ચીનમાં ક્રિપ્ટૉકરન્સીના તમામ વ્યવહારો ગેરકાયદેસર જાહેર, બિટકૉઇન પ્રતિબંધિત - BBC TOP NEWS

ચીનની મધ્યસ્થ બૅન્કે ક્રિપ્ટૉકરન્સીના તમામ પ્રકારના વ્યવહારોને ગરકાયદેસર જાહેર કર્યા છે, જેના કારણે બિટકૉઇન તથા અન્ય ડિજિટલ ટોકન લગભગ પ્રતિબંધિત જ થઈ ગયા છે.

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાનું કહેવું છે, "વર્ચ્યુઅલ કરન્સીસંબંધિત તમામ પ્રકારના આર્થિકવ્યવહારો ગેરકાયદેસર આર્થિક પ્રવૃત્તિઓ છે. જેના કારણે લોકોની આર્થિક સંપદા ઉપર જોખમ ઊભું થાય છે."

ચીન વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટૉકરન્સી બજારમાંથી એક છે, જેના કારણે ત્યાં થતી નાની અમસ્તી હલચલ સમગ્ર બજારમાં મોટી અસર ઊભી કરે છે.

ચીનની જાહેરાતને પગલે બીટકૉઇનના ભાવોમાં બે હજાર ડૉલર જેટલો કડાકો બોલી ગયો હતો.

વર્ષ 2019થી ચીનમાં ક્રિપ્ટૉકરન્સીની ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, છતાં પણ હજુ સુધી વિદેશી વિનિમય ઍક્સચેન્જ મારફત તેના વ્યવહાર થઈ શકતા હતા.

ચીનમાં ક્રિપ્ટૉકરન્સીના વ્યવહારો ઉપર કડક કાર્યવાહીની રોકાણકારોને ચેતવણી આપી દીધી હતી.

શુક્રવારની જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન તમામ પ્રકારના ક્રિપ્ટૉકરન્સી વ્યવહારોને બંધ કરી દેવા માગે છે.

સપ્ટેમ્બર-2019માં વિશ્વમાં ક્રિપ્ટૉકરન્સીને માટે જેટલી ઊર્જા વપરાતી હતી, તેના 75 ટકા ખપત ચીનમાં થતી હતી, જે એપ્રિલ-2021માં ઘટીને 41 ટકા ઉપર આવી ગઈ હતી.

દિલ્હીમાં મૉડલના લાંબા વાળ ટૂંકા કરી નાખ્યા, સલૂને બે કરોડ ચૂકવવા પડશે

ભારતીય કન્ઝ્યુમર કોર્ટે એક મૉડલના વાળ કાપવામાં ભૂલ કરવા બદલ સલૂનને બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ મૉડલના વાળ લાંબા હોવાથી હૅર પ્રોડક્ટ કંપનીઓ દ્વારા તેમને બોલાવવામાં આવતાં હતાં, જોકે સલૂને તેમના આદેશ વગર જ તેમના વાળ કાપીને ટૂંકા કરી દીધા હતા.

કન્ઝ્યુમર કોર્ટે આને તે મૉડલનું 'નુકસાન' ગણાવ્યું છે.

આ સલૂન દિલ્હીની એક જાણીતી હોટલ ચેઇનનું છે અને તેમની પાસે અપીલ કરવાનો અધિકાર છે.

જોકે હજી સુધી તેમના દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશને કહ્યું છે કે "આથી મૉડલને નુકસાન થયું છે અને તેની અસર તેમની લાઇફસ્ટાઇલ પર થઈ છે, સાથે જ તેમનું મૉડલ બનવાનું સપનું તૂટ્યું છે."

સાથે જ કમિશને નોંઘ્યું છે કે, "મૉડલે માનસિક આઘાત વેઠવો પડ્યો છે અને વાળ કપાઈ જવાના કારણે તેમણે પોતાનો રોજગાર ગુમાવ્યો છે."

ગુજરાતમાં 54 દિવસના સૌથી વધુ કેસ

ગુજરાતમાં એક તરફ 54 દિવસની તુલનામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે, તો બીજી તરફ અમદાવાદમાં રેસ્ટોરાંમાં જમવા માટે રસી મુકાવ્યાનું સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

19મી સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના 17 મહિનાની તુલનામાં સૌથી ઓછા આઠ કેસ નોંધાયા હતા, જેના માત્ર ચાર દિવસ બાદ ગુજરાતમાં 26 નવા કેસ નોંધાયા છે.

જે 31 જુલાઈ બાદ નોંધાયેલો સૌથી મોટો આંકડો છે.

સુરતમાં સાત, અમદાવાદમાં પાંચ, રાજકોટ અને વડોદરામાં બે-બે કેસ નોંધાયા છે.

જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ એકાદ-બે કેસ નોંધાયા છે.

અમદાવાદના રેસ્ટોરાંમાં પ્રવેશ માટે રસીકરણનું સર્ટિફિકેટ ફરજિયાત

અમદાવાદની રેસ્ટોરાંમાં જમવા જવા માટે હવેથી વૅક્સિનેશન સર્ટિફિેકેટ સાથે રાખવું પડશે.

ગુરુવારે હોટલ્સ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન, ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શુક્રવારથી આ નિયમ લાગુ કરી દેવાયો છે.

ઍસોસિયેશનના ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, "ઍસોસિયેશન દ્વારા સ્વેચ્છાએ આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને અમે તમામ રેસ્ટોરાંને અરજ કરી છે કે મહેમાનોના રસીકરણ સર્ટિફિકેટ તપાસે."

"આ નિર્ણય ગ્રાહકોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે અને સાથે જ તેનાથી રસીકરણને પ્રોત્સાહન મળશે, એવો વિચાર છે."

તેમનું કહેવું છે કે આ નિર્ણયને રેસ્ટોરાં સંચાલકો દ્વારા આવકારવામાં આવ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો