કોરોના વાઇરસ : ચીનની 'ઝીરો કોવિડ સ્ટ્રૅટેજી' સામે ડેલ્ટા વૅરિયન્ટ કઈ રીતે જોખમી બન્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેસ્સા વોંગ
- પદ, બીબીસી ન્યૂઝ
ઍર ચાઈનાની ફ્લાઇટ ક્રમાંક CA910એ નેન્જિંગ શહેરના ઍરપૉર્ટ પર 10 જુલાઈએ ઉતરાણ કર્યું હતું. એ પ્લેનમાં માત્ર પ્રવાસીઓ જ નહીં, તેમના ઉપરાંતનું બીજું પણ કંઈક હતું.
તે પ્લેનમાં મોસ્કોથી આવેલા પ્રવાસીઓ પૈકીના એકને કોવિડ-19ના ડેલ્ટા વૅરિઅન્ટનો ચેપ લાગેલો હતો. પ્રવાસીઓ વિમાનમાંથી ઉતર્યા પછી નેન્જિંગ લુકાવ ઍરપૉર્ટના કર્મચારીઓ તેમાં સફાઈ કરવા માટે ગયા હતા.
ચીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, એ સફાઈ કર્મચારીઓ પ્લેનમાંથી બહાર આવ્યા ત્યારે બહારની દુનિયા માટે ડેલ્ટા વૅરિઅન્ટનો ચેપ પણ સાથે બહાર લાવ્યા હતા. આ ચેપ ચીનમાં વુહાનાથી ફેલાયેલા કોરોના વાઇરસ પછીનો સૌથી મોટો રોગચાળો ફાટી નીકળવાનું કારણ બન્યો છે.
ઉનાળાની પ્રવાસી સીઝનના છેલ્લા કેટલાંક અઠવાડિયાઓમાં ઓછામાં ઓછા 16 ચીની પ્રાંતો તથા મ્યુનિસિપાલિટીઓ હેઠળના વિસ્તારોમાં ડેલ્ટા વૅરિયન્ટના સંક્રમણના કેસીસ મળી આવ્યા છે. એ પૈકીના ઘણા નેન્જિંગ સાથે સંકળાયેલા છે.
દેશની કુલ 1.4 અબજની વસતીની સરખામણીએ આવા કેસીસની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ બેઇજિંગ, શાંઘાઈ અને વુહાન જેવાં મોટાં શહેરોમાં વાઇરસ દેખાયાની હકીકતથી ઘણા લોકો ચિંતિત છે.
આ વાઇરસના પ્રસારને રોકવા માટે ચીને તેની જૂની કાર્યપદ્ધતિનો ફરી આશરો લીધો છે. લાખો લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કેટલાક લોકોનું એકથી વધારે વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે.
શહેરોમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે.
તેને નિષ્ણાતો ઝીરો ટૉલરન્સ અથવા ઍલિમિનેશન સ્ટ્રૅટેજી એટલે કે વાઇરસને જડમૂળથી નાબૂદ કરવાની વ્યૂહરચના કહે છે. આ સ્ટ્ર્રૅટેજી ચીનમાં જ નહીં, પણ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને સિંગાપુર જેવા સ્થળોએ પણ અપનાવવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ડેલ્ટા વૅરિયન્ટના પ્રસારની આશ્ચર્યજનક ગતિ સંબંધે એવો સવાલ થઈ રહ્યો છે કે ખાસ કરીને કોવિડના આ વધારે ચેપી વૅરિયન્ટના સંદર્ભમાં ચીનનો અભિગમ ખરેખર અસરકારક છે કે કેમ?

'ઝડપાય ત્યારે જ ખતમ કરી નાખો'

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લોકોમાં તકેદારી લેવાનું પ્રમાણ ઘટ્યાના સંકેતો અગાઉ મળ્યા હતા.
નેન્જિંગમાં પહેલાં ગુઆંગડોંગમાં અને રશિયા તથા મ્યાંમારના સરહદી વિસ્તારોમાં અનેક ઠેકાણે ચેપ પ્રસર્યો હતો.
મહામારી શરૂ થઈ ત્યારની સરખામણીએ માસ્ક પહેરનારાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો અને સામૂહિક સમારંભોનું પ્રમાણ પણ ફરી વધ્યું હતું.
હુનાન પ્રાંતમાંના પર્યટન સ્થળ ઝાંગઝિયાજીમાં કાર્યક્રમમાં આશરે 2,000 લોકોએ હાજરી આપી હતી. હાલ ફાટી નીકળેલા રોગચાળા માટે તે કાર્યક્રમને સંભવિત સુપર-સ્પ્રેડર ગણવામાં આવી રહ્યો છે.
સરકારી મીડિયાએ પણ નેન્જિંગ ઍરપૉર્ટ પરની વ્યવસ્થામાંના છીંડાઓ બાબતે ઇશારો કર્યો હતો.
અધિકારીઓ માને છે કે પ્લેનના સફાઈ કર્મચારીઓએ કોવિડ પ્રોટેક્શન પ્રોટોકૉલનું પાલન કર્યું ન હતું.
તેમણે સ્વીકાર્યું હતું કે કોવિડ-પૉઝિટિવ પ્રવાસીઓને લાવવા સંબંધે અનેક વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ફ્લાઇટને ઉતરાણની પરવાનગી આપવામાં આવી હતી.
હૉંગકૉંગ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ જિન ડોંગ્યાનના જણાવ્યા અનુસાર, પહેલાં આકરું લૉકડાઉન અને પછી તદ્દન તકેદારીવિહોણો અભિગમ ચીની વહીવટમાંની સમસ્યાને રેખાંકિત કરે છે. સામાન્ય રીતે એ વ્યવસ્થામાં નાની ગફલત માટે બહુ જ ઓછો અવકાશ હોય છે.
જિન ડોંગ્યાને બીબીસીને કહ્યું હતું કે "અમારે ત્યાં એવી કહેવત છે કે સપડાય ત્યારે જ ખતમ કરી નાખો, જવા દેશો તો અરાજકતા સર્જાશે. ચીનની શૈલી આત્યંતિક છે."
નેન્જિંગમાં સંપૂર્ણપણે વૅક્સિનેટેડ લોકોને ફરી ચેપ લાગ્યાનું જાણવા મળ્યું હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યા પછી ચીની વૅક્સિનની અસરકારકતા વિશે ઘણાને ચિંતા થવા લાગી છે.
આરોગ્ય વિભાગના સત્તાવાળાઓએ લોકોને ફરી ખાતરી આપી છે અને તેઓ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનું વિચારી રહ્યા છે.
ચાઈનીઝ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રીવેન્શનના શાઓ યિમિંગે જણાવ્યું હતું કે કોવિડનું સંક્રમણ અટકાવી શકે તેવી કોઈ વૅક્સિન નથી. હાલની જેટલી વૅક્સિન છે તેનાથી વાઇરસના તમામ વૅરિઅન્ટ્સનો પ્રસાર અંકુશમાં જ રાખી શકાય છે.
ચીનમાં અત્યાર સુધીમાં 1.7 અબજથી વધુ વૅક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે, પણ કેટલા લોકો સંપૂર્ણપણે વૅક્સિનેટેડ છે એ ચીને હજુ જણાવ્યું નથી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વ્યાપક વૅક્સિનેશન પછી ફરી ખોલવામાં આવેલા અન્ય દેશોથી વિપરીત ચીન નવીનતમ પ્રકોપના સંદર્ભમાં તેની વ્યૂહરચના બદલવા રાજી નથી.
કાઉન્સિલ ઑન ગ્લોબલ રિલેશન્શમાં વૈશ્વિક આરોગ્યના સીનિયર ફેલો પ્રોફેસર યેન્ઝોંગ હુઆંગે કહ્યું હતું કે "તેમને વૅક્સિનમાં સંપૂર્ણ ભરોસો ન હોય એવું લાગે છે અને તે અગાઉની વ્યૂહરચનાના અનુસરણને વાજબી ઠરાવે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બ્રિટનની માફક દેશમાં તમામ ગતિવિધિ ફરી શરૂ કરવાના વિચારને ગ્લોબલ ટાઇમ્સ અખબારના એક તંત્રીલેખમાં ફગાવી દેવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે એ વિચારનો અમલ કરવાનું "રાજકીય રીતે લગભગ અકલ્પ્ય છે," કારણ કે તેનાથી "કલ્પનાતીત સામાજિક નુકસાન અને પીડા" થશે.
એ વિચારને બદલે બહારની દુનિયા પરત્વે "નિયંત્રિત વ્યવહાર" સાથેનો "ડાયનેમિક ઝીરો-કોવિડ" અભિગમ અપનાવવાની તરફેણ તંત્રીલેખમાં કરવામાં આવી હતી.
જોકે ટોચના તબીબી નિષ્ણાત જોંગ વેન્હોંગે વૅક્સિન કૉમેન્ટ્રીમાં સ્વીકાર્યું હતું કે તાજેતરના પુનઃપ્રકોપે "વાઇરસના અસ્તિત્વની યાદ આપણને ફરી અપાવી છે."
"આપણને ગમે કે ન ગમે, પણ ભવિષ્યમાં જોખમ તો તોળાયેલું જ રહેશે," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે અન્ય બાબતોની સાથે ચીને "તેના નાગરિકોને વાઇરસના ભય સામે રક્ષણ આપવાની સાથેસાથે ફરી સામાન્ય જીવન જીવવા તરફ પાછા ફરવા માટે પણ પ્રોત્સાહિત કરવા પડશે."

મુશ્કેલ લડાઈ

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો જેને મિટિગેશન સ્ટ્રૅટેજી એટલે કે શમનની વ્યૂહરચના કહે છે તેને અપનાવવાનું કદાચ આસાન નથી. આ વ્યૂહરચનામાં કેસીસના પ્રમાણને બદલે દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે.
જોંગ વેન્હોંગે સંકેત આપ્યો છે તેમ સત્તાવાળાઓ માટે સૌથી મોટો પડકાર જોખમ લેવાનું ટાળવાની વાત ચીની નાગરિકોના ગળે ઉતારવાની છે.
પ્રોફેસર યેન્ઝોંગ હુઆંગે કહ્યું હતું કે "વુહાનમાં આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી હતી, જે સરકાર માટે ભયંકર પીડાદાયક અનુભવ છે. સરકારને ભય છે કે તમામ નિયંત્રણો હઠાવી લેવામાં આવશે તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચીની આરોગ્ય વ્યવસ્થા રોગચાળાની વધારે એક લહેરનો સામનો કરી શકશે નહીં."
પ્રોફેસર જિનના જણાવ્યા મુજબ, સરકારી મીડિયાએ વાઇરસનું જે રીતે વર્ણન કર્યું તેનાથી પણ ભયમાં વધારો થયો છે.
મીડિયાના એક વર્ગે "ભારતમાંના મહામારીના પ્રકોપને પૃથ્વીનો અંત આવી ગયો હોય એ રીતે અને બ્રિટન તથા અમેરિકામાંની પરિસ્થિતિ નર્કસમાન હોય એવી રીતે રજૂ કરી હતી."
એક મુદ્દો વિશ્વસનીયતા ગુમાવવાનો પણ છે.
પ્રોફેસર યેન્ઝોંગ હુઆંગના જણાવ્યા મુજબ, ઝીરો-કોવિડ વ્યૂહરચનાની સફળતાએ ચીન સરકારને "તેનો આ અભિગમ, પશ્ચિમના દેશોના અભિગમ કરતાં ચડિયાતો હોવાનો દાવો કરવાની તક આપી હતી. એ ઉપરાંત ચીની રાજકીય વ્યવસ્થા સર્વોત્તમ હોવાનો દાવો કરવાની તક પણ તેણે આપી હતી."
પ્રોફેસર યેન્ઝોંગ હુઆંગે ઉમેર્યું હતું કે "આ સંજોગોમાં ચીન તે વ્યૂહરચનાને છોડીને મિટિગેશન સ્ટ્રેટેજી અપનાવે તો તેનો અર્થ એવો થાય કે પશ્ચિમી દેશોના જે અભિગમને તેમણે ફગાવી દીધો હતો તેનું તેઓ સમર્થન કરી રહ્યા છે."

તોળાઈ રહેલું વિભાજન

ઇમેજ સ્રોત, Getty Images
વુહાનના તબક્કાની સરખામણીએ આ વખતે મૃત્યુના ઓછા પ્રમાણ અને ફરી પાટે ચડી રહેલા અર્થતંત્રને ધ્યાનમાં લેતાં ચીનમાં કેટલાક લોકોને અભિગમમાં પરિવર્તન જરૂરી ન લાગે એ શક્ય છે, પરંતુ લાંબા ગાળાની ઝીરો કોવિડ સ્ટ્રૅટેજીના પોતાના પણ કેટલાંક જોખમ છે.
યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિન ખાતેના બાયોઍથિક્સનાં પ્રોફેસર નેન્સી જેકર જણાવે છે તેમ વ્યાપક લૉકડાઉનની અન્ય લોકોની સરખામણીએ ગરીબોને વધારે માઠી અસર થાય છે અને લાંબા ગાળે તે લોકોના માનસિક આરોગ્ય માટે પણ જોખમ સર્જે છે.
નેન્સી જેકરે કહ્યું હતું કે "ચીન ઝડપભેર પરિવર્તન નહીં કરે તો સમાજના દરેક વર્ગ પર તેની વધારે માઠી અસર થશે." તેમણે વધારે સૂક્ષ્મ અભિગમની હાકલ કરી હતી અને બધા નહીં, પણ વધારે પ્રભાવ હોય તેવા વિસ્તારોમાં જ લૉકડાઉન લાદવો અને શાળાઓ ખોલવાની છૂટ આપવી તેમજ જીમ તથા રેસ્ટૉરાં બંધ રાખવા વગેરે જેવા પગલાંનું સૂચન કર્યું હતું.
અન્ય દેશો ફરી કામકાજ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે ચીન માટે લાંબા ગાળે સમસ્યા સર્જાવાની ચેતવણી પ્રોફેસર યેન્ઝોંગ હુઆંગે પણ આપી હતી.
ઑસ્ટ્રેલિયા અને સિંગાપુર જેવા ઝીરો કોવિડ સ્ટ્રૅટેજી અપનાવી ચૂકેલા દેશોએ 80 ટકા લોકોના રસીકરણની યોજનાની જાહેરાત તાજેતરમાં કરી હતી.
પ્રોફેસર નેન્સી જેકરના જણાવ્યા મુજબ, આખરે વિશ્વના દેશો બે વર્ગમાં વિભાજિત થઈ જશે. પહેલા વર્ગમાં ઝીરો કોવિડ સ્ટ્રૅટેજીનો અમલ ચાલુ રાખનારા દેશો હશે, જ્યારે બીજા વર્ગમાં મિટિગેશન સ્ટ્રૅટેજી અપનાવનારા દેશો હશે.
તેમણે કહ્યું હતું કે "આખરે આપણી પાસે વાસ્તવિકતાને સ્વીકારવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નહીં હોય. મહામારી પછીના તબક્કામાં મૃતકોની સંખ્યામાં ઘટાડો થશે, પણ વાઇરસ દર વર્ષે ફરીફરીને પ્રસરતો રહેશે."
"એ જ સાચું હોય તો ચીને એ પરિસ્થિતિને અપનાવવી પડશે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













