હનીમૂન પૂરું : અફઘાનિસ્તાન પર સરળતાથી કબજો કરી લેનારા તાલિબાન સામે હવે કેવા પડકારો?

    • લેેખક, માજિદ નુસરત
    • પદ, અફઘાનિસ્તાનની બાબતોના વિશેષજ્ઞ

તાલિબાને 15 ઑગસ્ટ 2021એ કાબુલ કબજે કરીને પોતાના હિંસક અભિયાનના લક્ષ્યને હાંસલ તો કરી લીધું પણ સત્તા અને શક્તિની ભાગબટાઈને લઈને અંદરોઅંદર ચાલતી ખેંચતાણ અને ઘેરાતાં આર્થિક સંકટોથી એ સ્પષ્ટ દેખાય છે કે તાલિબાનનું હનીમૂન હવે પૂરું થયું છે.

કંદહારમાં મજબૂત થયેલા હક્કાની નેટવર્ક અને એના સમર્થક વિદેશી સૈનિકોથી કઈ રીતે છુટકારો મેળવવો એ તાલિબાનના નેતૃત્વ સામે હવેનો સૌથી મોટો પડકાર છે.

કાબુલ સહિત અડધું પૂર્વ અફઘાનિસ્તાન હક્કાની નેટવર્ક અને એમના સહયોગી સમૂહોના નિયંત્રણ હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાનના નેતા મુલ્લા હિબ્તુલ્લાહ અખુંદજાદા ઘણા સમયથી ગાયબ છે, એ કારણે જૂથની સમસ્યાઓ વધારે વધી છે.

એવી પણ શંકા સેવાઈ રહી છે કે તેઓ જીવતા છે કે કેમ? આના લીધે તાલિબાનોમાં અંદરોઅંદરો ઘર્ષણ વધી જાય એમ લાગે છે.

આવા પડકારોને લીધે એવું લાગે છે કે હાલના સમયની તાલિબાનની પ્રાથમિકતા સંગઠનની મજબૂત એકતાને જાળવી રાખવાની છે; અને આ જ કારણે સમાવેશી સરકાર અંગે જાહેર કરાયેલી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ચિંતાઓને તાલિબાને નજરઅંદાજ કરી છે.

તાલિબાને વચગાળાની જે સરકાર બનાવી છે એમાંના મોટા ભાગના મંત્રીઓ જૂના છે. ઉપરાંત બિન-પશ્તૂન સમુદાયોને વધારે મહત્ત્વ કે પદ નથી અપાયાં.

દક્ષિણ-પૂર્વમાં મતભેદ

અફઘાનિસ્તાનમાં મળેલી જીતની સફળતાને લીધે તાલિબાનને ઘણું બધું પ્રાપ્ત થયું છે અને એના ભાગ વહેંચવાની બાબતે ખેંચતાણ થઈ રહી છે.

પરંતુ પડદા પાછળ પારંપરિક વંશીય અને કબાયલી (કબીલાને લગતી) ખેંચમખેંચ પણ ચાલી રહી છે. પૂર્વમાં રહેતા પશ્તૂન મજબૂત બનીને બહાર આવ્યા છે અને તેઓ દક્ષિણના કબીલાઓ સામે પડ્યા છે.

એક ધારણા અનુસાર, અફઘાનિસ્તાનની કુલ વસતિમાંથી 40 ટકા લોકો પશ્તૂન છે. પશ્તૂન વંશની બે મુખ્ય શાખા છે. એક, દુર્રાની અને બીજી, ગિલઝઈ.

દુર્રાની પશ્તૂનોની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ વર્ષ 1747 પછીના મોટા ભાગના સમય દરમિયાન આ સમુદાયનો અફઘાનિસ્તાનની સત્તા પર કબજો રહ્યો છે.

સ્વાભાવિક છે કે, આ કારણે ગિલઝઈ પશ્તૂન સમુદાય આ સમય દરમિયાન સત્તાથી દૂર જ રહ્યો હોય. તેઓ કબીલાઓમાં રહે છે અને તેમની પાસે વધારે સાધન-સંપત્તિ નથી.

હક્કાની નેતા ગિલઝઈ પશ્તૂન છે અને તેમનું નેટવર્ક તાલિબાનનો ભાગ છે, પરંતુ તાલિબાનમાં હક્કાની નેટવર્કને સંચાલન અને નાણાકીય સ્વાયત્તતાની ઘણી બધી છૂટ મળેલી છે અને તે પોતાની રીતે કામગીરી કરે છે.

હક્કાની નેટવર્ક વિદેશી ચરમપંથી જૂથો અને ઉત્તર અફઘાનિસ્તાનના બિન-પશ્તૂન તાલિબાનની સાથે સંબંધ ધરાવે છે.

આ ઉપરાંત પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇ સાથે પણ હક્કાની નેટવર્કનો ગાઢ સંબંધ છે. જોવા જઈએ તો, વૈચારિક રીતે હક્કાની નેટવર્ક અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન શાખાની વધારે નજીક છે.

પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘની ઉપરાંત બીજા ત્રણ ડાબેરી રાષ્ટ્રપતિ પશ્તૂનોના ગિલઝઈ વંશના જ છે. કેટલાક અફઘાનોને આશંકા છે કે ઘનીએ જ કાબુલને હક્કાની નેટવર્કના હાથમાં જવા દીધું છે.

નેતૃત્વ પર દક્ષિણના ચરમપંથીઓની પકડ

તાલિબાન નેતૃત્વનાં મોટા ભાગનાં ઉચ્ચ પદ દક્ષિણમાં કંદહાર (અને આસપાસના વિસ્તારો)માંથી આવતા પશ્તૂનો પાસે છે અને, સિરાજુદ્દીન હક્કાની તો તાલિબાનના અમીરના ત્રણ ડેપ્યુટીઓમાંના એક છે.

2015માં, મુલ્લા ઉમરના મૃત્યુની જાહેરાત થઈ એ પછી, દક્ષિણના તાલિબાની નેતાઓમાં ઉત્તરાધિકારીને મુદ્દે હૂંસાતૂંસી થઈ હતી, પણ, ઉમર પછી નેતા બનેલા મુલ્લા અખ્તર મંસૂરે પોતાના ત્રણ ડેપ્યુટીઓમાંના એક તરીકે સિરાજુદ્દીન હક્કાનીને પણ રાખ્યા હતા. હક્કાની પૂર્વ અફઘાનિસ્તાનના ગ્રેટર પક્તિયા વિસ્તારના છે.

નોંધવું જોઈએ કે, તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબ્તુલ્લાહ અખુંદજાદા, વડા પ્રધાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અને નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ઘની બરાદર તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ દુર્રાની પશ્તૂન સમુદાયના છે. હિબ્તુલ્લાહની પહેલાં તાલિબાનના નેતા હતા તે મુલ્લા મંસૂર અખત્ર પણ દુર્રાની વંશના હતા.

જોકે, તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમર ગિલઝઈ પશ્તૂન મૂળના હતા પરંતુ એમને દક્ષિણના પશ્તૂન ગણવામાં આવતા હતા. મુલ્લા ઉમર કંદહારમાં જન્મેલા અને ત્યાંના પશ્તૂનો સાથે ભળી ગયા. એમનો દીકરો મુલ્લા યાકુબ તાલિબાનની સરકારમાં સુરક્ષામંત્રી છે અને એમ મનાય છે કે તે તાલિબાનના દક્ષિણ જૂથના નેતાઓની ઘણો નજીક છે.

તાલિબાનની નવી સરકારમાં ભલે તાલિબાનના મોટા નેતાઓનો સમાવેશ થયો હોય પરંતુ દક્ષિણના બે મોટા તાલિબાન કમાન્ડરોને સરકારમાં લેવાયા નથી.

એમાંના એક મુલ્લા કય્યુમ ઝાકીર અને બીજા મુલ્લા ઇબ્રાહીમ સદ્ર છે. આ આગેવાનો ભવિષ્યમાં કેવાં પગલાં ભરશે તે હાલ અસ્પષ્ટ છે.

હક્કાનીનું શક્તિપ્રદર્શન

કાબુલ કબજે થયાના કેટલાક દિવસો પછી અફઘાનિસ્તાનમાં સરકારની રચના કરવા બાબતે રાષ્ટ્રપતિ ભવનમાં મુલ્લા બરાદર અને હક્કાની જૂથ વચ્ચે હિંસક અથડામણો થશે કે કેમ એ અંગે અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા પર અંદાજ લગાવાતો હતો.

મળતી માહિતી અનુસાર મુલ્લા બરાદર એક સમાવેશી સરકાર ઇચ્છતા હતા અને તેમણે પંજશીર પરના તાલિબાનના હુમલાનો પણ વિરોધ કર્યો હતો. દાયકાઓથી પંજશીર ઘાટી શાંત રહી હતી પણ અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાને ત્યાં મોટો હુમલો કર્યો હતો.

એવું માનવામાં આવે છે કે અમેરિકા અને અફઘાનિસ્તાની જૂથની સાથે કતારમાં દોહા સંમેલનમાં તાલિબાનનું નેતૃત્વ કરનાર બરાદર જ તાલિબાન સરકારના પ્રમુખ બનશે, પરંતુ, અત્યારે જે સરકાર બની છે, એવું લાગે છે કે એમનું કદ નાનું કરી દેવાયું છે.

ઘણા રિપૉર્ટમાં એવો દાવો કરાયો છે કે બરાદરે કાબુલમાંથી પલાયન કર્યું છે અને અત્યારે એ ક્યાં છે તે કોઈને ખબર નથી.

15 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા એક નાના વીડિયોમાં બરાદર દેખાયા હતા. બરાદર કાગળ પર લખેલું નિવેદન વાંચી રહ્યા હતા.

એમાં તેમણે મતભેદ હોવાનો ઇનકાર કર્યો હતો પણ એમ ન જણાવ્યું કે તેઓ હાલ ક્યાં છે.

કેટલાક રિપૉર્ટમાં એવો દાવો કરાયો છે કે 3 સપ્ટેમ્બરે સાંજે કાબુલમાં હવામાં ઘણા બધા ગોળીબાર થયા હતા તે ખરેખર તો હક્કાની નેટવર્કનું શક્તિપ્રદર્શન હતું અને તેઓ દક્ષિણી તાલિબાનને પોતાની તાકાત બતાવતા હતા.

ગોળીબાર એવો ધુંઆધાર હતો કે એમાં સંખ્યાબંધ લોકો મરાયા અને ઘણા બધા ઘાયલ થયા હતા.

સુપ્રીમ લીડરની અનુપસ્થિતિથી આશંકા

તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા અખુંદઝાદા ઘણા સમયથી દેખાતા નથી એટલે તેમના વિશે જાતભાતની શંકા-કુશંકાઓ થઈ રહી છે. એકલા આમ-નાગરિકો જ નહીં, બલકે તાલિબાનના કમાન્ડરો પણ એ વિષયમાં તર્ક-વિતર્ક કરી રહ્યા છે.

કેટલાક રિપોર્ટોમાં દાવો કરાયો છે કે કોવિડ 19ના કારણે તેમનું મૃત્યુ થયું છે. બીજા કેટલાક રિપૉર્ટમાં એમ કહેવાયું છે કે કેટલાંક વરસ પહેલાં પાકિસ્તાનમાં થયેલા એક બૉમ્બ-વિસ્ફોટમાં તેઓ માર્યા ગયા છે.

તાલિબાનો વચ્ચે જે રીતનો મતભેદ છે અને દેશના ભાવિની જે અનિશ્ચિતતા છે એ સંજોગોમાં જીવતા છતાં લોકોની નજરથી બચીને છૂપા રહેવું અખુંદઝાદા માટે સરળ નથી.

ગયા મહિને ટૉલો ન્યૂઝનો રિપૉર્ટ આવેલો, એમાં કહેવાયેલું કે, ઘણા લાંબા અરસાથી મુલ્લા હિબ્તુલ્લાહ અખુંદઝાદા સાર્વજનિકરૂપે ક્યાંય દેખાયા નથી, એ કારણે કંદહારના લોકો અને તાલિબાન સાથે જોડાયેલા અધિકારીઓ આશંકા પ્રગટ કરે છે.

જોકે રિપૉર્ટમાં એમ પણ કહેવાયું હતું કે, તેઓ કંદહાર પહોંચી ગયા છે અને નજીકના ગાળામાં જ પોતાની હાજરી પુરાવશે.

ટૉલો ન્યૂઝના રિપૉર્ટમાં એવી શંકા પણ વ્યક્ત કરાઈ હતી કે બની શકે કે અખુંદઝાદા જીવતા ન હોય.

મુલ્લા ઉમરના મૃત્યુ પછી તાલિબાનના નેતૃત્વના મુદ્દે સંઘર્ષ શરૂ થઈ ગયો હતો, મુલ્લા હિબ્તુલ્લાહના મૃત્યુ પછી તાલિબાનમાં નેતૃત્વ મેળવવા એનાથી વધુ મોટો આંતરિક સંઘર્ષ થઈ શકે એમ છે.

સમાપ્ત થયું તાલિબાનનું હનીમૂન

પશ્ચિમી દેશોનું અફઘાનિસ્તાન છોડવું, વિદેશી સહાયમાં કાપ કરવો અને આંતરિક મતભેદો સામે આવવા, આ બધાંને લીધે અફઘાનિસ્તાનનું આર્થિક સંકટ વઘારે ઘેરું બન્યું છે.

હવે તાલિબાનની સામે માત્ર આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવાની કસોટી એ એક જ સમસ્યા નથી, બલકે, દેશમાં પણ સ્વીકૃતિ પ્રાપ્ત કરવામાં પડનારી મુશ્કેલીઓનો સામનો કરવાનો છે.

તાલિબાને 7 સપ્ટેમ્બરે વચગાળાની સરકારની ઘોષણા કરી પરંતું એમ ના જણાવ્યું કે આ વ્યવસ્થા ક્યાં સુધી બહાલ રહેશે.

સુપ્રીમ લીડર, નેતૃત્વ પરિષદ અને ઉલેમા પરિષદની શી ભૂમિકા હશે એ પણ સ્પષ્ટ નથી કરાયું. તાલિબાન ચમરપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાનથી કઈ રીતે પીછો છોડાવશે એની પણ સ્પષ્ટતા નથી કરી.

અફઘાનિસ્તાનની બાબતો પર બાજનજર રાખનારા અને દાયકાઓ સુધી અફઘાનિસ્તાનમાં કામ કર્યું છે એવા વિશ્લેષક માઇકલ સેમ્પલે તાજેતરમાં બીબીસી ફારસી સેવા સાથેની વાતચીતમાં જણાવેલું કે તાલિબાનની સામે સર્જાયેલી ઘણી બધી સમસ્યાઓમાંની એક મોટી સમસ્યા અફઘાનિસ્તાનમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી તાલિબાનની આંતરિક હૂંસાતૂંસી અને ખટપટો પણ છે, જેણે તેને અફઘાન લોકોની નજરમાંથી ઉતારી દીધું છે.

માઇકલે જણાવ્યું કે તાલિબાનનું હનીમૂન પૂરું થયું છે અને હવે એણે પડકારોનો સામનો કરવો પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો