ગુજરાતમાં વાલીઓ બાળકોને શાળામાંથી એક વર્ષનો ડ્રૉપ અપાવવાનું કેમ વિચારી રહ્યા છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

રાજકોટના 32 વર્ષીય સાહિલ પટેલ પોતાનાં બાળકોને અભ્યાસમાંથી ડ્રૉપ લેવડાવવા અંગે વિચારી રહ્યા છે. તેની પાછળ કોઈ આર્થિક કારણ નહીં પરંતુ પરંપરાગત ભણતરના વિકલ્પરૂપે શરૂ કરાયેલી 'ઓનલાઇન ક્લાસિસ'ની વ્યવસ્થા જવાબદાર છે.

તેઓ કહે છે કે, "મારાં બાળકો હજુ નાનાં છે. તેમના વ્યક્તિત્વના ઘડતર માટે પાયારૂપ મનાતા આ દિવસોમાં તેમને ઓનલાઇન ક્લાસિસ જેવી વ્યવસ્થાથી એક વર્ષ ભણવું પડે અને અંત પાયો કાચો રહી જાય મારા મનમાં સતત એ વાતનો ભય છે."

ઓનલાઇન ક્લાસિસને કારણે સર્જાયેલી સમસ્યા વિશે વાત કરતાં તેઓ કહે છે,"શિક્ષકો અને સંચાલકો તો પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત રીતે ધ્યાન ન આપી શકાતું હોવાને કારણે બાળકને પરંપરાગત શાળામાં મળતા શિક્ષણની સરખામણીએ નબળું શિક્ષણ મળે છે. આ કારણે બાળકોના ભણતરનો પાયો કાચો રહી જવાનો ભય ઊભો થયો છે. જે આગામી સમયમાં તેમની કારકિર્દીના ઘડતર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે."

"આ બધાં પાસાંને ધ્યાનમાં લેતા હું મારાં બાળકોને એક વર્ષ અભ્યાસમાંથી ડ્રૉપ લેવડાવાની દિશામાં વિચારી રહ્યો છું."

'પાયો કાચો રહી જવાનો ભય'

સાહિલ પટેલની જેમ જ ભૂમિબહેન ઠુમ્મર પણ પોતાના બાળકને ઓનલાઇન શિક્ષણ આપવાના સ્થાને એક વર્ષનો ડ્રૉપ લેવડાવવાનો મત ધરાવે છે. ભૂમિબહેન એક શિક્ષિકા પણ છે.

તેઓ જણાવે છે કે, "હું પણ જાતે ઓનલાઇન ભણાવી રહી છું, તેથી મને ખ્યાલ છે કે શાળામાં ભણતરની સરખામણીએ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા ખૂબ ઓછી કારગત છે."

"આ વ્યવસ્થાને કારણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ મર્યાદિત બની ગયો છે. બાળકોને પરંપરાગત શાળા જેવું ભણતર તો ઓનલાઇન માધ્યમ થકી નથી જ પૂરું પાડી શકાતું."

"જે કારણે ખાસ કરીને નાનાં બાળકોના અભ્યાસનો પાયો કાચો રહી જવાનો ભય છે. જેથી તેઓ આગળના ધોરણમાં અભ્યાસ માટે સંપૂર્ણપણે તૈયાર નહીં થઈ શકે. આ કારણે માતાપિતા અને શિક્ષકોને આવાં બાળકોને ભણાવવામાં ઘણી તકલીફો વેઠવી પડી શકે છે."

ઓનલાઇન અભ્યાસમાં ચંચળ બાળકોનું મન ન પરોવી શકતાં હોવાની વાત કરતાં તેઓ કહે છે, "ખાસ કરીને નાનાં બાળકો સ્વભાવે ચંચળ હોય છે. તેઓ ઓનલાઇન વર્ગોમાં શાળામાં ભણે એવી ગંભીરતાથી ભણી શકતા નથી અને બીજી તરફ ઑનલાઇન ભણાવી રહેલા શિક્ષકની પણ શિસ્ત જાળવવા માટે અમુક મર્યાદા હોય છે. આમ, સરવાળે બાળકના અભ્યાસનું જ નુકસાન થાય છે."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "તેમજ હવે બાળકોને પણ ખ્યાલ આવી ગયો છે કે હાલ શાળાએ જવાનું નથી. તેથી અભ્યાસ અને ઘરકામને લઈને તેઓ એટલાં ગંભીર હોતાં નથી જેટલાં શાળા ચાલુ હોય ત્યારે હોય છે. આ કારણે પણ સમસ્યા સર્જાઈ રહી છે."

અવઢવમાં વાલીઓ

સાહિલ પટેલ બાળકોના અભ્યાસ પરત્વે ચાલી રહેલી અવઢવ વિશે વાત કરતાં કહે છે, "અત્યારે એક વાલી તરીકે હું ખૂબ મૂંઝવણ અનુભવી રહ્યો છું. એક બાજુ બાળકોના અભ્યાસનો પાયો કાચો ન રહે તે હેતુથી અભ્યાસમાંથી એક વર્ષનો ડ્રૉપ અપાવડાવવા અંગે વિચારી રહ્યો છું તો બીજી તરફ મારું બાળક અન્ય બાળકોની સરખામણીએ પાછળ રહી જશે એવો પણ ભય મનમાં ક્યાંક ને ક્યાંક છે."

વાલીઓનાં મનમાં હાલની પરિસ્થિતિને કારણે ઊઠી રહેલા પ્રશ્નો અંગે વાત કરતાં ભૂમિબહેન ઠુમ્મર જણાવે છે કે, "હાલ ઓનલાઇન અભ્યાસની મર્યાદાઓ જોઈને એક વાર એવું મન થાય છે કે બાળકને અભ્યાસમાંથી એક વર્ષનો ડ્રૉપ અપાવી દઈએ. બીજો વિચાર એવો આવે છે દિવાળી બાદ સ્કૂલો શરૂ થાય ત્યારે પોતાનાં બાળકને પરંપરાગતરીતે શિક્ષણ મળે. પરંતુ બીજી તરફ દિવાળી પછી જો કોરોનાની સ્થિતિ થાળે નહીં પડે તો પરંપરાગત રીતે શાળાઓ શરૂ થાય તો પણ નાનાં બાળકોને શાળાએ મોકલવા કે કેમ તે અંગે મનમાં શંકા યથાવત્ છે."

"આમ એક વાલી તરીકે મનમાં ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું કરવું અને શું ન કરવું એ હાલના તબક્કે સમજાઈ નથી રહ્યું. પરંતુ એટલું તો પાકું છે કે જો દિવાળી પછી પણ બાળકોને ઓનલાઇન જ ભણાવવાનું ચાલુ રહ્યું તો મારા બાળકને એક વર્ષનો ડ્રૉપ અપાવવાની દિશામાં હું ગંભીરતાપૂર્વક વિચારીશ."

પાંચથી સાત ટકા બાળકોના વાલીઓ ઇચ્છે અભ્યાસમાં ડ્રૉપ

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મૅનેજમેન્ટ ઍસોસિયેશનના પ્રમુખ ભરત ગાજીપરા જણાવે છે કે હાલ તેમના અનુમાન પ્રમાણે ખાનગી શાળાઓમાં ભણતાં બાળકો પૈકી પાંચથી સાત ટકા બાળકોના વાલીઓ તેમનાં બાળકોને અભ્યાસમાંથી ડ્રૉપ અપાવવા અંગે વિચારી રહ્યા છે.

તેઓ વાલીઓમાં દેખાઈ રહેલા આ વલણ અંગે વાત કરતાં કહે છે કે, "ઘણા વાલીઓ એવા છે જેમનાં બાળકોને કે તેમને પોતાને ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા સાથે વધારે ફાવટ આવી નથી. આવા વાલીઓ જો રાબેતામુજબ શાળાઓ શરૂ ન થાય તો પોતાનાં બાળકોને એક વર્ષનો ડ્રૉપ અપાવડાવવો એ દિશામાં વિચારી રહ્યા છે. જોકે, આ વલણ સિનિયર-જુનિયર કે. જી. અને પહેલા ધોરણથી લઈને સાતમા ધોરણ સુધીમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં વધુ જોવા મળ્યું છે."

તેઓ વાલીઓની મુસીબત વિશે વાત કરતાં કહે છે કે, "કેટલાક વાલીઓ એવા છે જેઓ પોતે વધારે ટેકનૉલૉજી-સૅવી નથી. તેથી તેમને અને તેમનાં બાળકોને ઓનલાઇન શિક્ષણની આ વ્યવસ્થા પરંપરાગત શાળાના વિકલ્પ તરીકે નબળી લાગે છે."

"આ સિવાય કેટલાક વાલીઓ આર્થિક રીતે સંકડામણ અનુભવી રહ્યા છે, તેમની પાસે શાળાને ચૂકવવા માટે ફી કે નવો મોબાઇલ કે ટૅબ્લેટ ખરીદવા માટે પૂરતાં નાણાકીય સંસાધનોની તંગી છે. આ કારણે પણ ઘણા વાલીઓ પોતાનાં નાનાં બાળકોને આ વર્ષે અભ્યાસમાંથી ડ્રૉપ અપાવવાની દિશામાં વિચારી રહ્યા છે."

વાલીઓનું કાઉન્સેલિંગ જરૂરી

ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાને કારણે પોતાનાં બાળકોને અભ્યાસમાંથી ડ્રૉપ અપાવવા અંગે વિચારી રહેલા વાલીઓ માટે શાળાકક્ષાએ કાઉન્સેલિંગની તાતી જરૂરિયાત હોવાનું ભરત ગાજીપરા કહે છે.

તેઓ કહે છે કે, "અમે અમારી પાસે ફીને લગતી સમસ્યાને કારણે બાળકને અભ્યાસમાં ડ્રૉપ અપાવવાનો વિચાર લઈને આવી રહેલા વાલીઓને સમજાવીએ છીએ અને તેમને બનતી મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ."

"આવા વાલીઓને અમે પરિસ્થિતિથી વાકેફ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આ સિવાય હાલ અન્ય કોઈ વિકલ્પ ન હોવાની વાત જણાવીએ છીએ. તેમજ નવી તકનીકથી થોડા સમયમાં તેઓ અને તેમનાં બાળકો ટેવાઈ જશે તેવું આશ્વાસન આપીએ છીએ."

તેઓ આ વિશે આગળ વાત કરતાં કહે છે કે, "જે વાલીઓને ઓનલાઇન અભ્યાસના કારણે પોતાનાં બાળકોના અભ્યાસનો પાયો કાચો રહી જવાનો ભય છે અમે તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ."

જૂન-જુલાઈની સરખામણીએ પરિસ્થિતિ સુધરી

રાજકોટની સર્વોદય સ્કૂલના ઍકેડેમિક હેડ કમલેશ ત્રિવેદી જણાવે છે, "લૉકડાઉનના શરૂઆતના તબક્કામાં ઓનલાઇન ભણતર અંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનાં મનમાં જે મૂંઝવણો હતી તેનું મોટા ભાગે નિરાકરણ થઈ ગયું છે."

"શરૂઆતમાં જે વાલીઓ ઓનલાઇન શિક્ષણમાં પોતાને કે બાળકોને ન ફાવતું હોવાની વાત કરી રહ્યા હતા તેઓ પણ હવે આ વ્યવસ્થાથી ટેવાઈ ગયા છે. શરૂઆતની સરખામણીએ ઓનલાઇન પ્લૅટફૉર્મોની સુવિધા પણ ઘણી સુધરી છે."

"હવે વિદ્યાર્થીઓની પરીક્ષા અને તેમની વૃદ્ધિના આકલન અંગેની સુવિધાઓ પણ સુધરી છે. તેથી હવે મોટા ભાગના વાલીઓએ પોતાનાં બાળકોને અભ્યાસમાંથી ડ્રૉપ અપાવવાનો વિચાર માંડી વાળ્યો છે."

"ઉપરથી કેટલાક વાલીઓ તો શાળા શરૂ થાય તો પણ આ વર્ષ ઓનલાઇન માધ્યમથી પોતાના બાળકને ભણાવવાનો આગ્રહ રાખવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે ઑનલાઇન શિક્ષણનાં મોટા ભાગની અડચણો દૂર કરી દેવાઈ છે અને વ્યવસ્થા લાંબા ગાળા સુધી ટકી રહે તે રીતે ગોઠવાઈ ચૂકી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો