નિપાહ વાઇરસ : કેરળમાં જોવા મળેલો આ ખતરનાક વાઇરસના ચેપના લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેરળમાં શંકાસ્પદ નિપાહ વાઇરસના કારણે થયેલાં બે વ્યક્તિનાં મોતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે.
નિપાહ વાઇરસના કેસને જોતાં કેરળમાં આરોગ્ય વિભાગની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. 2018માં કેરળમાં નિપાહ વાઇરસે કેટલાય લોકોનો ભોગ લીધો હતો.
પુણેસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીની લૅબોરેટરીમાં સૅમ્પલ મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કેરળમાં કૉન્ટૅક્ટ ટ્રૅસિંગ સહિત અન્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલ ચિંતાની કોઈ વાત નથી, પરંતુ સતર્કતાની ખૂબ જરૂર છે.
કેરળનાં આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે 30 ઑગસ્ટના દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિના સંપર્કમાં આવેલી બીજી વ્યક્તિ 11 સપ્ટેમ્બરના દિવસે મૃત્યુ પામી હતી. આ બન્ને દર્દીઓ હૉસ્પિટલમાં લગભગ એક કલાક સુધી એકબીજાની સાથે હતા.
ટૂંકા ગાળામાં ફાટી નીકળે એવા ટોચના 10 રોગોની યાદી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) દ્વારા જાહેર કરાઈ હતી, આ યાદીમાં નિપાહ વાઇરસ પ્રથમ ક્રમે હતો.
માણસ અને પ્રાણીઓ બન્ને માટે આ વાઇરસ જીવલેણ છે. આ વાઇરસનું ઇન્ફૅક્શન ધરાવતાં પ્રાણીઓના સંપર્કમાં આવવાથી તે માણસોમાં પ્રસરે છે.

નિપાહ વાઇરસ શું છે?

ઇમેજ સ્રોત, AFP
- આ એક એવું ઇન્ફૅક્શન છે કે જેના વાઇરસ પ્રાણીઓથી માણસ સુધી પ્રસરે છે. ચામાચીડિયાંની ટેરોપોડિડા પ્રજાતિ આ વાઇરસનો મૂળ સ્ત્રોત હોવાનું જાણવા મળે છે.
- 1999માં મલેશિયા અને સિંગાપોરના કેટલાક વિસ્તારોમાં ડુક્કરના સંપર્કમાં આવવાથી ડુક્કરપાલકોમાં ઍન્કેફ્લાઇટિસ (મગજનો સોજો) અને રેસ્પિરેટરિ (શ્વાસની બિમારી)ની ફરિયાદો આવી હતી, ત્યારે પહેલી વખત આ ઇન્ફૅક્શન વિશે ખબર પડી હતી.
- જે-તે વખતે 300 જેટલા લોકો આ વાઇરસની ચપેટમાં આવ્યા હતા અને 100 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. વાઇરસ આખા વિસ્તારમાં ન પ્રસરે એ માટે આશરે દસ લાખ જેટલા ડુક્કરોને મારવામાં આવ્યાં હતાં. જેના કારણે સ્થાનિક વેપારમાં નુકસાન પણ થયું હતું.
- આ વાઇરસને પ્રસરતો રોકવો હોય તો બીમાર ચામાચીડિયાં કે ડુક્કરોને રહેણાક વિસ્તારોમાં ખુલ્લાં ન મૂકવાં જોઈએ.
- આ વાઇરસની રસી પ્રાણીઓ કે માણસો માટે હજુ સુધી ઉપલબ્ધ નથી.

નિપાહ વાઇરસનાં સંક્રમણનાં લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images
- ઇન્ફૅક્શન થયાના 24થી 48 કલાકમાં લક્ષણો જોવા મળે છે.
- તાવ આવવો એ નિપાહ વાઇરસના ઇન્ફૅક્શનનું એક લક્ષણ છે.
- માથામાં દુખાવો થતો હોય કે શરીરમાં કળતર અનુભવાતી હોય તો તે નિપાહ વાઇરસનાં લક્ષણો હોઈ શકે.
- આળસ આવે અથવા શ્વાસને લગતી તકલીફ અનુભવાતી હોય તો તે પણ નિપાહ વાઇરસનાં લક્ષણો હોઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













