G7 રાષ્ટ્રોની જાહેરાત, ગરીબ દેશોને દાન કરાશે કોરોનાની રસીના 1 અબજ ડોઝ

G7 રાષ્ટ્રના નેતાઓએ આગામી વર્ષ સુધીમાં કોરોના વાઇરસની રસીના એક અબજ ડોઝ દાન કરવાની જાહેરાત કરી છે.

આ જાણકારી બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને આપી છે. બ્રિટન આ વર્ષે G7 શિખર પરિષદનું યજમાન છે.

બોરિસ જૉન્સને એક પત્રકારપરિષદમાં આ અંગેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે G7 દેશના નેતાઓ મહામારીના આ સમયમાં 'રાષ્ટ્રવાદી' અને પ્રારંભિક 'સાથી'ના વલણથી આગળ વધવા માગે છે.

તેમણે કહ્યું કે G7 દેશના નેતાઓએ આગામી વર્ષ સુધીમાં ગરીબ દેશોને કોરોનાની રસીના એક અબજ ડોઝ દાન આપવાની પ્રતિજ્ઞા લીધી છે.

આ રસી કાં તો સીધી જ આપવામાં આવશે કાં તો કોવૅક્સ અભિયાન અતંર્ગત. આમાંથી 10 કરોડ ડોઝ માત્ર બ્રિટન જ આપશે.

બોરિસ જૉન્સને એવું પણ કહ્યું કે આ વિશ્વભરમાં 'રસીકરણ તરફનું એક મોટું પગલું' હશે.

'મુઠ્ઠીભર દેશ વિશ્વના નસીબનો નિર્ણય નથી કરતા', ચીને G7 દેશોને કેમ ચેતવણી આપી?

ચીને G7 રાષ્ટ્રોના નેતાઓને ચેતવણી આપતાં કહ્યું છે કે એ દિવસો ક્યારનાય જતા રહ્યા, જ્યારે મુઠ્ઠીભર રાષ્ટ્રો વિશ્વના કિસ્મતનો નિર્ણય લેતાં હતાં.

યુકેમાં ચીનના દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું, "અમે હંમેશાં એ વાત પર વિશ્વાસ કર્યો કે કોઈ પણ દેશ પછી તે મોટો હોય કે નાનો, મજબૂત હોય કે કમજોર, ગરીબ હોય કે તવંગર, સૌ સમાન છે અને વૈશ્વિક મામલાઓનો ઉકેલ તમામ રાષ્ટ્રો સાથે વિચાર-વિમર્થ બાદ જ લાવવો જોઈએ."

ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે G7 દેશ ચીન સમક્ષ પોતાને એકજૂથ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

G7 દેશોમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

બ્રિટનના કૉર્નવેલમાં યોજાયેલા શિખર સંમેલનમાં હાજર બીબીસીના સંવાદદાતાનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ વાત પર ભાર મુક્યો છે કે કોરોના મહામારી બાદ વિશ્વમાં પ્રજાસત્તાક રાષ્ટ્રો અને સરમુખત્યાર વ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ચીનની મજબૂતી

શીત યુદ્ધ દરમિયાન 1991માં સોવિયેટ સંઘના વિઘટન બાદ વિશ્વપટલ પર ચીનના એક મહાશક્તિ તરીકેના ઉદયને હાલના દાયકાઓના સૌથી મોટા વૈશ્વિક ઘટનાક્રમ તરીકે જોવામાં આવે છે.

ચીને ગત કેટલાક દાયકામાં વિશ્વમાં પોતાનો પ્રભાવ વધાર્યો છે.

તેણે પોતાના 'બેલ્ટ ઍન્ડ ઇનિશિએટિવ' અંતર્ગત વિશ્વના કેટલાય વિકાસશીલ દેશોમાં મોટા પ્રમાણમાં આર્થિક રોકાણ કર્યું છે. ગત ચાર દાયકામાં ચીને અપાર સૈન્ય અને આર્થિક શક્તિ હાંસલ કરી છે.

આ દરમિયાન ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગના આકરાં વલણનો કઈ રીતે જવાબ આપવામાં આવે એ અંગેની ચર્ચા G7ની બેઠકમાં કરાઈ હતી.

G7 રાષ્ટ્રોના વડા ઇંગ્લૅન્ડના કૉર્બિસ બૅના કિનારે ત્રણ દિવસીય સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

પશ્ચિમના આ દેશો એવું દર્શાવવા માગે છે કે ચીનનો પ્રભાવ ઘટાડવા માટે તેઓ મજબૂત વિકલ્પ રજૂ કરી શકે એમ છે.

ચીનના અબજો ડૉલરના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવના વિકલ્પ તરીકે G7 રાષ્ટ્રો વિકાશશીલ દેશો માટે યોજના ઘડવાનું કામ કરી રહ્યાં છે.

શું છે ગ્રૂપ ઑફ સેવન?

G7 એટલે ગ્રૂપ ઑફ સેવન. વિશ્વનાં સાત કથિત સૌથી મોટાં અર્થતંત્રોએ આ સંગઠનની રચના કરી છે. એ સાત દેશોમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

આ સંગઠનમાં રશિયા 1998માં જોડાયું હતું અને G7 બન્યું હતું G8, પણ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ક્રિમિયા કબજે કરવા બદલ રશિયાને 2014માં G-8માંથી પડતું મૂકવામાં આવ્યું હતું અને સંગઠન ફરી G7 બની ગયું હતું.

G7ની બેઠકોમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે, પણ વિશ્વના બે મોટા દેશો ભારત અને ચીનને હજુ સુધી સમાવવામાં ન આવ્યાં હોવાથી G7 સમસામયિક ન હોવાની ટીકા થાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં G7ને 'સાત દેશોનું કાલગ્રસ્ત જૂથ' ગણાવ્યું હતું.

ચીનના અર્થતંત્રનું કદ ઘણું મોટું છે અને તે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. તેમ છતાં તેને ક્યારેય G7નો સભ્યદેશ બનાવાયો નથી.

ચીનમાં પ્રતિવ્યક્તિ સંપત્તિનું પ્રમાણ સરખામણીએ નીચું હોવાથી તેને, G7ના સભ્યરાષ્ટ્રોની માફક આધુનિક અર્થતંત્ર ગણવામાં આવતું નથી.

G7 શું કામ કરે છે?

G7ના સભ્ય દેશોના પ્રધાનો તથા અધિકારોએ સમગ્ર વર્ષ દરમિયાન બેઠકો યોજે છે, કરારોનું ઘડતર કરે છે અને વૈશ્વિક ઘટનાઓ વિશે સંયુક્ત નિવેદનો બહાર પાડે છે.

વાર્ષિક શિખર પરિષદની મુખ્ય ઇવેન્ટમાં નેતાઓ સાથે મળીને વર્તમાન સમયના સૌથી મહત્વના મુદ્દાઓ બાબતે ચર્ચા કરે છે.

ગયા વર્ષે અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 શિખર પરિષદનું આયોજન કરવાના હતા, પણ કોવિડ-19 રોગચાળાને કારણે શિખર પરિષદ રદ કરવામાં આવી હતી.

શિખર પરિષદ યોજાઈ ન હોઈ તેવું 1975 પછી ગયા વર્ષે પહેલી વખત બન્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો