નોકરી: '2025 સુધીમાં અડધોઅડધ કામ મશીનો કરતાં થઈ જશે'

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના એક અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે, 2025 સુધીમાં અડધોઅડધ કામ મશીનો કરતાં થઈ જશે. તેના પરિણામે અસમાનતા વકરવાની સંભાવના છે.

વૈશ્વિક આર્થિક બાબતો અંગે વિચારણા કરનાર મંડળે જણાવ્યું છે કે "રોબોટ ક્રાંતિ" વિશ્વભરમાં 9.7 કરોડ રોજગારનું સર્જન કરવાની સાથે કેટલાક વર્ગના કર્મચારીઓ માટે જોખમ પણ સર્જશે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના જણાવ્યા અનુસાર, ઍડમિનિસ્ટ્રેશન અને ડેટા પ્રોસેસિંગમાં રૂટિન અથવા મેન્યુઅલ કામો સંબંધે આ ઑટોમેશન કર્મચારીઓ માટે સૌથી વધુ ખતરારૂપ બનશે.

જોકે, કેર, બિગ ડેટા અને ગ્રીન ઇકૉનૉમી (પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર) ક્ષેત્રે નવા રોજગારનું સર્જન થશે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના આ અભ્યાસમાં વિશ્વની સૌથી મોટી પૈકી 300 કંપનીઓને આવરી લેવામાં આવી હતી. આ કંપનીઓમાં કુલ 80 લાખ લોકો કામ કરે છે.

આ સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓ પૈકીના 50 ટકાથી વધુએ જણાવ્યું હતું કે તેમની કંપનીમાં કેટલાંક કામો ઝડપથી થાય એ માટે ઑટોમેશન અપેક્ષિત છે, જ્યારે 43 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે ટેકનૉલૉજીને કારણે રોજગારમાં ઘટાડો થવાની શક્યતા છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના જણાવ્યા મુજબ, રોગચાળાને કારણે નવી ટેકનૉલૉજી અપનાવવાના અભિગમને વેગ મળ્યો છે, કારણ કે કંપનીઓ ખર્ચ ઘટાડવા અને કામની નવી રીતો અપનાવવા ઉત્સુક છે.

જોકે, "ઑટોમેશનની વધતી ગતિ અને કોવિડ-19 સંબંધી મંદીના પરિણામે" કર્મચારીઓ બેવડા જોખમનો સામનો કરી રહ્યા હોવાની ચેતવણી પણ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે આપી હતી.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમનાં મૅનેજિંગ ડિરેક્ટર સાદિયા ઝાહિદીએ કહ્યું હતું કે "(આ બાબતેને લીધે) સમગ્ર લેબર માર્કેટમાંની વર્તમાન અસમાનતા વધુ ઘેરી બની છે અને 2007-08ની વૈશ્વિક આર્થિક કટોકટી બાદ રોજગાર ક્ષેત્રે મળેલા લાભ ધોવાઈ ગયા છે."

તેમણે ઉમેર્યું હતું કે "બેવડા ફટકાની આ પરિસ્થિતિમાં કામદાર વર્ગ માટે વધુ એક અવરોધ સર્જાયો છે. આ પરિવર્તનના સુચારુ વ્યવસ્થાપનની તકની બારી ઝડપથી બંધ થઈ રહી છે."

'માગમાં ઉછાળો'

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે જણાવ્યું હતું કે હાલ કુલ પૈકીનાં એક-તૃતિયાંશ કામ મશીનો કરી રહ્યાં છે અને બાકીના કામ માણસો કરે છે, પણ 2025 સુધીમાં મોટાભાગનાં કામ મશીનો કરતાં થઈ જશે.

સલાહકાર, નિર્ણય લેવાની પ્રક્રિયા, તાર્કિક વિચારણા, સંપ્રેષણ તથા સંવાદ જેવાં માનવ કૌશલ્ય પર આધારિત કામોની માગમાં વધારો થશે. ગ્રીન ઇકૉનૉમીમાં સર્જાનારા રોજગાર માટે અને એન્જિનિયરિંગ તથા ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવાં ક્ષેત્રોમાં નવી ભૂમિકાઓ માટે કામદારોની માગમાં "ઉછાળો" જોવા મળશે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે એમ પણ જણાવ્યું હતું કે લાખો રૂટિન તથા મેન્યુઅલ કામોને ટેકનૉલૉજી સંભાળી લેશે. તેની સૌથી માઠી અસર ઓછો પગાર મેળવતા તથા ઓછા કૌશલ્યવાન કર્મચારીઓને થશે.

આ પરિવર્તનનો સામનો કરવા માટે લાખો લોકોને ફરી તાલીમ આપવી પડશે, જ્યારે ટેકનૉલૉજીને કારણે બેકાર થનારા કર્મચારીઓ માટે સરકારોએ "સલામતીની સજ્જડ વ્યવસ્થા કરવી પડશે," એમ પણ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે જણાવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો