અફઘાનિસ્તાનમાં ડ્રગ તસ્કરીના મહત્ત્વપૂર્ણ માર્ગ સહિત ચાર પ્રાંતીય રાજધાનીઓ પર તાલિબાનનો 'કબજો'

અફઘાનિસ્તાનાં નિમરોઝની રાજધાની ઝરાંજ પર શુક્રવારે કબજો કર્યા બાદ તાલિબાને વધુ બે પ્રાંતીય રાજધાની કબજે કરી લીધી હોવાનો દાવો કર્યો છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર તાલિબાને શુક્રવાર બાદ અફઘાનિસ્તાનની ચાર પ્રાંતીય રાજધાની પર કબજો કરી લીધો છે.

તાલિબાનનું કહેવું છે કે તેને કુંદૂઝ અને સર-એ-પુલ પર કબજો કરી લીધો છે. જોકે તાલિબાનના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

રવિવારે સવારે અફઘાનિસ્તાન તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાને કુંદૂઝ અને સર-એ-પુલના તમામ સરકારી કાર્યાલયો પર કબજો કરી લીધો છે.

મુજાહિદે કહ્યું, તાલિબાન લડવૈયાઓએ તબક્કાવાર હુમલા કર્યા અને રવિવારે સવારે પાટનગરો પર કબજો કરી લીધો.

સમાચાર એજન્સી એએફપી અનુસાર કુંદૂઝની પ્રાંતીય પરિષદના સભ્ય અમરુદ્દીન વલીએ કહ્યું છે કે 'શહેરના અલગ-અલગ ભાગમાં ભીષણ લડાઈ ચાલી રહી છે.'

એએફપી સાથે વાત કરતા કુંદૂઝના એક નાગરિક અબ્દુલ અઝીઝે કહ્યું, "તાલિબાન લડવૈયા શહેરના મુખ્ય ચોકમાં પહોંચી ગયા છે. ભીષણ બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ચારેય તરફ હાહાકાર મચી ગયો છે."

કુંદૂઝ કેમ મહત્ત્વનું છે?

જો તાલિબાન કુંદૂઝ પર કબજો કરવામાં સફળ થશે તો આ અત્યાર સુધી તેના નિયંત્રણમાં આવનાર સૌથી મહત્ત્વનું શહેર હશે.

દેશના મોટાભાગના ગ્રામીણ વિસ્તાર અને જિલ્લાનું નિયંત્રણ પહેલેથી જ તાલિબાનના હાથમાં આવી ચૂક્યું છે. અફઘાનિસ્તાનની સેના પ્રાંતીય રાજધાનીઓ અને શહેરોની સુરક્ષા કરવામાં જોડાયેલી છે.

આ શહેરને દેશના ઉત્તરમાં આવેલા પ્રાંતોનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેનું સ્થાન તેને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું બનાવે છે. કારણ કે કુંદૂઝને રાજધાની કાબુલ સહિત અન્ય મોટાં શહેરો સાથે જોડતા રાજમાર્ગો છે અને આ પ્રાંત તાજિકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.

આ સરહદનો ઉપયોગ સેન્ટ્રલ એશિયામાં અફઘાન અફીણ અને હેરોઇનની તસ્કરી માટે કરવામાં આવે છે, જે બાદમાં યુરોપ સુધી પહોંચાડવામાં આવે છે.

કુંદૂઝને નિયંત્રણમાં લેવાનો અર્થ છે કે આ ક્ષેત્રમાં ડ્રગની તસ્કરી માટે સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગમાંથી એકને નિયંત્રિત કરવો.

અફઘાન સરકારનો દાવો કંઈક અલગ

અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના ડેપ્યુટી પ્રવક્તા ફવાદ અમાને દાવો કર્યો છે કે અમેરિકાના બૉમ્બર વિમાન બી-52એ જોવઝઝાન પ્રાંતની રાજધાની શેબરગાનમાં તાલિબાનના આશ્રયસ્થાનોને નિશાન બનાવ્યા છે.

તેમણે દાવો કર્યો કે આ હવાઈ હુમલામાં તાલિબાનના આશ્રયસ્થાન અને સભાઓને નિશાન બનાવાયા, જેમાં ઓછામાં ઓછા 200 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે અને તાલિબાનના હથિયાર અને વાહન નષ્ટ થવાનો દાવો પણ કર્યો છે.

ફવાદે દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં 572 લડવૈયાઓ માર્યા ગયા છે અને 309 ઈજાગ્રસ્ત થયા છે.

ફવાદ અનુસાર અફઘાન સેના અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં તાલિબાન સામે લડી રહી છે. જેમાં નંગરહાર, લગમન, ગઝની, પખ્તિયા, પક્તિકા, કંધાર, ઉરુઝગન, હેરાત, ફરાહ, જજ્જાન, સર-એ-પુલ, ફરયાબ, હેલમંદ, નિમરોઝ, કુંદૂઝ, બદખ્શાં, તખર અને કપિસામાં ભીષણ લડાઈ ચાલી રહી છે.

બીજી તરફ તાલિબાને અત્યાર સુધી આ ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, જોકે ઝબીઉલ્લાહ મુજાહિદે શનિવારે ટ્વિટર પર કહ્યું હતું કે તાલિબાને શનિવારે જોવઝઝાનના ગવર્નર હાઉસ, પોલીસ હેડક્વૉર્ટર અને ગવર્નર કાર્યાલય પર મોટો હુમલો કર્યો હતો.

મુજાહિદે દાવો કર્યો કે અફઘાનિસ્તાન સેનાના જવાન અને સમર્થક લડવૈયા શહેરથી ભાગી ગયા છે.

બીબીસીના એક સવાલ પર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા નિકોલ ફરેરાએ કહ્યું કે તેઓ અમેરિકાની સેનાના ફાઇટર વિમાનના હુમલા વિશે કોઈ વિશેષ ટિપ્પણી નહીં કરે. પરંતુ અમેરિકાની સેનાએ તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનના લોકોના બચાવમાં અનેક મોટા હવાઈ હુમલા કર્યા છે.

2 લાખ લોકો ઘરેથી ભાગવા માટે મજબૂર બન્યાં

સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી મામલાની સંસ્થા યુએનએચસીઆરે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી લડાઈના કારણથી થઈ રહેલા લોકોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે.

યુએનએચસીઆરે અફઘાન સંકટના તાત્કાલિક સમાધન માટે આહવાન કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાનું આહવાન કરતા કહ્યું કે જો વર્તમાન સંકટનું ઝડપથી સમાધાન નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થશે.

બીજી તરફ અફઘાનિસ્તાનના શરણાર્થી મંત્રાલયનું કહેવું છે કે છેલ્લા છ મહિનામાં બે લાખ લોકો પોતાના ઘરેથી ભાગવા માટે મજબૂર બન્યા છે.

મંત્રાલયના પ્રમુખ મેહર ખુદા સાબિરે બીબીસીને કહ્યું, 'છેલ્લા એક મહિનાની અંદર જ ચાર હજાર પરિવાર વિસ્થાપિત થયા છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો