અમેરિકાની ચૂંટણી: FBIએ કહ્યું, ઈરાન અને રશિયા પાસે યુએસના મતદારોની માહિતી

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે ઈરાન અને રશિયા પાસે અમેરિકન મતદારોની વિગતો હોવાની અને ડેમૉક્રેટિક મતદારોને ધમકીભર્યા ઇમેલ કરવામાં આવ્યા હોવાની વાત એફબીઆઈએ કરી છે.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એફબીઆઈના અધિકારીઓ અનુસાર ઈરાન ડેમૉક્રેટિક મતદારોને ધમકીભર્યા ઇમેલ મોકલવા માટે જવાબદાર છે.

નેશનલ ઇન્ટલિજન્સ ડાયરેક્ટર જ્હોન રેટક્લિફે કહ્યુ કે આ ઇમેલ કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતા ટ્રમ્પ સમર્થકો તરફથી આવ્યા હોય એવું દર્શાવવાની કોશિશ કરાઈ છે. તેનો હેતુ અશાંતિ ફેલાવવા માટેનો હોય એવું લાગી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાના અધિકારીઓને એવી પણ માહિતી મળી છે કે ઈરાન અને રશિયાએ કેટલાક મતદારોની નોંધણીની માહિતી પણ પ્રાપ્ત કરી લીધી હતી.

અત્રે નોંધવું ઘટે કે આ સમાચાર અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના માત્ર 13 દિવસ પહેલા આવ્યા છે.

મતદાનના દિવસોની નજીકના સમયમાં આ પ્રકારની ઇન્ટલિજન્સ વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત એ દર્શાવે છે કે અમેરિકી ચૂંટણીમાં વિદેશી તાકતોના હસ્તક્ષેપ અને દુષ્પ્રચાર મામલે સરકાર ચિંતિત અને ગંભીર છે.

અધિકારી રેટક્લિફે વધુમાં ઉમેર્યું કે આ 'સ્પૂફ ઇમેલ' ઈરાનથી પ્રાઉડ બૉય્ઝ નામથી મોકલાયા છે અને તે મતદારોને ધમકાવવા તથા અશાંતિનો માહોલ ઊભો કરી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નુકસાન કરવાના હેતુથી મોકલવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે ઇમેલ મારફતે મતદારો સાથે ખોટી માહિતી વહેંચી તેમનામાં દુવિધા પેદા કરવાની કોશિશ થઈ છે જેથી અમેરિકાની લોકશાહીમાં તેમનો વિશ્વાસ ઓછો થાય.

જોકે, તેમનુ કહેવું છે કે એજન્સીના અધિકારીઓને રશિયા વિશે આવી માહિતી નથી મળી. પણ રશિયા પાસે મતદારોની કેટલીક માહિતી છે એવું તેમનું કહેવું છે.

આ વિશે તેમણે પત્રકારપરિષદ યોજી હતી. જેમાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ ઘટના છતાં અમેરિકાની ચૂંટણી સુરક્ષિત છે અને તેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં થઈ શકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો