You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિલખા સિંહ આઈસીયુમાં, નરેન્દ્ર મોદીએ ખબર પૂછી
ભારતના પ્રખ્યાત દોડવીર મિલખા સિંહની તબિયત નાદુરસ્ત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની ખબર પૂછી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મિલખા સિંહ બે અઠવાડિયા અગાઉ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. ગુરુવારે તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતા ચંદીગઢની કોરોના વાઇરસની હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મિલખા સિંહના દીકરા જીવ મિલખા સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ટ્વીટર પર આભાર માનતા લખ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર તેમણે પોતાના વ્યસ્ત શિડ્યૂઅલમાંથી સમય કાઢીને પિતાના ખબર અંતર પુછ્યા."
જીવ મિલખા સિંહે પિતાની તબિયત અંગે કહ્યું હતું કે ગઈકાલે પિતાને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્ટેબલ છે.
24 મેના રોજ મિલખા સિંહને મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.
મિલખા સિંહના પત્ની પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને હાલ આઇસીયુમાં દાખલ છે.
ગૂગલ સર્ચમાં 'કન્નડ ભાષા સૌથી ખરાબ' હોવાનું રિઝલ્ટ આવતા, ગૂગલે માફી માગી
અમેરિકાની કંપની ગૂગલ (આલ્ફાબેટ)ને ટીકાનો સામનો કરવો પડ્યો છે. કેમ કે ભારતની ભાષા મુદ્દે એક ક્વેરીએ તેને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ ગૂગલ પર સૌથી ખરાબ ભાષા કઈ એવું સર્ચ કરવામાં આવતા કન્નડ ભાષા જવાબ તરીકે આવતું હતું. જેના સ્ક્રિનશૉટ પણ ફરતા થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેથી ભારતમાં રહેતા અને વિદેશમાં રહેતા કન્નડ ભાષીઓ રોષે ભરાયા હતા. બાદમાં જોકે ગૂગલે ભૂલ સ્વિકારી માફી પણ માગી લીધી છે.
દરમિયાન ક્વૅરીના પરિણામો પણ સર્ચ એન્જિનમાંથી દૂર કરી દેવાયા છે. બીજી તરફ કન્નડ ભાષાના સમર્થનમાં #KannadaQueenOfAllLanguages ટ્વિટર પર ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.
‘વિકાસ’ મામલેના નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત ટોપ-5માં પણ ન આવ્યું
ગુજરાત મૉડલને વિકાસનું મૉડલ તરીકે હંમેશાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રની મોદી સરકારે 2014માં લોકસભા ચૂંટણીમાં પણ આ મૉડલના દમ પર મત માગ્યા હતા.
પરંતુ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા સતત વિકાસ સંબંધિત રિપોર્ટ સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ ગોલ ઇન્ડિયા – 2020-21માં ગુજરાતને ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન નથી મળ્યું.
આ વખતે કેરળ ટોપમાં રહ્યું છે. 100માંથી તેનો સ્કૉર 75 છે. જ્યારે બીજા ક્રમે તામિલનાડુ અને હિમાચલ પ્રદેશ 74ના સ્કૉર સાથે રહ્યા છે.
બિહાર, ઝારખંડ, આસામ તેમાં તળિયે રહ્યા છે. વળી સંઘપ્રદેશોમાં ચંદીગઢે 79ના સ્કૉર સાથે ટોચનું સ્થાળ પ્રાપ્ત કર્યું છે.
નીતિ આયોગના વાઇસ ચૅરમેને આ રિપોર્ટ જારી કર્યો હતો.
મિઝોરમ, હરિયાણા અને ઉત્તરાખંડે તેમનું પરફૉર્મન્સ ઘણું સુધાર્યું છે આથી તેમના સ્કૉરમાં વધારો થયો છે. જ્યારે ગુજરાત ફ્રન્ટ રનર્સની શ્રેણીમાં સામેલ રહ્યું છે. પરંતુ ટોપમાં સ્થાન નથી મેળવી શક્યું.
નીતિ આયોગે 11 માપદંડોના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ સહિતની બાબતો સામેલ હતી.
મેહુલ ચોકસીની ભારત વાપસી પર સરકારે આપ્યું પહેલું નિવેદન
ભારત સરકારે પંજાબ નેશનલ બૅન્કના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીની ડૉમિનિકા નાટકીય ધરપકડના સંબંધમાં પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું કે ચોકસી હજી ડૉમિનિકન અધિકારીઓની કસ્ટડીમાં છે અને હજી કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે.
એક ઑનલાઇન પત્રકાર વાર્તામાં બાગચીએ કહ્યું, ''અમે એમને ભારત લાવવાના પ્રયાસો ચાલુ રાખીશું. ''
જોકે, આ મામલે એમને અનેક સવાલો કરવામાં આવ્યા પણ એમણે મામલો ગૃહમંત્રાલય હસ્તક હોવાનું કહી જવાબ આપવા ઇનકાર કર્યો.
14000 કરોડના પંજાબ નેશનલ કૌભાંડ મામલે વૉન્ટેડ બિઝનેસમૅન મેહુલ ચોક્સી ડોમિનિકામાં પોલીસ કસ્ટડીમાં છે અને હાલ હૉસ્પિટલમાં રખાયા હોવાની વાત છે.
પરંતુ તેમને લેવા માટે જે ચાર્ટડ વિમાન ભારતની કેન્દ્રીય એજન્સીઓ સહિત ગયું હતું તે ત્યાંથી રવાના થઈ ગયું હોવાના અહેવાલ છે.
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ વિમાન તેમને પરત લાવવા મામલેના દસ્તાવેજો સાથે અહીંથી ગયું હોવાનું કહેવાયું હતું.
પરંતુ હવે વિમાન ત્યાંથી નીકળી ગયું છે અને કેન્દ્રીય ટીમ પણ રવાના થઈ ગઈ છે. જોકે બીજી તરફ મેહુલ ચોક્સી ત્યાં જ ડોમિનિકા હૉસ્પિટલમાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અમેરિકા ભારતને રસી આપશે, કમલા હૅરિસે મોદી સાથે વાત કરી
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ વિદેશ મંત્રી એસ. જયશંકરે બાઇડન પ્રશાસન સાથે વૉશિંગ્ટન ડીસીમાં બેઠકો કર્યાના કેટલાક દિવસો બાદ હવે અમેરિકા ભારતને રસી મોકલવાનું હોવાની વાત સામે આવી છે.
અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૅરિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી કહ્યું છે કે અમેરિકા ભારતને 20-30 લાખ જેટલા રસીના ડોઝ મોકલશે.
કૉવેક્સ કાર્યક્રમ અંતર્ગત અમેરિકા આ ડોઝ મોકલશે. તે ભારત સહિત અન્ય દેશોને પણ આ ડોઝ મોકલશે.
પીએમ મોદીએ મા મુદ્દે અમેરિકાનો આભાર પણ માન્યો છે.
‘કાશ્મીરમાં શાંતિ છે, તેને જાળવી રાખવાની જવાબદારી પાકિસ્તાનની’
આર્મી ચીફ જનરલ એમ. એમ. નરવાણે કાશ્મીરની મુલાકાતે છે. તેમણે ત્યાંની સુરક્ષા સ્થિતિ તથા સરહદ પર યુદ્ધવિરામ મામલેની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ મુજબ તેમણે કહ્યું, “એલઓસી પર 100 દિવસોથી યુદ્ધવિરામ છે. અને હવે આગળ પણ આ સ્થિતિ જળવાઈ રહે તેની જવાબદારી પાકિસ્તાનની છે. તેમ છતાં આર્મીને કોઈ પણ પરિસ્થિતિ માટે સજ્જ રહેવા કહેવાયું છે. કેમ કે કોઈ પણ સમયે સ્થિતિ બદલાઈ શકે છે. જેનું કારણ પાકિસ્તાન છે. કેમ કે તેના પર વિશ્વાસ કરી શકાય નહીં.”
“જો આ શાંતિની સ્થિતિ ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે તો બંને દેશોના સંબધોમાં સુધારો લાવવા તે મદદરૂપ થઈ શકશે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો