કોરોના મહામારી વચ્ચે ચીનની અર્થવ્યવસ્થામાં જબરદસ્ત સુધારો કઈ રીતે થયો?

વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનની અર્થવ્યવસ્થામાં ગત વર્ષની તુલનાએ 18.3 ટકાનો વધારો નોંધાયો છે.

ચીનની GDPમાં 1992 બાદ આ સૌથી મોટો ઉછાળો છે. ચીને 1992 પછી પોતાનાં ત્રિમાસિક રેકર્ડ જાહેર કરવાનું શરૂ કર્યું છે.

જોકે, શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અપેક્ષાઓ પૂર્ણ નથી કરી શક્યા. કેમકે, અર્થશાસ્ત્રીઓના રૉયટર્સ પૉલ અનુસાર તેમાં 19 ટકાનો વધારો થવો જોઈતો હતો.

ગત વર્ષે અર્થવ્યવસ્થા મોટા પ્રમાણમાં સંકોચાઈ ગયા બાદ વિશ્લેષકોનું મજબૂત અર્થવ્યવસ્થાને લઈને અનુમાન છે કે તે આ રીતે વિકાસ નહીં કરે.

2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોવિડ-19 મહામારી અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે ચીનની અર્થવ્યવસ્થા 6.8 ટકા સુધી સંકોચાઈ ગઈ હતી.

ચીનના આંકડા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડામાં અર્થવ્યવસ્થાનાં ઘણાં ક્ષેત્રોમાં મજબૂતી જોવા મળી રહી છે.

જોકે સામાન્યપણે આ મજબૂત આંકડા માટે ગત વર્ષના નબળા આંકડા જવાબદાર છે.

એક વર્ષની અંદર માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન 14.1 ટકા વધ્યું છે. જ્યારે બીજી તરફ છૂટક વેચાણમાં 34.2 ટકાનો વધારો નોંધાયો છે.

ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સનાં લૂસી કુઇસ કહે છે, "શરૂઆતના બે મહિનાની નબળાઈ બાદ ક્રમિકપણે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન, વપરાશ અને રોકાણ જેવાં ક્ષેત્રોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે."

ઘણાં ક્ષેત્રોમાં ઘટાડો પણ

ચીનની અર્થવ્યવસ્થા માટે બધા સમાચાર સારા છે તેવું નથી. કેમકે વિશ્લેષકોનું અનુમાન છે કે કેટલાંક ક્ષેત્રોમાં સરકારનાં રાજકોષીય અને નાણાકીય પ્રોત્સાહનના પગલાં ઘટ્યાં બાદ સુસ્તી જોવા મળશે.

ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના યુ સુનું કહેવું છે કે ચીનની અર્થવ્યવસ્થામાં આવી રહેલા સુધારાના પ્રારંભિક આંકડા ખૂબ જ વ્યાપક છે. કેમકે કેટલીક ઉત્પાદન અને નિકાસ પ્રવૃત્તિઓ પ્રથમ ત્રિમાસિક ગાળામાં લાભ આપી શકે છે, ભવિષ્યમાં તેની વૃદ્ધિ ઘટે એવી સંભાવના છે.

તેઓ કહે છે, "વ્યવસાય અને સ્થાનિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાના ઉપાયોના અભાવના કારણે આખા વર્ષ દરમિયાન મજબૂત વૃદ્ધિને ટકાવીને નથી રાખી શકાતી."

આમ છતાં ચીનના નવા આંકડા દર્શાવે છે કે 2020ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 6.5 ટકાની વૃદ્ધિ બાદ તે આવનારા સમયમાં આર્થિક વૃદ્ધિ ચાલુ રહેશે.

કેવી રીતે થઈ વૃદ્ધિ?

મહામારીને કારણે અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડવા છતાં કોરોના વાઇરસનો પ્રસાર રોકવા માટે કડક પગલાં અને વ્યવસાયને અપાયેલી આપાતકાલીન રાહતથી ચીનની અર્થવ્યવસ્થાને લાભ થયો છે. જેના કારણે તેમાં આટલા જ સમયમાં વૃદ્ધિ જોવા મળી છે.

વર્ષમાં ખૂબ જ ખરાબ શરૂઆત હોવા છતાં ચીન એકમાત્ર એવી મોટી અર્થવ્યવસ્થા છે, જેને 2020માં વૃદ્ધિ નોંધાવી છે. જોકે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિદર 2.3 ટકા હતો. દાયકાઓમાં આ સૌથી ખરાબ પરિણામ હતાં.

ચીને પોતાના ગત વર્ષના લક્ષ્યને સમાપ્ત કર્યા બાદ હવે 2021માં આર્થિક વૃદ્ધિ દરનું લક્ષ્ય છ ટકા રખ્યું છે.

અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ છતાં પણ કોવિડનો કાળો પડછાયો ચીનની અર્થવ્યવસ્થા પર રહેલો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો