કોવિડ-19 : કોરોના ક્યારેય ખતમ નહીં થાય તો આપણે કઈ રીતે જીવીશું?

ઇમેજ સ્રોત, Eugene Mymrin
- લેેખક, ફર્નાન્ડો ડ્યૂઅર્તે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વિશ્વ આરોગ્ય સંગઠને કોવિડ-19ને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો એ પછી તેનો ચેપ વિશ્વમાં 18.5 કરોડથી વધુ લોકોને લાગ્યો છે અને 40 લાખથી વધુ લોકો તેને કારણે મૃત્યુ પામ્યાં છે.
આશા છે કે રસીકરણને લીધે વિશ્વમાં એક પ્રકારની રાબેતા મુજબની પરિસ્થિતિ ફરી સ્થપાશે અને જે નિયંત્રણોએ છેલ્લા 16 મહિનાથી આપણા જીવનને નવો આકાર આપ્યો છે, એ હળવાં થશે.
જોકે, વિજ્ઞાનીઓને વધુને વધુ ખાતરી થતી જાય છે કે કોરોના વાઇરસ પૃથ્વી પર કાયમ રહેવાનો છે.
સાર્સ-કોવ-ટુને નાબૂદ કરી શકાશે કે કેમ એવો સવાલ અગ્રણી સાયન્સ જર્નલ 'નેચર'એ જાન્યુઆરીમાં વિશ્વના 100થી વધુ ઈમ્યુનોલૉજિસ્ટ્સ, વાયરોલૉજિસ્ટ્સ અને આરોગ્ય નિષ્ણાતોને પૂછ્યો હતો. એ પૈકીના લગભગ 90 ટકાએ કહ્યું હતું - ના.
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામાન્ય રીતે પ્રચલિત હોય તેવો રોગ બની જશે અને વિશ્વના હિસ્સાઓમાં પ્રસરતો રહેશે, એવા પુરાવા મળ્યા છે.
માનવજાતિની બીમારીઓ વિરુદ્ધની લડાઈમાં આ વાત અજાણી નથી, પરંતુ કોરોના વાઇરસ કેટલાક વિશિષ્ટ પડકારો લઈને આવ્યો છે ત્યારે આગામી વર્ષોમાં આપણે કોવિડ સાથે જીવતાં શીખી જવું પડશે એવી ભવિષ્યવાણી વિજ્ઞાન કઈ રીતે કરે છે?

કોવિડ-19થી આપણો કાયમી છુટકારો કેમ નહીં થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ચેપી રોગોની નાબૂદીનું કામ રોજિંદી બાબત નથી. વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંગઠને અત્યાર સુધીમાં શીતળા અને રિન્ડરપેસ્ટ (એટલે કે પશુઓનો થતો પ્લેગ) એમ બે જ વાઇરલ રોગની નાબૂદીની સત્તાવાર જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્મૉલપૉક્સ એટલે કે શીતળાના રોગચાળાનો સમગ્ર માનવ ઇતિહાસમાં વ્યાપક પ્રભાવ પડ્યો હતો અને તેને લીધી વીસમી સદીમાં વર્ષ 1980 સુધીમાં આશરે 50 કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભૌગોલિક પ્રસાર અને પહોંચના સંદર્ભમાં કોવિડ-19ની સાથે માત્ર સ્મૉલપૉક્સની સરખામણી જ થઈ શકે તેમ છે.
ખાસ પ્રકારના સંજોગોને કારણે સ્લૉપૉક્સની નાબૂદીમાં મદદ મળી હતી. ખાસ કરીને સ્મૉલપૉક્સ વાઇરસનો પ્રસાર અટકાવતી જે રસી વિકસાવવામાં આવી હતી, એ અત્યંત મદદરૂપ સાબિત થઈ હતી.
કમનસીબે, કોવિડ-19 માટે અત્યાર સુધીમાં જે રસી વિકસાવવામાં આવી છે તે એટલી જ અસરકારક સાબિત થઈ નથી.
લંડન સ્કૂલ ઑફ હૅલ્થ ઍન્ડ ટ્રોપિકલ મેડિસિન ખાતે ચેપી રોગ મહામારી વિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ હેઇમૅન કહે છે, "આજે આપણી પાસે જે વૅક્સિન્સ છે જે કેટલાક કિસ્સામાં ચેપને અટકાવી શકતી નથી."
"તે ઈન્ફેક્શનને મૉડીફાઈ કરે છે અને રોગને ઓછો ગંભીર બનાવે છે. જેમનું રસીકરણ થઈ ચૂક્યું છે તેવા લોકો આજે પણ અન્યોમાં વાઇરસનો ચેપ ફેલાવી શકે છે."
બ્રિટનની ઇસ્ટ ઍન્ગિઆ યુનિવર્સિટીમાં ઔષધશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત્ પૉલ હન્ટર માને છે કે વૅક્સિન્સ ભવિષ્યમાં આપણને કોવિડ-19નો ચેપ લાગતો અટકાવી નહીં શકે.
તેઓ કહે છે, "કોવિડ ક્યારેય નાબૂદ નહીં થાય. વૅક્સિન લીધી હોય કે ન લીધી હોય, કોવિડ-19નો ચેપ આપણને જીવનકાળ દરમિયાન વારંવાર લાગતો રહેશે."

નોવેલ કોરોનાવાઇરસનું શું થશે?

ઇમેજ સ્રોત, Yuichiro Chino
કોવિડ-19 સ્થાનિક રોગ બનશે એટલે કે તેનો ચેપ વિશ્વના હિસ્સાઓમાં આગામી વર્ષોમાં ફેલાતો રહેશે, એવું માનતા અનેક નિષ્ણાતોમાં પ્રોફેસર હેઈમૅનનો પણ સમાવેશ થાય છે.
આ રોગ નવો નથી. દાખલા તરીકે, જે ફ્લૂ વાઇરસ અને ચાર કોરોના વાઇરસને કારણે શરદી થાય છે તે સ્થાનિક રોગ છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના અંદાજ અનુસાર, ફ્લૂ સંબંધી રોગોને કારણે વિશ્વમાં દર વર્ષે 2.90 લાખથી 6.50 લાખ લોકોનાં મૃત્યુ થાય છે, પરંતુ આ રોગોનો ઇલાજ શક્ય બન્યો છે.
વિજ્ઞાનીઓ અને રાજકારણીઓને આશા છે કે કોવિડ-19ના કિસ્સામાં પણ આવું બનશે.
એ પરિસ્થિતિમાં વાઇરસ અહીં ટકી રહેશે, પણ લોકો વૅક્સિનેશન મારફત તેની સામે પ્રતિકારક શક્તિ મેળવશે. તેથી ગંભીર કેસ, હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાનું અને મૃત્યુ પ્રમાણ અત્યાર સુધીની સરખામણીએ ઘણું ઘટશે.
અહીં સમસ્યા એ છે કે વાઇરસનું વર્તન આગામી વર્ષોમાં કેવું હશે એ આપણે જાણતા નથી. પ્રોફેસર હેઈમૅન તેને "અત્યંત અસ્થિર રોગ" ગણાવે છે.
તેઓ કહે છે, "આ વાઇરસ માનવકોષોમાં બેવડાય છે ત્યારે તે વારંવાર પરિવર્તિત થતો રહે છે અને એ પૈકીનાં કેટલાંક પરિવર્તનો ચિંતાનું કારણ છે."
જોકે, તેઓ એવું પણ જણાવે છે કે કોવિડ-19 આજની સરખામણીએ ભવિષ્યમાં ઓછો ચિંતાકારક બનશે.
તેઓ કહે છે, "સ્વરૂપ પરિવર્તન અથવા મોટા ભાગની વસતીનું રસીકરણ થઈ ગયું હોવાથી વાઇરસની તીવ્રતા ઘટી પણ શકે છે."
તેનો અર્થ એવો થાય કે ફ્લૂના રોગમાં કરવું પડે છે તેમ આપણે વારંવાર વૅક્સિનેશન કરાવવું પડશે?
વાઇરસનું એક "ધ્યેય" હોય છે - શક્ય તેટલા વધુ લોકોમાં પોતાનો પ્રસાર કરવો. તેથી જ તેમાં થતું પરિવર્તન સામાન્ય હોય છે.
ઓક્સફૉર્ડ યુનિવર્સિટીમાં વૈશ્વિક આરોગ્ય વિષયના પ્રોફસર ટ્રુડી લેંગ કહે છે, "ઉત્ક્રાંતિની દૃષ્ટિએ વાઇરસે તેનામાં પરિવર્તન કરતા રહેવું પડે છે, જેથી તે વધુ લોકોમાં ફેલાઈ શકે. જે આસાનીથી ફેલાઈ શકે એ વાઇરસ સૌથી સફળ હોય છે."
ફ્લૂ વાઇરસમાં ફેરફાર એટલા સામાન્ય બની ગયા છે કે આરોગ્ય સંબંધી એજન્સીઓ ફ્લૂની રસીની દર વર્ષે સમીક્ષા કરતી હોય છે. ટીટેનસ જેવી બીજી બીમારીઓ પણ છે, જેના માટે આપણે આજીવન બૂસ્ટર ડોઝ લેતા રહેવું પડે છે.
આપણે જાણીએ છીએ તેમ કોરોના વાઇરસના કમસે કમ ચાર વૅરિયન્ટ બની ચૂક્યા છે. તેમાં સૌથી વધારે ચેપી ડેલ્ટા વૅરિયન્ટનો પણ સમાવેશ થાય છે.
ડેલ્ટાની ઓળખ ભારતમાં કરવામાં આવી હતી અને હાલ યુરોપ, એશિયા તથા અમેરિકામાં આવેલા ઉછાળા માટે તેને કારણભૂત માનવામાં આવે છે.
ડેલ્ટા વૅરિયન્ટ સામે વૅક્સિનેશન અસરકારક સાબિત થયું હોવાનું આંકડાઓ સૂચવે છે.
દાખલા તરીકે ઇંગ્લૅન્ડના જાહેર આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે આ વર્ષના ફેબ્રુઆરીથી જૂન દરમિયાન ડેલ્ટા વૅરિયન્ટનો ચેપ જે લોકોને લાગ્યો હતો અને હૉસ્પિટલમાં દાખલ થયા હતા એ પૈકીના 82 ટકા લોકોનું રસીકરણ થયું જ ન હતું અથવા તો તેમણે એક જ ડોઝ લીધો હતો.
તેમ છતાં બ્રિટનની નેશનલ હેલ્થ સિસ્ટમે શિયાળા પહેલાં લોકોને ત્રીજો અથવા તો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી શરૂ કરી છે. ત્રણ કરોડથી વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
બૂસ્ટર ડોઝને કારણે લોકોમાં ઍન્ટીબોડીઝ વધે છે કે કેમ અને તેમને લાંબા સમય સુધી રક્ષણ મળે છે કે કેમ એ જાણવા માટે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે સંપૂર્ણપણે વૅક્સિનેટેડ લોકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે.
હકીકત એ પણ છે કે કોવિડ-19 વૅક્સિન મારફત મળેલી રોગપ્રતિકારતા કેટલો લાંબો સમય ટકશે એ વિજ્ઞાનીઓ આજે પણ જાણતા નથી.
તેનું કારણ એ છે કે વૅક્સિન પ્રમાણમાં નવી છે અને વિવિધ પ્રકારની ઉપલબ્ધ વૅક્સિન્સની રોગપ્રતિકારક ક્ષમતાનું વિશ્લેષણ સંશોધકો હાલ કરી રહ્યા છે.
પ્રોફેસર હેઈમૅન કહે છે, "આપણને વધુ વૅક્સિન્સની જરૂર પડશે કે કેમ એ કોઈ જાણતું નથી. ફ્લૂ કરતાં કોરોના વાઇરસ જુદો છે અને એ વાત અત્યારે લોકોને જણાવવી પણ અયોગ્ય છે."

લૉકડાઉન રોજની ઘટના બનશે?

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko
ચેપ અને હૉસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધવાને કારણે ઘણા દેશોએ પ્રવાસ અને હેરફેર સંબંધી નિયંત્રણો ફરીથી લાદવાં પડ્યાં છે.
આવાં પગલાંને કારણે રોગના પ્રસારની ગતિ ઘટી છે અને આરોગ્ય વ્યવસ્થા પરનું દબાણ ઓછું થયું છે, પણ તેને કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે, બેરોજગારી વધી રહી છે.
સવાલ એ છે કે શું લૉકડાઉન રોગચાળાની પરિસ્થિતિનો એક ભાગ બની રહેશે? નિષ્ણાતો કહે છે કે તેનો આધાર દરેક દેશમાં વૅક્સિનેશન કાર્યક્રમની સફળતા પર છે.
છેલ્લા કેટલાક મહિનામાં આપણે સ્થાનિક અને રાષ્ટ્રવ્યાપી એમ બન્ને પ્રકારના હસ્તક્ષેપ જોયા છે.
ઑસ્ટ્રેલિયામાં સાત શહેરોમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે બાંગ્લાદેશે સમગ્ર રાષ્ટ્રમાં નિયંત્રણો લાદવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
હૉંગકૉંગ સિટી યુનિવર્સિટી ખાતેના આરોગ્ય સલામતી વિષયના પ્રોફેસર નિકોલસ થૉમસે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગને કહ્યું હતું કે "શક્ય હશે ત્યાં સુધી રોગચાળા પર નિયંત્રણના સંદર્ભમાં લૉકડાઉનનો વિકલ્પ સરકારોની ટૂલકિટનો હિસ્સો બની જશે."

ફેસ માસ્ક કાયમ પહેરવું પડશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફેસ માસ્કના ફરજિયાત પહેરવાના નિયમની સરખામણીએ આ મહામારીમાં બીજાં કેટલાંક પગલાં વધારે વિવાદાસ્પદ બની રહ્યાં છે.
ફેસ માસ્ક તો અમેરિકાના પ્રમુખપદની 2020માં યોજાયેલી ચૂંટણીમાં રાજકીય વિવાદનો હિસ્સો બન્યું હતું.
જોકે, વિજ્ઞાનીઓ તો રસીકરણનો દર વધુ હોય તેવા વિસ્તારોમાં પણ કોવિડ-19નો પ્રસાર રોકવા માટે ફરજિયાત માસ્કના નિયમને એકઅવાજે ટેકો આપે છે.
કોપનહેગન યુનિવર્સિટીનાં ક્રિસ્ટિના ગ્રેવેર્ટ કહે છે, "રોગચાળાનો વ્યાપ વધે ત્યારે દરેક વખતે લૉકડાઉન લાદી શકાય નહીં એ તો દેખીતું છે, પરંતુ બીમાર પડેલા લોકો જાહેર પરિવહનનો ઉપયોગ ન કરે, ઘરેથી ઑફિસનું કામ કરે અથવા તો તેમની આજુબાજુ બીજા લોકો હોય ત્યારે માસ્ક પહેરે તેવો આગ્રહ રાખવો વાજબી છે."
એશિયાના કેટલાક દેશોમાં માસ્કનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં એવું નથી.
ભાવિ હસ્તક્ષેપ વિશેના સર્વેક્ષણનાં તારણો પણ ઉત્સાહપ્રેરક નથી.
દાખલા તરીકે અમેરિકામાં સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોય એવા લોકોને ફરજિયાત ફેસ માસ્ક પહેરવાથી એપ્રિલ મહિનાથી મુક્તિ આપવામાં આવી હતી અને એ પછી હંમેશાં માસ્ક પહેરી રાખતા વૅક્સિનેટેડ લોકોનું પ્રમાણ 74 ટકાથી ઘટીને 63 ટકા થઈ ગયું હતું, એમ એક્સિઓસ-ઈપ્સોસ કોરોના વાઇરસ ઇન્ડેક્સ જણાવે છે.
સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું હતું કે વેક્સિનનો ડોઝ લીધો ન હોય એવા લોકોમાં પણ માસ્ક પહેરવાનું પ્રમાણ ઘટ્યું હતું.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે સરકારે જાહેર આરોગ્યની ઝુંબેશના ભાગરૂપે માસ્કના ઇનડોર વપરાશને પણ ટેકો આપવો જોઈએ, જ્યારે અન્ય લોકો માને છે કે માસ્ક પહેરવું કે નહીં એ દરેક વ્યક્તિએ નક્કી કરવું જોઈએ.
કેટલાક લોકોને, ખાસ કરીને જાહેર પરિવહનમાં અને ભીડવાળા વિસ્તારોમાં સૌજન્ય ખાતર માસ્ક પહેરવાનું પસંદ હોઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસનું શું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અત્યારે વિશ્વના દેશોની સરકારો બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધના આર્થિક અસર અને પોતાના નાગરિકોને વાઇરસથી બચાવવાની અનિવાર્યતાની વચ્ચે ફસાયેલી છે.
વિવિધ દેશોમાં અલગઅલગ નિયમો છે અને પ્રોફેસર હેઈમૅન જેવા નિષ્ણાતો તેની ટીકા કરે છે. તેઓ આ સ્થિતિને સંકલનવિહોણા વૈશ્વિક પ્રયાસો ગણાવે છે.
તેઓ કહે છે, "વૅક્સિનના વિતરણમાં અસમાનતા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન વૅક્સિનેશન પાસપોર્ટની ભલામણ નહીં કરે, પરંતુ કેટલાક દેશો તેનો ઉપયોગ કરશે એવી મને આશા છે."
પ્રોફેસર હેઈમૅન ઉમેરે છે, "વૅક્સિન ન મેળવી શકતા હોવાને કારણે અથવા તો ચોક્કસ કારણસર વૅક્સિન લઈ ન શકતા હોવાથી લોકો પ્રવાસ જ ન કરી શકતા હોય તો વૅક્સિનેશન સર્ટિફિકેટનો આગ્રહ નૈતિક નથી."
તેમ છતાં યુરોપિયન યુનિયને તેની ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
એ વ્યવસ્થા અનુસાર, ત્યાંના રહેવાસીઓ અને નાગરિકોએ વૅક્સિન લઈ લીધી હોય, તેમની પાસે નૅગેટિવ ટેસ્ટનું પ્રમાણપત્ર હોય કે તેઓ તાજેતરમાં બીમારીમાંથી સાજા થયા હોય તો તેઓ યુરોપિયન યુનિયનના દેશોમાં મુક્ત રીતે પ્રવાસ કરી શકે છે.
તે વૅક્સિન પાસપોર્ટને યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશો ઉપરાંત આઈસલૅન્ડ, નૉર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડે સ્વીકૃતિ આપી છે.
વિશ્વના બાકીના દેશો અન્ય દેશોના નાગરિકોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ સંદર્ભે કેવી વ્યવસ્થા કરે છે એ જોવાનું રહે છે.
માર્ચ-2020થી આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ધરખમ ઘટાડો થયો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના વ્યાપાર અને વિકાસ સંબંધી સંગઠન અંકટાડના અંદાજ મુજબ, પ્રવાસન પેટે થતી આવકમાં વૈશ્વિક રોગચાળાને કારણે 2021માં 1.4 ટ્રિલિયન ડૉલરનું ગાબડું પડશે તથા તેનો સૌથી મોટો ફટકો ઓછી આવકવાળા દેશોને પડશે.

"વેક્સિન ડેમૉક્રેસી" સ્થપાશે અને તેની કોઈ ભૂમિકા હશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
પાંચમી જુલાઈ સુધીમાં વિશ્વમાં કુલ એક અબજથી થોડા વધુ લોકોનું જ કોવિડ-19 સામે સંપૂર્ણ રસીકરણ થઈ શક્યું છે. આ આંકડો વિશ્વની કુલ વસતીના 15 ટકાથી પણ ઓછો છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ગેબ્રિયેસસે તાજેતરમાં એક પત્રકારપરિષદમાં કહ્યું હતું, "વૈશ્વિક સમુદાય તરીકે આપણે નિષ્ફળ થઈ રહ્યા છીએ, આપણું વિશ્વ પણ અસફળ બની રહ્યું છે."
માનવતાવાદી મુદ્દાઓ ઉપરાંત "વૅક્સિન ડેમૉક્રેસી" પણ કોવિડ-19ના વૅરિયન્ટને દૂર રાખવા માટે મહત્ત્વની છે.
વિશ્વ આરોગ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વિશ્વ બૅન્ક તથા વિશ્વ વ્યાપાર સંગઠનના વડાઓએ તાજેતરમાં એક ખુલ્લા પત્રમાં ચેતવણી આપી હતી કે ગરીબ દેશોમાં વૅક્સિનની અછતને લીધે નવા વૅરિયન્ટના ઉદભવની પરિસ્થિતિ સર્જાશે.
તેમણે પત્રમાં જણાવ્યું હતું, "દ્વિસ્તરીય રોગચાળો વધુને વધુ ફેલાઈ રહ્યો છે. વૅક્સિનના અસમાન વિતરણને લીધે લાખો લોકો વાઇરસની જાળમાં ફસાઈ રહ્યા છે, એટલું જ નહીં પણ તેને કારણે વાઇરસના નવા ઘાતક વૅરિયન્ટને ઉભરવાની તક મળી રહી છે અને એ સમગ્ર વિશ્વમાં ફરી ફેલાઈ રહ્યા છે."
તેમના જણાવ્યા મુજબ, "અત્યાધુનિક વૅક્સિનેશન ઝુંબેશ ચલાવતા દેશોને પણ જાહેર આરોગ્યની જાળવણી માટે આકરા નિયમો ફરી લાદવાની ફરજ પડી છે. આમ થવું ન જોઈએ."
તાજેતરની જી-સેવન શિખર પરિષદમાં વિશ્વનાં સાત મોટાં આધુનિક અર્થતંત્ર (કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા)એ ગરીબ દેશોમાં એક અબજ ડોઝ મોકલવાની પ્રતિજ્ઞા કરી હતી.
વિશ્વ આરોગ્ય સંગઠનના અંદાજની સરખામણીએ ડોઝની આ સંખ્યા અત્યંત અપૂરતી છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના અંદાજ અનુસાર, દુનિયાના ગરીબ લોકો માટે કુલ 11 અબજ ડોઝની જરૂર છે. વળી વાઇરસ સતત પ્રસરતો રહેશે તો ઇમ્યુનિટીને વિસ્તરવા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું મહત્ત્વનું બની રહેશે.
પ્રોફેસર હેઈમૅન કહે છે, "જાહેર આરોગ્ય અને માનવતા માટે સમગ્ર વિશ્વમાં વૅક્સિનનું સમાન ધોરણે વિતરણ થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે."

પ્રાણીઓ પર હજુય જોખમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાર્સ-કોવ-ટુ સામેની લડાઈનો મોટો આધાર આ વાઇરસ પ્રાણીઓ સાથે કેવું વર્તન કરે છે તેના પર પણ છે.
કોરોના વાઇરસ ચામાચીડિયાંમાંથી પેદા થયો છે અને બીજા કોઈ પ્રાણી મારફત માણસ સુધી પહોંચ્યો છે એ ધારણાને વિજ્ઞાનીઓ અત્યાર સુધી ટેકો આપી રહ્યા છે.
અભ્યાસોનાં તારણ દર્શાવે છે કે કોરોના વાઇરસ બિલાડી, સસલાં, હમસ્ટરને સંક્રમિત કરી શકે છે અને ખાસ કરીને મિન્ક નામના પ્રાણીને ચેપ લગાડી શકે છે. કોરોના વાઇરસનું સંક્રમણ મિન્કમાંથી માણસોમાં થયું હોવાના પુરાવા ડેનમાર્કના વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યા છે.
નિષ્ણાતો કહે છે કે પ્રાણીઓને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે અને પ્રાણીઓ મારફત એ ચેપ મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે, જે મોટું જોખમ છે.
સ્મિથસોનિયન કન્ઝર્વેશન બાયૉલૉજી ઇન્સ્ટિટ્યૂટના વૈશ્વિક આરોગ્ય કાર્યક્રમના વન્ય જીવ પશુચિકિત્સક ડોન ઝિમ્મેરમૅને બીબીસીને કહ્યું હતું, "વિશ્વમાં તો ઢગલાબંધ બીમારી છે. તક મળે છે ત્યારે એ ફેલાઈ જાય છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














