IPL 2020: દિલ્હી કૅપિટલ્સ કયા પ્રયાસોથી મોખરે પહોંચી ગઈ?

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણું બધું જોવા મળતું હોય છે. એક તરફ એકાદ બૅટ્સમૅન અત્યંત ઝંઝાવાતી બૅટિંગ કરીને એકલા હાથે ટીમને સફળતા અપાવી જાય તો બુમરાહ જેવા કોઈ બૉલર એકલા હાથે હરીફ ટીમની કમર તોડી નાખતા હોય છે.

આવામાં કોઈ ટીમ સહિયારા પ્રયાસથી જીતે ત્યારે પણ જોવું રસપ્રદ બનતું હોય છે.

શુક્રવારે પણ આમ જ બન્યું. દિલ્હી કૅપિટલ્સે 184 રનનો માતબર સ્કોર કર્યો પણ કોઈ એમ કહી શકે નહીં કે એકાદ ખેલાડીને કારણે આ શક્ય બન્યું કેમ કે એક પણ બૅટ્સમૅનની અડધી સદી વિના જ દિલ્હીએ આ પડકારજનક સ્કોર ખડકી દીધો હતો.

IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 23મી મૅચ શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં સિક્સરના વરસાદની અપેક્ષા રખાય છે.

શિમરોન હેતમાયર અને માર્કસ સ્ટોઇનિસે આ અપેક્ષા મુજબની બૅટિંગ પણ કરી હતી.

દિલ્હીએ 20 ઓવરમાં 184 રનનો સ્કોર નોંધાવ્યો અને ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સને 138 રનમાં આઉટ કરી દીધી.

આમ દિલ્હી કૅપિટલ્સનો 46 રનથી વિજય થયો.

વર્તમાન ટુર્નામેન્ટમાં દિલ્હીનો આ પાંચમો વિજય હતો.

આ સાથે દસ પૉઇન્ટ સાથે તે પૉઇન્ટ ટેબલમાં મોખરે પહોંચી ગયું છે તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો આ સળંગ ચોથો પરાજય હતો અને તે હાલમાં સાતમા ક્રમે છે

કોઈ પણ બૅટ્સમૅનની અડધી સદી વિના જંગી સ્કોર

દિલ્હી માટે એક પણ બૅટ્સમેન અડધી સદી ફટકારી શક્યા ન હતા તેમ છતાં ટીમે 184 રન ખડકી દીધા હતા.

વર્તમાન સિઝનમાં એક પણ અડધી સદી વિના કોઈ પણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે.

અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે 30મી સપ્ટેમ્બરે દુબઈ ખાતે 174 રનનો સ્કોર નોંધાવ્યો ત્યારે પણ કોઈ બૅટ્સમૅન અડધી સદી કરી શક્યા ન હતા.

IPLના ઇતિહાસમાં અગાઉ આવી બે મૅચ રમાઈ હતી જેમાં ટીમે તેના એક પણ બૅટ્સમૅનની અડધી સદી વિના 200 રન કરતાં વધુ સ્કોર નોંધાવ્યો હોય.

દિલ્હીના બૅટ્સમૅનોનું સારું પ્રદર્શન

શિમરોન હેતમાયરે 24 બૉલમાં 45 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

શારજાહના ફેવરિટ મેદાન પર તેઓ ચોગ્ગાને બદલે સિક્સર પણ ફોકસ કરતા હતા કેમ કે તેણે પાંચ સિક્સર ફટકારી હતી.

માર્કસ સ્ટોઇનિસે તેમની 39 રનની ઇનિંગ્સમાં ચાર સિક્સર ફટકારી હતી પરંતુ એકેય ચોગ્ગો ફટકાર્યો નહોતો.

પૃથ્વી શો અને શિખર ધવને ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો પરંતુ ધવન આજે તેના અસલી રંગમાં દેખાતા ન હતા. તેમણે માત્ર પાંચ રન કર્યા હતા તો પૃથ્વીએ 19 અને કૅપ્ટન શ્રેયસ ઐય્યરે 22 રન ફટકાર્યા હતા.

રિષભ પંત પણ વર્તમાન ટુર્નામેન્ટમાં એકેય વાર એવી બૅટિંગ કરી શકયા નથી જેના માટે તેઓ પંકાયેલા છે

દિલ્હીનો આ ડાબોડી બૅટ્સમૅન નવ બૉલ રમ્યા બાદ માત્ર પાંચ જ રન કરી શક્યા હતા જે તેની પ્રતિષ્ઠા સાથે મેળ ખાતા નથી.

ગુજરાતના બે પટેલોનો દિલ્હીના સ્કોરમાં નોંધપાત્ર ફાળો

દિલ્હીનો સ્કોર 184 સુધી પહોંચાડવામાં ગુજરાતના બે પટેલોએ કમાલ કરી હતી.

મૂળ આણંદના પરંતુ હરિયાણા માટે રમતા હર્ષલ પટેલે 15 બૉલમાં 16 અને નડિયાદના અક્ષર પટેલે આઠ બૉલમાં 17 રન ફટકાર્યા હતા.

અક્ષર પટેલે એક સિક્સર પણ ફટકારી હતી.

રાજસ્થાન માટે જૉફરા આર્ચર ફરી એક વાર સફળ બૉલર રહ્યા હતા. જેણે ચાર ઓવરમાં 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

આ ઉપરાંત યુવાન કાર્તિક ત્યાગી, ઍન્ડ્ર્યુ ટાઈ અને રાહુલ તિવેટીયાએ એક એક વિકેટ લીધી હતી.

રાજસ્થાનના બૅટ્સમૅનોની શરણાગતિ

185 રનનો સ્કોર રાજસ્થાન રોયલ્સ માટે પ્રારંભથી જ અશક્ય લાગતો હતો. શારજાહનું મેદાન હોવાથી તેના બૅટ્સમૅનો પાસેથી અપેક્ષા રખાતી હતી.

સ્ટિવ સ્મિથ, સંજુ સેમસન, જૉઝ બટલર, રાહુલ તિવેટીયા, ઍન્ડ્ર્યુ ટાઈ અને જૉફરા આર્ચર જેવા આક્રમક શૈલી ધરાવતા બૅટ્સમૅન ધરાવતી ટીમ સાવ આસાનીથી હથિયાર પડતાં મૂકી દેશે તેવી કલ્પના ન હતી પરંતુ બટલર 13, સંજુ સેમસન પાંચ અને મહિપાલ લોમરોર માત્ર એક રન કરી શક્યા હતા.

સ્ટિવ સ્મિથે 17 બોલમાં 24 રન ફટકાર્યા હતા પરંતુ તેની પાસેથી આથી મોટા સ્કોરની અપેક્ષા રખાતી હતી.

ડાબોડી બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે 34 રન ફટકાર્યા હતા. આ યુવાન બૅટ્સમૅને બે સિક્સર ફટકારી હતી પરંતુ તેઓ 36 બૉલ રમ્યા હતા.

ઇનિંગ્સના અંત ભાગમાં રાહુલ તિવેટીયાએ કેટલાક આક્રમક શોટ રમ્યા હતા પરંતુ ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે તેમનો પ્રયાસ પર્યાપ્ત ન હતો.

તેમણે 29 બૉલમાં 38 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

IPLની 13મી સિઝનમાં રાજસ્થાનની ટીમ હવે 11મીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે જયારે દિલ્હી કૅપિટલ્સની ટીમ એ જ દિવસે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો