જૉર્ડનના પૂર્વ ક્રાઉન પ્રિન્સ હમઝા બિન હુસેન 'ઘરમાં નજરબંધ'

જૉર્ડનના પૂર્વ ક્રાઉન પ્રિન્સે કહ્યું કે આલોચકો સામે કાર્યવાહી કરતા તેમને ઘરમાં નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

બીબીસીને પ્રિન્સ હમઝા બિન હુસેનના વકીલે એક વીડિયો મોકલ્યો છે.

પ્રિન્સ હમઝા કિંગ અબ્દુલ્લાના સાવકા ભાઈ છે અને તેઓએ દેશના નેતાઓ પર ભ્રષ્ટાચાર, અક્ષમતા અને ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે દેશમાં 'સુરક્ષા'નાં કારણસર અનેક જાણીતા લોકોને અટકાયતમાં લેવાયા છે.

આ અગાઉ સેનાએ પ્રિન્સ હમઝાને નજરબંધ કર્યાનો ઇનકાર કર્યો હતો.

પણ હવે તેમણે કહ્યું કે તેમને એ અભિયાનોને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે દેશની 'સુરક્ષા અને સ્થિરતા' માટે ખતરો હોઈ શકે છે.

પ્રિન્સ હમઝાએ શું કહ્યું?

પ્રિન્સ હમઝાએ કોઈ પણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે તેઓ કોઈ પણ કાવતરામાં સામેલ નથી.

શનિવારે રેકૉર્ડ કરેલા વીડિયોમાં તેઓ કહે છે : "જૉર્ડન સૈન્યબળના ચીફ ઑફ જનરલ સ્ટાફ આજે સવારે મારી પાસે આવ્યા હતા અને તેઓએ સૂચિત કર્યું હતું કે મને બહાર જવા, લોકો સાથે વાત કરવા કે મળવાની મંજૂરી નથી, કેમ કે હું જે બેઠકોમાં સામેલ થયો હતો કે મારી સાથે જે સોશિયલ મીડિયા પોસ્ટ જોડાયેલી છે, તેમાં સરકાર કે કિંગની આલોચના થતી રહે છે."

તેઓએ કહ્યું કે તેમની પર ખુદ આલોચના કરવાનો આરોપ નથી લગાવાયો.

જોકે બાદમાં તેઓએ કહ્યું, "શાસનમાં તૂટ-ફૂટ, ભ્રષ્ટાચાર અને અક્ષમતા માટે હું જવાબદાર શખ્સ નથી. આ બધું અમારા શાસનતંત્રમાં છેલ્લાં 15-20 વર્ષથી છે અને આ બહુ ખરાબ થતું જઈ રહ્યું છે. તેમની સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ ઓછો થવા પર હું જવાબદાર નથી."

"આ હવે એ સ્તરે પહોંચી ગયું છે, જ્યાં કોઈ પણ ધમકાવ્યા વિના, ધરપકડ અને પ્રતાડિત કર્યા વિના બોલી શકતું નથી અથવા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકે છે."

જૉર્ડનમાં ઉચ્ચસ્તરના રાજકીય લોકોની ધરપકડ કરવી ના બરાબર છે અને મધ્ય પૂર્વમાં અમેરિકા જૉર્ડનનું મુખ્ય સહયોગી છે.

કોરોના વાઇરસ મહામારી બાદ જૉર્ડનની શક્તિશાળી જાસૂસી એજન્સીને વધુ તાકાત આપવામાં આવી છે, જેનો માનવાધિકાર સંગઠન વિરોધ કરી રહ્યું છે.

પ્રિન્સ હમઝા કોણ છે?

પૂર્વ પાટવી કુંવર હમઝા દિવંગત કિંગ હુસેન અને તેમનાં મનપસંદ પત્ની ક્વીન નૂરના સૌથી મોટા પુત્ર છે.

પ્રિન્સ હમઝા બ્રિટનની હૅરો સ્કૂલ અને રૉયલ મિલિટરી એકૅડેમી, સૅન્ડહર્સ્ટમાંથી ગ્રૅજ્યુઍટ થયા છે. તેમણે અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે તથા જૉર્ડનના સૈન્યમાં પણ પોતાની સેવાઓ આપી છે.

તેમને 1999માં જોર્ડનના પાટવી કુંવર કે ક્રાઉન પ્રિન્સ બનાવાયા હતા. તેઓ દિવંગત કિંગ હુસેનના મનપસંદ હતા. કિંગ તેમને જાહેરમાં 'પોતાની આંખોની શાંતિ' ગણાવતા હતા.

જોકે, કિંગ હુસેનના મૃત્યુ વખતે ઉત્તરાધિકારીના રૂપમાં તેમને વધારે યુવાન અને અનુભવ વગરના સમજવામાં આવ્યા.

એ બાદ કિંગ અબ્દુલ્લાએ સિંહાસન સંભાળ્યું અને વર્ષ 2004માં તેમની પાસેથી ક્રાઉન પ્રિન્સની ઉપાધિ આંચકી લીધી.

મહારાણી નૂર માટે આ બહુ આંચકા સમાન હતું, કેમ તેઓ પોતાના મોટા પુત્રને રાજા તરીકે જોવા માગતાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો