ઇઝરાયલમાં નેતન્યાહૂને હઠાવી નેફ્ટાલી બૅનેટને વડા પ્રધાન બનાવવાનું ગઠબંધન કેવી રીતે થયું?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

12 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી બિન્યામિન નેતન્યાહૂએ આખરે રવિવારે ઇઝરાયલનું વડા પ્રધાનપદ છોડ્યું.

સ્વેચ્છાએ તેમણે નથી છોડ્યું, પણ સત્તા છોડવી પડી, કેમ કે તેમની સામે કજોડું લાગે તેવું રાજકીય ગઠબંધન તૈયાર થયું.

તેમાં તદ્દન જુદી અને સામસામેની વિચારધારા ધરાવનારા પક્ષો એકઠા થયા છે. આ બધાનો એક જ હેતુ હતો : વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂને સત્તા પરથી હઠાવવા.

રવિવારે સંસદમાં મતદાન યોજાયું, જેમાં એક એક મત કિમતી સાબિત થયો અને તેમાં આખરે નેતન્યાહૂ હારી ગયા.

60 મતો નેતન્યાહૂને હઠાવવા માટેની દરખાસ્તની તરફેણમાં પડ્યા, 59 દરખાસ્તની વિરુદ્ધમાં અને એક સાંસદ ગેરહાજર.

તે સાથે જ ઇઝરાયલની સંસદે નવી સરકારની, "પરિવર્તનની સરકાર" જેને કહેવામાં આવી રહી છે તેની રચનાની મંજૂરી આપી દીધી.

નવી સરકાર સામે હવે મોટો પડકાર છે, કેમ કે છેલ્લાં બે વર્ષથી રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ છે અને ચાર ચૂંટણીઓ કરવી પડી છે.

નેફ્ટાલી બન્યા ઇઝરાયલના નવા PM

નવી સરકારના વડા તરીકે જમણેરી નેફ્ટાલી બૅનેટ જ આવ્યા છે, જેઓ યામિના પક્ષના નેતા છે.

જોકે ગઠબંધનની રચનામાં કેન્દ્રસ્થાને ભૂમિકા ભજવનારા નેતા છે યાએર લેપિડ.

લેપિડનો યેશ અતિદ પક્ષ બિનસાંપ્રદાયિક મધ્યમમાર્ગી ગણાય છે.

તદ્દન ભિન્ન વિચારધારા ધરાવતા પક્ષોને લેવિડ એક મંચ પર લાવી શક્યા. ઇઝરાયલમાં ક્યારેય આવું ગઠબંધન જોવા મળ્યું નથી. તેના કારણે જ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવામાં માહેર ગણાતા નેતન્યાહૂને આખરે સત્તા પરથી દૂર કરી શકાયા.

"પરિવર્તનની સરકાર" ગણાયેલી નવી સરકારની રચનામાં કોણ કોણ જોડાયું છે અને શા માટે તેઓ નેતન્યાહૂને સત્તા પરથી દૂર કરવા માગતા હતા?

વિરોધાભાસી પરિબળોનું અનોખું ગબંધન

મે મહિના પ્રારંભે પ્રમુખ રુવેન રિવલિને વિરોધ પક્ષના નેતા તરીકે રહેલા યાએર લેપિડને વૈકલ્પિક સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમને બે જૂનની મધરાત સુધીનો સમય આપ્યો હતો.

બે જૂન સુધીમાં નવી વૈકલ્પિક સરકારની રચના ના થાય તો ઇઝરાયલમાં છેલ્લાં બે વર્ષથી જે રાજકીય મડાગાંઠ સર્જાઈ હતી તેનો ઉકેલ આવે તેમ નહોતો.

ઉકેલ ના આવે તો ફરીથી ચૂંટણી કરવી પડે - 24 મહિનામાં પાંચમી વાર ચૂંટણી યોજવાની સ્થિતિ ઊભી થાય તેમ હતી.

બે જૂનનો દિવસ વીતવા લાગ્યો અને મધરાત થવા આવી ત્યારે આખરે રાત્ર 11.22 વાગ્યે વિપક્ષના નેતા લેપિડે પ્રમુખ રિવલિનને જણાવ્યું કે તેમણે આઠ પક્ષોનું ગઠબંધન તૈયાર કરી નાખ્યું છે.

આ નવું ગઠબંધન કલ્પનામાં બંધ ના બેસે તેવું છે, કેમ કે તેમાં તદ્દન વિપરીત વિચારધારાના પક્ષોએ એકઠા થયા છે. તેમાં જમણેરીઓ છે (યામિના, ઇઝરાયલ બેઇતેનુ અને ટિક્વા હડાશા), મધ્યમાર્ગીઓ છે (યેશ અતિદ, બ્લ્યૂ ઍન્ડ વ્હાઇટ), ડાબેરીઓ છે (લેબર પક્ષ અને મેરેટ્ઝ પક્ષ), અને ઇઝરાયલના ઇતિહાસમાં પ્રથમ વખત એક અરબ ઇસ્લામિક પક્ષ રા'મ પણ આઠમા સાથીદાર તરીકે જોડાયો છે.

"સરકાર ઇઝરાયલી સમાજના દરેક અંગને એક કરવા માટે બધું જ કરી છૂટશે," એમ પ્રમુખ સાથેની વાતચીત બાદ એક નિવેદન જાહેર કરીને લેપિડે કહ્યું હતું.

ગઠબંધન તૈયાર તો થઈ ગયું, પણ તે સંસદનું સત્ર મળે અને નવી સરકારની રચનાને મહોર લાગે ત્યાં સુધી પણ સાથે રહેશે કે કેમ તે વિશે શંકાઓ થવા લાગી હતી. સંસદનું સત્ર આખરે રવિવારે યોજાયું.

આ સ્થિતિ વિશે વાત કરતાં જેરૂસલેમના બીબીસીના સંવાદદાતા યોલાન્દે નેલ કહે છે,

"વાટાઘાટોમાં બહુ ખેંચતાણ થઈ હતી અને આ ગઠબંધન બહુ તકલાદી સાબિત થવાનું છે".

"લોકોને નવાઈ લાગે છે કે વિપરીત વિચારો ધરાવતા આ બધા પક્ષો ભેગા મળીને કામ કરી શકશે ખરા. ઇઝરાયલના રાજકારણમાં હંમેશાં વિવાદ જગાવનારા પેલેસ્ટાઇનના મુદ્દે કેવી રીતે કામ કરશે અને કેવી રીતે ધર્મ અને રાજકારણની ભેળસેળને સંભાળી શકશે," એમ તેઓ કહે છે.

વારાફરતી બે નેતાઓ વડા પ્રધાન તરીકે રહેશે

લેપિડે જે સમાધાન તૈયાર કર્યું તેમાં વારા ફરતી બે નેતાઓ વડા પ્રધાન બને તે માટેની જોગવાઈ કરાઈ છે.

છેલ્લે માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં સાત બેઠકો જીતનારા યામિના પક્ષના નેતા નેફ્ટાલી બૅનેટ 2023 સુધી વડા પ્રધાન તરીકે રહેશે.

પ્રખર રાષ્ટ્રવાદી તરીકે જાણીતા બૅનેટને નેતન્યાહૂના કટ્ટર હરીફ માનવામાં આવે છે.

બૅનેટે પેલેસ્ટાઇન રાષ્ટ્રની રચના થાય તેનો વિરોધ કર્યો હતો અને ધાર્મિક રાષ્ટ્રવાદના ઝંડાધારી તરીકે તેમને જોવામાં આવે છે.

તેઓ 2023 સુધી વડા પ્રધાન રહે તે પછી યાએર લેપિડ વડા પ્રધાન બનશે તેવી સહમતી સાધવામાં આવી છે.

લેપિડ ભૂતપૂર્વ પત્રકાર અને ટીવી પ્રેઝન્ટર છે. તેઓ મધ્યમ વર્ગના નેતા મનાય છે અને સેક્યુલર વિચારો ધરાવે છે તેઓ બે રાષ્ટ્રોની રચના કરીને સમાધાન કરવામાં માને છે.

છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં લેપિડના પક્ષને 17 બેઠકો મળી હતી અને નેતન્યાહૂના લિકુડ પક્ષ પછી બીજા નંબરનો સૌથી મોટો પક્ષ બન્યો હતો.

બૅનેટ વડા પ્રધાન તરીકે રહે ત્યાં સુધી લેપિડ વિદેશમંત્રી તરીકે સરકારમાં રહેશે.

ત્યાર બાદ 2023માં તેઓ બે વર્ષ માટે વડા પ્રધાન બનશે અને ગઠબંધનની સરકારને આગળ વધારશે.

નેતન્યાહૂને "સત્તાહિન" કરવા તૈયાર થયેલું ગઠબંધન

પરંતુ વિપરીત વિચારધારા છતાં શા માટે આવું ગઠબંધન નેતન્યાહૂને સત્તા પરથી દૂર કરવા તૈયાર થયું?

હાલનાં વર્ષોમાં વડા પ્રધાન તરીકે નેતન્યાહૂ બહુ વિવાદોમાં ઘેરાયા હતા. ખાસ કરીને તેમની સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. જોકે તેમણે આ આરોપોને રાજકીય ઇરાદાના ગણાવીને નકારી કાઢ્યા હતા.

રાજકીય રીતે ટકી જવામાં માહેર ગણાતા નેતન્યાહૂ 12 વર્ષ સત્તામાં રહ્યા તે દરમિયાન ગઠબંધનો કરવામાં અને સામેના ગઠબંધનોને તોડી નાખવામાં કુશળતા દાખવી હતી અને સત્તા ટકાવી રાખી હતી.

પરંતુ આ રીતે સત્તામાં રહેવા માટેની કિંમત ચૂકવવી પડતી હતી. તેના કારણે એક વારના સાથીઓ દુશ્મનો થવા લાગ્યા, જ્યારે કેટલીક વાર ભૂતપૂર્વ દુશ્મનોને દોસ્ત બનાવવા પડ્યા.

હકીકતમાં અત્યારે વૈકલ્પિક ગઠબંધનમાં જોડાનારા ઘણા પક્ષો અને નેતાઓ એક સમયે નેતન્યાહૂની સરકારમાં મંત્રીઓ રહી ચુક્યા છે. લેપિડ અને બૅનેટ બંને પણ અગાઉ તેમની સાથે મંત્રી રહી ચુક્યા છે.

આ રીતે જોડતોડનું રાજકારણ તેઓ કરતા રહ્યા અને ધીમે ધીમે અસંતોષ વધતો ગયો. સામાન્ય રીતે તેમની સાથે ફાવે તેવા જમણેરી વિચારધારાના યામિના પક્ષમાં પણ તેમની સામે અસંતોષ વધતો ગયો હતો. ડાબેરી અને મધ્યમ માર્ગી પક્ષો તેમનાથી નારાજ હતા જ.

છેલ્લાં બે વર્ષ દરમિયાન નેતન્યાહૂ માટે ટેકો મેળવીને સરકાર ટકાવી રાખવાનું મુશ્કેલ બનવા લાગ્યું હતું. છેલ્લે ચૂંટણી વખતે તેમણે હરીફ બેન્ની ગેન્ટ્ઝ સાથે પણ હાથ મિલાવ્યા તો પણ સરકાર બચાવી શક્યા નથી.

નેતન્યાહૂ ગમે તે ભોગે સત્તાને વળગી રહેવા માગતા હતા, તેના કારણે બે વર્ષમાં ચાર ચૂંટણીઓ કરવી પડી. આ રીતે વારંવાર ચૂંટણીઓના કારણે પણ વિરોધ પક્ષો નારાજ થયા હતા અને તેમને સત્તા પરથી દૂર કરવા માટે આખરે સહમત થઈ ગયા. તેઓ પાંચમી વાર ચૂંટણીમાં ઉતરવા માગતા નહોતા.

જોકે છેલ્લી ઘડી સુધી નેતન્યાહૂએ સત્તામાં ટકી રહેવા માટે પ્રયાસો કર્યા હતા. તેમણે બૅનેટ સામે પ્રહારો કર્યા હતા કે તેઓ લેપિડ સાથે ગઠબંધન કરીને જમણેરી મતદારોને દગો કરી રહ્યા છે.

આ ચાલાકી પણ ના ચાલી અને આખરે તેમણે સત્તા છોડવાનું નક્કી કર્યું. તેમણે રવિવારે સંસદમાં કહ્યું કે યામિનાના સાંસદો જમણેરી વિચારધારા "તરછોડી દેનારા" છે. આ રીતે તેમણે પોતાને મુખ્ય વિપક્ષી નેતા તરીકે આગળ કર્યા છે.

"હું આ ખતરનાક ડાબેરી સરકારની સામે તમને માર્ગદર્શન આપતો રહીશ," એમ તેમણે મતદારોને ઉદ્દેશીને કહ્યું હતું.

"ઇશ્વરેચ્છા સાથે આપણે આ સરકારને તમારી ધારણાથી વધારે ઝડપથી પાડી દઈશું," એમ પણ તેમણે કહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો