You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AUKUS સંધિ : ચીની મીડિયાએ કેમ કહ્યું 'અમેરિકાએ ભારતને બાજુએ મૂકી ઑસ્ટ્રેલિયાને મહત્ત્વ આપ્યું'?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સાથે એક સમજૂતી કરીને દુનિયાને ખળભળાવી મૂકી છે.
અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સુરક્ષાક્ષેત્રે સહયોગ માટે થયેલી સમજૂતીને ઑક્સ નામ આપવામાં આવ્યું છે.
ઑક્સ સમજૂતી પર ચીન સહિત યુરોપીય સંઘ અને ફ્રાન્સે વાંધો ઉઠાવ્યો છે. ચીને આ સમજૂતી અંગે ટિપ્પણી કરતાં ભારતને પણ નિશાન બનાવ્યું છે.
જ્યાં ફ્રાન્સે તો ઑસ્ટ્રેલિયા પર પીઠમાં ઘા કરવાનો આરોપ મૂક્યો છે. ત્યાં ચીનનું કહેવું છે કે "ભારત પર આની મનોવૈજ્ઞાનિક અસર થશે."
ત્યારે ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ઑસ્ટ્રેલિયા અને વૉશિંગટનના સંબંધની ટીકા કરતાં લખ્યું કે લાગે છે કે વૉશિંગટન, ઑસ્ટ્રેલિયાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહ્યું છે.
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભારત અને જાપાનની જેમ ઑસ્ટ્રેલિયા પણ ક્વૉડ દેશોમાં સામેલ છે પરંતુ લાગે છે કે તેમણે આ બંને દેશોની સરખામણીમાં ઑસ્ટ્રેલિયાને ખાસ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
24 સપ્ટેમ્બરના અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસમાં ક્વૉડ લીડર્સ સમિટની મેજબાની કરશે.
'ભારત પર પડશે મનોવૈજ્ઞાનિક અસર'
ગ્લોબલ ટાઇમ્સના સમાચાર મુજબ ઑક્સ સમજૂતીની જાપાન અને ભારત પર 'મનોવૈજ્ઞાનિક અસર' પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગળ કહેવાયું છે કે ઑક્સ સમજૂતીથી સમજી શકાય છે કે ઑસ્ટ્રેલિયા પ્રત્યે અમેરિકાનું વર્તન જાપાન અને ભારતની સરખામણીમાં તદ્દન અલગ છે.
ગ્લોબલ ટાઇમ્સના સમાચાર અનુસાર હિંદ-પ્રશાંત મહાસાગરમાં અમેરિકાની રણનીતિમાં ઑસ્ટ્રેલિયા કેન્દ્રમાં છે, જેના પશ્ચિમમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં પ્રશાંત મહાસાગર છે.
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં અમેરિકાનાં કેટલાંક સૈનિક ઠેકાણાં અને સહયોગી છે પરંતુ દક્ષિણ ગોળાર્ધમાં તેનું વૈશ્વિક સ્તરનું કૂટનીતિ અંગેનું ગઠબંધન નબળું છે.
ઑક્સ સમજૂતીથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયા પરમાણુસંચાલિત પનડૂબી મેળવી શકશે.
આ વખતે અમેરિકાએ ઑસ્ટ્રેલિયાની સાથે રાજકીય લાભને વધારે મજબૂત કરવા માટે ઑક્સ સમજૂતીના માધ્યમથી આ દિશામાં પગલું લીધું છે.
ગ્લોબલ ટાઇમ્સ મુજબ, અમેરિકા ભારતને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વૉશિંગટનનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની એશિયા-પ્રશાંત કૂટનીતિને પશ્ચિમની તરફ હિંદ મહાસાગર સુધી પ્રભાવી બનાવવાનો છે.
જોકે ભારત પોતાની ઍક્ટ ઇસ્ટ નીતિને મહત્ત્વ આપે છે. બની શકે કે વૉશિંગટન અને નવી દિલ્હીના સમાન હિત હોય પરંતુ બંને પક્ષો વચ્ચે કેટલાક મુદ્દા પર કેટલાક મતભેદ પણ છે.
ગ્લોબલ ટાઇમ્સે બીજું શું લખ્યું ?
અખબાર લખે છે કે ભારતે હાલનાં વર્ષોમાં ઘણું નિકટ રહીને અમેરિકાનું અનુસરણ કર્યું છે પરંતુ લાગે છે કે અમેરિકાએ વારંવાર ભારતને નિરાશ કર્યું છે.
આગળ કહેવામાં આવ્યું છે કે, "તેના પરિણામમાં હવે એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું અમેરિકા શરત વગર ભારતને સંકટના સમયમાં સમર્થન આપશે કે કેમ. આવી આશંકાને જોતાં જ ભારત, ઑસ્ટ્રેલિયાની જેમ પૂર્ણ રીતે અમેરિકાના પક્ષમાં નહીં ઝૂકે."
"વૉશિંગટન અને નવી દિલ્હીની અલગ-અલગ રાજકીય જરૂરિયાતો છે. ભારત,અમેરિકાનું બીજું સહયોગી નથી બનવા માગતું પરંતુ તે વધુ એક અમેરિકા જ બનવા માગે છે. "
"જાપાનની વાત કરીએ તો જાપાન માટે અમેરિકાની સાથે ગઠબંધન લાભદાયક હોઈ શકે છે. જોકે જાપાની રાજનીતિક અને કાયદાકીય શરતો અમેરિકા સાથે મેળ ખાતી નથી. ઑકસ સમજૂતી હેઠળ તકનીકી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહયોગ પર સહમતી થઈ છે."
ગ્લોબલ ટાઇમ્સ અનુસાર કેટલાક વિશ્લેષકો માને છે કે "અમેરિકા ઑસ્ટ્રેલિયાને પોતાની સૈન્ય તાકાત વિકસિત કરવામાં મદદ કરી શકે છે અને તેને એશિયમાં અમેરિકા તેને 'ગાર્ડ ડૉગ' બનાવી શકે છે. "
ઑક્સ સમજૂતીની ટીકા કરી ચૂક્યું છે ચીન
ચીને અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ઐતિહાસિક સુરક્ષાક્ષેત્રની સમજૂતી ઑક્સની ટીકા કરી હતી અને તેને ગેરજવાબદાર ગણાવી હતી. ચીને કહ્યું હતું કે આ નાની વિચારસરણીનો દાખલો છે.
ચીને અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલી સમજૂતી અંગે કહ્યું કે આ શીતયુદ્ધની માનસિકતાને દર્શાવે છે. આની પહેલાં બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ એક વિશેષ સુરક્ષા સમજૂતની જાહેરાત કરી હતી.
આ સમજૂતી હેઠળ અમેરિકા, ઑસ્ટ્રેલિયાને પરમાણુ પનડૂબીની તકનીક પણ ઉપલબ્ધ કરાવશે. જાણકારો માને છે કે આ નવી સમજૂતી એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામે મુકાબલો કરવા માટે કરાઈ છે.
આ ક્ષેત્ર વિવાદનું કારણ છે અને ત્યાં તણાવની પરિસ્થિતિ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું, "આ કારણોથી જ હથિયારોના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારને રોકવાના પ્રયત્નો પર ફટકો પડશે."
તેમણે અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલી આ રક્ષા સમજૂતીની ટીકા કરતા કહ્યું કે આ શીતયુદ્ધની માનસિકતાને દર્શાવે છે.
શું છે ઑક્સ ?
ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રારંભિક અક્ષરોને કારણે આ સમજૂતી AUKUS કહેવાય છે, જેનો ઉદ્દેશ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આ ત્રણ દેશોનાં હિતોની રક્ષા કરવાનો છે.
તેમાં આર્ટિફિશિયલ ઇન્લેટિજેન્સ, ક્વૉન્ટમ ટેકનૉલૉજી અને સાઇબર ક્ષેત્રની માહિતીનું સંકલન કરવામાં આવશે.
આ સમજૂતી અંતર્ગત અમેરિકાની ટેકનૉલૉજીથી ઑસ્ટ્રેલિયા પહેલી જ વાર પરમાણુ ક્ષમતાવાળી સબમરીન બનાવશે. નોંધવું જોઈએ કે, અમેરિકાએ અત્યાર સુધીમાં આ ટેકનૉલૉજી માત્ર બ્રિટનને જ આપી છે. બંને વચ્ચે 50 વર્ષ પહેલાં આવી સમજૂતી થયેલી છે.
ઑક્સ સમજૂતી પર એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, "ઑક્સ હેઠળ પ્રથમ પહેલના રૂપમાં અમે રૉયલ ઑસ્ટ્રેલિયા નૌસેના માટે પરમાણુ ઊર્જાથી ચાલનાર પનડૂબીનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
"આનાથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા આવશે અને આ અમારાં સંયુક્ત મૂલ્યો અને હિતોના રક્ષણમાં તહેનાત કરાશે."
આ પનડૂબી મળતાની સાથે ઑસ્ટ્રેલિયા દુનિયાના એ સાત દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેની પાસે પરમાણુ ઊર્જાથી સંચાલિત પનડૂબી હશે.
આની પહેલાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત અને રશિયાની પાસે આ તકનીક હતી.
આ પનડૂબી પારંપરિક રૂપથી સંચાલિત પનડૂબીથી વધારે ઝડપી હશે અને આની ભાળ મેળવવી અઘરી હશે.
આ મહિનાઓ સુધી પાણીમાં રહી શકશે અને મિસાઇલોથી લાંબા અંતર સુધી માર કરી શકશે. આ સમજૂતી એટલે અગત્યની છે કારણ કે છેલ્લાં 50 વર્ષમાં અમેરિકાએ પોતાની સબમરીન ટેકનિક, બ્રિટન સિવાય અન્ય કોઈ દેશને નથી આપી.
'ક્વૉડ'થી કેટલું અલગ છે 'ઑક્સ'
ઑક્સ સમજૂતીને લઈને સૌથી મોટો પ્રશ્ન એ છે કે ક્વૉડ સમૂહ હોવા છતાં અમેરિકાને આની જરૂર કેમ પડી? ક્વૉડમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયાની સાથે-સાથે જાપાન અને ભારત પણ છે.
ફોર્સ મૅગેઝીનનાં કાર્યકારી સંપાદક ગઝાલા વહાબ જણાવે છે કે "ઑક્સને બે રીતે સમજવાની જરૂરત છે. એવું લાગે છે કે ક્વૉડથી અલગ હઠીને ઑસ્ટ્રેલિયાની સાથે આ રીતે સમજૂતીનો હેતુ એક રીતે 'મિલિટરી એલાયંસ' શરૂ કરવાનો છે. "
" ક્વૉડને પણ ચારે દેશો વચ્ચે સૈન્ય સહયોગની નજરે જોવાય છે પરંતુ તેમાં હાઈ ટેકનૉલૉજી ટ્રાન્સફરની વાત નથી. જો ક્વૉડમાં એવી સમજૂતી હોત તો ભારતને પણ લાભ મળી શક્યો હોત. આ રીતે ઑક્સ ક્વૉડથી અલગ છે."
તેઓ કહે છે કે ઑક્સનું મંચ સૈન્ય ગઠબંધનનું મંચ છે જેમાં અમેરિકા, બ્રિટન પહેલાંથી હતાં અને ઑસ્ટ્રેલિયા હવે જોડાયું.
તેઓ માને છે કે ક્વૉડ દેશો માટે પૂર્ણ રીતે એકબીજા સાથે સૈન્ય ગઠબંધન બનાવવું મુશ્કેલ છે. એનું કારણ છે ભારત અને જાપાનમાં સંકોચ.
"અમેરિકા સાથે નિકટતાની સાથેસાથે ભારત રશિયા અને ઈરાન સાથે પણ સારા સંબંધ ધરાવે છે. ભારતથી વધારે જાપાનમાં સંકોચ છે."
"જાપાનના ચીન સાથે સારો વ્યાપારિક સંબંધ છે. ચીનને બીઆરઆઈ યોજનામાં જાપાન પાસેથી મદદ મળી રહી છે જેના કારણે જાપાન, ચીનની સાથે પોતાના સંબંધ ખતમ ન કરી શકે."
"આ કારણે ક્વૉડમાં કેટલાક અન્ય ફ્રન્ટ પર સહયોગની વાત ચાલી રહી છે. જેમકે હાલમાં કોવિડ વૅક્સીનમાં જોવા મળ્યું."
ઑક્સની જાહેરાત પછી ક્વૉડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોનું શિખરસંમેલન 24 સપ્ટેમ્બરના અમેરિકામાં યોજાશે, જેમાં ભાગ લેવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જઈ રહ્યા છે.
ક્વૉડને પણ ચીન એક એવું મંચ ગણે છે જે તેની વિરુદ્ધ રચવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો