You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાવેદ અખ્તર બદનક્ષી કેસ : કંગના રનૌત સમન્સ છતાં હાજર ન રહેતા કોર્ટે વૉરંટ કાઢ્યું -Top News
ગીતકાર જાવેદ અખ્તરે ફિલ્મ-અભિનેત્રી વિરુદ્ધ મુંબઈની સ્થાનિક કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરાવી હતી. જાવેદ અખ્તરની માનહાનિના કેસમાં મુંબઈની સ્થાનિક અદાલતે કંગના રનૌત વિરુદ્ધ જામીનલાયક વૉરંટ કાઢ્યું છે.
અંધેરીની મૅજિસ્ટ્રેટ કોર્ટે પહેલી માર્ચે હાજર થવા માટે કંગનાને સમન્સ પાઠવ્યો હતો, પરંતુ અભિનેત્રીએ તેનું પાલન નહીં કરતા તેમની સામે જામીનલાયક વૉરંટ કાઢવામાં આવ્યું હતું.
કંગનાના વકીલનું કહેવું છે કે તેમનાં અસીલ વિરુદ્ધ કાઢવામાં આવેલો સમન્સ કાનૂનસંમત ન હોઈ, તેને બૉમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
બીજી બાજુ, અખ્તરના વકીલોનું કહેવું છે કે બૉમ્બે હાઈકોર્ટે સમન્સ ઉપર સ્ટે નથી મૂક્યો એટલે કંગના તેનું પાલન કરવા માટે બાદ્ય છે.
આ અંગે વધુ સુનાવણી તા. 26મી માર્ચે હાથ ધરવામાં આવશે.
કેસની પૃષ્ઠભૂમિ
સોમવારે અદાલતમાં કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ અદાલતમાં દલીલ આપી હતી કે પહેલી ફેબ્રુઆરીએ તેમનાં અસીલ વિરુદ્ધ જે સમન્સ કાઢવામાં આવ્યો હતો, તેમાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં નહોતું આવ્યું અને તે 'કાનૂનસંમત' નહોતો.
સિદ્દિકીએ સમન્સ કાઢવા માટેની પ્રક્રિયાને બૉમ્બે હાઈકોર્ટમાં પડકારવાની વાત પણ કહી હતી. બીજી બાજુ, જાવેદ અખ્તરનાં વકીલ વૃંદા ગ્રૉવરના કહેવા પ્રમાણે, કંગનાએ કોર્ટમાં હાજર રહેવું ઘટે.
ગ્રૉવરના કહેવા પ્રમાણે, બૉમ્બે હાઈકોર્ટે કંગના રનૌત સામેના સમન્સની ઉપર સ્ટે નથી મૂક્યો. આથી, તેનું કંગનાએ તેનું પાલન કરવું રહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈ પોલીસે અદાલતને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કંગનાના નિવેદનોને કારણે જાવેદ અખ્તરની બદનક્ષી થઈ હતી.
ગત વર્ષે 20મી નવેમ્બરે જાવેદ અખ્તરે અદાલતમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે કંગનાએ તેમની સામે પાયાવિહોણાં નિવેદન કર્યાં હતાં, જેના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
જૂન મહિનામાં બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ બોલિવૂડમાં 'કોટરી'નો (હિતસાધુઓનું જૂથ) ઉલ્લેખ કર્યો હતો અને અખ્તર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.
સુશાંતસિંહના મૃત્યુ બાદ બોલીવૂડમાં 'અંદરના' (બોલિવૂડ સાથે સંકળાયેલા લોકોનાં સંતાન) વિરુદ્ધ 'બહારના'ની ચર્ચાએ જોર પકડ્યું હતું. કંગનાનું કહેવું છે કે અંદરના લોકો દ્વારા બહારના લોકોની કારકિર્દીમાં અવરોધ ઊભા કરવામાં આવે છે અને સુશાંત પણ તેનો ભોગ બન્યા હોય શકે છે.
નરેન્દ્ર મોદીની તસવીર અને ભગવદ્ ગીતાની ઇકૉપી ઇસરોએ સ્પેસમાં મોકલી
ઇસરોએ રવિવારે લૉન્ચ કરેલા એક નેનો સેટેલાઇટમાં એસડી કાર્ડના ફોર્મમાં ભગવદ્-ગીતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ સ્પેસમાં તરતી મૂકવામાં આવી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા સતીશ ધવન સેટ(એસડીએસએટી)ના નીચેના ભાગમાં ઇસરોના ચૅરમૅન કે સિવાન અને વૈજ્ઞાનિક સેક્રેટરી આર ઉમામહેશ્વરનનું નામ કોતરવામાં આવ્યું છે.
સૌથી ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને નામને કોતરવામાં આવ્યાં છે.
25 હજાર વ્યક્તિઓનાં નામ પૅનલ પર કોતરવામાં આવ્યા છે.
ઇસરોનું આ 2021નું પહેલું મિશન હતું. તે કુલ 19 સેટેલાઇટને લઈ ગયું હતું.
એસએડીટી ત્રણ સાયન્ટિફિક પૅલોડ લઈને ગયું છે. જે સ્પેસ રેડિએશન, મૅગ્નેટોસ્ફિયર અને લો-પાવર વાઇડ એરિયા કૉમ્યુનિકેશન નેટવર્કનો અભ્યાસ કરશે.
દિશા રવિના કેસમાં રાજદ્રોહનો આરોપ ખોટો : મુકુલ રોહતગી
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ભારતના પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે દિશા રવિ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવો ખોટો છે.
તેમણે વધુમાં કહ્યું કે રાજદ્રોહ તો બ્રિટિશ શાસનમાંથી આવેલું કૉલૉનિયલ હૅન્ગઓવર હતું, સ્થાનિક લોકો પોતાનો અવાજ ન ઉઠાવે માટે તેનો ઉપયોગ કરતા હતા.
દિશા રવિના કેસમાં રાજદ્રોહ વિશે વાત કરતા કહ્યું, “રાજદ્રોહનો અર્થ થાય છે હિંસા, હથિયારો વડે સરકારને ઉથલાવવી. તેમાં આવું કોઈ પ્રકારનું મટિરિયલ ન હતું. તે માત્ર ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ છે. તેમાં કાંઈ હિંસાનો કૉલ નથી.”
દિશા રવિ સામેના રાજદ્રોહના કેસ અંગે તેમણે કહ્યું, “સામાન્ય રીતે અસંમતિ, વાણીની સ્વતંત્રતાને કાબૂમાં રાખવા આ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંધારણ દ્વારા ચોક્કસપણે અધિકૃત નથી.”
ગ્રીન ટ્રિબ્યૂનલે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની અડધી ફરિયાદો 'મોડી ગણાવી' રદ કરી
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ પાસે ગ્રીન ક્લિયરન્સને લઈને અડધાથી વધારે ફરિયાદ ‘મોડા આવ્યા’ કરીને રિજેક્ટ કરવામાં આવી છે.
વર્ષ 2020માં સરકાર દ્વારા અપાયેલા ગ્રીન ક્લિયરન્સની વિરુદ્ધમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં થયેલી 22 અપીલને ગ્રીન ટ્રિબ્યૂનલે રદ્દ કરી હતી.
આ 22માંથી 11માં એક જ કારણ ટાંકવામાં આવ્યું હતું કે અપીલકર્તાએ સમયસર ટ્રિબ્યૂનલનો સંપર્ક કર્યો નથી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ ઍક્ટ, 2010 હેઠળ ક્લિયરન્સને 30 દિવસની અંદર ચેલેન્જ કરવું પડે છે. ટ્રિબ્યૂનલ પાસે પૂરતું કારણ આપીને 60 દિવસથી વધુનો સમય મળી શકે છે. આમ કુલ 90 દિવસ તો મળી શકે છે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં લાઇમસ્ટોન માઇનિંગની અપીલ 87મા દિવસે કરવામાં આવી છે. આ અપીલમાં મોડા આવવાનું કારણ દસ્તાવેજ, ગુજરાતથી પૂણેની મુલાકાત, વકીલોને નિષ્ણાત પાસેથી ટૅક્નિકલ મદદ જોઈતી હતી વગેરે કારણો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, તેને એનજીટીએ અપીલકર્તાએ અપીલ ફાઇનલ કરવામાં સુસ્ત રહ્યો છે એમ કહી રદ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો