You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને સાઇબર ઍટેક કરીને મુંબઈમાં અંધારપટ સર્જ્યો હતો?
ભારત-ચીન સીમાવિવાદ વચ્ચે ગત વર્ષે ચીને ભારતમાં વીજસુવિધાને નિશાન બનાવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
અમેરિકન અખબાર ન્યૂયૉર્ક ટાઇમ્સમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણના ચાર મહિના બાદ મુંબઈમાં વીજસંકટ સર્જાયું હતું અને આ બન્ને ઘટનાઓ એકબીજાથી જોડાયેલી હોઈ શકે છે.
એક અભ્યાસને ટાંકીને અખબારે દાવો કર્યો છે કે ચીનના ભારત વિરુદ્ધના સાઇબર અભિયાનના ભાગરૂપે એવો સંદેશ અપાયો હતો કે જો ભારત પોતાના દાવાને વળગી રહ્યું તો સમગ્ર દેશની વીજળી ગુલ કરી દેવાશે. મુંબઈ અને ગલવાન ખીણ વચ્ચે 2400 કિલોમિટરનું અંતર છે.
મહારાષ્ટ્રના ઊર્જામંત્રી નીતિન રાઉતે જણાવ્યું છે કે અખબારી અહેવાલ સાચો હોઈ શકે છે.
મુંબઈમાં શું થયું હતું?
મુંબઈમાં ઑક્ટોબર મહિનામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે મોટા પ્રમાણમાં વીજસંકટ સર્જાયું હતું. જેને પગલે કેટલીય ટ્રેનો રસ્તામાં અટકી ગઈ હતી અને કલાકો સુધી હૉસ્પિટલો પણ અંધારામાં રહી હતી.
મુંબઈમાં 12 ઑક્ટોબરે જે વીજસંકટ સર્જાયું હતું એના લીધે શહેર થંભી ગયું હતું. લૉકલ ટ્રેન સિસ્ટમ, સ્ટૉક માર્કેટ, હૉસ્પિટલ સહિત સંપૂર્ણ જનજીવન પ્રભાવિત થયું હતું. એ અંગે એમએસઈબીએ પોતાની રીતે તપાસ કરી હતી અને આ શો મામલો હોઈ શકે એ અંગે સાઇબર ક્રાઇમને આગળની તપાસ સોંપાઈ હતી.
ચીને મુંબઈના વીજમાળખામાં માલવૅર દાખલ કર્યો હોઈ શકે છે. વૉલસ્ટ્રીટ જનરલ અને ન્યૂયૉર્ક ટાઇમ્સે આ વાત કરી છે. મહારાષ્ટ્ર સાઇબર ક્રાઇમે કરેલી તપાસમાં પણ સાઇબર સૅબૉટેજની વાત સામે આવી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક પત્રકારપરિષદ યોજીને કહ્યું છે કે ન્યૂયૉર્ક ટાઇમ્સના સમાચાર મળ્યા છે અને 'રેકૉર્ડેડ ફ્યૂચર્સ' કંપનીએ પણ રિપોર્ટ આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ કેસ મુંબઈ સાઇબર સેલને તપાસ સોંપવામાં આવ્યો હતો. આ અંગે રિપોર્ટ સોંપાયો હતો, જે મુજબ આઠ જીબી ડેટા વિદેશથી અજાણ્યા સ્રોતથી મોકલાયો હોઈ શકે છે. સર્વરમાં લૉગઈન કરવાનો પ્રયત્ન થયો હોઈ શકે છે. સાઇબર સૅબૉટાજની શક્યતા પણ હોઈ શકે છે."
આ પહેલાં રાજ્યના ઊર્જામંત્રી નીતિન રાઉતે સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું, "મુંબઈમાં જ્યારે વીજળી જતી રહી ત્યારે મેં કહ્યું હતું કે કંઈક ગડબડ થઈ છે અને તપાસ માટે ત્રણ સમિતિ રચી હતી. મને લાગે છે કે મીડિયાના અહેવાલો સાચા છે."
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલમાં શું કહેવાયું છે?
ગત વર્ષે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેના ચાર મહિના બાદ મુંબઈમાં વીજસંકટ સર્જાયું હતું.
ન્યૂયૉર્ક ટાઇમ્સ પોતાના અહેવાલમાં લખે છે કે "આ બંને ઘટનાઓ વચ્ચે સંબંધ હોઈ શકે છે."
એક અભ્યાસને ટાંકીને અખબારે આ દાવો કર્યો હતો. એ અભ્યાસ અનુસાર ભારતમાં વીજળીની સપ્લાય તથા હાઇ-વૉલ્ટેજ ટ્રાન્સમિશન સબસ્ટેશન અને કોલસાથી ચાલતા પાવરપ્લાન્ટને નિયંત્રિત કરતી કંટ્રોલ સિસ્ટમમાં ચીનનો માલવૅર પ્રવેશી ગયો હતો.
ન્યૂયૉર્ક ટાઇમ્સ મુજબ આ માલવેરની ભાળ અમેરિકાની રૅકૉર્ડેડ ફ્યૂચર કંપની દ્વારા મેળવવામાં આવી હતી જે સરકાર દ્વારા ચલાવાતા ઇન્ટરનેટ વિશે અધ્યયન કરે છે.
જોકે આ અધ્યયનમાં જાણવા મળ્યું કે આ માલવૅરનો કેટલોક ભાગ સક્રિય થયો જ ન હતો.
અખબાર લખે છે કે કંપનીએ ભારત સરકારને આ અંગે જાણ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો