અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પર શું અસર થઈ?

    • લેેખક, ઍડ લઉથર
    • પદ, ડેટા જર્નાલિસ્ટ, બીબીસી ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારમાં વાયદો કર્યો હતો કે તેઓ ગેરકાયદે વસાહતીઓ પર લગામ લગાવશે. તેઓ મેક્સિકોથી યોગ્ય દસ્તાવેજ ન ધરાવતા ગેરકાયદે વસાહતીઓને અમેરિકાની અનેક સમસ્યાઓ માટે જવાબદાર ઠેરવતા આવ્યા છે જેમકે ડ્રગ્સ અને ગુના.

ટ્રમ્પની આ માન્યતા ચાર વર્ષમાં વસાહતીઓ અંગેની અમેરિકાની નીતિ પર કેવી રીતે પ્રભાવી થઈ છે?

અમેરિકામાં રહેતા પરંતુ વિદેશમાં જન્મેલા હોય એવા લોકોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આવા લોકોની સંખ્યા 4.37 કરોડ હતી જે વધીને 4.5 કરોડ થઈ ગઈ છે.

પરંતુ આમાં સૌથી મોટી સંખ્યા મેક્સિકોથી અમેરિકા આવનારા લોકોની હોય છે જે અહીં સ્પષ્ટ નથી કરવામાં આવી.

વર્ષોથી અમેરિકામાં રહેનારા એવા લોકો જેમનો જન્મ મેક્સિકોમાં થયો હોય એમની સંખ્યામાં બહુ ફેર નથી આવ્યો પરંતુ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછીથી તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.

જોકે લૅટિન અમેરિકા અને કૅરેબિયન દેશોમાંથી અમેરિકા આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે એની સરખામણીમાં મેક્સિકોથી આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

યુએસ સેન્સસ બ્યૂરો પ્રમાણે યુએસ આવનારા લોકોની સંખ્યામાંથી અમેરિકાથી જનારા લોકોની સંખ્યાની બાદબાકી કરીએ તો આ આંકડો છેલ્લા એક દાયકામાં ઘણો ઓછો રહ્યો છે.

યુએસ સેન્સસ બ્યૂરોના ઍન્થની નૅપ મુજબ અમેરિકામાં પ્રવાસનમાં ઘટાડો આવ્યો છે કારણકે જે લોકો અમેરિકામાં જન્મેલા નથી એ ફરી વિદેશ જઈ રહ્યા છે.

આ સિવાય વિઝા સિસ્ટમમાં પણ ફેરફારો આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં અસ્થાયી રીતે કામ કરવા માટે આવનારા લોકોને મંજૂરી આપી છે પરંતુ અમેરિકામાં સ્થાયી થવા માટે આવવા માગતા લોકો માટે મુશ્કેલીઓ વધારી છે.

2016માં અમેરિકામાં સ્થાયીરૂપે રહેવા માટે આવનારા 12 લાખ લોકોને વિઝા આપવામાં આવ્યા હતા ત્યારે 2019 માં આ સંખ્યા ઘટીને 10 લાખ થઈ ગઈ હતી.

આનાથી એ લોકો પર અસર પડી છે જેમના સંબંધીઓ અમેરિકાના નાગરિક અને રહેવાસીઓ છે, જ્યારે નોકરી આપનારી કંપનીઓ અથવા સંસ્થાઓ દ્વારા સ્પૉન્સર કરવામાં આવતા વિઝામાં ફેર નથી આવ્યો.

જો ટકાવારીની વાત કરીએ તો ઇમિગ્રેશન પૉલિસીમાં આવેલા ફેરફારથી શરણાર્થીઓની સંખ્યા પ્રભાવિત થઈ છે, અમેરિકામાં શરણ માગનારા લોકોને દાખલ થવા દેવામાં આવ્યા હોય, તેવા લોકોની સંખ્યા ઓછી થઈ છે.

રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવતા ક્વોટાના આધારે અમેરિકામાં દર વર્ષે શરણાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે.

શરણ માગનાર લોકોએ અમેરિકાની બહારથી અરજી કરવી પડે છે અને અમેરિકન અધિકારીઓને સમજાવવું પડે છે કે તેમને તેમના દેશમાં ખતરો છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોથી શરણાર્થીઓને પ્રવે નહીં

મુસ્લિમ બહુલ દેશમાંથી આવતા પ્રવાસી લોકોને અમેરિકામાં શરણ આપવાને લઈને ટ્રમ્પનું વલણ જગજાહેર છે. તેમણે પોતાના કાર્યકાળની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેઓ મુસ્લિમ લોકોને અમેરિકામાં પ્રવેશની અનુમતિ નહીં આપે.

જોકે તેમના આ નિર્ણય પર લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ઇરાક, સોમાલિયા, ઇરાન, સીરિયા અને અન્ય મુસ્લિમ બહુલતા ધરાવતા દેશોથી આવતા શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશની મંજૂરી મળી હોય એવા મામલાની સંખ્યા લગભગ શૂન્ય જેટલી રહી છે.

માત્ર વિઝા અને શરણાર્થીઓનાં ક્વોટામાં ફેરફાર કરીને જ અમેરિકામાં પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવામાં નથી આવી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્ય દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતા લોકો અને અમેરિકામાં સ્થળાંતર કરવા ઇચ્છતા લોકો માટે પણ તેમણે મુશ્કેલીઓ ઊભી કરી છે.

અમેરિકામાં ટ્રમ્પના કાર્યકાળમાં શું થયું છે એ સમજવા માટે ડિપોર્ટેશન અંગેના આધિકૃત આંકડા સમજવા જરૂરી છે, જે બે શ્રેણીમાં આવે છે.

પહેલી શ્રેણીમાં જેમને સરહદ પાર કરતી વખતે પ્રવેશની અનુમતિ નથી મળતી તેમને અદાલતના આદેશ હેઠળ પાછા મોકલવામાં આવે છે અને બીજી શ્રેણીમાં સરહદ પર જ તેમને અદાલતના આદેશ વગર પાછા જવાનું કહેવામાં આવે છે.

જો અદાલતના આદેશ પર અમેરિકામાંથી બેદખલ કરવામાં આવે તો ફરી અમેરિકા જવું ઘણું મુશ્કેલ બને છે.

પરંતુ જે લોકોને સરહદ પરથી પાછા મોકલવામાં આવે છે એ લોકો ફરી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી શકે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ બુશની નીતિને આગળ વધારતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકામાં ગુનામાં આરોપી અથવા ગુનેગાર સાબિત થયેલા લોકોને અદાલતના આદેશ પર અમેરિકાથી બહાર કરવા પર જોર આપ્યું હતું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડિપોર્ટેશનની આ બે શ્રેણીમાં કોઈ મોટા ફેરફાર નથી કર્યા.

ડિપોર્ટેશનનું કામ કરતી યુએસ ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને ઍન્ફોર્સમેન્ટ એજન્સી પ્રમાણે અમેરિકામાંથી બેદખલ કરવાનો હાલનો દર ઘણો ઓછો છે, આની પાછળ ન્યાયિક અને કાયદાકીય સીમાઓ અને સંસાધનોની કમીને કારણ બતાવવામાં આવે છે.

મેક્સિકો અને અમેરિકા

મેક્સિકોની સરહદ પર એસાઇલમ પૉલિસીમાં ફેરફારો કરવાને કારણે આ એજન્સી પર દબાણ વધ્યું છે કારણકે એસાઇલમમાં મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે જેમાં કેટલાંક એવા પરિવારો છે જેમનાં બાળકો ડિટેન્શનમાં રહી રહ્યાં છે અને પરિવારો છૂટા પડી ગયા છે.

સરહદ પરના આ સંકટને મીડિયામાં મોટા પાયે કવર કરવામાં આવ્યું પરંતુ 2019ના ડેટા પ્રમાણે અમેરિકા આવતા પ્રવાસીઓનાં ઇરાદામાં કોઈ કમી નથી આવી. ગત વર્ષ કરતા સરહદ પર ડિટેન્શનમાં રખાતા લોકોની સંખ્યા બમણી થઈ છે અને આમાં એવા પરિવારોની સંખ્યા વધારે છે જે સરહદ પાર કરીને અમેરિકા આવવા માગે છે.

પરિણામ સ્વરૂપે 2020માં આવનારા મહિનાઓમાં અમેરિકાથી પાછા મોકલવામાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

રસપ્રદ પ્રશ્ન એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ઇમિગ્રેશન પરનું કડક વલણ તેમના સમર્થકોને હજી આકર્ષિત કરે છે.

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી એવા લોકોની સંખ્યા ઘટી છે જેઓ ચૂંટણીલક્ષી પોલ પર કામ કરનારાઓને કહેતા હતા કે અમેરિકા માટે પ્રવાસીઓનું આવવું ખરાબ છે અને હવે એવા લોકો વધ્યા છે જે માને છે કે ઇમિગ્રેશન અમેરિકા માટે સારું છે.

જોકે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન મતદાતાઓ વચ્ચે મોટો મતભેદ છે. રિપબ્લિકન મતદારો હજી ઇમિગ્રેશનને સારું નથી ગણતા અને ગેરકાયદેસર વસાહતી સામે કડક નિયમોનું સમર્થન કરે તેની સંભાવના વધારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પણ આશા કરતા હશે કે રિપબ્લિકન સમર્થકો ઇમિગ્રેશન સામેના તેમનાં કડક વલણને ટેકો આપીને તેમને ચૂંટણીમાં વિજય સુધી પહોંચાડી દે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો