You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CSKvKKR : વોટ્સનની અડધી સદી કામ ન લાગી, ચેન્નાઈએ દસ રને મૅચ ગુમાવી
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બુધવારના ચેન્નાઈ સુપર કિંગ્સ સામેના વિજય સાથે કોલકાતા નાઇટ રાઇડર્સના છ પૉઇન્ટ થયા છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો અંતે દસ રનથી વિજય થયો હતો.
પરિણામ સૂચવે છે તેવી રોમાંચક મૅચ નહોતી રહી, મૅચના અંત ભાગમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જાણે મૅચ જીતવાનો પ્રયાસ જ પડતો મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પ્રથમ બેટિંગ કરીને કોલકાતાએ 20મી ઓવરના છેલ્લા બૉલે ઑલઆઉટ થતાં 167 રન નોંધાવ્યા હતા, મૅચ જીતવા માટે આ સ્કોર પર્યાપ્ત કહી શકાય નહીં.
જોકે ચેન્નાઈએ આ નાના સ્કોરને પણ પહાડ જેવો પુરવાર કરી આપ્યો, ધોનીની ટીમ 20 ઓવરને અંતે પાંચ વિકેટે 157 રન કરી શકી હતી.
પ્રથમ મૅચ હાર્યા બાદ કોલકાતાની ટીમે સળંગ બે મૅચ જીતી હતી તો વળી એક મૅચ ગુમાવી હતી અને હવે વિજય થયો છે. આમ વર્તમાન ટુર્નામેન્ટમાં કોલકાતાની હારજીતની સંતાકૂકડી જારી છે.
કર્ણ શર્મા, ડ્વેઇન બ્રાવો અને સેમ કરને વેધક બૉલિંગથી ટીમને મૅચમાં પરત લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.
એ બાદ શેન વૉટ્સને બેટિંગમાં કમાલ દાખવીને ટીમને વિજયના માર્ગે લાવી દીધી હતી પરંતુ બાકીના બૅટસમૅનોની કંગાળ રમતને કારણે 20 ઓવરને અંતે ચેન્નાઈ સુપર કિંગ્સ પરાસ્ત થઈ હતી.
મિડલ ઑર્ડરના બૅટ્સમૅનોએ શેન વૉટ્સનના પ્રયાસ પર પાણી ફેરવી દીધું હતું. શેન વૉટ્સને 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સે ધીરજ દાખવી અને એકલા રાહુલ ત્રિપાઠીની અડધી સદી અને બૉલર્સની સહિયારા પ્રયાસથી મૅચ જીતી લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સમાં સાતત્યનો અભાવ
શેન વૉટ્સને હજી બે દિવસ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મૅચમાં ફાફ ડુ પ્લેસિસ સાથે મળીને જંગી ભાગીદારી નોંધાવી હતી અને ચેન્નાઈને દસ વિકેટે વિજય અપાવ્યો હતો.
આમ એક મૅચમાં દસ વિકેટે વિજય અને બીજી મૅચમાં દસ રનથી પરાજય એ દર્શાવે છે કે પૂર્વ ચૅમ્પિયન ટીમમાં સાતત્યનો અભાવ છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે પાંચ વર્ષના લાંબા ગાળા બાદ પહેલી વાર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રાહુલ ત્રિપાઠીની આસપાસ જ કોલકાતાની બેટિંગ રહી હતી. નાઇટ રાઇડર્સની ઇનિંગ્સનું આકર્ષણ ત્રિપાઠી રહ્યા હતા.
રાહુલ ત્રિપાઠીની બેટિંગનો પ્રભાવ એટલે સુધી રહ્યો હતો કે ટીમના 140 રનમાંથી 81 રન તો એમના જ હતા. તેમણે 51 બૉલની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને આઠ બાઉન્ડરી ફટકારી હતી. 17મી ઓવરમાં રાહુલ આઉટ થયા હતા.
જોકે કમનસીબી એ રહી કે કોલકાતા માટે બાકીનો કોઈ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.
ધોનીની ચપળતા
શુભમન ગિલ આ મૅચમાં માત્ર 11 રન કરી શક્યા હતા. નીતિશ રાણા નવ, સુનીલ નારાયણ 17, મોર્ગન સાત, આક્રમક બૅટસમૅન આન્દ્રે રસેલ માત્ર બે અને કૅપ્ટન દિનેશ કાર્તિક 12 રનના સામાન્ય સ્કોરે આઉટ થયા હતા.
આ સંજોગોમાં રાહુલ ત્રિપાઠીની ઇનિંગ્સ વધુ મહત્ત્વની બની ગઈ હતી.
બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની બૉલિંગ પ્રભાવશાળી રહી હતી. તેમની ફિલ્ડિંગ પણ લાજવાબ રહી હતી. કર્ણ શર્માની બૉલિંગમાં રવીન્દ્ર જાડેજાએ બાઉન્ડરી પર કમાલ કરી હતી.
તેમણે ડાઇવ કરીને કૅચ તો ઝડપી લીધો હતો પરંતુ તેઓ લસરીને રોપની નજીક પહોંચી ગયા હતા. તેમણે છેલ્લી ઘડીએ બૉલ ઉછાળી દીધો હતો અને ફાફ ડુ પ્લેસિસે કૅચ ઝડપી લેતાં સુનીલ નારાયણની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
આ જ રીતે છેલ્લી ઓવરમાં શિવમ માવીનો કૅચ ધોનીએ ઝડપ્યો હતો. 39 વર્ષીય ધોનીએ આ કૅચ સાથે ફરીથી પુરવાર કરી દીધું હતું કે તેમનામાં હજી પણ અગાઉ જેવી જ ચપળતા છે.
માવીને આઉટ કરીને કૅરેબિયન બૉલર ડ્વેઇન બ્રાવોએ તેમની IPL કારકિર્દીની 150 વિકેટ પૂરી કરી હતી. બ્રાવોની ત્રણ વિકેટ ઉપરાંત સેમ કરન, કર્ણ શર્મા અને શાર્દૂલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.
IPLમાં ચેન્નાઈની ટીમ હવે દસમીએ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર સામે રમશે જ્યારે એ જ દિવસે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો