એક વિદેશ સેક્સ વર્કરના નામે કેમ ઓળખાશે બેલ્જિયમની રાજધાનીની એક શેરી?

    • લેેખક, મેઘા મોહન
    • પદ, લિંગ અને ઓળખ સંવાદદાતા

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં એક શેરીને હવે સેક્સ વર્કર યૂનિસ ઓસેયેન્ડેનું નામ આપવામાં આવ્યું છે.

મૂળ નાઇજિરિયાનાં આ સેક્સ વર્કરની હત્યા થઈ હતી. બેલ્જિયમમાં મહિલાઓને યોગ્ય સ્થાન મળે તેવા વ્યાપક વિચારના ભાગરૂપે આ રીતે શેરીનું નામકરણ થઈ રહ્યું છે.

જૂન 2018માં એક ગ્રાહકે યૂનિસની છરી મારીને હત્યા કરી દીધી હતી. હવે એક શેરીને યૂનિસ ઓસેયેન્ડે નામ આપવામાં આવશે તેવી જાહેરાત નગરપાલિકાએ કરી છે.

યુરોપમાં રોજગાર મળી રહેશે એવા ઊજળા ભવિષ્યની આશા સાથે યૂનિસ 2016માં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આવ્યાં હતાં.

એક એજન્ટની મદદથી તેઓ બેલ્જિયમ પહોંચ્યાં હતાં. તે એજન્ટ અને તેમના સાગરીતોએ તેમને ફિલ્મસ્ટાર બનાવવાની લાલચ આપી હતી, પણ આ ટોળકી મનુષ્ય તસ્કરીનું કામ કરનારા ગુનેગારોની ટોળકી હતી.

યૂનિસ બ્રસેલ્સ પહોંચ્યાં તે પછી તેમને વેશ્યાવૃત્તિ કરવા માટે મજબૂર કરી દેવાયાં હતાં. તેમને એવું કહેવાયું હતું કે તેમને અહીં લાવવાનો, અહીં તેમની રહેવાની વ્યવસ્થા કરવાનો તથા દલાલો પાછળ 45,000 પાઉન્ડનો ખર્ચ થયો છે.

હિંસા પછી હત્યા

હત્યા થઈ તેના થોડા દિવસ પહેલાં જ યૂનિસ સેક્સ વર્કર માટે સેવાનું કામ કરતી એક સંસ્થાને મળ્યાં હતાં. યૂનિસે ફરિયાદ કરી હતી કે તેઓ હિંસાના ભોગ બને છે અને ધમકીઓ મળે છે. પોતે ગેરકાયદે રીતે બેલ્જિયમ આવેલાં ઇમિગ્રન્ટ હતાં એટલે પોલીસમાં જવાનો ડર લાગે છે એમ તેમણે જણાવ્યું હતું.

23 વર્ષનાં યૂનિસની જૂન 2018માં હત્યા થઈ હતી. તેમના ગ્રાહક તરીકે આવેલા શખ્સે તેમને છરીના 17 ઘા માર્યા હતા.

આ ઘટના પછી બ્રસેલ્સની માઇગ્રન્ટ સેક્સવર્કરોએ વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. વિરોધમાં કૂચ કરવામાં આવી હતી અને માગણી કરવામાં આવી હતી કે સેક્સવર્કરો માટે વધારે સારી વ્યવસ્થા કરવામાં આવે.

સ્થાનિક સત્તાધીશો આ વ્યવસાયના લોકો માટે સ્પષ્ટ ગાઇડલાઇન્સ નક્કી કરે તેવી માગણીઓ થઈ હતી.

હત્યાના વિરોધ માટે થયાં વ્યાપક પ્રદર્શનો

બેલ્જિયમમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદે નથી, પરંતુ સમગ્ર દેશમાં આ માટેના કોઈ એક સમાન કાયદાઓ નથી.

સેક્સવર્કરોના યુનિયન UTSOPIના ડિરેક્ટર મેક્સિસ મેઇસે આ વિરોધપ્રદર્શનોનું આયોજન કર્યું હતું.

મેક્સિસે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "યૂનિસની હત્યાથી બહુ ગભરાટ ફેલાયો હતો, ખાસ કરીને તેના વિસ્તારમાં દસ્તાવેજો વિના ગેરકાયદે રહેતી માઇગ્રન્ટ્સમાં."

"આ વિસ્તારમાં હિંસા વધી રહી છે અને અસહાય સ્ત્રીઓ હિંસાનો ભોગ બની રહી છે."

17 વર્ષના યુવાન સામે ઓસેયેન્ડેની હત્યાનો આરોપ મુકાયો છે અને તેમની સામે કેસ ચાલી રહ્યો છે.

જાન્યુઆરીમાં મનુષ્ય તસ્કરીની ટોળકીના ચારને પણ પકડવામાં આવ્યા હતા. આ લોકોને ચાર વર્ષ સુધીની કેદની સજા થઈ છે.

બ્રસેલ્સની નગરપાલિકાએ જણાવ્યું કે શેરીને યૂનિસ ઓસેયેન્ડનું નામ આપીને "અમે લોકોને યાદ કરાવવા માગીએ છીએ કે મનુષ્ય તસ્કરીનો, જાતીય હિંસાનો અને સ્ત્રીહત્યાનો ભોગ બનનારી પીડિતાને ભૂલી જવામાં ના આવે".

બેલ્જિયમના બ્રોડકાસ્ટર RTBFના જણાવ્યા અનુસાર બેલ્જિયમમાં આ પ્રથમવાર હશે કે કોઈ શેરીને સેક્સવર્કરનું નામ આપવામાં આવ્યું હોય.

મહિલાઓના સન્માનમાં શેરીઓને નામ આપવાની અનોખી ઝુંબેશ

બ્રસેલ્સના ઉત્તર ભાગમાં આવેલી આ શેરી છે. વધુ વિસ્તારોમાં શેરી અને વિભાગોનો મહિલાઓનાં નામ આપવા માટેની ઝુંબેશના ભાગરૂપે આ થઈ રહ્યું છે.

નગરપાલિકાએ અત્યાર સુધીમાં ઘણી શેરીઓને પ્રસિદ્ધ મહિલાઓનાં નામ આપ્યાં છે. લડત ચલાવનારાં તથા LGBT અધિકારો માટે લડેલી કાર્યકરોનાં નામ અપાયાં છે.

બ્રસેલ્સની નગરપાલિકાની એક મહિલા સભ્ય એન્સ પેરસૂન્સે કહ્યું કે, "ઉત્તમ પ્રદાન કરનારી નારીઓ માટે જ માત્ર નારીવાદ નથી. મહિલા અધિકારો માટે લડનારી દરેક સામાજિક કક્ષાની નારીનો સમાવેશ નારીવાદીમાં થાય છે."

પેરસૂન્સના જણાવ્યા અનુસાર બેલ્જિયમમાં 16થી 69 વર્ષની સ્ત્રીઓમાંથી 42% જેટલી સ્ત્રીઓએ જીવનમાં કોઈને કોઈ તબક્કે હિંસાનો અનુભવ કર્યો છે.

"સેક્સ વર્કરમાં આનું પ્રમાણ વધારે છે. અને તેના કારણે જ એક શેરીનું નામ અમે યૂનિસ ઓસેયેન્ડે પરથી રાખ્યું છે."

આ શેરી અત્યારે તૈયાર થઈ રહી છે અને થોડા મહિનામાં તેને ખુલ્લી મૂકવામાં આવશે.

શેરીને ખુલ્લી મૂકવામાં આવે ત્યારે તેના ઉદ્ધાટન કાર્યક્રમમાં સેક્સવર્કર્સ અને માઇગ્રન્ટ સમુદાયનો લોકોને પણ સંબોધન કરવા માટે બોલાવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો-