કોવિડ-19 : આ વાઇરસે 2021માં આપણને કેવા પાઠ ભણાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એમેલિયા બટર્લી
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કર્યાના એક વર્ષથી વધુના સમયમાં આ વાઇરસને સમજવાના અને તેનો સામનો કરવાના અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રયાસો કરવામાં આવ્યા છે.
દુનિયાભરના સંશોધકોએ ખૂબ સહકાર સાધ્યો છે અને જ્ઞાન, સંશોધન તથા વૅક્સિનના નિર્માણના સંદર્ભમાં જે શીખતાં વર્ષો લાગ્યાં હોત એ બધું થોડા મહિનાઓના સમયગાળામાં હાંસલ કરી લેવાયું છે.
છેલ્લા 12 મહિનામાં આપણે જે શીખ્યા એ પૈકીની કેટલીક બાબતોને સમજીએ.

કોવિડ-19નાં લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ તાવ અને ઉધરસ આ વાઇરસનાં જાણીતાં લક્ષણો હતાં. ત્યારબાદ એવું જાણવા મળ્યું હતું કે આ વાઇરસનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિઓ સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ગુમાવી બેસે છે. એ પછી આ બાબતને કોવિડ-19નાં સામાન્ય લક્ષણોની ડબલ્યુએચઓએ તૈયાર કરેલી યાદીમાં સમાવવામાં આવી હતી.
મહામારી આગળ વધી તેમ બીજાં લક્ષણો પણ નોંધાયાં હતાં.
એ લક્ષણોમાં ગળામાં દાહ, માથામાં દુખાવો, શરીરમાં કળતર, અતિસાર, ત્વચા પર ફોલ્લીઓ અથવા આંગળીઓ અથવા અંગુઠામાં વિકૃતિ અને આંખોમાં રતાશ અથવા બળતરાનો સમાવેશ થાય છે.
આ રોગનાં ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, બોલવામાં અથવા હલનચલનમાં મુશ્કેલી, મૂંઝારો અથવા છાતીમાં દુખાવાનો પણ સમાવેશ થાય છે.
બહુ બીમાર હોય એવા લોકોને તાત્કાલિક તબીબી સારવાર લેવા ડબલ્યુએચઓ પ્રોત્સાહિત કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આપણે જાણીએ છીએ તેમ કેટલાક ચોક્કસ રોગથી ગ્રસ્ત લોકો કોવિડ-19ને કારણે ગંભીર રીતે બીમાર પડે તેવી શક્યતા વધારે હોય છે.
તેથી સીસ્ટિક ફ્રાઈબ્રોસિસ અથવા સીઓપીડી જેવા ફેફસાંના રોગ, ડાયાબિટીસ, હૃદયરોગ અને કૅન્સરના દર્દીઓને વાઇરસના ચેપ સામે નિવારક પગલાં લેવાની સલાહ ડબલ્યુએચઓ આપે છે.
મોટા ભાગના દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય છે, પણ આ વિશેનો અભ્યાસ સૂચવે છે તેમ કેટલાક દર્દીઓનાં હૃદય તથા ફેફસાં સહિતનાં અંગોમાં કોવિડ-19 લાંબા ગાળાનું નુકસાન કરી શકે છે.

કોવિડ-19નો પ્રસાર

ઇમેજ સ્રોત, Getty Images
આ વૈશ્વિક મહામારીના શરૂઆતના કેટલાક મહિના દરમિયાન ડબલ્યુએચઓ ભારપૂર્વક જણાવતું રહ્યું હતું કે લોકો ખાંસી કે છીંક ખાય ત્યારે ડ્રોપલેટ્સ હવામાં તરતા રહેવાને બદલે સપાટી પર પડવાથી કોવિડ-19નો પ્રસાર થાય છે.
તેથી સપાટી અને ચીજવસ્તુઓને અડવાથી થતા વાઇરસના પ્રસારને અટકાવવાના એક મુખ્ય ઉપાય તરીકે લોકોને વારંવાર હાથ ધોતા રહેવાનું જણાવવામાં આવતું હતું.
જોકે, બ્રિટિશ મેડિકલ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત એક લેખ સૂચવે છે કે "સપાટી પર સ્પર્શવાથી થતા SARS-CoV-2ના પ્રસારનું પ્રમાણ, શ્વાસોશ્વાસને કારણે તેના શરીરમાં પ્રવેશની સરખામણીએ પ્રમાણમાં ઓછું છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાસ્તવમાં તાજા પુરાવા સૂચવે છે કે કોવિડ-19નો પ્રસાર મુખ્યત્વે એકમેકની નજીક હોય તેવી બે વ્યક્તિઓમાં એરોસોલ ટ્રાન્સમિશન મારફત થાય છે.
એક કે તેથી વધુ ચેપગ્રસ્ત વ્યક્તિ મુખ્યત્વે બંધ ઓરડામાં, ભીડવાળાં સ્થળોમાં અને વૅન્ટિલેશનની ખરાબ વ્યવસ્થાવાળી જગ્યામાં લાંબો સમય પસાર કરે ત્યારે સંક્રમણ થવાની શક્યતા વધુ હોય છે, એવું ડબલ્યુએચઓ જણાવે છે.
તેથી આપણા જીવન પરનાં ઘણાં નિયંત્રણોમાં લોકો સાથે બંધબારણે મુલાકાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

કોવિડ-19ની વેક્સિનની અસર

ઇમેજ સ્રોત, Getty Images
હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા કોવિડ-19ના અનેક દર્દીઓ પર વૅક્સિનેશનની ઘણી સારી અસર જોવા મળી છે.
બ્રિટનમાં કુલ પૈકીના એક તૃતીયાંશ નાગરિકોએ વૅક્સિનનો કમસે કમ એક ડોઝ લઈ લીધો છે અને આંકડાઓ સૂચવે છે કે વૅક્સિનને કારણે હૉસ્પિટલોમાં નવા દર્દીઓના દાખલ થવાના પ્રમાણ તથા મૃતકોની સંખ્યામાં તેમજ સામુદાયિક સંક્રમણમાં ઘટાડો થયો છે.
બ્રિટિશ સરકારના વૈજ્ઞાનિક સલાહકારો પૈકીના એક પ્રોફેસર કલુમ સેમ્પલ કહે છે કે "વૅક્સિન અસરકારક છે અને તે સારી રીતે અસર કરે છે એવું વાસ્તવિક તારણો દર્શાવે છે."
સામાન્ય રીતે એક વૅક્સિન વિકસાવવામાં દસ વર્ષ સુધીનો સમય જતો હોય છે, પણ ફાઇઝર, મૉડર્ના અને એસ્ટ્રાઝેનેકા જેવી ફાર્મા કંપનીઓ નવી ટેકનોલૉજી, વધારે ભંડોળ અને સરકારી ચંચૂપાતમાં ઘટાડાને કારણે ગણતરીના મહિનાઓમાં જ વૅક્સિન વિકસાવી શકી છે.
અલબત્ત, વૅક્સિન ભલે ગણતરીના મહિનાઓમાં વિકસાવવામાં આવી હોય, પણ તેનો પહેલો ડોઝ લેવા માટે ઘણા લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વૅક્સિનના વિતરણની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ઘણી અસમાનતા છે અને ડબલ્યુએચઓએ ગરીબ તથા તવંગર દેશો વચ્ચે વૅક્સિનના વિતરણમાંના "આઘાતજનક અસંતુલન"ની ટીકા કરી છે.
વૅક્સિનેશનથી વાઇરસનો સામનો કરવામાં નિશ્ચિતપણે મદદ મળશે, પરંતુ તેની સામે કાયમી રક્ષણ મળશે નહીં, કારણ કે એન્ટીબૉડીઝ સમય જતાં નબળા પડતા હોય છે.

લૉન્ગ કોવિડની માઠી અસર

ઇમેજ સ્રોત, Getty Images
વાઇરસનો ચેપ લાગ્યાના મહિનાઓ પછી પણ ઘણા લોકો તેનાં લક્ષણોની અસર અનુભવી રહ્યા છે. તેને લૉન્ગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે.
ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ, તેનો પ્રભાવ વાઇરસથી સંક્રમિત પ્રત્યેક દસ પૈકીની એક વ્યક્તિમાં જોવા મળી શકે અને તેને અત્યંત થાક, માથાનો દુખાવો, છાતીમાં દર્દ અને હતાશા જેવી તકલીફ થઈ શકે.
વૈશ્વિક મહામારીની શરૂઆતમાં લોકો તેમની હાલતની ગંભીરતા સમજાવવા સંઘર્ષ કરતા હતા અને વૈજ્ઞાનિકો હજુ પણ એ સમજી નથી શક્યા કે આવી અસર કેટલાક દર્દીઓમાં જ શા માટે જોવા મળે છે.
વૈજ્ઞાનિકો કોવિડ-19ની લાંબા ગાળાની અસરનો સતત અભ્યાસ કરી રહ્યા છે. એક અભ્યાસના તાજેતરમાં પ્રકાશિત તારણ જણાવે છે કે વાઇરસના હળવા ચેપથી ગ્રસ્ત લોકો પર પણ સંક્રમિત થયા પછીના છ મહિનામાં ગંભીર બીમારી કે મોતનું જોખમ વધુ હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સેન્ટ લુઈસ ખાતેની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત્ ઝિયાદ અલ-એલી (એમડી) કહે છે, "લૉન્ગ કોવિડ-19ના નોંધપાત્ર પ્રભાવને ધ્યાનમાં લેતાં આ રોગની દીર્ઘકાલીન અસરનું પરાવર્તન ઘણાં વર્ષો અને કદાચ દાયકાઓ સુધી થતું રહેશે."
તેઓ ઉમેરે છે, "કોવિડ-19નો ચેપ લાગ્યો હોય એવા દર્દીઓના મૂલ્યાંકનમાં તબીબીએ અત્યંત સાવધ રહેવું જરૂરી છે. એવા દર્દીઓ માટે સમન્વિત અને વૈવિધ્યપૂર્ણ સારવાર જરૂરી બનશે."

નવા વેરિએન્ટ વધારે જોખમી

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડનાં હજારો અલગ-અલગ સંસ્કરણો પ્રસરી રહ્યાં છે. આવું થાય એ દેખીતું છે, કારણ કે વાઇરસના પરાવર્તન સાથે તેમની વધુને વધુ કૉપી સર્જાતી હોય છે. વાઇરસમાં જોવા મળતા મામૂલી ફરકનું સામાન્ય રીતે બહુ મહત્ત્વ હોતું નથી, પણ ક્યારેક એ ફરક વાઇરસને વધારે જોખમી કે ચેપી બનાવતો હોય છે.
કોવિડ-19 વાઇરસના બ્રિટિશ, દક્ષિણ આફ્રિકન અને ભારતીય વેરિએન્ટના સ્પાઇક પ્રોટીન (વાઇરસના માનવકોષો સાથે જોડાતા ભાગ)માં ફેરફાર થયા છે.
દાખલા તરીકે વાઇરસનું N501Y મ્યુટેશન, તેને કોષોમાં ચેપ લગાવવામાં અને પ્રસારના સંદર્ભમાં બહેતર બનાવે છે, જ્યારે B.1.1.7 તરીકે ઓળખાતું બ્રિટિશ વેરિએન્ટ દર્દીના મૃત્યુના જોખમમાં 30 ટકા વધારો કરતું હોવાનું કેટલાંક સંશોધનો સૂચવે છે.
અલબત્ત, તેના પુરાવા નિર્ણાયક નથી.

બાળકોમાં ગંભીર બીમારીનું જોખમ ઓછું

ઇમેજ સ્રોત, Getty Images
બાળકોને કોવિડ-19નો ચેપ લાગી શકે છે, પણ પુરાવા સૂચવે છે કે પુખ્ત વયના લોકોની સરખામણીએ બાળકોમાં ગંભીર બીમારીનું જોખમ ઓછું હોવાની શક્યતા છે. બાળકોને કારણે વાઇરસના પ્રસારની શક્યતા પણ ઓછી છે.
વાઇરસનું આકાર પામી રહેલું કોઈ વેરિએન્ટ બાળકોમાં સંક્રમણ વધારી શકે કે કેમ તેની તપાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના આંકડાને ટાંકીને ગયા મહિને પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી-2020થી 15 માર્ચ, 2021 સુધીમાં કોવિડ-19ને કારણે બ્રાઝિલમાં નવ વર્ષની વય સુધીનાં 852 બાળકો મૃત્યુ પામ્યાં હતાં. તેમાં એક વર્ષથી ઓછી વયનાં 518 શિશુઓનો સમાવેશ થાય છે.
નિષ્ણાતો માને છે કે બ્રાઝિલ કોવિડ-19ના સૌથી વધુ કેસની સંખ્યાના સંદર્ભમાં વિશ્વમાં બીજા ક્રમે છે અને દર્દીઓના આ જંગી પ્રમાણને ધ્યાનમાં લેતાં બ્રાઝિલમાં શિશુઓ તથા બાળકોમાં સંક્રમણની શક્યતા વધી છે.
દેશને કનડતી બીજી સમસ્યાઓમાં અપૂરતા ટેસ્ટિંગ, બાળકોમાં અતિસાર તથા પેટમાં પીડા જેવાં અલગ લક્ષણો અને પોષણક્ષમ આરોગ્યસેવાના અભાવનો સમાવેશ થાય છે.
આ વર્ષના આરંભે બહાર પાડવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, વાઇરસનો બાળકો પર પરોક્ષ ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. કોવિડ-19ને લીધે આરોગ્યસેવામાં વિક્ષેપને કારણે દક્ષિણ એશિયામાં 2,39,000 માતાઓ તથા બાળકોનાં મોતની સંભાવના છે.

કોવિડ-19 પૃથ્વી પર કાયમ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ-19નો સંપૂર્ણ સફાયો થઈ શકશે કે નહીં એવો સવાલ નેચર જર્નલે 100 ઇમ્યુનોલૉજિસ્ટ્સ, ચેપીરોગ વિશે સંશોધન કરતા નિષ્ણાતો અને કોવિડ-19 પર કામ કરતા વાઇરોલૉજિસ્ટ્સે કર્યો ત્યારે એ પૈકીના લગભગ 90 ટકાએ જણાવ્યું હતું કે કોવિડ-19 સ્થાનિક રોગ બની જશે.
આ નિષ્ણાતો માને છે કે "આ વાઇરસ વિશ્વના જુદા-જુદા પ્રદેશોમાં વર્ષો સુધી સર્ક્યુલેટ થતો રહેશે."
આપણે કોવિડ-19 સાથે જીવતાં શીખવું પડશે તેનો અર્થ એ નથી કે તેને કારણે થતા મૃત્યુનું અને તેના ચેપનું પ્રમાણ પાછલા એક વર્ષથી વધુ સમયમાં જોવા મળ્યું એટલું જ રહેશે.
ઈન્ફ્લુએન્ઝાને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે, પણ આપણે એક સમાજ તરીકે એ રોગનો સામનો કરવાનું શીખી લીધું છે. કોવિડ પણ એ પ્રકારની બીમારી બની શકે છે. એવી બીમારી જે નિશ્ચિત સમયાંતરે સમાજમાં ભડકતી રહે અને લોકોને તેનો ચેપ એકથી વધારે વખત લાગતો રહે.

તમારા ખુદના અને અન્યોના રક્ષણના શ્રેષ્ઠ ઉપાય

ઇમેજ સ્રોત, Getty Images
વૈશ્વિક રોગચાળાના આરંભે, કોવિડ-19નું સંક્રમણ કઈ રીતે ઘટાડવું એ વિશેની સલાહમાં સાતત્ય ન હતું, કારણ કે વિવિધ દેશોની સરકારો તેમના નાગરિકોને વિવિધ સલાહ આપતી હતી, પરંતુ સલામત રહેવા માટે શું કરવું એ બાબતે હવે ડબલ્યુએચઓ એકદમ સ્પષ્ટ છે.
સલામતીનાં પગલાંમાં મુખ્યત્વે બે વ્યક્તિ વચ્ચે કમસે કમ એક મીટરના અંતર, નાક-મોં પર માસ્ક અને હાથ ધોતા રહેવાનો સમાવેશ થાય છે.
આપણા ઓરડામાં હવાની અવરજવર સારી રીતે થતી રહે એ આપણે સુનિશ્ચિત કરવું જોઈએ અને ગીચ સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. ખાંસતી વખતે મોં હાથ વાળીને કોણીના ભાગમાં રાખવું જોઈએ અથવા મોં પર ટિસ્યૂ પેપર રાખવું જોઈએ.
ડબલ્યુએચઓની સલાહ છે કે "રોગને કારણે ગંભીર બીમારી અને મૃત્યુ સામે માન્યતા પ્રાપ્ત કોવિડ-19 વૅક્સિન ઉચ્ચ પ્રકારનું રક્ષણ આપે છે." તેથી વૅક્સિનનો ડોઝ શક્ય તેટલો ઝડપથી લઈ લેવો.

કોવિડ વિશે આપણે હજુ ઘણું બધું જાણતા નથી

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ-19 બાબતે અભૂતપૂર્વ સંશોધન થયું છે, થઈ રહ્યું હોવા છતાં આ વાઇરસ વિશે એવું ઘણું બધું છે, જે આપણે જાણતા નથી.
આપણે હર્ડ ઇમ્યુનિટી ક્યારે હાંસલ કરીશું, કેટલાક લોકો અન્ય લોકોની સરખામણીએ વધારે માંદા કેમ પડે છે અથવા આ વાઇરસ માનવવસતીમાં કઈ રીતે ઘૂસ્યો હતો એ સહિતના સવાલોના જવાબ મળવા બાકી છે.
ઇમ્યુનિટી કેટલો લાંબો સમય ટકશે કે વૅક્સિન દ્વારા મળતા સંરક્ષણ અને ઈન્ફેક્શન પછીના સંરક્ષણમાં શું ફરક છે એ કહેવું અત્યારે બહુ વહેલું ગણાશે.
એક જ વ્યક્તિને કોવિડ-19નો ચેપ કેટલી વાર લાગી શકે અથવા બીજી વખત ત્રાટકશે ત્યારે આ રોગ મંદ પડી ગયો હશે એ પણ આપણે જાણતા નથી.
આ બધી બાબતોનો અભ્યાસ તેમજ વિશ્વના વિવિધ ભાગોમાં પરિવર્તિત થતાં આ વાઇરસના આનુવંશિક અનુક્રમ પર નજર રાખવાનું કામ સંશોધકો સતત કરી રહ્યા છે.
આશા છે કે સંશોધકોના પ્રયત્નો આપણને ભવિષ્યમાં વાઇરસ અને તેના પ્રકારોના સામના માટે વધુ સારી તૈયારીમાં મદદરૂપ થશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












