You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ટંકનું ખાવાનુંય નથી', તાલિબાનના રાજમાં અફઘાનો પર ભૂખમરાનું જોખમ
- લેેખક, જેરેમી બૉવેન
- પદ, બીબીસી ન્યૂઝ, કાબુલ
કાબુલ જીવન થાળે પડે તેની રાહમાં ઊભું છે. નવા શાસકો તરીકે આવેલા તાલિબાનોની મનમરજી મુજબ જીવન આકાર લેશે. પરંતુ અત્યારે તો અફઘાનિસ્તાનની અનેક સમસ્યાઓ વચ્ચે ભૂખમરાની સ્થિતિ સૌથી વધારે કફોડી બની રહી છે.
મોટા ભાગના અફઘાનો ગરીબાવસ્થામાં છે અને તેમના માટે બે ટંકનું ભોજન મેળવવું કપરું બની રહ્યું છે.
અબજો ડૉલરની વિદેશી સહાય મળી હોવા છતાં લાખો લોકો દેશમાં આજે ગરીબીમાં સબડી રહ્યા છે. કેન્દ્રીય બૅન્કમાં 9 અબજ ડૉલરની અનામત પડી છે, પણ તેને સ્થગિત કરી દેવાઈ છે. અમેરિકાએ આ નાણાં ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી તાલિબાનો તેને ગુપચાવી ના જાય. આ નાણાં છૂટા થાય તો થોડી મદદ મળી શકે છે.
નાણા પ્રવાહ સૂકાયો
રોજ સવારે સેંકડો કડિયા કામદારો કાબુલના કડિયા નાકે પોતાનો સરંજામ લઈને હાજર થઈ જાય છે, એ આશામાં કે નાનું મોટું કામ ક્યાંકથી મળી જશે.
શહેરમાં મોટી ઇમારતોના પ્રૉજેક્ટ્સ અટકી પડ્યા છે. બૅન્કો બંધ પડી ગઈ છે. વિદેશમાંથી આવતો નાણા પ્રવાહ સૂકાઈ ગયો છે, બસ થોડાં ટીપાં પડતાં હોય એટલી સહાય જ આવી રહી છે.
કડિયા કામદારોમાંથી થોડાકને નાનું મોટું કામ મળી જાય છે. બાકીના સમસમીને બેસી રહે છે. આવા જ એક કામદાર હયાદ ખાન આક્રોશ વ્યક્ત કરે છે કે કેવી રીતે છેલ્લાં 20 વર્ષમાં ભ્રષ્ટ વગદાર લોકોએ દેશને લૂંટી લીધો છે.
"અમીર લોકો પોતાનું જ વિચારે છે, ગરીબોનું નહીં. મને એક ટંકનું ખાવાનુંય મળતું નથી. એક ડૉલર મારા હાથમાં આવતો નથી, જ્યારે પૈસાદાર લોકો પશ્ચિમમાંથી આવતા ડૉલર પોતાના ગુંજામાં ઘાલી દે છે.
"કોઈને ગરીબોની પડી નથી. બહારથી સહાય આવે છે, ત્યારે વગદાર લોકો પોતાના સગાઓને મદદ મળી જાય તેની કોશિશ કરે છે, ગરીબોના હાથમાં કશું આવવા દેતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાબુલની મુખ્ય બજારોમાં ચારે બાજુ તાલિબાનીઓનો ભય
એક ઑફિસમાં નોકરી કરવા જેટલો સદભાગી મોહમ્મદ અનવર અમારી વાતો સાંભળી રહ્યો હતો અને પછી વચ્ચે બોલી ઊઠ્યો. તે અંગ્રેજી બોલતો હતો અને આ લૂંટ માટે અમેરિકનોને દોષ આપ્યો.
"અલ્લાના નામે અમારી માગણી છે કે અમેરિકાએ અફઘાન સરકારના પૈસા પડાવી લીધા છે તે આપી દે. એ નાણાંનો ઉપયોગ અફઘાનિસ્તાનને બેઠું કરવા માટે થવો જોઈએ."
આ દરમિયાન મોટી ઘેરી દાઢીવાળો આકરા મિજાજનો એક તાલિબાની અધિકારી ત્યાં આવી પહોંચ્યો. તેણે મને કહ્યું કે અહીંથી જતા રહો, કેમ કે આ ખતરનાક વિસ્તાર છે.
મને એવો કોઈ ખતરો આસપાસ દેખાયો નહોતો, પરંતુ તેની સાથે દલીલ કરવાનો આ સમય કે સ્થળ નહોતું. તેની સાથે અમેરિકાની સેનાની સ્ટાઇલમાં સનગ્લાસ પહેરેલો અને અમેરિકન બનાવટની રાઇફલ સાથેનો તાલિબાનનો બૉડીગાર્ડ પણ હતો
કાબુલની મુખ્ય બજારોમાં તાલિબાનો ચારે બાજુ ફરતા જોવા મળે છે. ઍરપૉર્ટ પર તે લોકો અમેરિકન યુનિફોર્મ પહેરીને પહેરો ભરે છે.
શહેરમાં બીજા સ્થળે ફરતી વખતે તાલિબાનો સલવાર કમીઝ અને કાળી પાઘડી પહેરીને ફરે છે. તે બધાના ખભે રાઇફલ લટકતી હોય છે.
ગત અઠવાડિયા દરમિયાન કાબુલમાં મને સૌથી વધુ ફરિયાદ અનાજના વધી ગયેલા ભાવ વિશેની સાંભળવા મળી હતી. બાળકોને ખવડાવવાનાં પણ ફાંફા પડવા લાગ્યા છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને જવા લાગ્યા છે. લાખો પરિવારો માટે બે ટંકનું ભોજન મુશ્કેલ બની ગયું છે.
અંદાજ મુજબ 93% અફઘાન લોકો પૂરતા આહારથી વંચિત
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના અંદાજ અનુસાર 93% અફઘાન લોકોને પૂરતા પ્રમાણમાં આહાર મળી રહ્યો નથી. તાલિબાને કબજો જમાવ્યો તે પહેલાં દેશમાં 80% લોકોને પૂરતું ખાવાનું મળતું નહોતું.
શહેરમાં કામચલાઉ બજારો ઊભી થઈ છે. વચ્ચેના વર્ષો દરમિયાન લોકોને થોડી કમાણી થઈ અને જણસો એકઠી કરી હતી તે લોકો હવે વેચવા કાઢી રહ્યા છે. બે છેડા ભેગા કરવા માટે લોકોએ ઘરવખરી વેચવાનો વારો આવ્યો છે.
લોકો ટીવી, ક્રૉકરી, કટલરી જેવી વસ્તુઓ લારીમાં ભરીને વેચવા લાવી રહ્યા છે. એક વ્યક્તિ રબર પ્લાન્ટ વેચી રહ્યો હતો. વેચનારા વધારે દેખાય છે, જ્યારે ખરીદનારા ઓછા. લોકો પાસે નાણાં જ નથી અને સેકન્ડ હૅન્ડ માર્કેટમાં પણ ઘરાકી એટલી દેખાતી નથી.
વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ, છોકરીઓના ભણતર અને મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધોની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. પરંતુ અહીંના લોકો માટે સૌથી મોટી સમસ્યા ભૂખમરામાંથી બચવાની છે.
જે દેશો અફઘાનીઓને મદદ કરવા માગે છે, પણ તાલિબાન સાથે કામ કરવા માગતા નથી તેમના માટે મૂંઝવણ ઊભી થઈ છે.
લોકો કામધંધે વળગે, જીવન થાળે પડે અને ખોરાક મળતો થાય તે માટે તાલિબાને અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને શાંતિ લાવવી જરૂરી બની છે.
જોકે અમેરિકા, બ્રિટન અને તેના સાથી દેશોએ આટલો લાંબો સમય દેશમાં ગાળ્યો તે પછી આ સ્થિતિ છે. તેના કારણે પોતાના એક વખતના તાલિબાનને સફળ થતું જોવું પણ તેમના માટે સહેલું નથી.
તેના વિકલ્પે ઊભી થનારી સ્થિતિ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ લોકો ગરીબીમાં સબડે, વધારે નિરાશ્રિતો બને, કૂપોષણથી બાળકો પીડાવા લાગે તેવી સ્થિતિમાં અફઘાનિસ્તાન નિષ્ફળ દેશ ગણાશે અને તેની હતાશામાં જેહાદી તત્ત્વોને ફરીથી તક મળી જશે.
વિદેશી મદદ ન મળતા સપનાં તૂટ્યાં
છેલ્લા 40 વર્ષોથી આ દેશની પ્રજા યુદ્ધની સ્થિતિ જોતી આવી છે. કાબુલમાં વસનારા લોકો માટે પણ સ્થિતિ સાનુકૂળ નથી. તેમનું જીવન પણ યુદ્ધને કારણે વારંવાક ખોરંભે ચડતું રહ્યું છે.
એક પરિવાર આવી જ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયો છે. તેનું ઘર લગભગ ખાલીખમ છે, મોટા ભાગની ઘરવખરી વેચી દેવામાં આવી છે અને જે નાણાં મળ્યા તે લઈને પાકિસ્તાન જતા રહેવાની તૈયારી કરી રહ્યો છે.
આ પરિવારની માતા, જેનું નામ અમે અહીં નથી આપી રહ્યા તે એક માત્ર કમાનારી વ્યક્તિ હતી. તે ઇલેક્ટ્રિકલ એન્જિનયરિંગના સ્ટુડન્ટ્સને ભણાવતી હતી. તેના બધા વિદ્યાર્થીઓ યુવકો હતા એટલે તાલિબાને તેમનું કામ અટકાવી દીધું છે. તેમની દીકરીનું ભણતર પણ અટકી પડ્યું છે.
આ વડીલ માતા મક્કમ છે, પણ વતન છોડી જવાનું કેટલું મુશ્કેલ છે એ વિશે મેં પૂછ્યું ત્યારે તેમનો અવાજ રૂંધાવા લાગ્યો હતો.
"બહુ દુખ થાય છે. અહીંથી જતા રહેવાનું નક્કી કર્યું ત્યારથી મારા દિલમાં બળતરા થઈ રહી છે. હું આવું કેવી રીતે કરી શકું - પણ બીજું કરું પણ શું?
"અમે અહીં રહીએ તો મને નથી લાગતું કે મને કામ કરવા માટેની મંજૂરી મળે કે દીકરીને ભણાવવા દેશે. મારા પરિવારનું ગુજરાન મારે કેવી રીતે ચલાવવું? હું તો ભૂખ સહન કરી લઈશ, પણ મારા સંતાનોને હું ભૂખ્યા જોઈ શકું નહીં."
અફઘાનિસ્તાનમાં અત્યારે નવી જ સમસ્યા ઊભી થઈ છે અને તે અસ્તિત્ત્વ ટકાવવાની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો