વિસ્તારોનું સમાધાન યુએનની દેખરેખમાં નિષ્પક્ષ જનમત સંગ્રહથી થશે."
"ભારત કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યું છે. મને દુખ છે કે કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર દુનિયાનું વલણ પક્ષપાતભર્યું છે."
ઇમરાન ખાને કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારત પર આરોપ લગાવ્યો હતો કે ગિલાનીના પરિવારજનોને ઇસ્લામિક રિવાજ પ્રમાણે અંત્યેષ્ટિ પણ કરવા ન દીધી.
ઇમરાન ખાને કહ્યું કે તેઓ ભારત સાથે શાંતિ સ્થાપવા માગે છે પણ જમ્મુ-કાશ્મીરની સમસ્યાના સમાધાન વગર દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપી નહીં શકાય.
ઇમરાન ખાને કહ્યું કે જમ્મુ-કાશ્મીર સમસ્યાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અંતર્ગત થવું જોઈએ.
ઇમરાન ખાનને ભારતનો જવાબ
ઇમરાન ખાનના આરોપોનો ભારતે જવાબ પણ આપ્યો હતો.
સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે, ભારતે ઇમરાન ખાનને જવાબ આપતાં કહ્યું કે, "પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે ઉગ્રવાદીઓનું સમર્થન કરનારા દેશ તરીકે અંકિત કરવામાં આવ્યું છે."
"સંયુક્ત રાષ્ટ્રે જેમને આતંકવાદી જાહેર કર્યા છે, તેમને પણ પાકિસ્તાન આશરો આપે છે. ઓસામા બિન-લાદેનને પાકિસ્તાને શરણ આપી હતી. પાકિસ્તાન આજે પણ લાદેનને શહીદ ગણાવે છે."
"પાકિસ્તાન ઉગ્રવાદીઓને પોષે છે. આપણે સાંભળતાં આવ્યા છે કે પાકિસ્તાન પોતે આતંકવાદનું શિકાર છે. હકીકતે પાકિસ્તાન એક એવો દેશ છે જે અગ્નિશામક બનીને આગ લગાવે છે."
ભારત-અમેરિકાના સંબંધોના મજબૂત કરવાની દિશામાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકામાં છે.
શુક્રવારે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી.
હળવા અંદાજમાં શરૂ થયેલી વાતચીત ભારત-અમેરિકાના સંબંધો, કોવિડ-19, પર્યાવરણ અને પ્રવાસી મુદ્દાઓ પર સમાપ્ત થઈ હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી દશક 'પરિવર્તનકારી' છે, તો બાઇડને બંને દેશના સંબંધોમાં 'નવા અધ્યાય' પર પોતાનો મત રજૂ કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડનના નેતૃત્વમાં ભારત-અમેરિકાના સંબંધોને વધારવા માટે જે બીજ રોપાયું છે, તે હવે 'પરિવર્તનકારી ચરણ'માં પહોંચી રહ્યું છે.
મોદીએ બંને દેશના લોકોના સંબંધના વધતા મહત્ત્વનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીય ટેલેન્ટ આ સંબંધમાં 'પૂર્ણ ભાગીદાર' રહેશે.
તો રાષ્ટ્રપતિ બાઇડને પહેલા બોલતા કહ્યું કે બંને દેશ દ્વિપક્ષીય સંબંધોમાં એક 'નવો અધ્યાય' શરૂ કરી રહ્યા છે, જેમાં ઘણા મુશ્કેલ પડકારો છે અને તેની શરૂઆત કોવિડ-19થી થાય છે.
તેમણે એ પણ કહ્યું કે જળવાયુ પરિવર્તન અને ક્વૉડ ભાગીદારી સહિત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા તેમની વાતચીતનો મુખ્ય એજન્ડા છે.
મોદી અને બાઇડને શું કહ્યું?
આ સાથે જ બાઇડને કહ્યું કે "અમેરિકા-ભારત સંબંધ દુનિયાના ભયંકર પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે."
તેમણે કહ્યું કે તેમણે આ આશા અંગે 2006માં વાત કરી હતી અને 2020માં પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા દુનિયાના સૌથી નિકટના દેશોમાંથી છે.
બાઇડને કહ્યું, "મને લાગે છે કે દુનિયાના બે સૌથી મોટાં લોકતંત્ર ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત થશે અને એનાથી સમગ્ર વિશ્વને લાભ થશે."
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન વેપારનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના વેપાર હંમેશાંથી પ્રશંસાપાત્ર રહ્યા છે.
તેમણે કહ્યું કે, "કેટલીક ચીજો છે જે તમારી પાસે છે અને કેટલીક ચીજો એવી છે, જે મારી પાસે છે અને વાસ્તવમાં આપણે એકબીજાના પૂરક છીએ."
"મેં જાણ્યું છે કે આ દાયકામાં અમારું વેપારક્ષેત્ર ઘણું મહત્ત્વપૂર્ણ છે."
જોકે આ દરમિયાન જો બાઇડને વેપાર અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી અને તેમણે કહ્યું કે "અમેરિકા-ભારતની ભાગીદારી લોકશાહી મૂલ્યોમાં નિહિત છે."
તેમણે કહ્યું કે, "આપણે જે કરીએ છીએ, એના કરતાં અનેક ગણી આપણી જવાબદારી છે. લોકશાહી મૂલ્યોનું જતન કરવાની આપણી સહિયારી જવાબદારી છે, વૈવિધ્ય અંગે આપણી સંયુક્ત પ્રતિબદ્ધતા છે અને તે 40 લાખ ભારતીય-અમેરિકન લોકોના પારિવારિક સંબંધોમાં નિહિત છે. જેઓ દરરોજ અમેરિકાને મજબૂત બનાવે છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાત મૂકતાં કહ્યું કે, "બંને દેશ લોકશાહી મૂલ્યો અને પરંપરા અંગે પ્રતિબદ્ધ છ. મને લાગે છે કે આ પરંપરાઓનું મહત્ત્વ હજી વધશે."
આ દરમિયાન બંને પક્ષોએ મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો. જોકે બંનેએ જુદા-જુદા સંદર્ભે તેમના વિશે વાત કરી.
રાષ્ટ્રપતિ બાઇડને ગાંધીની સહિષ્ણુતાનો મહિમા કહ્યો તો નરેન્દ્ર મોદીએ ગાંધીના પૃથ્વીના સંરક્ષણ અંગેના વિચારો વિશે વાત કરી હતી.
વાતચીત શરૂ થાય એ પહેલાં એક રસપ્રદ વાત
જ્યારે બંને શીર્ષ નેતા મળ્યા ત્યારે રાષ્ટ્રપતિ જો બાઇડને હળવા અંદાજમાં ભારત સાથે તેમનો પારિવારિક સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
બાઇડને કહ્યું કે જ્યારે તેઓ પહેલી વાર અમેરિકાની સૅનેટ માટે ચૂંટાયા તો તેમને મુંબઈથી એક પત્ર મળ્યો હતો, જેમાં કહેવાયું હતું કે તેમનું ઉપનામ પણ બાઇડન અને બાદમાં તેમને આ અંગે વધુ જાણકારી મેળવવાનો મોકો ન મળ્યો.
બાદમાં તેઓ દેશના ઉપરાષ્ટ્રપિત બન્યા ત્યારે ભારત ગયા હતા. આ દરમિયાન સ્થાનિક મીડિયાએ તેમને ભારતીય સંબંધીઓ અંગે પૂછ્યું તો બાઇડને તેમને એ પત્ર અંગે જણાવ્યું હતું.
બાઇડને જણાવ્યું કે પછીના દિવસે ભારતીય મીડિયાએ તેમને જણાવ્યું કે ભારતમાં કેટલાક બાઇડન્સ છે.
બાઇડને કહ્યું કે "જોકે અમે તેનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. મેં જાણ્યું કે કૅપ્ટન જ્યૉર્જ બાઇડન હતા, જે ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા ટી કંપનીમાં હતા."
તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો હવાલો આપી રહ્યા હતા, જેમણે ઓપનિવેશક ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં વેપારને નિયંત્રિત કર્યો હતો.
બાઇડન મોટા ભાગે પોતાના આઈરીશ વંશજો અંગે વાત કરતા હોય છે અને હળવા અંદાજમાં કહ્યું કે 'એક આઈરીશમૅન માટે બ્રિટિશ સંબંધોને સ્વીકારવાનું બહુ કઠિન હોય છે.'
બાડઇન અગાઉ પણ ભારતીય લોકો સામે પોતાના આ સંબંધ અંગે જણાવી ચૂક્યા છે.
તેમણે ફરી એક વાર કહ્યું કે કૅપ્ટન બાઇડન 'ભારતમાં રોકાયા હતા અને ભારતીય મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.'
જોકે રાષ્ટ્રપતિ બાઇડન વધુ કોઈ જાણકારી આપી શક્યા નહીં, પણ તેમણે મજાકમાં કહ્યું કે મોદી વૉશિંગ્ટનનમાં 'મને તેના અંગે જાણકારી મેળવવામાં મદદ કરશે.'
મોદીએ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ કેટલાક દસ્તાવેજો લઈને આવ્યા છે, જે રાષ્ટ્રપતિના મુંબઈ પરના સંબંધ પર પ્રકાશ પાડશે.
બાઇડને તેના પર મજાકિયા અંદાજમાં મોદીને પૂછ્યું, "શું આપણે સંબંધી છીએ?"
વડા પ્રધાને પુષ્ટિ કરતા કહ્યું કે 46મા અમેરિકન રાષ્ટ્રપતિના વાસ્તવમાં ઉપમહાદ્વીપ સાથે પારિવારિક સંબંધો હતા.
મોદીએ બાઇડનને કહ્યું કે 'કદાચ આપણે આ મામલાને આગળ લઈ જશું અને કદાચ આ દસ્તાવેજ તમને કામ લાગી શકે.'
આ સિવાય રાષ્ટ્રપતિ બાઇડને ભારત-અમેરિકાના સંબંધો પર કહ્યું, "આપણે જે કરીએ છીએ, તેનાથી પણ આપણી ભાગીદારી મોટી છે. આ તેને લઈને છે કે આપણે કોણ છીએ... આપણા લોકતાંત્રિક મૂલ્યો, આપણી વિવિધતા અને પારિવારિક સંબંધો, જેમાં 40 લાખ ભારતીય-અમેરિકન સામેલ છે, જે અમેરિકાને મજબૂત બનાવે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો