You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
MIvRR : એ ગુજરાતી બૉલર જેણે મુંબઈને 'જીતની હૅટ્રિક' અપાવી
મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 193 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ 18.1 ઓવરમાં 136 રન કરી શકી હતી. આમ મુંબઈ ઇન્ડિયન્સનો 57 રનથી વિજય થયો હતો.
વર્તમાન ટુર્નામેન્ટમાં મુંબઈ આઠ પૉઇન્ટ સાથે દિલ્હીની બરાબરી પર આવી ગયું છે, તો રાજસ્થાન માટે આ સળંગ ત્રીજો પરાજય હતો.
આ મૅચ પહેલાં જો મુંબઈ માટે કોઈ નિરાશા હોય તો તે તેમના ઘાતક બૉલર જસપ્રીત બુમરાહ હતા.
ક્રિકેટના કોઈ પણ ફૉર્મેટના સૌથી ખતરનાક બૉલર અને તેમાંય ડેથ ઓવરમાં તો એકદમ અકસીર મનાતા બુમરાહ આ વખતે તેમના ઘાતક મૂડમાં જોવા મળતા ન હતા.
જોકે મંગળવારની મૅચ બાદ આ ફરિયાદ દૂર થઈ ગઈ, તેમણે રાજસ્થાન રોયલ્સ સામે અત્યંત વેધક બૉલિંગ કરી હતી.
કિવિ બૉલર ટ્રેન્ટ બોલ્ટ સાથે મળીને બુમરાહે રાજસ્થાન રૉયલ્સની બેટિંગની કમર તોડી નાખી હતી. મંગળવારે તેમણે ચાર ઓવરમાં 20 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી.
આ સિઝનમાં રમાયેલી 20માંથી પાંચેક મૅચમાં જ એવું બન્યું છે કે કોઈ કૅપ્ટને ટૉસ બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હોય પરંતુ રોહિત શર્મા બે વાર આ જુગાર રમી ગયા અને બંને મૅચમાં તેમને સફળતા મળી હતી.
પ્રથમ બેટિંગ લઈને પણ જીત હાંસલ કરી શકાય એ વાત ગઈકાલની મૅચમાં ફરીથી પુરવાર થઈ. જોકે આ માટે શરત એટલી જ કે તમારી પાસે બૅટ્સમૅને કરેલા રનને ડિફેન્ડ કરવા માટે સારા બૉલર હોવા જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈસીસીના વન-ડે રેન્કિંગમાં મોખરાના બે ક્રમ ધરાવતાં બૉલર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહ્યા છે અને તેમાંય બંને બૉલર ફૉર્મમાં હોય તો શું થાય?
બસ પરિણામ મુંબઈની તરફેણમાં આવે જે મંગળવારે બન્યું હતું.
બુમરાહ અને બોલ્ટનો તરખાટ
194 રનના ટાર્ગેટ સામે રાજસ્થાન રૉયલ્સની ટીમ ઇનિંગ્સનો પ્રારંભ કરે અને તેના ઓપનર ક્રીઝ પર સેટ થાય તે પહેલાં તો બોલ્ટે જયસ્વાલને વિકેટ પાછળ ઝડપાવી દીધા. આ ડાબોડી બૅટ્સમૅન એકેય રન કરી શક્યા નહીં.
રૉયલ્સની બેટિંગનો આધાર કાંગારું બૅટ્સમૅન સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસન પર રહેલો છે.
બીજી ઓવરમાં બુમરાહ ત્રાટક્યા અને તેમણે સ્મિથને વિકેટ પાછળ ઝડપાવી દીધા તો ત્રીજી ઓવરમાં સંજુ સેમસનને આઉટ કરીને બોલ્ટે ત્રીજી સફળતા અપાવી.
ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ સાથે જ રાજસ્થાન રૉયલ્સનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો.
ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જોઝ બટલર આ સિઝનમાં અગાઉની મૅચોમાં સારો દેખાવ કરી શક્યા ન હતા.
તેમણે ચાર મૅચમાં કુલ 47 રન ફટકાર્યા હતા જે તેમની પ્રતિભાને ન્યાય કરતા ન હતા પરંતુ મંગળવારે તેમણે ટીમને શરમજનક પરાજયથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો અને 44 બોલમાં 70 રન ફટકાર્યા હતા.
ટીમની સ્થિતિ નાજુક હતી તેમ છતાં તેમણે પાંચ સિક્સર ફટકારી દીધી હતી. ઑસ્ટ્રેલિયન બૉલર જેમ્સ પેટિન્સનના બૉલ પર વધુ એક સિક્સર ફટકારવાના પ્રયાસમાં તેઓ બાઉન્ડરી પર પૉલાર્ડના હાથે કૅચ-આઉટ થયા હતા.
પૉલાર્ડ અત્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ આઉટ ફિલ્ડ ફિલ્ડર છે. કોઈ બૅટ્સમૅન તેમની નજર ચૂકાવીને તેમના એરિયામાંથી બૉલ બાઉન્ડરી બહાર મોકલે તે લગભગ અશક્ય છે.
બટલર આઉટ થયા બાદ મુંબઈનો માત્ર ઔપચારિક વિજય બાકી હતો.
બુમરાહે અત્યંત કાતિલ બૉલિંગ કરી હતી, એક તબક્કે તો તેમણે આઠ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અંતે તેમણે ચાર ઓવરમાં 20 રન આપીને ચાર વિકેટ ઝડપી. વર્તમાન સિઝનમાં આ તેમની સર્વશ્રેષ્ઠ બૉલિંગ હતી.
મુંબઈ ઇન્ડિયન્સની શાનદાર બેટિંગ
ક્વિન્ટન ડી કૉક અને રોહિત શર્માએ મુંબઈ માટે પાંચ ઓવર પૂરી થાય તે પહેલાં 49 રન ફટકારી દીધા હતા. ડી કૉકે 23 અને રોહિત શર્માએ 23 બૉલમાં ત્રણ સિક્સર સાથે 35 રન ફટકાર્યા હતા.
શ્રેયસ ગોપાલે ઉપરાઉપરી બૉલમાં વિકેટ ખેરવતાં મુંબઈ મુસિબતમાં આવી ગયું હતું પરંતુ સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરીને 47 બોલમાં 79 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર ઉપરાંત 11 બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. ઇનિંગ્સના અંતે હાર્દિક પંડ્યાએ 19 બૉલમાં 30 રન ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવ તેની આક્રમક બેટિંગ માટે જાણીતા છે પરંતુ આ સિઝનમાં બુમરાહની માફક તેઓ પણ ઝળક્યા ન હતા. હવે મુંબઈ માટે સારી નિશાની એ છે કે તેમના આ બંને સ્ટાર ખેલાડી ફૉર્મમાં આવી ગયા છે.
મુંબઈ તેમની આગામી મૅચમાં 11મીએ દિલ્હી કૅપિટલ્સ સામે રમશે, આ મૅચ મહત્ત્વની બની રહેશે કેમ કે બંને ટીમ સારા ફૉર્મમાં છે. જોકે એ અગાઉ દિલ્હીનો મુકાબલો નવમીએ રાજસ્થાન રૉયલ્સ સામે થશે.
સૌથી વધુ ડોટ બૉલ બુમરાહના નામે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં મોટા ભાગે તો બૅટ્સમૅન જ છવાયેલા રહ્યા છે.
એકાદ મૅચને બાદ કરતાં લગભગ તમામ મૅચમાં બૅટ્સમૅનોનું વર્ચસ્વ રહ્યું છે. આ સંજોગોમાં બૉલર્સ પર જવાબદારી વઘી ગઈ છે.
મુંબઈ ઇન્ડિયન્સની મૅચમાં એવું ઘણી વાર જોવા મળ્યું છે કે હરીફ બૅટ્સમૅન પર બૉલર ત્રાટક્યા હોય.
જસપ્રીત બુમરાહ આ વખતે એક અનોખો રેકૉર્ડ નોંધાવવા જઈ રહ્યા છે.
તેમણે વર્તમાન સિઝનમાં સૌથી વધુ ડોટ બૉલ ફેંક્યા છે, એટલે કે બુમરાહના બૉલ પર બૅટ્સમૅન રન લઈ શક્યા ન હોય તેવા બૉલની સંખ્યા વધારે છે. તેમણે કુલ 121 બૉલમાંથી 55 ડોટ બૉલ ફેંક્યા છે.
જોકે એક એવો પણ રેકૉર્ડ છે કે જે બુમરાહ પોતાના નામે ક્યારેય ઇચ્છે નહીં.
તેણે આ સિઝનમાં 11 સિક્સર આપી છે. આ પણ રેકૉર્ડ છે. અન્ય કોઈ બૉલર બુમરાહ જેટલા ડોટ બૉલ ફેંકી શક્યો નથી તો બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેટલી સિક્સર પણ કોઈએ આપી નથી. રવીન્દ્ર જાડેજાએ પણ 11 સિક્સર આપી છે.
સૌથી વધુ સિંગલ્સ યુઝવેન્દ્રસિંહ ચહલે આપ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો