'મારી નહીં થાય તો તને કોઈની નહીં થવા દઉં', પ્રેમ, પીડા અને ઍસિડ-હુમલાની કહાણી

    • લેેખક, ઍના ગ્રેબિયેલા રોજસ
    • પદ, વિશેષ અહેવાલ, બીબીસી મુન્ડો, મૅક્સિકો

મૅક્સિકોના પ્યૂબેલા શહેરનાં ઍસ્મેરાલ્ડા મિલાન 23 વર્ષનાં હતાં ત્યારે ડિસેમ્બર 2018માં તેમના પર ઍસિડ ફેંકાયું હતું. પૂર્વ પ્રેમી અને બે સંતાનોના પિતાની આ કૃત્ય બદલ ધરપકડ થઈ હતી.

મૅક્સિકોમાં ઍસિડ-હુમલાનો ભોગ કેટલી મહિલાઓ બની છે તેના કોઈ સત્તાવાર આંકડા નથી, પણ આવા હુમલાનો ભોગ બનેલી મહિલાઓને સહાયરૂપ થતી સંસ્થાઓના જણાવ્યા અનુસાર આવા 26 કિસ્સા સામે આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આવા છ બનાવ બન્યા છે.

ઍસિડહુમલાની પીડિતા

ઇમેજ સ્રોત, ANA GABRIELA ROJAS

સ્ત્રી-પુરુષ સમાનતા માટે કામ કરતી એક એનજીઓનાં ડિરેક્ટર નૉર્મા સિલિયા બોતિસ્તા રોમેરો કહે છે, "સ્ત્રીઓ સામેના બીજા ગુનાઓની જેમ ઍસિડ ફેંકવાના ગુના પણ વધી રહ્યા છે."

"આવા કિસ્સામાં સ્ત્રી સામે બદલો લેવાની ભાવના હોય છે. આખી જિંદગી બીજું કોઈ તેને સ્વીકારે નહીં, તે કાયમ માટે શારીરિક અને માનસિક રીતે પીડાતી રહે તેવો અત્યાચાર કરવાની વાત હોય છે."

ઍસિડ ફેંકવાના 90% ટકા કિસ્સામાં પૂર્વ પ્રેમી કે સાથી હોય છે. કેટલીક વાર બીજા પાસે ઍસિડ-હુમલો કરાવાતો હોય છે.

ઍસ્મેરાલ્ડા મિલાન પર હુમલાને ત્રણ વર્ષ થઈ ગયાં છે અને તેઓ પૂર્વ પ્રેમીને સજા થાય તેની રાહ જોઈ રહ્યાં છે.

ઍસ્મેહાલ્ડા કહે છે, "મારા ચહેરા પરના ઘા થોડા રુઝાયા છે, પણ મારા દિલમાં પડેલા ઘા ક્યારેય રુઝાવાના નથી."

અહીં તેના જ શબ્દોમાં ઍસ્મેરાલ્ડાની વીતકકથા રજૂ કરીએ છીએ.

હું 15 વર્ષની પણ નહોતી થઈ ત્યારે તેની સાથે મુલાકાત થઈ હતી અને 17 વર્ષે તો હું મા બની ગઈ હતી. હું ગર્ભવતી થઈ ત્યારથી તેણે મને મારવાનું શરૂ કર્યું હતું. તે મને ત્રાસ આપવા લાગ્યો હતો. મને મારતો હતો અને પરાણે સેક્સ કરતો હતો. હું ફસાઈ ગઈ હોઉં તેમ લાગતું હતું.

મને તક મળી એટલે હું તેને છોડીને મારી માતા સાથે રહેવા જતી રહી. તે મને શોધતો મારી પાછળ આવ્યો અને મને પાછી આવવાનું કહ્યું. 'હું સુધરી જઈશ' એમ કહ્યું.

એણે કહ્યું, "મારા પિતા બહુ હિંસક હતા અને હું ભોગ બન્યો હતો, પણ હવે હું આવું નહીં કરું."

હું બહુ નાની હતી એટલે મેં તેના પર ભરોસો કર્યો. મેં દીકરાને જન્મ આપ્યો. હું હાઈસ્કૂલ સુધી જ ભણી હતી અને મને લાગતું હતું કે મને કોઈ નોકરી નહીં મળે.

હું ફરી તેની સાથે રહેવા ગઈ, પણ તેણે ફરી મારપીટ શરૂ કરી. મને તેણે પરાણે ગર્ભવતી બનાવી અને આ વખતે મેં દીકરીને જન્મ આપ્યો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મને થતું હતું કે આને છોડી દઉં, પણ ત્યારે મારા માટે તે શક્ય નહોતું. મારું કોઈ નથી અને કોઈ મને મદદ નહીં કરે એવી રીતે તે મને ડરાવતો હતો.

હું વર્ષો સુધી તેનો ત્રાસ સહન કરતી રહી, પણ એક વખત હદ થઈ ગઈ. એણે વધારે મારપીટ કરી ત્યારે મેં તેનો સામનો કર્યો. મારો દીકરો ત્યારે સાત વર્ષનો હતો તે પણ મને બચાવવા વચ્ચે પડ્યો હતો. મેં તેને ચેતવણી આપી કે હવે પછી મારા પર હાથ ઉપાડતો નહીં.

મને લાગ્યું કે મારાં સંતાનોને મારે આવી જિંદગી આપવી નથી. હું સંતાનોને લઈને મારી માતાના ઘરે પાછી આવી ગઈ.

મેં કહ્યું કે બાળકો ખાતર આપણે મળતા રહીશું અને એ રીતે સમાધાન કર્યું હતું. પણ તેનો આગ્રહ હતો કે હું પાછી ફરું.

એકવાર મને પરાણે ઘરે લઈ જવાની કોશિશ કરી હતી. મને મોટરસાઇકલ ટૅક્સીમાં ઢસડીને બેસાડી દીધી હતી. જોકે તેના ડ્રાઇવરે અને બીજા એક માણસે મને છોડાવી હતી. મને સલામત જગ્યાએ પહોંચાડી અને મારા કાકા મને લઈ ગયા.

તે પછી હું હવે તેનાથી ડરવા લાગી હતી. હું તેની સાથે હવે રહેવા જવા માગતી નહોતી. મેં મારા કુટુંબને પણ કહી દીધું કે તેને ઘરમાં ઘૂસવા દેતા નહીં. તે બંને સંતાનો સાથે બહાર ફરવા જવાનું મને કહેતો, પણ હવે હું તેની સાથે ફરવા પણ જવા માગતી નહોતી.

એક વખત ભરણપોષણની રકમ આપવા આવ્યો ત્યારે તેણે મને પૂછ્યું કે 'કાલે તું શું કરવાની છે'. મેં કહ્યું 'મા સાથે સ્ટીમ બાથ લેવા જવાની છું અને તે પછી અમે લોકો પાર્ટીમાં જવાના છીએ.'

તેણે જતા પહેલાં ફરીથી મને પૂછ્યું કે 'કેટલા વાગ્યે હું બહાર જવાની છું.' આવું પૂછીને પછી મને કહે કે 'એક વાર મને બાથ ભર.' મેં ના પાડી, પણ તેણે બહુ આગ્રહ કર્યો. તેણે કહ્યું કે 'બસ એક વાર મને બથ ભરી દે તે પછી હું ક્યારેય તને પરેશાન નહીં કરું.'

હું બહુ ગભરાઈ ગઈ હતી અને જે કંઈ થયું તેની વાત મારી માતાને કરી હતી.

line

તેણે મારા પર ચહેરા પર ઍસિડ ફેંક્યું

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

બીજા દિવસે રવિવાર હતો. 2 ડિસેમ્બર 2018ના એ દિવસે હું અને મારી મા વહેલી સવારે 5:30 વાગ્યે બહાર જવા નીકળ્યાં.

હજી અંધારું હતું અને ઘરની સામે ત્રણ લોકો ભેદી રીતે ઊભા હતા. અમને લાગ્યું કે અમને જ તાકી રહ્યા. તે પછી વધુ એક જણ તેમની સાથે જોડાયો અને અમને ઘેરી લીધા.

અમે સામસામે આવી ગયા ત્યારે તેમાંના એક જણે મારા પર પ્રવાહી ફેક્યું. તેની બૉટલમાં હજીય કેટલુંક પ્રવાહી હતું. તેણે મારું માથું પકડીને તેના પર તે રેડવાની કોશિશ કરી. મેં બચાવ માટે તેને જોરથી ધક્કો માર્યો. તેના કારણે તેના ચહેરા પર પણ થોડું પ્રવાહી ઉડ્યું હતું.

મને ખ્યાલ આવી ગયો કે મારા પતિએ, મારાં સંતાનોના પિતાએ જ મારા પર ઍસિડ ફેંક્યું છે.

એ જે રીતે ચાલતો હતો તેના પરથી જ હું તેને ઓળખી ગઈ હતી, કેમ કે હું તેનાથી વધુ લાંબી છું. સંતાનોને મળવા આવેલો ત્યારે પહેર્યા હતાં તે જ કપડાં પહેરેલાં હતાં. તેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો અને હુમલો કરીને નાસી ગયો.

હું નવ વર્ષ તેની સાથે રહી હતી એટલે તેને બરાબર ઓળખી ગઈ હતી.

તેણે મને અનેકવાર ધમકી પણ આપી હતી કે: "તું મારી નહીં થાય તો ક્યારેય કોઈની નહીં થાય."

મને ત્યારે ખ્યાલ ના આવ્યો કે મારા પર ઍસિડ ફેંક્યું છે. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. મને લાગ્યું કે હું મરી જઈશ.

કેટલુંક પ્રવાહી મારા મોઢામાં જતું રહ્યું હતું અને મારું ગળું બળવા લાગ્યું હતું. હું શ્વાસ પણ લઈ શકતી નહોતી. મેં મારી માતાને ચીસાચીસ કરતી જોઈ. આવી રીતે મેં તેને ક્યારેય ચીસો પાડતી જોઈ નહોતી.

તે ઍસિડથી દાઝી ગઈ હતી, પણ મારી ખરાબ હાલત જોઈને તે વધારે પીડાઈ રહી હતી.

અમને કોઈએ મદદ ના કરી. મારી માતાએ મારી માસીને બોલાવી અને એ અમને હૉસ્પિટલ લઈ ગઈ. એટલી બધી પીડા થતી હતી કે હું બેભાન થઈ ગઈ હતી.

મારો ચહેરો ઍસિડને કારણે વિકૃત થઈ ગયો હતો. મારી જમણી આંખ પણ નકામી થઈ હતી.

મારા ગળા પર, બંને ખભે અને હાથ પર પણ ઍસિડ પડ્યું. મારી અન્નનળી બળી ગઈ હતી અને હું બે મહિના સુધી ખાઈ શકી નહોતી. ત્રણ મહિના માટે મારે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

એ પછી મેં મારી જાતને અરીસામાં જોયું ત્યારે લાગ્યું કે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે.

હું બહુ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મને લાગતું હતું કે આના કરતાં મરી જાઉં તો સારું.

માત્ર મને નહીં, આ ઍસિડના હુમલાને કારણે મારી માતા અને મારાં બાળકોને પણ ભોગવવું પડ્યું હતું. મારું આ નવું રૂપ સ્વીકારવું તેમના માટે પીડાદાયક હતું. શાળામાં પણ બાળકો તેમને પરેશાન કરતાં હતાં.

આ ડિસેમ્બરમાં મારા પર હુમલાને ત્રણ વર્ષ થઈ જશે અને આજેય મારો ચહેરો કોઈને દેખાડવાની મારી હિંમત થતી નથી. હું બહાર નીકળું ત્યારે ચહેરો ઢાંકીને નીકળું છું.

પહેલાં તો કેટલાક લોકોએ મને જ દોષ આપ્યો અને કહ્યું કે આ જ લાગની તું હતી. તે એને તરછોડી દીધો એટલે તારે ભોગવવું પડ્યું છે.

line

16 ઑપરેશન

ઍસિડહુમલાની પીડિતા

ઇમેજ સ્રોત, COURTESY ESMERALDA MILLÁN

મારા પર 16 ઑપરેશન કરવાં પડ્યાં હતાં. મારો ચહેરો થોડો સારો થયો છે, પણ પહેલાં જેવી તો ક્યારેય નહીં દેખાવ. મારા દિલ પર પડેલા ઘા ક્યારેય રુઝાવાના નથી.

મારાં સંતાનોનો પિતા મારી હાલત આવી કેવી રીતે કરી શકે? કોઈ આટલો બધો ધિક્કાર? એ આટલો બધો ક્રૂર કેવી રીતે બની શકે?

તે નફ્ફટ થઈને હજીય પોતે નિર્દોષ હોવાનું કહી રહ્યો છે. હુમલાના દિવસે તે પણ ઍસિડથી દાઝ્યો તેની સારવાર લેવા હૉસ્પિટલે આવ્યો હતો.

મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા જણે તેના પર પણ હુમલો કર્યો હતો તેવું બહાનું તેણે કાઢ્યું હતું.

જોકે હૉસ્પિટલમાંથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના પર નારીહત્યાના પ્રયાસનો આરોપ મૂકાયો છે. મારા વકીલના કહેવા પ્રમાણે આ વર્ષે ચુકાદો આવશે અને તેને સજા થશે તેવું લાગે છે.

આ હુમલાખોર ફિડેલને 40 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હું ઇચ્છું છું કે તેને આકરી સજા થાય અને જેલમાંથી ક્યારેય બહાર ના આવે. મને ડર લાગે છે કે તે જેલમાંથી બહાર આવશે તો મને મારી નાખશે.

તેના ત્રણ સાગરિતો પણ પકડાઈ જાય તેમ હું ઇચ્છું છું.

કોરોના રોગચાળાને કારણે કાર્યવાહી બહુ ધીમી ચાલી રહી છે અને તેણે વારંવાર પોતાના વકીલો પણ બદલ્યા છે.

line

હું એકલી નથી

ઍસિડહુમલાની પીડિતા

ઇમેજ સ્રોત, ANA GABRIELA ROJAS

મારી જેવી ઘણી સ્ત્રીઓ આ રીતે ભોગ બની છે તે હું જાણું છું અને તે રીતે લાગે છે કે હું એકલી નથી.

મારી માતા, માસી અને દાદી મને સાથ આપતાં રહ્યાં છે. ઍસિડ-હુમલાનો ભોગ બનેલી બીજી સ્ત્રીઓને પણ હું મળી છું. ઍસિડ-હુમલાની પીડિતાઓને સહાય માટે સંસ્થા ચલાવતા કાર્મેન સાન્ચેઝે પણ મને બહુ મદદ કરી છે. અમે પીડિતા પણ એક બીજાને મદદ કરીએ છીએ.

સરકાર તરફથી પૂરતી મદદ નથી મળી એમ મને લાગે છે.

ઍસિડ-હુમલા વિરુદ્ધ અલગ કડક કાયદા કરીને ગુનેગારોને આકરી સજાની માગણી થઈ રહી છે. સાથે જ પીડિતાની મુશ્કેલીઓ પર ધ્યાન આપવું જોઈએ. આ કંઈ સામાન્ય ઈજા નથી કે થોડા સમયમાં સારી થઈ જાય. વર્ષો સુધી તેની પીડા ભોગવવી પડે છે. અમે ઇચ્છીએ છીએ કે કોઈ આવી પીડાનો ભોગ ના બને.

એથી જ હું અત્યાચાર સહન કરી રહેલી સ્ત્રીઓને કહેવા માગું છું કે તેમને ત્રાસ આપનારાની વાતો પર વિશ્વાસ ના કરશો. હિંસક પુરુષો ક્યારેય બદલાતા નથી. આ સંબંધોમાંથી બહાર નીકળી જાવ. તમે એકલા નથી.

મારી આસપાસના લોકોની મદદને કારણે હું આજે મારા પગ પર ઊભી છું. મને ઇસેલા મૅન્ડીઝ જેવાં ડર્મેટોલૉજિસ્ટની પણ બહુ સહાય મળી છે અને તેણે મારા પર અનેક કૉસ્મેટિક સર્જરી કરી છે.

હું હવે આંખના કૉર્નિયાના ટ્રાન્સપ્લાન્ટ માટેની આશામાં છું. મારી જમણી આંખ કાયમ માટે ના ગુમાવું તે માટે આ જરૂરી છે. એક ડૉક્ટર મને આ બાબતમાં મફતમાં સારવાર આપી રહ્યા છે, પણ દવાઓનો ખર્ચ મને ભારે પડી રહ્યો છે.

વારંવાર ઑપરેશન અને સાજા થવા માટે કરવા પડતા આરામને કારણે હું કામે પણ વળગી શકી નથી. હું ફરી મારી માતાને મદદરૂપ થવા માગું છું. તેણે આજ સુધી મને અને મારાં બાળકોને સંભાળી લીધાં છે.

ફરીથી સપનાં જોવામાં હજી થોડો સમય લાગશે. ઍસિડ-હુમલાએ મારી જિંદગી હણી નાખી છે. બહારની તરફ પડેલા ઘા તો ધીમેધીમે રુઝાઈ રહ્યા છે, પણ મારા દિલ પર પડેલા ઘા ક્યારેય રુઝાવા નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો