પાકિસ્તાન : સિંધમાં બે ટ્રેન સામસામે ટકરાઈ, કમ સે કમ 40 લોકોનાં મૃત્યુ અને 100 ઘાયલ, કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડહરકી નજીક બે ટ્રેન સામસામે ટકરાઈ છે અને આ ઘટનામાં કમ સે કમ 40 લોકો મૃત્યુ પામ્યા છે અને 100 લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે એમ કહેવામાં આવી રહ્યું છે.

બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી સાથેની વાતચીતમાં ઘોટકીના ડેપ્યુટી કમિશનર ઉસ્માન અબ્દુલ્લાએ આ આંકડાઓની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "હજુ ઘણા લોકોની ભાળ મળી નથી. રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે."

કરાચીથી સરગોઘા જઈ રહેલી મિલ્લત એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહેલી ટ્રેન સાથે વહેલી સવારે ટકરાઈ હતી..

રેડિયો પાકિસ્તાન મુજબ આ ઘટના સોમવારે વહેલી સવારે બની છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે.

અહેવાલ મુજબ ગંભીર રીતે ઘાયલ પ્રવાસીઓને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બોગીઓમાં ફસાઈ ગયેલા પ્રવાસીઓને કાઢવા માટે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

એક સ્થાનિક પત્રકારના જણાવ્યાનુસાર , "રેસ્ક્યૂ ઑપરેશનમાં સ્થાનિકો પણ મદદ કરી રહ્યા છે. આ ઘટના એટલી ભયંકર હતી કે એવું લાગે છે કે જાણે દુર્ઘટનાગ્રસ્ત ડબ્બાને જાણે મશીન વડે કાપવામાં આવ્યા હોય."

ટ્રેનો ટકરાવાને પગલે મિલ્લત એક્સપ્રેસના આઠ ડબ્બા અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન સમેત ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા અને ખીણમાં પડ્યા.

આ દુર્ઘટના ધોટકી નજીક ડહરકી અને રેતી રેલવે સ્ટેશન પાસે થઈ છે. આને પગલે આ રૂટ પર ટ્રેન પરિવહન બંધ કરવામાં આવ્યું છે.

ડેપ્યુટી કમિશનરે કહ્યું કે, બચાવ કામગીરી માટે ભારે મશીનરી સાધનોની જરૂરિયાત છે જેને મોકલવામાં આવી છે અને તે જલદી જ ત્યાં પહોંચશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ આઘાતમાં છે.

તેમણે કહ્યું, વહેલી સવારે ઘોટકી નજીક ભયંકર રેલવે અકસ્માતને કારણે 30 લોકો મૃત્યુ પામ્યાં એ આઘાતજનક છે. ઘાયલોને દાકતરી સારવાર અને મૃતકોના પરિવારજનોને સહાય સુનિશ્ચિત કરવા માટે રેલવે મંત્રીને ઘટનાસ્થળે પહોંચવા માટે કહ્યું છે. રેલવે સુરક્ષાને લઈને સર્વગ્રાહી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીએ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વિગતો મેળવવા માટે રેલવેના ચૅરમૅન હબીબ ઉર રહેમાન ગીલાની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે, "કરાચીથી લાહોર તરફ જઈ રહેલી મિલ્લત એક્સપ્રેસના પાછળના છ ડબ્બા ડિરેઇલ થઈને જે ટ્રૅક પરથી તે પસાર થઈ રહી હતી તેની બાજુના ટ્રૅક પર જઈને પડી ગયા હતા."

"આ અકસ્માતની થોડી મિનિટો બાદ જ જે ટ્રૅક પર ટ્રેનના ડબ્બા પડ્યા હતા તે જ ટ્રૅક પર આગળ ધસી રહેલી સર સૈયદ એક્સપ્રેસની આગળની બોગી અથડાઈ. જેના કારણે અકસ્માત સર્જાયો."

ગીલાનીએ જણાવ્યું કે આ એક અલગ પ્રકારની અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

તેઓ જણાવે છે કે, "આવી ઘટના થાય એ પહેલાં સામાન્ય રીતે ટ્રેનોને રોકી શકાય છે. પરંતુ આ દુર્ઘટના સમયે ટ્ર્રેનો વચ્ચે માત્ર એક મિનિટનો જ અંતર હતો."

તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ કરવા અને દુર્ઘટનાનાં કારણોની યોગ્ય તપાસ થાય તે માટે રેલવેમંત્રી આઝમ સ્વાતીએ વડા પ્રધાન ઇમરાન ખાનના માર્ગદર્શન પ્રમાણે હુકમ આપ્યા છે.

"તેઓ જાતે ઘટનાસ્થળની મુલાકાતે આવવાના છે."

ગીલાનીએ આગળ જણાવ્યું કે, "રેસ્ક્યૂ માટેની ટ્રેન ધરકી, ઘોટકી ખાતે મોકલી દેવાઈ છે. આ દુર્ઘટનાના કારણે કરાચીથી લાહોર અને લાહોરથી કરાચી જતી ટ્રેનો શેડ્યૂલ પર અસર પડી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો