અફઘાનિસ્તાન: તાલિબાનના રાજમાં બાળકને જન્મ આપવાનું કેટલું મુશ્કેલ બની ગયું છે?

    • લેેખક, ઇલાની જંગ અને હાફિજુલ્લાહ મારૂફ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

રાબિયા ખોળામાં રહેલા નવજાત શિશુને હળવા હાથે થપથપાવી રહી છે. અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતની એક નાનકડી હૉસ્પિટલમાં થોડા દિવસ પહેલાં જ આ શિશુનો જન્મ થયો છે.

રાબિયા કહે છે, "આ મારું ત્રીજું બાળક છે, પણ આ વખતે જુદો જ અનુભવ થયો. આ વખતે ગભરાટ હતો."

રાબિયાએ હૉસ્પિટલના જે પ્રસૂતિ વિભાગમાં બાળકને જન્મ આપ્યો, ત્યાં છેલ્લા અઠવાડિયામાં ભાગ્યે જ કોઈ પાયાની સુવિધા બચી હતી. પ્રસૂતિ વખતે રાબિયાને પીડાશામક ગોળીઓ પણ નહોતી મળી કે ન બીજી કોઈ દવા. ખાવાનું પણ હૉસ્પિટલમાંથી મળતું નહોતું.

હૉસ્પિટલમાં ગરમી વધીને 43 ડિગ્રી સુધી પહોંચી ગઈ હતી. વીજળી કપાઈ ગઈ છે અને જનરેટર ચલાવવા માટે જરૂરી ડીઝલ પણ નથી.

રાબિયાની પ્રસૂતિ કરાવનાર આરોગ્ય-કર્મચારી આબિદા કહે છે, "અમને એટલો બધો પરસેવો વળે છે જાણે નાહી લીધું હોય."

બાળકના જન્મ વખતે મોબાઇલ ફોનથી તેમણે અજવાળું કર્યું હતું. આબિદા થાક્યા વિના, અટક્યા વિના કામ કરે છે.

ક્ષેમકુશળ પ્રસૂતિ થઈ ગઈ તે માટે રાબિયાને શુકનવંત માનવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર પ્રસૂતિ વખતે અથવા જન્મ પછી થોડા વખતમાં શિશુના મૃત્યુની બાબતમાં અફઘાનિસ્તાનની સ્થિતિ દુનિયામાં સૌથી ખરાબ છે. અહીં એક લાખ પ્રસૂતિમાંથી 638 મહિલાઓનું મૃત્યુ થાય છે.

અગાઉની સ્થિતિ આનાથીય ખરાબ હતી. વર્ષ 2001માં અમેરિકાની સેના અહીં આવી તે પછી સ્થિતિ થોડી સુધરી હતી, પણ હવે મુશ્કેલી ફરીથી વધી રહી છે.

યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન્સ ફંડ (યુએનપીએફ)ના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર નતાલિયા કાનમ કહે છે, "નિરાશા વધી રહી છે અને તેનો બોજ હું અનુભવી રહી છું."

વિશેષજ્ઞોનું અનુમાન

યુએનપીએફનું અનુમાન છે કે મહિલાઓ અને છોકરીઓને તરત સહાય નહીં મળે તો 2025 સુધીમાં પ્રસૂતિ વખતે 51 હજાર વધારેનાં મૃત્યુ થઈ શકે છે. 48,000 જેટલી યુવતીઓ અનિચ્છાએ સગર્ભા બનશે.

જાહેર આરોગ્ય વિભાગના મુખ્ય ડૉક્ટર વાહિદ મજરૂહ કહે છે, "સમગ્ર અફઘાનિસ્તાનમાં પ્રાથમિક સ્વાસ્થ્યસેવા કથળી રહી છે. કમનસીબે પ્રસૂતિ દરમિયાન માતા અને શિશુઓનાં મૃત્યુનો દર પણ વધી રહ્યો છે."

કાબુલ પર તાલિબાનનો કબજો થયો તે પછી ડૉક્ટર મજરૂહ જ એક એવા ડૉક્ટર છે, જે પોતાના હોદ્દા પર કાયમ છે.

તેઓ અફઘાનિસ્તાનના લોકોના આરોગ્યસુધારા માટે મહેનત કરવા માગે છે, પણ તેમની સામે પહાડ જેવડા મોટા પડકારો આવીને ઊભા છે.

અફઘાનિસ્તાન અત્યારે દુનિયાથી કપાયેલું છે.

અહીંથી વિદેશીઓ રવાના થવા લાગ્યા અને તાલિબાને સત્તા કબજે કરી લીધી તે પછી અફઘાનિસ્તાનને મળતી વિદેશી સહાય પણ અટકી ગઈ છે.

વિદેશમાંથી મદદ મળે તેના આધારે જ અફઘાનિસ્તાનની આરોગ્યસેવા ચાલી શકે તેમ છે.

અમેરિકા સહિતના પશ્ચિમના ઘણા દેશો અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવાં સંગઠનોએ કાબુલ ઍરપૉર્ટ પર અંધાધૂંધીની સ્થિતિમાં મેડિકલ સહાય મોકલવાની બાબતમાં મુશ્કેલીઓ જણાવી છે.

કોરોના ચેપને કારણે સ્થિતિ વધારે કફોડી થાય તેવી છે. ડૉક્ટર મજરૂહ કહે છે, "કોવિડની ચોથી સંભવિત લહેર સામે કોઈ જ તૈયારી નથી."

આબિદા જ્યાં કામ કરે છે ત્યાં ફંડ પહોંચતું નથી. તેના કારણે ઍમ્બ્યુલન્સ સેવા આપી શકાતી નથી, કેમ કે તેમાં પુરાવવા માટે ડીઝલના પૈસા નથી.

આબિદા કહે છે, "થોડા દિવસ પહેલાં રાત્રે એક મહિલાને ઍમ્બ્યુલન્સની જરૂર હતી. તેને બહુ પીડા થઈ રહી હતી. અમે તેને ટૅક્સી લઈને આવવા કહ્યું, પણ ટૅક્સી પણ મળી નહોતી."

તેઓ ઉમેરે છે, "તેને કાર મળી ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. કારમાં જ તેણે બાળકને જન્મ આપ્યો અને કેટલાય કલાકો સુધી તે બેહોશ રહી. ભારે ગરમી વચ્ચે પીડાને કારણે તે બેભાન થઈ ગઈ હતી. બાળકની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી અને અમે તેની કોઈ મદદ કરી શકીએ તેમ નહોતા."

જોકે સદનસીબે નવજાત બાળકી બચી ગઈ. કફોડી હાલતમાં ત્રણ દિવસ હૉસ્પિટલમાં કાઢ્યા પછી મહિલા પણ સ્વસ્થ થઈ અને તેને રજા મળી.

ડૉક્ટર કાનમ કહે છે, "અમે દિવસરાત કામ કરીએ છીએ, જેથી આરોગ્યસેવા આપી શકાય. પરંતુ અમને પૈસાની જરૂર છે. થોડાં અઠવાડિયાં પહેલાં નાટકીય રીતે સ્થિતિ બદલાઈ, પણ તે પહેલાંય દર બે કલાકે કોઈને કોઈ પ્રસૂતાનું મૃત્યુ થતું જ હતું."

સહાયની જરૂર

યુએનપીએફ તરફથી અફઘાન મહિલાઓ અને છોકરીઓ માટે 292 લાખ ડૉલરની મદદ માગવામાં આવી છે. આરોગ્યસેવા માટે જરૂરી સામગ્રી મોકલી શકાશે અને મોબાઇલ હેલ્થ ક્લિનિક ખોલી શકાશે એવી આશા આ સંગઠનને છે.

યુએનપીએફને ચિંતા છે કે બાળવિવાહ વધવાથી જોખમી રીતે પ્રસૂતિની સંખ્યા વધી જશે અને મૃત્યુના દરમાં વધારો થઈ શકે છે.

ડૉક્ટર કાનમ કહે છે, "નાની ઉંમરે તમે માતા બનો તો તમારા બચવાની શક્યતા ઓછી થઈ જાય છે."

આરોગ્યસેવાઓ પહેલેથી જ કથળેલી હતી અને તેની ઉપર હવે તાલિબાને મહિલાઓ પર નવા પ્રતિબંધો મૂક્યા છે. તેનાથી સ્થિતિ બગડી છે. તાલિબાન મહિલાઓને બુરખો પહેરી રાખવાનું કહે છે.

તેનાથી પણ વધુ ચિંતા એ આદેશને કારણે છે કે હૉસ્પિટલમાં મહિલાઓની સારવાર ફક્ત મહિલા કર્મચારીઓએ જ કરવી.

પોતાનું નામ જાહેર ના કરવાની શરતે એક સુયાણીએ જણાવ્યું કે એક ડૉક્ટરે એક મહિલા દર્દીને એકલા જ તપાસી, તેના કારણે તેની મારપીટ થઈ હતી.

તે કહે છે, "મહિલાના ઇલાજ માટે મહિલા ડૉક્ટર ના હોય ત્યારે પુરુષ ડૉક્ટર તેને તપાસી શકે છે, પણ તે વખતે બે કે વધુ લોકો ત્યાં હાજર હોવા જોઈએ."

મહિલાઓને એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે ઘરના પુરુષ સભ્ય વિના એકલા ઘરની બહાર ન નીકળવું.

નંગરહાર પ્રાંતમાં રહેતાં જર્મીના કહે છે, "મારો પતિ ગરીબ છે. તે બાળકોના પાલન માટે કામે જતો હોય છે. તેને હું કઈ રીતે મારી સાથે હૉસ્પિટલ આવવાનું કહું?"

આબિદા કહે છે કે પુરુષ સાથે હોય ત્યારે જ બહાર નીકળવાના નિયમને કારણે જર્મીના જેવી મહિલાઓ માટે ચેકઅપ કરાવવા જવું મુશ્કેલ બની જાય છે. એ જ રીતે ઘણી બધી મહિલા આરોગ્ય-કર્મચારીઓ પણ નોકરી પર આવી શકતી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં દર 10 હજાર લોકોએ 4.6 ડૉક્ટર, નર્સ અને દાયણો છે. આ બહુ ઓછું પ્રમાણ છે, ચારથી પાંચ ગણી ઓછી સંખ્યા છે. તાલિબાનના કબજા પછી તેમાં વધારે ઘટાડો થયાની સંભાવના છે. ઘણા લોકોએ કામે જવાનું બંધ કરી દીધું છે કે વિદેશ જતા રહ્યા છે.

ઑગસ્ટના અંતમાં તાલિબાને જાહેરાત કરી હતી કે મહિલા આરોગ્ય કર્મચારીઓ કામ પર આવી શકે છે. જોકે ડૉક્ટર મજરૂહ કહે છે, "ભરોસો બેસતા હજી સમય લાગશે."

'બહુ જ ખરાબ સ્થિતિ'

સરકારી આરોગ્ય-કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. આબિદાને પણ પગાર મળ્યો નથી. જોકે પગાર વિના પણ આગામી બે મહિના સુધી કામ કરીશ, એવું તેઓ કહે છે.

હ્યુમન રાઇટ્સ વૉચના મહિલાઓના અધિકારની શાખાના ઍસોસિએટ ડિરેક્ટર હૈદર બાર કહે છે, "અફઘાનિસ્તાનમાં લડાઈને કારણે માર્યા જતા લોકોની વાતો સાંભળવા મળે છે, પરંતુ પ્રસૂતિમાં માતા અને નવજાતનાં મૃત્યુ થાય એની બહુ ઓછા લોકો વાત કરે છે. આમાંથી ઘણાં મૃત્યુ નિવારી શકાય તેવાં છે."

મે મહિનામાં તેમણે કાબુલની મુલાકાત લીધેલી ત્યારે તેમણે જોયું કે પ્રસૂતા મહિલાઓએ જાતે જ પોતાનો સામાન ખરીદવો પડતો હતો.

જર્મીના કહે છે કે હવે તો સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે.

તેઓ કહે છે, "મેં સગર્ભાને આખો દિવસ ક્લિનિકમાં દવા લેવા માટે લાઈનમાં ઊભેલી જોઈ હતી અને પછીય ખાલી હાથે પાછા ફરવું પડ્યું. હું હૉસ્પિટલને બદલે ઘરે જ બાળકને જન્મ આપવાનું પસંદ કરીશ, કેમ કે ત્યાં કોઈ સુવિધા નથી."

28 વર્ષનાં લીના કહે છે, "તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાં એક ક્લિનિકે મને કહ્યું હતું કે તમે કુપોષિત છો. મારામાં લોહીની ઊણપ જણાઈ હતી. હું ગર્ભવતી હતી."

તાલિબાનના કબજા પછી તેમના પતિની નોકરી જતી રહી છે. પૈસા ના હોવાના કારણે અને તાલિબાનના ડરને કારણે પણ તેઓ પછી હૉસ્પિટલ ગયાં નથી.

લીના કહે છે, "એક દાઈએ બાળકનો જન્મ કરાવ્યો હતો. બાળકનું વજન બહુ ઓછું હતું."

લીના હવે ઘરે જ છે અને સ્થિતિ સારી નથી. પૈસા ના હોવાથી બાળકનું પોષણ કેવી રીતે કરવું તે સમજાતું નથી.

અફઘાનિસ્તાનના ઘણા લોકોને ચિંતા પેઠી છે કે દેશનું આરોગ્યતંત્ર એ હદે કથળી જશે કે તેને બેઠું કરવાની આશા જ ખતમ થઈ જશે.

આવી સ્થિતિમાં સૌથી કફોડી સ્થિતિ સગર્ભા અને પ્રસૂતા માતા તથા નવજાત શિશુની થવાની છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો