કોરોના સંકટ : 'છાતી પર બિલાડી બેસી ગઈ હોય એવું ડિપ્રેશન થાય છે'

કોરોના મહામારી અને તેના કારણે થયેલા લૉકડાઉનના કારણે માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. વેટફોર્ડની લિઝ્ઝી નૉટ અને એબરડીનના વિદ્યાર્થી બર્ટી કેમ્પબેલ અહીં વર્ણવે છે કેવી રીતે આ સંકટનો સામનો તેઓ કરી રહ્યા છે.

22 વર્ષની રેખાંકનો કરનારી કલાકાર લિઝ્ઝી નૉટ ડિપ્રેશનમાં જીવે છે:

મને ડિપ્રેશન એવું થાય છે કે જાણે મારી બિલાડી રોડની મારી છાતી પર બેસી ગઈ હોય. દિવસોથી છાતી પર બેઠી છે અને ત્યાંથી હલતી જ નથી એવું લાગે છે. ભારેખમ લાગે છે, પણ એટલીય નહીં કે હું મારું રોજિંદું કામ ન કરી શકું. એવું લાગે કે બાળકને ગળે હિંચકો બાંધીને લટકાવી રાખ્યું છે. મને હાઇ-ફંક્શનિંગ કહે છે એવું ડિપ્રેશન છે એટલું આવું લાગે છે. આ દિવસોમાં નાની વાતમાં પણ મને રડવું આવી જાય અને બહુ હતાશા થઈ જવાય.

'મને ડર લાગે છે કે...'

આવા વિચિત્ર અને સંકટભર્યા દિવસોમાં મારું ડિપ્રેશન વધી જશે એવું મને લાગતું જ હતું અને આ અઠવાડિયે આખરે એવું થયું પણ ખરું.

સ્થિતિ મારા નિયંત્રણ બહાર જતી રહેશે તેવી લાગણી અને સ્થિતિમાંથી છટકવાની અશક્તિને કારણે મને બહુ ચિંતા અને તણાવ થવા લાગે. તેથી મને લાગે છે કે આ મહામારીનો ભય અને ત્રણ અઠવાડિયામાં મારું જીવન કેટલું બદલાઈ ગયું છે તેની નિરાશા અચાનક મને ઘેરી વળી.

મોટા ભાગના લોકોની જેમ હું પણ દુનિયામાં જે ચાલી રહ્યું હતું તેના વિશે ખાસ કરશું વિચાર્યા વિના સમય પસાર કરી રહી હતી. હું અત્યારે જોબ માટે અરજી ના કરી શકું કે મારા ભવિષ્ય માટે વિચારી ના શકું કે જીવનમાં આગળ ના વધી શકું અને તેના કારણે મને ક્યારેક બહુ ડર લાગવા લાગે છે. મને લાગે કે "કંઈ પણ કરવામાં શું ભલીવાર થવાની છે?"

'આમ લગાણીઓને ઢાળી'

મારા યુનિવર્સિટીના દિવસો પણ અચાનક પૂરા થઈ ગયા અને મારા ઉત્તમ મિત્રો સાથે અમે ભાડે રહેતા હતા તે મકાન ખાલી કરી દેવું પડ્યું.

આ મિત્રો મારી સપૉર્ટ સિસ્ટમ હતા. અમે એકબીજાને ગુડ બાય કહ્યું ત્યારે માત્ર હું જ રડી નહોતી. હું બસ જરા સુન્ન થઈ ગઈ હતી - ઠીક લાગતી હતી, પણ કૃત્રિમ રીતે.

પણ હા, અંદર ઊંડાણમાં મને બહુ દુખ થઈ રહ્યું હતું. પણ જાણે કે મારું મન એકદમ બચાવની મુદ્રામાં આવી ગયું હતું. હું હવે માતાપિતા અને ભાઈ-બહેનો સાથે ઘરે છું.

મારા માટે ઘર બહુ વિચિત્ર જગ્યા છે, કેમ કે મને તેના કારણે થોડાં વર્ષો પહેલાં મારું માનસિક સ્વાસ્થ્ય બગડેલું હતું તે દિવસો યાદ આવી જાય છે.

PTSDના કારણે મને ડિપ્રેશન થયું હતું અને કદાચ આખી જિંદગી મને તે નડ્યા કરશે. પરંતુ તે લાગણીઓને મેં પૉઝિટિવ આર્ટવર્કમાં વાળવાનું શીખી લીધું છે.

મને આશા છે કે ઘર વિશેની મારી નકારાત્મકતા આ રોગચાળાના સમયગાળા પછી જતી રહેશે, કેમ કે અત્યારે અમે એકબીજાનો સધિયારો બની રહ્યા છીએ.

ટાઇમપાસ કરવા માટે અમે બોર્ડ ગેમ રમતાં હતાં તે મને યાદ રહી જશે અને બગીચામાં સમૂહભોજન પણ યાદ રહેશે. મારું કુટુંબ બહુ સારું છે અને હું સલામત વાતાવરણમાં તેમની વચ્ચે છું એટલી સદનસીબ છું.

'આશા છે કે...'

લૉકડાઉનમાં ઘરે રહ્યા પછી હું ઘણાં બધાં ફૂલો અને ઉજાશ ચીતરી રહી છું, કેમ કે તે મને યાદ અપાવ્યા કરે કે હજીય વસંત ખીલેલી છે અને દુનિયા હજીય ચાલી રહી છે. હું જે વસ્તુઓને સહજ સ્વીકારી લેતી હતી, તેમાં મને હવે સૌંદર્ય દેખાય છે. યુનિવર્સિટીમાં હું વ્યસ્ત હોઉં કે કામમાં હોઉં તેના કારણે ઢળતા સૂરજને ક્યારેય જોયો નહોતો, પણ હવે રોજ સાંજ ઢળતી જોવાની રાહ જોતી રહું છું.

સામાન્ય સંજોગોમાં લોકોનો સતત આવરોજાવરો જોવા મળતો હતો કે ખાલીખમ રસ્તાઓને હું હવે જોતી રહી છું અને તેના ખાલીપણા અને નિરવતાને અંદર ઉતારતી રહું છું.

આ લૉકડાઉનના કારણે મને સ્વ વિશે વિચારવાની ઘણી બધી તક મળી છે - મારા જીવનની ગતિ હવે ધીમી પડી ગઈ છે. પણ હું જાણું છું કે બધા આટલા લકી નથી. મારા મનમાં વધુ વિચારો મહામારી વિશે ચાલ્યા કરે છે. હવે માત્ર અગત્યની બાબત જ અગત્યની રહી છે, અને નાની બાબતોની કોઈ અગત્ય રહી નથી.

જોકે મારી એષણા તો એવી જ છે કે મને ડિપ્રેશન ના હોય. પણ હું તેને સહજ રીતે સ્વીકારવા માટેનું શીખી રહી છું, મારી બિલાડીની જેમ.

ડિપ્રેશનનો આ તબક્કો પસાર થઈ જશે ત્યારે અગાઉ કરતાંય વધુ પ્રમાણમાં મારી આસપાસ ઉજાશ ફેલાશે.

'મિત્રો જતા રહ્યા અને હું...'

23 વર્ષના બર્ટી કૅમ્પબેલ એબરડીન યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીના બીજા વર્ષમાં ભણે છે.

તેઓ ડિપ્રેશનનો ભોગ બનેલા છે અને ભૂતકાળમાં પોતાને જ ઈજા પહોંચાડ્યાના બનાવોમાંથી પસાર થઈ ચૂક્યા છે. અત્યારે તેઓ યુનિવર્સિટીના નિવાસમાં જ લૉકડાઉનનો સમય પસાર કરી રહ્યા છે.

હું અહીં યુનિવર્સિટીના આવાસમાં જ રહી ગયો અને મારા બધા મિત્રો પરિવાર સાથે રહેવા માટે જવા લાગ્યા તે જોઈને બહુ દુખ થતું હતું. સાર્વજનિક બધી જ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે લકી છું કે મારો બૉયફ્રેન્ડ મારી સાથે રોકાઈ ગયો છે અને અમે સાથે સૅલ્ફ આઇસોલેશનમાં છીએ.

હું 17 વર્ષનો હતો તે પછી માતાપિતા સાથે રહ્યો નથી અને હવે તેમની સાથે મારો કોઈ સંબંધ રહ્યો નથી. તેથી કુટુંબ સાથે પરત જવાનો વિકલ્પ મારી પાસે નહોતો.

લૉકડાઉન શરૂ થયું તેના બે અઠવાડિયાં પહેલાં જ અમારી યુનિવર્સિટી અચાનક બંધ કરી દેવામાં આવી હતી. તે પછી મને હવે ભણવાનું પણ મન થતું નથી, કેમ કે પરીક્ષાઓ તો થવાની નથી. મને લાગે છે કે આ ટર્મમાં મેં જે કંઈ મહેનત કરી તે પાણીમાં ગઈ.

'લાગે કે દુનિયાનો અંત આવી ગયો'

હું હાર્ડવેર સ્ટોરમાં કામ કરતો હતો ત્યાંથી હું છુટ્ટો થયો તે પહેલાં હું ઘણા બધા રોપાઓ લઈ આવ્યો હતો. તેથી કમસે કેમ હરિયાળી લાગે છે અને શાંતિનો અનુભવ થાય છે.

ડિપ્રેશન ખભા પરના બોજ જેવું લાગે છે. એટલે કે મને ખબર નથી હોતી કે હું સવારે જ્યારે ઊઠીશ ત્યારે તદ્દન હતાશાની લાગણી મારામાં જાગશે કે કેમ. અથવા તો કંઈક નાની બાબત બને અને મને લાગે કે બસ હવે દુનિયાનો અંત આવી ગયો.

હું લાંબો સમય એકલો મારા રૂમમાં ભરાઈ રહું તે મારા માટે નવી વાત નથી. તેથી કદાચ બીજા કરતાં હું લૉકડાઉન સહન કરવા માટે વધારે સારી રીતે તૈયાર હતો. હું બહુ જ હતાશ થઈ જાવ ત્યારે હું મારા રૂમમાં જ ભરાઈ રહેતો હતો. ક્યારેક તો મહિનાઓ સુધી. કોઈ સંપર્ક કરે તોય હું જવાબ ના આપું અને પથારીમાં પડ્યો પડ્યો કલાકો સુધી બસ ફોનની સામે જોયા જ કરું.

નસીબદાર છું કે યુનિવર્સિટીમાં આવ્યા પછી મારા ઘણા મિત્રો થયા છે અને તે લોકો મારા રૂમ પર આવી જાય અને મને બહાર કાઢીને લઈ જાય અને મને મજા આવે તેવું કશુંક કરે.

પરંતુ હવે તે મિત્રો પણ જતા રહ્યા છે અને હું સૅલ્ફ આઇસોલેશનમાં છું અને મારા ડિપ્રેશનના કારણે દુનિયાની બધી બાબતો સામે મને નિરાશાની લાગણી થાય છે. મને બહુ ખરાબ લાગી રહ્યું છે, કેમ કે ગઈ કાલે હું મારા બૉયફ્રેન્ડ પર બહુ જ ગુસ્સે થઈ ગયો હતો અને તેને બહાર જઈને કસરત કરવા માટે ચિલ્લાયો હતો. બાદમાં મેં તેને માફી માગતો મૅસેજ કર્યો હતો.

હું કંટાળાનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છું અને મને ઉત્સાહમાં રાખવા માટેના રસ્તાઓ શોધી રહ્યો છું. ફેસબુક પર ગાંડા જેવી વાતો ફેલાવી રહેલા અને કોરોના વાઇરસ વિશે ષડયંત્રની થિયરીઓ મૂકી રહેલા લોકો સામે લડવાનું મેં કામ ઉપાડ્યું છે.

જોકે મારે કલાકો સુધી ફેસબુક જોયા કરવાનું ટાળવા માટે બહુ મહેનત કરવી પડે છે, કેમ કે તેના કારણે હું બહુ જોશમાં આવી જાઉં છું અને બિનજરૂરી રાજકીય દલીલબાજીમાં ઊતરી પડું છું.

લૉકડાઉનની શરૂઆતમાં હું અને મારો બૉયફ્રેન્ડ ઊઠીને પછી નેટફ્લિક્સ જોતા હતા અને વીડિયો ગેમ્સ રમતા હતા. પણ હવે અમે નક્કી કર્યું છે કે તે થોડું સ્પેનિશ શીખશે અને હું થોડું ઇટાલિયન ભાષા શીખીશ.

અમે કેટલાય વખતથી આ નવી ભાષાઓ શીખવા માટેની વાતો કરતાં જ હતા.

મેં છએક મહિનાથી મારી ગિટારને પણ હાથ લગાવ્યો નથી, પણ મને લાગે છે કે હવે ફરી તેને વગાડવાનો સારો સમય આવ્યો છે.

મેં જોયું કે હું હવે વધારે પી રહ્યો છું અને આ અઠવાડિયે હું તેના પર નિયંત્રણ માટે કોશિશ કરી રહ્યો છું.

તમે હતાશ થઈ ગયા હો ત્યારે સહેલાઈથી બૂરી લતમાં ફસાઈ જતા હો છો, પણ હું આ વાંચી રહ્યા હોય અને મારી જેવી લાગણી અનુભવી રહ્યા હોય તેમને જણાવીશ કે કમસે કમ દિવસમાં એક વાર સ્વની કાળજી લેવા માટેનો એક પ્રયાસ કરો. તેના કારણે બહુ ફરક પડી જશે. મારા માટે એક કામ એ છે કે બહાર રહેલા મિત્રો સાથે સતત વાતો કરતી રહેવી. તેઓ ઑનલાઇન હોય ત્યારે અથવા તેમને મૅસેજ કરીને કે ફોન પર તેમની સાથે વાતો કરવી.

હું જાણું છું કે બહાર જઈને કસરત કરવાથી પણ ફાયદો થશે, પણ અત્યારે તે માટે મન થતું નથી.હું હાલમાં જ ખરીદી કરવા ગયો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે બહારની દુનિયા કેવી છે તે હું જાણે ભૂલી જ ગયો છું. હું ઘાસ પર થોડી વાર ચાલ્યો અને વિચાર્યું કે "અહા, કેટલું મજાનું ઘાસ છે."

(ક્રિસ્ટી બ્રૂઅર સાથેની વાતચીતને આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો