એક એવી પ્રથા જેમાં માનવ-મૃતદેહનો સારવારમાં ઉપયોગ થતો

ઇમેજ સ્રોત, Getty Images
હજી હમણાં જ એક વ્યક્તિને મોતની સજા કરવામાં હતી. એ મરવાને આરે હતી અને તડપી રહી હતી પણ કેટલાય બીમાર લોકો એની નીચે એકઠા થવાનો પ્રયાસ કરતા હતા.
જે ખુશનસીબ લોકોને પોતાનો ગ્લાસ ભરાવાનો અવાજ સંભળાતો તેઓ ગ્લાસમાં ટપકેલા ગરમ લોહીને તરત જ, એકીશ્વાસે ગટગટાવી જતા હતા.
આ આધુનિક ડેનમાર્કનાં શરૂઆતનાં વર્ષોની વાત છે. એમ તો આ ઉદાહરણ બહુ જ બીભત્સ છે, પરંતુ એ સમયે યુરોપના ટોચના ચિકિત્સા વિશેષજ્ઞોના મતાનુસાર વાઈની સારવાર એ લોહીમાં હતી.
આધુનિક સમયના શરૂઆતના ગાળામાં પ્રયોજાતી 'શબ-ઔષધિ'ને બે વિભાગમાં વહેંચી શકાય છે.
એક લોકપ્રિય ઉપચાર, સુરક્ષિત રખાયેલા મૃતદેહો દ્વારા કરવામાં આવતો હતો, જેમાં પ્રાચીન ઇજિપ્તના મૃતદેહોના સુકાયેલા માંસનો પાઉડર બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
પરંતુ કેટલાક ડૉક્ટરો, એ સમયના મૃતદેહોમાંથી કાઢવામાં આવેલા અવયવોનો દવા તરીકે ઉપયોગ કરતા હતા. જેમાં તાજી ચરબી, લોહી અને એટલે સુધી કે નિતંબના માંસનો સમાવેશ થતો હતો. જેનો ઉપયોગ કરતાં પહેલાં તેને સાવચેતીથી સૂકવીને સાફ કરાતું હતું.
કેટલાક ચિકિત્સા વિશેષજ્ઞોનો દાવો હતો કે વાઈની બીમારી માટે સૌથી સારી સારવાર 'એક એવા માણસનો મૃતદેહ છે જે શુદ્ધ અને તાજો હોય; જેનો રંગ થોડો લાલ હોય; જેની ઉંમર લગભગ 24 વર્ષ હોય' અને એનું મૃત્યુ પીડાદાયક રીતે થયું હોય.
ક્યારેક-ક્યારેક માનવ-ખોપરીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને 'અસની' નામની એવી ફૂગનો પણ ઉપયોગ કરાતો હતો જે મૃત્યુના થોડા સમય પછી ખોપરી પર લાગવા માંડતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંરક્ષિત કરાયેલા મૃતદેહોનો ઉપયોગ હેમરેજ અથવા પડેલા ઘાની સારવાર માટે કરાતો; જ્યારે લોહી અને ખોપરીનો ઉપયોગ વાઈની સારવાર માટે પાઉડરરૂપે કરવામાં આવતો હતો.

રાક્ષસી વૃત્તિ (માનવભક્ષણ)

ઇમેજ સ્રોત, Getty Images
અમે નથી જાણતા કે એવું શા માટે છે, પરંતુ ચિકિત્સાના પારંપરિક ઇતિહાસમાં મૃતદેહ દ્વારા ઉપચાર કરવાનો ઉલ્લેખ નથી મળતો, પણ આ પ્રકારના ઉપચાર દૈવીય કથાવાર્તાઓ કે કોઈ છેતરામણી નહોતા.
આવા ઉપચાર કેટલાક અંશે ગ્રીક અને અરબ ચિકિત્સા-પરંપરાઓમાંથી સ્વીકારાયા છે. સુશિક્ષિત લોકો ઉપચારની આ રીતોનો માત્ર સ્વીકાર જ નથી કરતા, બલકે, એવું કરવાની સલાહ પણ આપે છે.
સલાહ આપનારાઓમાં વૈજ્ઞાનિક-દાર્શનિક ફ્રાન્સિસ કવિ બેકન, કવિ અને દાર્શનિક જૉન ડન, મહારાણી એલિઝાબેથના સર્જન જૉન બેનિસ્ટર અને રાસાયણિક વિશેષજ્ઞ રૉબર્ટ બૉયલ સામેલ હતા.
ઈ.સ 1685માં, માનવ-ખોપરીમાંથી બનાવેલાં ટીપાંનો ઉપયોગ બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીયની સારવાર માટે પણ કરવામાં આવ્યો હતો.
આના પરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે, સારવાર માટે કરાતો મૃતદેહોનો ઉપયોગ એ એક રીતે રાક્ષસી વૃત્તિ જ હતી.
15મી સદી અને એ પછીથી યુરોપમાં લગભગ દરેક જગ્યાએ 'જૂના જમાનાની રાક્ષસી વૃત્તિ' (માનવભક્ષણ)ને ખરાબ માનવામાં આવતી હતી, જેની શોધ તાજેતરમાં જ અમેરિકામાં થઈ હતી. પરંતુ કોઈએ પણ આ પ્રકારે કરાતી સારવારને રાક્ષસી કહી નહોતી.
એમ તો એનાથી લોકોમાં બેચેની વધી જતી હતી, તેમ છતાં એ એક લોકપ્રિય અને આકર્ષક સારવારપદ્ધતિ હતી.
એ એટલી તો લોકપ્રિય અને આકર્ષક હતી કે વેપારીઓએ માત્ર ઇજિપ્તની કબરોને જ ન લૂંટી, બલકે, ક્યારેક તો દગાથી, સમજાવીપટાવીને લોકોને ગરીબ કે કોઢવાળા માણસનું અથવા ઊંટનું માંસ સુધ્ધાં પણ વેચી દેતા હતા.
સારવારની આ પદ્ધતિ 15મી સદીના અંત સુધી અસ્તિત્વમાં હતી, પરંતુ જર્મનીમાં તો આ રીત સો વર્ષ પહેલાં સુધી અજમાવાતી હતી.

'અસરકારક દવા'

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારના ઉપચાર એટલા બીભત્સ હોવા છતાં આટલાં બધાં વરસો સુધી શા માટે અમલમાં રહ્યા?
એનો જવાબ એ છે કે, ચિકિત્સા વિશેષજ્ઞો જૂનાપુરાણા યુનાની સમયના તબીબી જાણકારોને વધુ મહત્ત્વ આપતા હતા. આ ઉપરાંત એ પણ મહત્ત્વપૂર્ણ હતું કે એ સમયમાં ચિકિત્સા માટે લેટિન ભાષાનો પ્રયોગ થતો હતો અને શું સાચું અને શું ખોટું એ બાબત પર એકાધિકાર હતો.
ઈ.સ. 1599ના થોડા સમય પહેલાં એક પર્યટકે કૅરો (ઇજિપ્ત)ના એક પિરામિડ વિશે લખ્યું હતું કે, "પ્રાચીન સમયના લોકોના મૃતદેહો દરરોજ કાઢવામાં આવતા હતા. એ મૃતદેહો સડેલા નહોતા, બલકે, સારી સ્થિતિમાં હતા. અને તે એ મૃતદેહો હતા જેને ડૉક્ટરો અને દવા બનાવનારા અમારી મરજી વિરુદ્ધ અમને ખવડાવતા હતા."
આના પરથી સમજાય છે કે ડૉક્ટર પોતાના રોગીઓને એક ક્ષીણ શરીરમાંથી કાઢવામાં આવેલા અવયવોનો ઉપયોગ કરવા માટે મજબૂર કરી શકતા હતા.
ઈ.સ. 1647માં, લેખક-ઉપદેશક થૉમસ ફિલરે સંરક્ષિત કરાયેલા મૃતદેહોને 'ખરાબ ભોજન, પણ બહુ સારી દવા' કહ્યા હતા.
એમના આ કથનનો એવો અર્થ કરી શકાય કે, માનવશરીરના માંસને જુદી જુદી ચિકિત્સકીય પ્રક્રિયાઓના માધ્યમથી કોઈક રીતે સ્વચ્છ કરી લેવામાં આવતું હતું અને એ રીતે એ કાચું માનવમાંસ ખાવા માટે ખરાબ નહોતું.
જો કે, રિફાઇનિંગનો આ તબક્કો 'વિજ્ઞાન'ની શક્તિ પર નહીં, પરંતુ માનવશરીરની ધાર્મિક અને આધ્યાત્મિક શક્તિઓ પર નિર્ભર હતું.

આત્મા : માનવજીવનની શક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપીય પુનર્જાગરણના સમય દરમિયાન એ સામાન્ય ધારણા હતી કે મનુષ્યનો આત્મા જ શારીરિક દુઃખો માટે જવાબદાર છે.
સિદ્ધાંત એ હતો કે આત્માને પોતાનું તો કોઈ રૂપ હોતું નથી, પરંતુ તે લોહી અને હવાના મિશ્રણથી શરીર સાથે જોડાયેલો રહે છે. આત્માનું આ મિશ્રણ શરીરમાં શક્તિનો સંચાર કરતું રહે છે.
પુનર્જાગરણ સમયના કેટલાક વિચારકો અનુસાર, મૃતદેહો વડે ઉપચાર કરવાનું એક એવું રાસાયણિક વિજ્ઞાન હતું જે સુચારુ જિંદગી માટે જરૂરી આત્મિક શક્તિને પોતાનામાં સમાવી લેવાની એક તક આપતું હતું.
અને જ્યારે તાજું લોહી પીવાની વાત આવે છે તો એ વાત વધારે સ્પષ્ટ થઈ જાય છે. આમ, રોગી જીવનના મૂળ પદાર્થને એ રીતે પોતાની અંદર ઉતારી લેતા હતા જેવી રીતે તે જીવંત શરીરમાં અસ્તિત્વ ધરાવતું હતું.
17મી સદીના અંતમાં, કવિ અને ચિકિત્સક એડવર્ડ ટેલરે લખ્યું હતું કે, "ગરમ કે ઠંડું માનવરક્ત બીમારીઓ માટે ફાયદાકારક છે."
અને 1747 સુધી, અંગ્રેજ ચિકિત્સકો વાઈની સારવાર માટે તાજા ગરમ લોહીની સલાહ આપતા રહ્યા.
આ ઉપરાંત, 'આધ્યાત્મિક ફિઝિયોલૉજી'ના કારણે પણ મનુષ્યમાંસ ખવાતું રહ્યું છે.
યાદ રહે કે સંરક્ષિત કરવામાં આવેલા મૃતદેહો વિશે એમ કહેવાયું છે કે એ એક નવયુવકનો મૃતદેહ હોવો જોઈએ જેનું પીડાદાયક મૃત્યુ થયું હોય.

પીડાદાયક મૃત્યુ ડર જન્માવે છે

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલ થિયરીમાં કહેવાય છે કે ડરને કારણે આત્મા મહત્ત્વપૂર્ણ અંગો, જેવાં કે ફેફસાં, હૃદય અને મસ્તિષ્કને છોડીને માંસમાં સમાઈ જાય છે, એ કારણે એવી સ્થિતિમાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે અથવા આંખોમાં એક રહસ્યમય ચમક દેખા દે છે.
એટલા માટે ખાસ કરીને એવા વ્યક્તિના માંસને ઉત્તમ માનવામાં આવતું હતું.
એ કારણે જ પહેલી નજરે, ઇજિપ્તના મમી - જે પોતાના સૂકાપણા માટે ઓળખાય છે, એમાં, આ જીવનશક્તિ હોવી ન જોઈએ? પરંતુ એના સારી હાલતમાં મળી આવેલા માંસને કારણે એવો અર્થ કરી શકાતો હતો કે સંરક્ષણનાં અનેક ચરણોમાંથી પસાર થયા પછી જેને સીલ કરી દેવામાં આવ્યા હતા એ મૃતદેહોમાં હજી પણ આત્મા છે.
આ જ રીતે ઘણાં વરસો પહેલાં મરી ગયેલા વ્યક્તિની ખોપરી પર લાગેલી ફૂગને પણ આધ્યાત્મિક શક્તિથી ભરપૂર માનવામાં આવતી હતી.
કેટલાક વિચારકો એવું માનતા હતા કે જો કોઈ વ્યક્તિને ગળું દબાવીને મારી નાખવામાં આવી હોય તો એના માથામાં રહેલી આધ્યાત્મિક શક્તિ સાત વર્ષ સુધી એની ખોપરીમાં રહી શકે છે.
ઈ.સ. 1604માં આપણે વિલિયમ શેક્સપિયરના પાત્ર ઓથેલોના રૂમાલની પ્રશંસા કરતા હતા, કેમ કે તેનું રેશમ એક કુંવારી સ્ત્રીના સંરક્ષિત દિલથી બનેલા તરલ પદાર્થથી રંગવામાં આવ્યું હતું.
દેખીતું છે કે એ સમયે યુવાન કુંવારી સ્ત્રીઓને આધ્યાત્મિક શુદ્ધતાનું ઉચ્ચતમ શિખર માનવામાં આવતી હતી.
આમ તો હૃદયના ચિકિત્સકીય ઉપયોગને વિચિત્ર માનવામાં નહોતું આવતું, પરંતુ આ વિધાન એ સામાન્ય ધારણા પર આધારિત હોઈ શકે કે આત્માનો સૌથી શુદ્ધ અને સૌથી ઉત્તમ ભાગ ડાબા ક્ષેપકમાં અથવા હૃદયની ગુહામાં જોવા મળે છે.

તુંડે તુંડે મતિર્ભિન્નાઃ

ઇમેજ સ્રોત, Getty Images
મૃતદેહ દ્વારા થતા ઇલાજનો જુદા જુદા લોકો માટે જુદો જુદો મતલબ હતો.
જે લોકો આને વર્જિત માનતા હતા, કદાચ એમનો એ વિચાર વેપાર, પશ્ચિમની ઉપચાર પદ્ધતિ, પુસ્તકો અને વૈજ્ઞાનિક વિકાસને કારણે બદલાવા લાગ્યો હોય અને એમના માટે એ સારવારપદ્ધતિ સ્વીકાર્ય બની હોય.
જ્યારે બીજા લોકો માટે એ માનવજીવનના સૌથી પવિત્ર અને મૌલિક તત્ત્વ સાથે સંપર્ક કરવાનું એક માધ્યમ હતું.
હાસ્યાસ્પદ વાત તો એ છે કે, મૃતદેહને સુરક્ષિત રાખવાની બાબતને મુખ્ય ધારાની ચિકિત્સામાં અપ્રચલિત માનવામાં આવતી હતી. કેવળ એટલા માટે નહીં કે ડૉક્ટર સેમ્યુઅલ જૉન્સનના સમકાલીનો એને અંધવિશ્વાસ અથવા ક્રૂરતા માનવા લાગ્યા હતા, બલકે એટલા માટે પણ કે ચિકિત્સાએ માનવશરીરના આધ્યાત્મિક મહત્ત્વને ઓછું આંકવા માંડ્યું હતું.
ઈ.સ. 1782માં, આપણે જોઈએ છીએ તો, ચિકિત્સક વિલિયમ બ્લૅક એમ જણાવતાં ખુશી પ્રગટ કરે છે કે, 'ઇજિપ્તની મમી' અને 'પુરુષોની ખોપરી' જેવા 'ગંદા અને મહત્ત્વહીન' ઉપચાર હવે અપ્રચલિત બની રહ્યા છે. "આ અને અન્ય દૂષિત પદાર્થોનાં મિશ્રણ હવે ચિકિત્સામાંનું પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યાં છે."
આમ, પ્રબુદ્ધ વિજ્ઞાનના વિકાસનો બચાવ કરતાં વિલિયમ બ્લૅકે આ સમગ્ર ચરણો દરમિયાન શું શું પ્રભાવિત થયું હતું એના પર વિચાર નથી કર્યો.
કેમ કે જે લોકોએ મૃતદેહો વડે સારવાર કરાવી, તેઓ હવે એના તરફની પોતાની ઘૃણાને કાબૂ કરી ચૂક્યા હતા. નિરાશાના કારણે નહીં, પરંતુ, આત્મા પ્રતિના સન્માનને લીધે, જેને માનવજીવનનો સાર માનવામાં આવતો હતો.
(રિચર્ડ સિગ ડરહમ યુનિવર્સિટીમાં અધ્યાપક છે. એમનું પુસ્તક 'મર્ડર આફ્ટર ડેથ' ચિકિત્સકીય રાક્ષસી વૃત્તિ પર પ્રકાશ પાડે છે.)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












