હિટલરના ક્રૂર કાળમાં હજારો લોકોનો જીવ બચાવનાર મુરિયલ ગાર્ડનરની કહાણી

    • લેેખક, ટિમ સ્ટૉક્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

મુરિયલ ગાર્ડનરને મહાન મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઇડ સાથે કામ કરવાનો એટલો બધો રસ હતો કે 1920ના દાયકામાં મેડિકલનો અભ્યાસ કરવા તેઓ ઑસ્ટ્રિયા ગયાં હતાં.

અહીંયાં, અમેરિકાના માલેતુજાર પરિવારનાં આ વારસ, ફાસીવાદ વિરુદ્ધ ચાલી રહેલી ભૂગર્ભ લડાઈમાં જોડાઈ ગયાં અને લાખો લોકોનો જીવ બચાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી.

તેઓની બહાદુરીનાં કારનામાં પર ફિલ્મ બની છે, જેમાં અભિનય કરવા બદલ અભિનેત્રી વેનેસા રેડગ્રેવને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો.

એવી કઈ ઘટનાઓ બની હતી જેણે તેઓના જીવનને વિલક્ષણ બનાવ્યું?

વાત જાણે એમ છે કે, નાઝીઓએ ઑસ્ટ્રિયા પર કબજો કરી લીધેલો. એ નવેમ્બરની એક સવાર હતી જ્યારે હોટેલમાં કોઈએ મુરિયલ ગાર્ડનરના રૂમનો દરવાજો ખખડાવ્યો.

દરવાજા સામે ગેસ્ટાપોનો એક અધિકારી ઊભો હતો જે જાણતો હતો કે તેઓ અહીં શું કરી રહ્યાં છે.

તેઓનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મેડિકલનાં આ વિદ્યાર્થિનીએ પોતાની જાતને સંભાળી લીધી અને કહ્યું, તેઓ એક પ્રવાસી છે અને લિંજ શહેરમાં ફરવા માટે આવ્યાં છે. આખરમાં, બીજા કેટલાક પ્રશ્નો પૂછીને ગેસ્ટાપો અધિકારી જતો રહ્યો.

જો તે વધુ તપાસ કરતો, તો એને ખબર પડી જાત કે ગાર્ડનરની હકીકત અલગ જ છે.

ટાઇટેનિકની જળસમાધિનો પ્રભાવ

ગાર્ડનરનો જન્મ 1901માં શિકાગોમાં મૉરિસ પરિવારમાં થયો હતો. આ પરિવારનો માંસનો વ્યવસાય હતો, જેમાંથી અગણિત ધનની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, લંડનના ફ્રૉઇડ મ્યુઝિયમની સ્થાપના ગાર્ડનરે જ કરી હતી અને હવે ત્યાં એક પ્રદર્શન ચાલી રહ્યું છે.

ફ્રૉઇડ મ્યુઝિયમ, લંડનનાં ડાયરેક્ટર કૅરોલ સીગલ જણાવે છે કે, "તેઓ નાની ઉંમરથી જ અનુભવતાં હતાં કે તેમની પાસે અખૂટ સંપત્તિ છે અને કેટલા બધા લોકો પાસે કંઈ પણ નથી. તેઓ આને ખોટું માનતાં હતાં."

"તેઓ રાજનીતિમાં રસ લેવા લાગેલાં. તેઓ જ્યારે નાની ઉંમરનાં હતાં ત્યારે તેઓએ મહિલાઓના મતાધિકાર માટે રેલી યોજી હતી."

20મી સદીની સૌથી મોટી ઘટનાઓમાંની એક, 1912માં ટાઇટેનિક જહાજના ડૂબી જવાની ઘટનાની ગાર્ડનરના વિચારો પર ગંભીર અસર પડી હતી.

પછીના એમના જીવનકાળ દરમિયાન એમણે પોતાના પૌત્ર હાલ હૉર્વીને એક વાર જણાવેલું કે મીડિયાના કવરેજમાં એ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર નામાંકિત લોકોનાં નામ તો લખાયાં પણ સામાન્ય લોકો વિશે કોઈએ કશું ના પૂછ્યું, જણાવ્યું. રિપૉર્ટ્સમાં એમને 'સ્ટીરેજ' કહેવાયા હતા, જેનો અર્થ ઓછા ભાડામાં યાત્રા કરનારા થાય છે.

"તેઓ પોતાની માતા પાસે ગયેલાં અને પૂછેલું કે સ્ટીરેજનો અર્થ શો થાય છે? અને તેઓને માત્ર એટલું જ કહેવાયું કે સામાન્ય લોકો. આ સાંભળીને તેમના મગજ વિચારોના ચકરાવે ચડેલું. 11 વર્ષની ઉંમરે જ તેઓ પોતાના પરિવારનાં ઉદારવાદી મહિલા બની ગયેલાં."

પ્રતિષ્ઠિત વેલ્સલી કૉલેજમાં ભણ્યા પછી તેઓએ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને પછી, 1926માં તેઓ વિયેના જતાં રહ્યાં. ઇંગ્લૅન્ડમાં તેમનાં લગ્ન થયેલાં, તેનાથી તેઓને એક દીકરી જન્મેલી, જેને તેઓ સાથે લઈ ગયેલાં. જો કે, એ લગ્ન લાંબું નહોતું ટક્યું.

ફ્રૉઇડમાં દિલચસ્પી

ઑસ્ટ્રિયા જવા પાછળનું કારણ, તેઓને વિશ્વાસ હતો કે મશહૂર મનોચિકિત્સક સિગ્મંડ ફ્રૉઇડ એમને જોશે.

પરંતુ ફ્રૉઇડ પાસે પહેલેથી જ બહુ બધા દર્દીઓ નોંધાયેલા હતા, એવામાં એમને મેડિકલ કૉલેજ રિફર કરવામાં આવી.

જો કે, એનાથી ના તો એમની સાઇકૉ એનાલિલિસમાંની રુચિ ઓછી થઈ અને ના તો એ શહેર માટેનો એમનો પ્રેમ ઘટ્યો, જેના સંચાલનનાં સૂત્રો સમાજવાદી લોકતંત્રવાદીઓના હાથમાં હતાં.

સીગલે જણાવ્યું કે, "જ્યારે તેઓ વિયેના પહોંચ્યાં તો એ શહેર લાલ રંગથી રંગાયેલું હતું અને ત્યાં કેટલીય રીતના સમાજસુધારા થઈ રહ્યા હતા. મુરિયલને આ શહેરમાં રહેવું ગમ્યું, એમનું સાઇકૉ પરીક્ષણ સારી રીતે થયું અને એમણે નક્કી કર્યું કે તેઓ પણ એક સાઇકૉએનાલિસ્ટ (મનોચિકિત્સક) બનશે."

તેમણે મેડિકલનો એભ્યાસ કરવા માટે વિયેનાની યુનિવર્સિટીમાં ઍડમિશન લીધું પરંતુ ટૂંક સમયમાં જ નાઝીઓએ સમાજવાદીઓને તગેડી મૂક્યા અને તેમની ધરપકડો થવા લાગી.

આવી નાજુક પરિસ્થિતિમાં એ દેશને છોડી દેવાને બદલે ગાર્ડનરે પોતાનું શિક્ષણ મેળવવાની સાથે એક બીજો હેતુ પણ જોડી દીધો. તેઓ ભૂગર્ભ આંદોલનમાં જોડાઈ ગયાં.

હૉર્વીએ જણાવ્યું કે, "એમના માટે આ નિર્ણય કરવો મુશ્કેલ નહોતું. તેઓ જાણતાં હતાં કે સાચું-સારું શું છે અને એમણે શું કરવું જોઈએ."

બેતરફી જિંદગી

ગાર્ડનર ક્રાંતિકારીઓમાં મૅરી નામથી ઓળખાતાં હતાં. તેમનાં ત્રણ નિવાસસ્થાન હતાં, જેમાંનું એક વિયેના વુડ્સમાં હતું. એ એક નાનકડું કૉટેજ હતું, જ્યાં તેઓ બેઠકો યોજતાં અને આંદોલનકારીઓને સંતાવા માટેની જગ્યા આપતાં.

ક્રાંતિકારી સમાજવાદી નેતા જૉસેફ બટિંગરને પણ તેમણે અહીં - આ સ્થળે જ રહેવા માટે જગ્યા આપી હતી. 1930ના દાયકામાં મુરિયલ ગાર્ડનરે બટિંગર સાથે લગ્ન કર્યાં હતાં.

સીગલ જણાવે છે કે, "તેઓ એકસાથે બેવડી જિંદગી જીવતાં હતાં. તેઓ સારસંભાળ રાખનાર મા અને મેડિકલનાં વિદ્યાર્થિની હતાં જેનાં વિયેનામાં બહુ બધાં મિત્રો હતાં અને તેઓ ક્રાંતિકારીઓનાં મદદગાર પણ હતાં જેમાં વિરોધ આંદોલનનો ભાગ બનેલાં."

ગાર્ડનરે નકલી પાસપૉર્ટ ઑસ્ટ્રિયા પહોંચાડ્યા જે ક્રાંતિકારીઓને દેશમાંથી ભાગી જવામાં ઉપયોગી નીવડ્યા.

તેઓ પોતાની સંપત્તિ અને પ્રભાવનો ઉપયોગ કરીને કાયદેસર રીતે પણ લોકોને દેશ છોડી જતા રહેવામાં મદદ કરતાં હતાં. તેમણે લોકોને બ્રિટનમાં નોકરી અપાવી જે દેશ છોડવાનો આધાર બની.

એક વાર કૉમરેડ એક દૂરના સ્થળે છુપાયેલા હતા. એમના સુધી પહોંચવા માટે ગાર્ડનરે રેલવેની સફર કરી, પછી ત્રણ કલાક સુધી પહાડ પર ચઢાણ કર્યું અને એમ એમના સુધી પાસપૉર્ટ પહોંચાડ્યો હતો. આ બધું એમણે કડકડતી ઠંડીમાં એક રાત દરમિયાન કરેલું.

સીગલ જણાવે છે કે, "એમની સામે વાસ્તવિક જોખમો હતાં. તેઓ સતત એવી કામગીરી કરતાં રહેતાં હતાં કે જો તેઓ પકડાઈ જાય તો કાં તો એમને દેશનિકાલની સજા થાત અથવા મોટા ભાગે તો જેલમાં પૂરી રાખવાની સંભાવના વધુ હતી."

વિયેનામાં એમનું સામાજિક જીવન એવું હતું કે બધા પ્રકાર-સ્વભાવના લોકોના સંપર્કમાં આવ્યાં.

1934માં અંગ્રેજ કવિ સ્ટીફન સ્પેન્ડર સાથે તેમને અફેર થયો. એ સમયે, ભવિષ્યમાં લેબર ચાન્સલર બનનારા હગ ગેટ્સકલ પણ વિયેનામાં રહેતા હતા.

સીગલ જણાવે છે કે બ્રિટનના સૌથી કુખ્યાત દગાબાજોમાંના એકને તેઓ વિયેનામાં મળેલાં.

"એક યુવાન એમને મળવા આવેલો. એમને એના પર શંકા હતી. એ માણસે એમને ડાબેરી સાહિત્ય વહેંચવાનું કહ્યું હતું. જો કે એમને એની પાસેથી એવી અપેક્ષા નહોતી."

"પછી જ્યારે યુદ્ધ પૂરું થયું, એમણે એ વ્યક્તિની તસવીર છાપાંમાં જોઈ. તે બ્રિટની ડબલ એજન્ટ કિમ ફિલબી હતા."

1938માં જર્મન નાઝીઓએ ઑસ્ટ્રિયા કબજે કરી લીધું હતું. ગાર્ડનરના પતિ અને દીકરીએ દેશ છોડી દીધો હતો. જો કે, તેઓ પોતાનું કામ ચાલુ રાખવા અને મેડિકલની ડિગ્રી હાંસલ કરવા વિયેનામાં જ રોકાયાં. જો કે, પાછળથી ત્રણે યુરોપ છોડીને અમેરિકા જતાં રહેલાં.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગાર્ડનર અને એમના પતિએ યહૂદીઓને વીઝા અપાવવાનું જોખમી અભિયાન ચલાવેલું. જે શરણાર્થીઓ અમેરિકા પહોંચી જતા હતા તેમને તેઓએ રહેઠાણ અને નોકરી બંનેની સગવડ કરી આપી.

અગણિત લોકોને બચાવ્યાં

એ કહેવું આસાન નથી કે કેટલાં લોકોના જીવ તેમણે બચાવેલા અથવા કેટલાંનાં જીવન પર તેમનો પ્રભાવ પડેલો.

હૉર્વીએ જણાવ્યું કે, એમણે સાંભળેલું કે ગાર્ડનરે સેંકડો લોકોના જીવ બચાવેલા. તેઓએ જણાવ્યું કે, "પરંતુ મને નથી લાગતું કે એમને ક્યારેય વાસ્તવિક આંકડો ખબર હશે."

ગાર્ડનરના મૃત્યુનાં બે વર્ષ પછી 1987માં બનેલી એક ડોક્યુમેન્ટરીમાં કેટલાય લોકોએ કહ્યું કે જો એ ન હોત તો કદાચ પોતે જીવતા ન હોત.

યુદ્ધસમાપ્તિનાં ઘણાં વરસો પછી તેમણે યુનિવર્સિટીમાં ભણાવ્યું, ઘણાં પુસ્તકો લખ્યાં, જેમાં એમણે પોતાની ભૂગર્ભ પ્રવૃત્તિઓ વિશે પણ લખ્યું જેની ત્યાં સુધી માત્ર તેમના નજીકના સાથીઓને જ જાણ હતી. તેમણે મનોચિકિત્સક તરીકે ઘણાં વરસો કામ પણ કર્યું હતું.

હૉર્વી તેમને એક ખૂબ સાદી મહિલારૂપે યાદ કરે છે. તેઓ જણાવે છે કે, "શું થયેલું એ બારામાં તેઓ ક્યારેય વાત નહોતાં કરતાં. બહુ ખણખોદ કરીએ ત્યારે માંડ થોડું જણાવતાં."

પરંતુ 1973માં એક પુસ્તક પ્રકટ થયું હતું, જેનું નામ પેંટીમેંટો હતું. એ પુસ્તક અમેરિકન લેખિકા લિલિયન હૅલમૅને લખેલું. પુસ્તકમાં લિલિયનની જુલિયા નામની એક મહિલા સાથેની મૈત્રીનું એક પ્રકરણ હતું જે નાઝી સમય પહેલાં વિયેનામાં રહેતાં હતાં.

આ દાયકામાં પાછળથી વેનેસા રેડગ્રેવ અને જેન ફોંડાની એક ફિલ્મ આવેલી જેના માટે રેડગ્રેવને બેસ્ટ સપૉર્ટિંગ ઍક્ટ્રેસનો ઑસ્કર ઍવૉર્ડ મળેલો.

પુસ્તક અને વિવાદ

સીગલ જણાવે છે કે, "જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ઘણા લોકોએ મુરિયલને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેમણે લિલિયન હૅલમૅનનું વાર્તા આધારિત પુસ્તક વાંચ્યું છે? ચોક્કસપણે તમે જ જુલિયા છો? જે વાતો તેમણે રજૂ કરી છે એ તમારી જ વાત છે."

"મુરિયલ ગાર્ડનર એવાં મહિલા નહોતાં જે આ મુદ્દે ઝઘડો કરે, પરંતુ તેમણે લિલિયન હૅલમૅનને પત્ર લખ્યો અને પૂછ્યું કે આ જરા આશ્ચર્યકારક છે, તમે જાણો છો, શું આ વાતો તમને મારા દ્વારા જાણવા મળી હતી? અને લિલિયને કોઈ જવાબ નહોતો આપ્યો."

પછીથી બંને વચ્ચેના મધ્યસ્થની ખબર પડી. બંનેના વકીલ એક જ હતા. એ હતા વુલ્ફ શ્વબાચર. જો કે, પુસ્તક પ્રકાશિત થયા પહેલાં જ તેઓ મૃત્યુ પામેલા, તેથી તેઓ ક્યાંથી જણાવે કે, એમણે જ લિલયનને જુલિયાની વાતો જણાવેલી કે કેમ.

જો કે ઑસ્ટ્રિયાના સમાજવાદી આંદોલનના પૂર્વસદસ્યોએ એ વાત ભારપૂર્વક કહી છે કે, એમની સાથે ઑસ્ટ્રિયામાં 1930ના દાયકામાં માત્ર એક જ અમેરિકન મહિલા સંપર્કમાં હતી અને તેઓ તે મહિલાને મૅરી નામે ઓળખતા હતા.

આ વિવાદનું પરિણામ એ આવ્યું કે છેવટે મૅરીએ પોતાના જીવન પર આધારિત એક પુસ્તક લખ્યું, જેનું નામ કોડ નેમ મૅરી હતું. આ પુસ્તક દાયકાઓ પહેલાંથી મળવું મટી ગયું હતું. હવે ફ્રૉઇડ મ્યુઝિયમના પ્રદર્શન માટે તેને ફરી છાપવામાં આવ્યું છે.

ફ્રૉઇડ મ્યુઝિયમ લંડનના હૅમ્પ્સ્ટેડમાં એ જ મકાનમાં છે જ્યાં સિગ્મંડ ફ્રૉઇડે વિયેના છોડ્યા પછી પોતાના અંતિમ દિવસો વિતાવેલા. એને ગાર્ડનરે જ ખરીદીને એમને આપેલું અને એમના મૃત્યુ પછી એમની યાદમાં એને મ્યુઝિયમ બનાવી દીધું.

સીગલે આ જ જગ્યાએ આ પ્રદર્શનનું આયોજન કર્યું છે.

"અમે મુરિયલ ગાર્ડનરના આભારી છીએ, કેમ કે તેઓ અને એના ફ્રૉઇડ જ આ સંસ્થાનનાં સ્થાપક છે અને એ કારણે જ આનું અસ્તિત્વ છે."

"એમની સંસ્થાએ ઘણાં વરસો સુધી આ સંસ્થાનની મદદ કરી છે. આ પ્રદર્શન એમના તરફ આભાર પ્રકટ કરવાની એક રીત છે."

આ પ્રદર્શનમાં વેનેસા રેડગ્રેવ પણ ઉપસ્થિત છે. તેમણે એક નાટક પણ લખ્યું હતું જે અમેરિકન મનોવૈજ્ઞાનિક મુરિયલ ગાર્ડનર પર જ આધારિત હતું.

જ્યારે હૉર્વી જણાવે છે કે, એમનાં દાદી હેડલાઇન્સથી દૂર જ રહ્યાં. હવે ફરીથી લોકોને એમના જીવનમાં રસ પડવા માંડ્યો છે, એ જાણીને સંતોષ થાય છે.

"તેઓ પોતાની 99 ટકા સંપત્તિનું દાન કરવા ઇચ્છતાં હતાં અને એમણે એવું જ કર્યું. તેઓ મધર ટેરેસા નહોતાં, તેઓ સારું ખાવાનું પસંદ કરતાં હતાં અને દિવસના અંતે વૉડકા પીતાં હતાં."

"પરંતુ સારા નસીબે એમની પાસે પૈસા હતા અને સાથે જ એમનામાં ડરને જીતવાની ક્ષમતા અને મૂલ્ય હતાં. આ બધાંએ ભેગાં થઈને એક એવી મહિલાનું સર્જન કર્યું જેમની સમાજને ખૂબ જરૂર હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો