You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 RCB vs KKR : મોહમ્મદ સિરાઝે આઈપીએલમાં ઇતિહાસ સર્જયો
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ટી20 ક્રિકેટ એટલે બેટ્સમૅનની ગેમ અને તેમાંય આઈપીએલની વાત આવે એટલે તો સિક્સરની આતશબાજી જ હોય તેવી માન્યતા વચ્ચે મોહમ્મદ સિરાઝે પુરવાર કરી દીધું કે બૉલર માટે પણ આ ફોર્મેટમાં તક રહેલી છે અને તેના માટે મહેનત જરૂરી છે.
જ્યાં એક ઓવરમાં સાત કે આઠની સરેરાશથી બેટિંગ કરનારી ટીમને સામાન્ય માનવામાં આવે છે તેવામાં સિરાઝે તેમની ચાર ઓવરમાં માંડ આઠ રન આપ્યા, તેમણે બે ઓવર મેડન ફેંકી અને બેંગલોરની ટીમે તેની 20માંથી ચાર ઓવર મેડન ફેંકી. આથી વધારે બૉલર્સનું વર્ચસ્વ હોઈ શકે નહીં.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એમ કહેવાય છે કે અહીં બધું જ શક્ય છે. અહીં એક દિવસમાં ટીમ કે ખેલાડી હીરોમાંથી ઝીરો બની શકે છે, તો છેલ્લી ચાર કે પાંચ ઓવરમાં 80-90 રન થઈ શકે છે જેની કોઈ કલ્પના હોતી નથી. આવી જ રીતે અહીં બૉલર પણ જોર અજમાવી દેતા હોય છે. એવું જ બુધવારે બન્યું હતું.
ઑલઆઉટ ન થયું હોવા છતાં કોલકાતા નાઇટ રાઇડર્સ તેની 20 ઓવરમાં માંડ 84 રન કરી શક્યું હતું. આઈપીએલના ઇતિહાસમાં કોઈ ટીમ ઑલઆઉટ થયા વિના 20 ઓવર રમી હોય તેમાં આ સૌથી ઓછો સ્કોર હતો.
છેલ્લી ઘડીએ નિર્ણય ફેરવ્યો અને મૅચ બદલાઈ ગઈ
કૅપ્ટન કોહલીનો બૉલિંગ પ્લાન અલગ હતો પણ મેદાન પર એમણે સિરાઝને બૉલિંગ આપી દીધી અને પછી ઇતિહાસ સર્જાયો.
મૅચ પછી ખુદ કોહલીએ એમ કહ્યું કે, પ્લાન અલગ હતો. હું વૉશિંગ્ટન સુંદરને ઓવર આપવાનું વિચારીને આવ્યો હતો અને છેલ્લી ઘડીએ મે સિરાઝને પહેલાં બૉલિંગ આપી.
મોહમ્મદ સિરાઝ અને યુઝવેન્દ્ર ચહલની અત્યંત વેધક બૉલિંગ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમૅનોનું પતન થતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઠ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો.
મોહમ્મદ સિરાઝે આઠ રન આપીને ત્રણ વિકેટ લીઘી હતી. તેમણે આ ઇનિંગ્સમાં બે મેડન ઓવર ફેંકી હતી. આઈપીએલના ઇતિહાસમાં કોઈ ખેલાડીએ એક જ ઇનિંગ્સમાં બે મેડન ઓવર ફેંકી હોય એવું પહેલી વાર બન્યું. આ ઉપરાંત બેંગલોર તરફથી કુલ ચાર ઓવર મેડન ફેંકાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ, કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવર તો રમી હતી પરંતુ તેઓ આઠ વિકેટ ગુમાવીને માત્ર 84 રન કરી શક્યા હતા. બેંગલોરની ટીમ એક સમયે તો વિના વિકેટે ટાર્ગેટ વટાવી દેશે તેમ લાગતું હતું પરંતુ અંતે તેઓએ 13.3 ઓવરમાં બે વિકેટે 85 રન કરી દીધા હતા.
કોલકાતાનો પ્રારંભ જ અત્યંત કંગાળ રહ્યો હતો. એમ લાગતું હતું કે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમની વિકેટ જ સાવ ખામી ભરેલી હશે અને તેની ઉપર રન કરવા મુશ્કેલ હશે પરંતુ સાથે સાથે બેટ્સમૅનોએ પણ એવી જ ભૂલો કરી હતી.
ઓપનર રાહુલ ત્રિપાઠી એક બહારના બોલને રમવા જતા વિકેટ પાછળ ઝડપાઈ ગયા હતો તો ઇંગ્લેન્ડના યુવાન બેટ્સમૅન ટોમ બેન્ટન પણ આવી જ રીતે આઉટ થયા હતા.
મોહમ્મદ સિરાઝના એક અત્યંત સુંદર ઇન સ્વિંગરમાં નીતિશ રાણા બોલ્ડ થયા હતા.
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ એવી જ વેધક બોલિંગ કરી હતી. તેમણે ભૂતપૂર્વ સુકાની દિનેશ કાર્તિકને લેગબિફોર આઉટ કર્યા હતા. ગિલ,બેન્ટન, નીતિશ રાણા અને દિનેશ કાર્તિક તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.
એકમાત્ર કૅપ્ટન ઓઇન મોર્ગને થોડી લડત આપી હતી અને તેમની બેટિંગને કારણે જ કોલકાતાની ટીમ કમસે કમ 60 રનનો આંક વટાવી શકી હતી. 84 રનના સ્કોરમાં મોર્ગનનો ફાળો 30 રનનો હતો જે માટે તેઓ 34 બૉલ રમ્યા હતા અને એક સિકસર ફટકારી હતી.
ચહલની ઘાતક બૉલિંગ
જોકે કોલકાતાને છેક 20મી ઓવર સુધી પહોંચાડવામાં લોકી ફર્ગ્યુસને 16 બૉલમાં અણનમ 19 રનનું યોગદાન આપ્યું હતું.
ચહલે 15 રનમાં બે વિકેટ લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ઓપનર દેવદત્ત પડ્ડિકલ અને એરોન ફિંચે જ સાતમી ઓવર સુધીમાં 46 રન ઉમેરી દીધા હતા.
પડ્ડિકલે 17 બોલમાં 25 રન કર્યા હતા. ગુરકિરત સિંઘ માન 21 અને વિરાટ કોહલી 18 રન સાથે અણનમ રહ્યા હતા.
આ વિજય સાથે બેંગલોરના 14 પૉઇન્ટ થયા છે અને તે દિલ્હી કેપિટલ્સની હરોળમાં આવી ગયું છે.
પૉઇન્ટ ટેબલમાં તે 14 પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે કેમ કે દિલ્હીનો નેટ રનરેટ હજી પણ બહેતર છે. કોલકાતા હજી પણ ચોથા ક્રમે છે પંરતુ જે રીતે પંજાબની ટીમ આજકાલ રમી રહી છે તે જોતા આગળની મૅચોમાં ખૂબ રસાકસી થવાની છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો