ગુજરાતમાં ચોમાસું ક્યારે વિદાય લેશે અને હજુ કેટલા દિવસ વરસાદની આગાહી?

ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં વરસાદ ધીમો પડી જતો હોય છે પણ આ વખતે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હજુ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે.

હવામાન વિભાગે હજી આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે એટલે ચોમાસું પૂરું થવાને બદલે હજી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાનશાસ્ત્રી અંકિત પટેલનું માનવું છે કે સપ્ટેમ્બરના અંત સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિ રહેશે.

ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પટેલે જણાવ્યું, "હાલમાં એક-બે લૉ પ્રેશર બન્યાં છે. અત્યારે એક લૉ પ્રેશર પૂર્વ રાજસ્થાનની આસપાસ છે, તેના કારણે ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. બીજું એક અપરઍર સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે રાજ્યમાં અમુક જગ્યાએ થોડી ઓછી, થોડી વધારે એ રીતે વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે."

અંકિત પટેલનું કહેવું છે કે ગુજરાતમાં ઑક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ બાદ ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે.

આ વર્ષે ચોમાસું કેટલું લંબાશે?

'વૅધર.કોમ'ના એક અહેવાલ પ્રમાણે 2021માં ચોમાસાની વિદાયમાં એક અઠવાડિયા જેટલો વિલંબ થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગની વર્તમાન આગાહી જણાવે છે કે આ વર્ષે ચોમાસાની સિઝન મોડી સમાપ્ત થઈ શકે છે.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહના અંત પહેલાં ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થવા માટે સ્થિતિ અનુકૂળ નહોતી.

ગુજરાતના હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિ રહેશે અને આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે.

ચોમાસું કેમ મોડું વિદાય લેશે?

આણંદ કૃષિયુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા ડૉ.વ્યાસ પાંડે જણાવે છે કે રાજ્યમાં ઑક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ પડે તેવું લાગે છે.

'સ્કાયમેટ.વૅધર'ના હવામાનશાસ્ત્રીઓ અનુસાર, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશ પર બનેલા લૉ પ્રેશર એરિયાને કારણે રાજ્યમાં વરસાદ ચાલુ છે. એ બાદ વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.

બંગાળની ખાડી ઉપર બનેલ ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર ટૂંક સમયમાં જ મધ્ય ભાગોમાંથી આગળ વધીને પૂર્વ રાજસ્થાન નજીક પહોંચશે.

આ હવામાન પ્રણાલી ચોમાસાના વરસાદને મહિનાના અંત સુધી આગળ વધારશે અને એ બાદ વરસાદ ઓછો થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો