You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ખ્રિસ્તી યુગલની ફાંસી માફ, પયગંબર મોહમ્મદના અપમાનનો મામલો શું હતો?
પાકિસ્તાનની એક કોર્ટે એક ખ્રિસ્તી પતિ-પત્નીને ઈશનિંદાના ગુનામાં આપેલી મોતની સજાથી છુટકારો આપ્યો છે. પુરાવાના અભાવે કોર્ટે આ નિર્ણય પલટવો પડ્યો.
શગુફ્તા કૌસર અને તેમના પતિ શફ્ખત ઇમેનુઅલને વર્ષ 2014માં પયગંબર મોહમ્મદના અપમાન બદલ મોતની સજા સંભળાવવામાં આવી હતી.
આ દંપતીના વકીલ સૈફ અલ મૂલકે ગુરુવારે જણાવ્યું કે લાહોરની હાઈકોર્ટે તેઓ બંનેને છોડી મૂક્યાં છે.
તેમજ પ્રોસિક્યૂશન પક્ષ તરફથી ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવાયું કે આ નિર્ણયને આગળ પડકારવામાં આવશે.
પાકિસ્તાનમાં ઈશનિંદાના ગુના બદલ મોતની સજા પણ થઈ શકે છે. જોકે, આજ સુધી કોઈનેય આ ગુના બદલ ફાંસીની સજા અપાઈ નથી, પરંતુ ઈશનિંદાનો આરોપ લાગ્યા બાદ ડઝનો લોકોની ભીડના હાથે હત્યાના શિકાર જરૂર બન્યા છે.
મલૂકે ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથે વાત કરતાં કહ્યું કે, "હું એ વાતથી ખુશ છું કે અમે એવા લોકોને છોડાવવામાં સફળતા મેળવી છે જેઓ સમાજના સૌથી અસહાય લોકો પૈકી એક હતા."
તેમણે આશા વ્યક્ત કરી કે આગામી અઠવાડિયે કોર્ટનો આદેશ જારી થયા બાદ તેમને છોડી મુકાશે.
માનવાધિકાર સંગઠનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમનેસ્ટી ઇન્ટરનેશનલે દક્ષિણ એશિયાના ડેપ્યુટી ડિરેક્ટર દિનુસિકા દિસાનાયકેએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, "આ નિર્ણયે સાત વર્ષથી અગ્નિપરીક્ષા આપી રહેલા આ યુગલના સંઘર્ષને સફળતા અપાવી છે. આ યુગલને પાછલી કોર્ટ દ્વારા જ મૃત્યુની સજા નહોતી અપાવવી જોઈતી."
શું હતા આરોપ?
આ યુગલને વર્ષ 2014માં ઈશનિંદાના ગુનામાં મૃત્યુની સજા આપવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે એક સ્થાનિક ઇમામના ફોન પર તેમણે પયગંબર મોહમ્મદ વિશે અપમાનજક સંદેશો મોકલ્યો હતો. જે નંબરથી આ મૅસેજ મોકલવામાં આવ્યો હતો, તે કૌસરના નામ પર રજિસ્ટર્ડ હતો.
કૌસરના ભાઈએ ગયા વર્ષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ યુગલ નિર્દોષ છે. તેમણે આ યુગલના એટલા ભણેલાં-ગણેલાં હોવાની વાત પર શંકા વ્યક્ત કરી હતી કે તેઓ એક અપમાનજનક મૅસેજ લખીને મોકલી શકે.
કૌસર એક ખ્રિસ્તી સ્કૂલમાં દેખરેખ રાખવાનું કામ કરે છે. તેમના પતિ આંશિકપણે લકવાગ્રસ્ત છે.
માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોને નિશાન બનાવવા માટે ઈશનિંદાના ખૂબ આરોપ લગાડવામાં આવે છે.
આ યુગલના વકીલે ગત વર્ષે બીબીસીને જણાવ્યું હતું કે કેસમાં તેમણે એવી દલીલ મૂકી હતી કે આ યુગલનું પોતાના ખ્રિસ્તી પાડોશીઓ સાથે અણબનાવ હતો. બની શકે કે તેમણે કૌસરના નામ પર એક સીમકાર્ડ ખરીદીને તેમને ફસાવવા માટે એ નંબરથી ઈશનિંદાનો મૅસેજ મોકલ્યો હોય.
એપ્રિલમાં યુરોપિયન સંસદે ધાર્મિક લઘુમતીઓની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવા મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ નિંદા-પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવના કેન્દ્રમાં કૌસર અને ઇમેનુઅલનો મામલો હતો.
પાકિસ્તાનમાં ઈશનિંદાના ગુનામાં સંભળાવાયેલી સજાના નિર્ણયો અવારનવાર પલટાવી નાખવામાં આવે છે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાંથી છૂટ્યા બાદ આસિયા બીબી પાકિસ્તાન છોડીને ચાલ્યાં ગયાં હતાં. ઈશનિંદાના આરોપમાં તેમને એક દાયકા કરતાં વધુ સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણયનો તમામ કટ્ટરપંથી સંગઠનોએ હિંસક વિરોધ કર્યો હતો.
પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની વસતી
મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની વસતી 1.6 ટકા છે.
તેઓ પૈકી મોટા ભાગના એ હિંદુઓના વંશજ છે, જેમણે બ્રિટિશ શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હતો.
તેઓ પૈકી કેટલાક લોકો એવા હતા, જેઓ પોતાના કથિત નીચલા દરજ્જામાંથી બહાર આવવા માટે ખ્રિસ્તી બની ગયા. તેઓ પૈકી ઘણા પાકિસ્તાનના સૌથી ગરીબ પ્રજામાંના એક છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકન જંગના કારણે પણ ખ્રિસ્તીઓ પ્રત્યે ગુસ્સો અને ઈશનિંદાના કાયદા હેઠળ તેમના પર સકંજો કસવાના મામલા વધી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો