You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસની પહેલી મુલાકાત મહત્ત્વની કેમ?
અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ સાથે પહેલી વાર મુલાકાત કરી હતી.
ભારતીય મૂળનાં કમલા હૅરિસ અમેરિકાના ઇતિહાસમાં ઉપરાષ્ટ્રપતિપદે પહોંચનારા પહેલા અશ્વેત અને દક્ષિણ એશિયન રાજનેતા બન્યાં હતાં.
વડા પ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસમાં કમલા હૅરિસ સાથે મુલાકાત બાદ એક સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં ભારત અને અમેરિકાને સહજ સહયોગી ગણાવ્યા હતા.
મોદીએ કહ્યું કે "ભારત અને અમેરિકા સહજ સહયોગી છે, આપણાં મૂલ્યો સમાન છે, આપણાં ભૂ-રાજકીય હિત સમાન છે."
મોદી અને કમલા વચ્ચે અગાઉ આ વર્ષે જૂનમાં ફોન પર વાત થઈ હતી, જ્યારે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું.
વડા પ્રધાન મોદીએ તેમની સિદ્ધિ પર તેમને અભિનંદન આપ્યાં અને કહ્યું કે "તમે આખી દુનિયાના ઘણા લોકો માટે પ્રેરણાસ્રોત છો. મને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ બાઇડન અને તમારા નેતૃત્વમાં આપણા દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે."
વડા પ્રધાન મોદીએ કમલા હૅરિસને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. મોદીએ કહ્યું કે "ભારતના લોકો તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે."
ગત વર્ષે નવેમ્બરમાં કમલા હૅરિસ ઉપરાષ્ટ્રપતિ બનતા તામિલનાડુના તેમના પૈતૃક ગામમાં આતશબાજી થઈ હતી અને લોકોએ ઉત્સવ ઊજવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી ઑસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાને પણ મળ્યા
અમેરિકાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન સાથે મુલાકાત કરી હતી. તેમણે મૉરિસનને પોતાના મિત્ર ગણાવ્યા હતા.
પીએમ મોદીના હૅન્ડલથી કરાયેલા એક ટ્વીટ અનુસાર, "મારા સારા મિત્ર, વડા પ્રધાન સ્કૉટ મૉરિસન સાથે વાતચીત કરવાનો અનુભવ હંમેશાં સારો રહે છે. તેમની સાથે વાણિજ્ય, વેપાર, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત, વ્યાપક બનાવવા માટે ચર્ચા થઈ."
તો વડા પ્રધાન મોદીએ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા સાથે પણ મુલાકાત કરી હતી.
આ મુલાકાતના સંદર્ભમાં મોદીએ ટ્વીટ કર્યું, "જાપાન ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક છે. જાપાનના પીએમ સુગા સાથેની મુલાકાત શાનદાર રહી. વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ, જેનાથી બંને દેશોના સહયોગને પ્રબલન મળશે. એક મજબૂત ભારત-જાપાન સહયોગ દુનિયા માટે પણ સારો છે."
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની ત્રણ દિવસની યાત્રાએ છે.
તેઓ આ દરમિયાન 24 સપ્ટેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ મળવાના છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો