જિમ્મી લાઈ : એ વિદ્રોહી અબજપતિ જે ચીનની સરકારની સામે પડ્યા

ચીનના ઘણા લોકો તેમને 'દગાખોર' માને છે, જ્યારે હૉંગકૉંગના લોકો તેમને એક નાયક ગણે છે.

હકીકત ભલે ગમે તે હોય, પરંતુ એક વાત નક્કી છે કે જિમ્મી લાઈ સરળતાથી નમતું જોખે તેવી વ્યક્તિ નથી.

હૉંગકૉંગના 73 વર્ષીય અબજપતિ ઉદ્યોગપતિ અહીં લોકશાહીતરફી આંદોલનના પ્રખર સમર્થકોમાં સામેલ છે.

ગયા વર્ષે આ આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે શુક્રવારે 14 મહિનાની જેલની સજા કરવામાં આવી છે.

જિમ્મી લાઈના જીવનમાં આવી સમસ્યા પહેલી વખત નથી આવી. તેમના જીવનની આ સૌથી ગંભીર સમસ્યા પણ નથી.

વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો

વાસ્તવમાં ચીનની સરકારની ટીકા કરવાના કારણે આ વ્યવસાયી વ્યક્તિએ અગાઉ પણ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે.

ફેબ્રુઆરીથી જેલવાસ ભોગવી રહેલા લાઈ પર બીજા છ આરોપો લાગ્યા છે. તેમાંથી બે આરોપ હૉંગકૉંગના નવા અને વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન સાથે સંકળાયેલા છે.

તેમના પર આરોપ છે કે તેઓ તખ્તાપલટ અને અલગતાવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

આ આરોપો સાબિત થઈ જાય, તો આ અબજપતિને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.

આ મામલો બહાર આવ્યો, તેનાં થોડા વર્ષો અગાઉ લાઈની હત્યા કરવાના નિષ્ફળ પ્રયાસ પણ થઈ ચૂક્યા છે.

તેમનાં ઘર તથા કંપનીના હેડક્વાર્ટરમાં બુકાનીધારી લોકોએ બૉમ્બ પણ ફેંક્યા છે.

આમ છતાં કોઈ તેમને હૉંગકૉંગની મર્યાદિત આઝાદીનો બચાવ કરતા અટકાવી શક્યા નથી.

કારણકે જિમ્મી લાઈનું માનવું છે કે મેઇનલૅન્ડ ચાઇનાથી હૉંગકૉંગની મર્યાદિત સ્વતંત્રતા સામે જોખમ છે.

તેઓ પોતાના આ પ્રકારના વ્યવહાર માટે પોતાના વિચારોને જવાબદાર ગણે છે.

તેમની ધરપકડ કરવામાં આવી તે અગાઉ ગયા વર્ષે બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું, "હું જન્મજાત બળવાખોર છું. મારું ચારિત્ર્ય અત્યંત બળવાખોર પ્રકારનું છે."

શૂન્યથી શિખર સુધીની સફર

આમ તો જિમ્મી લાઈનો જન્મ દક્ષિણ ચીનના કેન્ટનમાં એક ધનિક પરિવારમાં થયો હતો.

પરંતુ તેમના જન્મના કેટલાક મહિના પછી, એટલે કે 1949માં કૉમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવતા જ તેમના પરિવારનો વૈભવ ખતમ થઈ ગયો.

12 વર્ષની ઉંમરે તેઓ ચીનથી ભાગીને હૉંગકૉંગ આવી ગયા. આ માટે તેમણે માછલી પકડવાની નૌકાનો સહારો લીધી હતો, જેમાં છુપાઈને તેઓ હૉંગકૉંગ પહોંચી ગયા.

ત્યાં તેમણે સિલાઈકામ અને બીજાં નાનાંમોટાં કામ કર્યાં હતાં. તેઓ અંગ્રેજી પણ શીખ્યા અને એક દિવસ કપડાંની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જિયોર્ડોનોની સ્થાપના કરવામાં સફળ રહ્યા.

આ રીતે હૉંગકૉંગના અનેક વિખ્યાત ધનિકોની જેમ તેઓ નાની નોકરી કરતા-કરતા કરોડો ડોલરનું એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરવામાં પણ સફળ રહ્યા.

હૉંગકૉંગમાં પ્રતિષ્ઠા મળી

તેમની અંગત સંપત્તિ લગભગ એક અબજ ડોલરથી વધારે હોવાનો અંદાજ છે. જિયોર્ડોનો તેમના માટે એક મોટી સફળતા હતી.

1989માં ચીને જ્યારે તિયાનમેન ચોકમાં લોકશાહીની માગણી કરતા વિદ્યાર્થીઓને કચડી નાખવા માટે ટૅન્ક મોકલી ત્યારે જિમ્મી લાઈ લોકશાહીના પ્રખર સમર્થક તરીકે ખૂલીને બહાર આવ્યા.

જે બાદ તેમણે ચીનની સરકાર વિરુદ્ધ એક કૉલમ લખી, જેમાં તેમણે નરસંહારની ટીકા કરી હતી.

સાથે-સાથે તેમણે એક પ્રકાશન કંપની પણ સ્થાપી, જે થોડા જ સમયમાં હૉંગકૉંગમાં જાણીતી બની ગઈ.

બેઇજિંગે મેઇનલૅન્ડ ચીનમાં ઉપસ્થિત તેના તમામ સ્ટોર બંધ કરવાની ધમકી આપી હતી.

નાયક કે દગાબાજ

ત્યાર બાદ તેમણે પોતાની પ્રકાશન કંપની વેચીને લોકશાહીના સમર્થનમાં અનેક લોકપ્રિય પ્રકાશનોની શરૂઆત કરી.

તેમાં ડિજિટલ પત્રિકા 'નેક્સ્ટ' અને 'ઍપલ ડેલી' અખબાર પણ સામેલ છે. તેઓ હૉંગકૉંગમાં સૌથી વધારે વાંચવામાં આવતાં પ્રકાશનોમાં સામેલ છે.

હૉંગકૉંગના સ્થાનિક મીડિયામાં ચીનનો ભય સતત વધી રહ્યો છે, પરંતુ લાઈએ ચીનના વહીવટી તંત્રની ટીકા કરવામાં કોઈ કસર છોડી ન હતી.

આ કારણથી જ હૉંગકૉંગના ઘણા નાગરિકો માટે જિમ્મી લાઈ એક નાયક બની ગયા.

ચીનના મેઇનલૅન્ડના લોકો તેમને દગાખોર માને છે અને તેમને દેશની સુરક્ષા માટે જોખમી ગણે છે.

હૉંગકૉંગની સ્વતંત્રતા

બેઇજિંગે જ્યારે જૂન 2020માં હૉંગકૉંગનો નવો રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન પસાર કર્યો, ત્યારે જિમ્મી લાઈએ બીબીસીને જણાવ્યું હતું કે આ કાયદો હૉંગકૉંગ માટે 'મોતની સજા' સમાન છે.

તેમણે ચેતવણી આપી હતી કે આ કાયદો લાગુ થયા પછી હૉંગકૉંગ ચીન જેટલો જ ભ્રષ્ટ થઈ જશે.

તેમણે કહ્યું કે આ કાયદો ઘડાવાથી વિશ્વમાં નાણાકીય કેન્દ્રના સ્વરૂપમાં હૉંગકૉંગનું જે મહત્ત્વ છે તે સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

પોતાના પ્રશંસકો માટે જિમ્મી લાઈ એક બહાદુર વ્યક્તિ છે, જેમણે હૉંગકૉંગની આઝાદીના રક્ષણ માટે ભારે જોખમ લીધું છે.

વેપારી હિત

તેમની ધરપકડ બાદ તેમના એક પ્રશંસકે ટ્વિટર પર લખ્યું, "લાઈ માટે મારા મનમાં ઘણું સન્માન છે. આ સાહસિક વ્યક્તિ એવા મુઠ્ઠીભર લોકોમાંથી એક છેં જેમણે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર પોતાના વેપારી હિત જાળવી રાખ્યા છે."

પોતાના સ્પષ્ટ અને સ્ટાઇલિશ સ્વભાવ માટે જાણીતા લાઈએ તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હૉંગકૉંગની મદદ કરવા માટે વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે માત્ર ટ્રમ્પ જ હૉંગકૉંગને ચીનના સકંજામાંથી બચાવી શકે છે. તેમના અખબાર ઍપલ ડેઇલીએ એક ફ્રન્ટ પૅજ લેટરમાં લખ્યું, "શ્રીમાન રાષ્ટ્રપતિ, કૃપા કરીને અમારી મદદ કરો."

જોકે, તેમને પ્રભાવ કે તેમની સંપત્તિ પણ તેમને સજામાંથી બચાવી શકી નહીં.

ગયા શુક્રવારે સજા સંભળાવતી વખતે ન્યાયાધીશે કહ્યું, "દરેક વ્યક્તિએ પોતાનાં કામોનું પરિણામ ભોગવવું પડે છે, ભલે પછી તે ગમે તે હોય."

આ ચુકાદો સાંભળીને પણ જિમ્મી લાઈના ચહેરા પર શાંતિ દેખાતી હતી.

તેઓ સજા સાંભળીને આશ્ચર્યચકિત થયા હોય તેમ લાગ્યું ન હતું. આખરે તેઓ બેઇજિંગને ઝુકાવવામાં સફળ કેમ ન થયા?

તેનો જવાબ કદાચ ગયા વર્ષે તેમણે બીબીસીને આપેલી મુલાકાતમાંથી મળી શકે છે.

તેમણે કહ્યું હતું, "જો તેઓ તમારામાં ભય પેદા કરી શકે તો તે તમને નિયંત્રિત કરવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો છે. પરંતુ તેઓ જાણે છે કે ડરાવવા-ધમકાવવાથી હવે લોકો ડરવાના નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો