વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન ‘નાટો’એ ચીનને જોખમ કેમ ગણાવ્યું?

તાજેતરમાં જ બ્રિટનમાં ગ્રૂપ-7 દેશોની બેઠક થઈ હતી જેમાં કોરોના વાઇરસ મામલે ચીન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમાં સમૂહ દેશોમાં ચીન પ્રત્યે કડક વલણ જોવા મળ્યું.

એ બાદ મંગળવારે બ્રસેલ્સમાં 'નાટો' સંગઠનના નેતાઓની બેઠકમાં ચીનને જોખમી ગણાવવામાં આવ્યું હતું. જેથી ચીને નાટો પર તેને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

નાટાના નેતાઓ ચીનને એક વ્યવસ્થાગત પડકાર ગણાવી રહ્યા છે.

નાટોએ કહ્યું હતું કે ચીન દ્વારા પરમાણુ હથિયારોને વધારવાની બાબત સહિતનાં તમામ કાર્ય નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે જોખમી છે.

આવું પ્રથમ વાર થયું જ્યારે નાટોએ ચીનને પોતાના એજન્ડામાં કેન્દ્રમાં રાખ્યું હોય.

તેના જવાબમાં ચીને કહ્યું કે તેની સુરક્ષાનીતિ રક્ષાત્મક પ્રકૃત્તિની છે અને તેણે નાટોને આગ્રહ કર્યો છે કે તે વાતચીતને વેગ આપવામાં વધુ ધ્યાન આપે.

યુરોપિયન સંઘમાં ચીનના મિશને નિવેદન જારી કરી કહ્યું, "અમારા માટે રક્ષા અને સૈન્ય આધુનિકરણને પ્રોત્સાહિત કરવું યોગ્ય અને પારદર્શી છે."

તેમાં કહેવાયું છે કે નાટો ઇચ્છે છે કે તે ચીનના વિકાસમાં તર્કસંગત રીતે ધ્યાન આપે અને જૂથ સંબંધિત રાજનીતિમાં બદલાવ કરવા, ટકરાવ પેદા કરવા અને ભૂ-રાજકીય પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહિત કરવા માટે ચીનનાં હિતો અને અધિકારોને બહાનું ન બનાવે.

સોમવારે બ્રસેલ્સમાં થયેલા એક દિવસના સંમેલન બાદ નાટોનું નિવેદન આવ્યું હતું. અત્રે નોંધવું કે જો બાઇડન અમેરિકાના પ્રમુખ બન્યા પછીની આ પ્રથમ બેઠક હતી.

નાટો 30 યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશોનું એક શક્તિશાળી રાજકીય અને સૈન્ય ગઠબંધન છે, જે રશિયાને મુખ્ય જોખમ ગણતું આવ્યું છે. પણ હવે તેના વલણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

મહત્ત્વપૂર્ણ છે કે બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બુધવારે જિનીવામાં બેઠક કરવાના છે.

નાટો ચીન પર ધ્યાન કેમ કન્દ્રીત કરી રહ્યું છે?

નાટોના શિખર સંમેલનમાં જણાવાયું કે ચીનની મહત્ત્વકાંક્ષાઓ અને હઠ, દુનિયામાં આંતરરાષ્ટ્રીય નિયમો પર આધારિત વ્યવસ્થાને પડકારી શકે છે.

નિવેદનમાં કહેવાયું છે કે ચીનના વર્તનમાં પારદર્શકતાનો અભાવ અને દુષ્પ્રચારનો ઉપયોગ ચિંતાનો વિષય છે.

નાટોના પ્રમુખ યેન્સ સ્ટોલ્ટનબર્ગે પત્રકારોને જણાવ્યું, "અમે એક શીતયુદ્ધમાં પ્રવેશ નથી કરી રહ્યા. ચીન આપણું વિરોધી અથવા દુશ્મન નથી."

"નાટોએ એક ગઠબંધનના રૂપે ચીન તાકતવર હોવાથી આવી રહેલા પડકારોનો સામનો કરવાનો છે. ચીન વિશ્વની પ્રમુખ આર્થિક અને સૈન્ય શક્તિ છે, તેની રાજનીતિ, રોજિંદા જીવન અને સમાજ પર શાસક સામ્યવાદી પક્ષની મજબૂત પકડ છે."

ચીન પાસે હાલ વિશ્વની સૌથી મોટી સેના છે, જેમાં 20 લાખ સૈનિકો સક્રિયપણે પરજ બજાવી રહ્યા છે.

નાટો ચીનની વધતી સૈન્ય ક્ષમતાઓ મામલે સતત ચિંતિત રહ્યું છે. આ સંગઠન ચીનની તાકતને પોતાના સભ્યદેશોની સુરક્ષા અને તેમના લોકતાંત્રિક મૂલ્યો માટે જોખમ તરીકે જુએ છે.

તાજેતરનાં વર્ષોમાં નાટોએ આફ્રિકામાં ચીનની વધી રહેલી ગતિવિધિઓ મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. ચીન આફ્રિકામાં સૈન્યઠેકાણાં બનાવી રહ્યું છે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું હતું, "જ્યારે ચીનની વાત આવે છે તો મને નથી લાગતું કે આ ટેબલ પર બેઠેલું કોઈ પણ ચીન સાથે એક નવું શીતયુદ્ધ ઇચ્છતું હોય."

નાટોએ ચીન મામલે આપેલા કડક સંદેશ પૂર્વે જી-7 સમૂહે પણ તેની નિંદા કરી હતી.

ગત સપ્તાહે બ્રિટનમાં વિશ્વની સૌથી મોટી અર્થવવ્યસ્થાઓના સમૂહની બેઠક થઈ હતી.

એક પ્રેસ રિલીઝમાં જી-7 દેશોએ માનવાધિકારના ઉલ્લંઘનો મુદ્દે ચીનની ટીકા કરી હતી અને કોવિડ-19ના ઉદ્ભવની પારદર્શી તપાસની પણ માગ કરી હતી.

જવાબમાં ચીનના બ્રિટનસ્થિત દૂતાવાસે સમૂહ પર અસત્ય, અફવા અને પાયાવિહોણા આરોપ લગાવાવનો આક્ષેપ કર્યો હતો.

નાટો શું છે?

ઉત્તર ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશનને 'નાટો' નામથી ઓળખવામાં આવે છે જે વિશ્વનું સૌથી શક્તિશાળી ક્ષેત્રીય રક્ષા ગઠબંધન છે.

1949માં બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદી શાસન હેઠળના વિસ્તારોના જોખમનો સામનો કરવા માટે તેનું ગઠન કરાયું હતું.

તે સહયોગીઓ વચ્ચેના સામૂહિક રક્ષા સિદ્ધાંત પર સ્થાપિત કરાયું હતું.

શરૂઆતમાં તેના 12 સભ્યો હતા પણ હવે તેમાં 30 સભ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો